- અમેરિકન ખેડૂતો પાસે સરેરાશ 180 હેક્ટર જમીન જ્યારે ભારતીય ખેડૂત પાસે 1.08 હેક્ટર જમીન હોય છે
- અમેરિકામાં ખેડૂત એક પ્રોફેશનલની જેમ કામ કરે છે અને નફો રળે છે જ્યારે ભારતમા ખેતી જીવનશૈલીનો એક ભાગ છે. આ ઉપરાંત ખેતીની પદ્ધતિ, મશીનો, બિયારણો, સરકારી સમર્થન વગેરેમાં પણ બંને દેશોમાં ખૂબ જ મોટો તફાવત છે : અમેરિકી ખેડૂતો વિશાળ ખેતરોમાં જે ઉપજ લે છે તેનું વેચાણ પણ વૈશ્વિક ધોરણે અને વૈશ્વિક બજાર ભાવે થાય છે. ભારતમાં પણ મોટા પ્રમાણમાં ખેતપેદાશો ઉત્પન્ન થાય છે અને વૈશ્વિક બજારો સુધી પહોંચે છે પણ તેમાંથી જે નફો આવે છે તે વેપારીઓ અને વચેટીયાઓને મળી જાય છે. આ નફો ખેડૂત સુધી તો પહોંચતો જ નથી: અમેરિકામાં ખેડૂતોને સરકાર પોતાના પાર્ટનર સમજીને સાચવે છે. તેમને વળતર આપે છે. જ્યારે ભારતમાં સહાય અને વળતરનો આશય માત્ર દેવામાંથી બહાર લાવવાનો કે ખેડૂત પરિવાર ભુખમરામાં ન સપડાય તેનો છે. દેશની ઈકોનોમીમાં ખેડૂત ખૂબ જ મહત્ત્વનો છે તેવું ક્યારેય માનવામાં આવ્યું જ નથી
અમેરિકા દ્વારા નાટકીય રીતે ભારત ઉપરનો ટેરિફ ઘટાડી દેવાયો છે તથા તેને જે દંડ કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે જે ટેરિફ વસુલવામાં આવ્યો હતો તે પણ પરત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ તો બધી જ જાહેરાતો ગુઢ રાજકીય લાભ ખાટવા માટે કરાઈ હોવાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે પણ ભારત સરકાર તેના વિશે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એકાએક અમેરિકા ભારત ઉપર ઓળઘોળ થઈ ગયું તેનું એક કારણ એવું માનવામાં આવે છે કે, અમેરિકાની ખેતપેદાશોને ભારતમાં પ્રવેશવાનો રસ્તો સાફ કરી દેવાયો છે. ભારત સરકાર દ્વારા મોઘમ રીતે કે પછી બંધ બારણે આ મુદ્દે મંજૂરી આપી દેવાઈ છે અને ભારતના ગરીબ ખેડૂતોને હવે રસ્તે રઝળતા અને પાયમાલ કરવાની યોજના બનાવી હોવાના અહેવાલો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ખેડૂતો અને અમેરિકાના ખેડૂતોમાં ખૂબ જ મોટા તફાવતો છે. દેખીતી રીતે કહીએ તો અમેરિકા અને ભારતના ખેડૂતો વચ્ચે આભ જમીનનું અંતર છે.
અમેરિકન ખેડૂતો પાસે હજારો વીઘાના મોટા મોટા ખેતરો હોય છે, અત્યાધુનિક મશીનો, ખાતરો, સુવિધાઓ હોય છે અને લાખો રૂપિયાની તેમની આવક હોય છે. બીજી તરફ ભારતમાં સરેરાશ ખેડૂત પાસે પરાણે બે-ચાર વીઘા જમીન હોય છે અને તેમાંય ્રેટ્રેક્ટર ભાડે લાવવાની ચિંતા, સિંચાઈની વ્યવસ્થા થશે નહીં તેની ચિંતા, વરસાદની ચિંતા, બજારમાં યોગ્ય ભાવે ઉપજ વેચાશે કે નહીં તેની ચિંતા વગેરે હોય છે. ભારતમાં ગણતરીના ખેડૂતો શ્રીમંત કહી શકાય તેવા છે જ્યારે એક વર્ગ એવો છે જેની પાસે ઘર ચલાવવાની પણ પૂરતી વ્યવસ્થા નથી. એકાદ સીઝન નિષ્ફળ જાય તો જીવ સટોસટની બાજી આવી જાય છે.
અમેરિકામાં ખેડૂતોની જે જિંદગી છે તે કોઈ કલ્પના નથી. અહીંયા સરકાર મોટા ફાયદા લેવા માટે અને ખેડૂતોને લાભ થાય તે માટે લાખો રૂપિયાની સબસીડી આપે છે.
બીજી તરફ આપણે ત્યાં નજીવી રકમ સબસીડી અને ખેડૂત સહાયના નામે મળે છે અને તેના પણ ઉત્સવ કરવામાં આવે છે. ખેડૂતોને જેટલી રકમ ખાતામાં નથી મળતી તેના કરતા વધારે રકમ તો ખેડૂત સહાયની જાહેરાતો પાછળ ખર્ચી કાઢવામાં આવે છે. આ ઉપરાંત ખેતીની પદ્ધતિ, મશીનો, બિયારણો, સરકારી સમર્થન વગેરેમાં પણ બંને દેશોમાં ખૂબ જ મોટો તફાવત છે.
અમેરિકામાં ખેડૂત એક પ્રોફેશનલની જેમ કામ કરે છે અને નફો રળે છે જ્યારે ભારતમા ખેતી જીવનશૈલીનો એક ભાગ છે, રોજગારીનું પારિવારિક કે પારંપરિક સાધન છે. તેના કારણે જ બંને દેશોના ખેડૂતોમાં વિશાળ અંતર રહે છે.
ઉલ્લેખનીય છે કે, સૌથી મોટો તફાવત અમેરિકા અને ભારતના ખેડૂતોની જમીનના આકારનો હોય છે. અમેરિકામાં એક ખેડૂત પાસે સરેરાશ ૧૮૦ હેક્ટર એટલે કે ૪૫૦ એકર જેટલી જમીન હોય છે. તેનાથી પણ આગળ વતા કરીએ તો ઘણી એગ્રી ઈન્ડસ્ટ્રીની કંપનીઓ છે જેમની પાસે હજારો એકર જમીન હોય છે. તેની સરખામણીએ ભારતમાં એક ખેડૂત પાસે સરેરાશ ૧.૦૮ હેક્ટર એટલે કે. ૨.૭ એકર જમીન હોય છે.
ભારતના ૮૫ ટકા ખેડૂતો નાના અને સીમાંત વર્ગમાં આવે છે. તેમની પાસે મોટી જમીન નથી, પૂરતા સંસાધનો નથી અને સરકારી સહાય કે સેવાઓ પણ મળતી નથી.
બીજી બાબત એવી છે કે, અમેરિકામાં ખેડૂતો પ્રિસિજન ફાર્મિંગનો ઉપયોગ કરે છે જે વૈજ્ઞાાનિક પદ્ધતિ આધારિત ખેતી છે. આ સિવાય અહીંયા જીપીએસ અને એઆઈની મદદથી ચાલતા ટ્રેક્ટરોનો અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જે ખેતર ખેડવાથી માંડીને વાવણી કરવા સુધીનું કામ કરી લે છે. ખેડૂતો ડ્રોન દ્વારા અને સેટેલાઈટ ઈમેજ દ્વારા પોતાના ખેતરોનું ધ્યાન રાખે છે.
ખેતરમાં પાણી અને ખાતર આપવા માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા ખેતરના કયા ભાગમાં ખાતર નાખવાની જરૂર છે કે પાણીની જરૂર છે તેની માહિતી મેળવીને વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત જમીનમાં રહેલો ભેજ, પોષક તત્ત્વોની માહિતી મેળવવા માટે પણ ડિજિટલ સેન્સર અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને તેમના સ્માર્ટફોન અને ટેબલેટ ઉપર આ તમામ માહિતી મળી જાય છે. બીજી તરફ ભારતમાં સરેરાશ ખેડૂતો માટે આ ટેક્નોલોજી કે સંસાધનો માત્ર એક કલ્પના સમાન છે. તેમાંય સિમાંત અને નાના ગામડાના ખેડૂતો માટે બળદની જગ્યાએ ટ્રેક્ટર મળી જાય તો તે પણ સ્વપ્ન સાકાર થયા સમાન હોય છે. અહીંયા મોટાભાગના ખેડૂતો માટે ટ્રેક્ટર, થ્રેસર મળી જાય તે પણ આધુનિક ટેક્નોલોજી સમાન છે. આ સિવાયની સુવિધાઓ વિશે તે વિચારી શકે તેમ પણ નથી.
અમેરિકી ખેડૂતો વિશાળ ખેતરોમાં જે ઉપજ લે છે તેનું વેચાણ પણ વૈશ્વિક ધોરણે અને અમેરિકામાં વ્યાપક સ્તરે થાય છે.
આ ખેડૂતોને વૈશ્વિક બજારના ભાવ મળે છે. ભારતમાં પણ મોટા પ્રમાણમાં ખેતપેદાશો ઉત્પન્ન થાય છે અને વૈશ્વિક બજારો સુધી પહોંચે છે પણ તેમાંથી જે નફો આવે છે તે વેપારીઓ અને વચેટીયાઓને મળી જાય છે.
આ નફો ખેડૂત સુધી તો પહોંચતો જ નથી. ભારતમાં એવી અણઘડ નીતિઓ અને વ્યવસ્થા અમલમાં છે કે, ખેડૂતોને એમએસપી તો કદાચ મળી જાય છે પણ લાભ ખેડૂતો સુધી પહોંચતા જ નથી. અમેરિકન ખેડૂતો મોટાભાગે એફએમસીજી સેક્ટરની વિવિધ કુંપનીઓ સાથે જોડાણ કરી લે છે. તેઓ લાખો ટન માલ સીધે સીધો ખરીદી લે છે.
અહીંયા પાક લેતા પહેલાં જ તેના ભાવ, તેની ડીલ અને બાકીની વ્યવસ્થા નક્કી કરી લેવામાં આવે છે. ખેડૂતોને જરાય ચિંતા કરવાની હોતી નથી.
અમેરિકાન ખેડૂતો મોટાભાગે પોતાના ખેતરમાં એક જ પાક ઉગાડવાના આયોજન સાથે ખેતી કરતા હોય છે.
અહીંયા મોટા મોટા ખેતરોમાં એક જ પાક લેવામાં આવતો હોવાથી તેનો વેપાર કરવામાં સરળતા રહે છે. અહીંયા મોટાભાગે મકાઈને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીંયા કોર્ન બેલ્ટ તરીકે મોટો વિસ્તાર છે જ્યાં મકાઈ ઉગાડવામાં આવે છે. ત્યારબાદ સોયાબીનની વ્યાપક ખેતી થાય છે. તેનો ઉપયોગ તેલ માટે અને પશુ આહાર માટે કરવામાં આવે છે.
પશ્ચિમી અમેરિકામાં ઘઉંની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. સાઉથ અમેરિકાના ખેડૂતો દ્વારા કપાસનું વ્યાપક વાવેતર કરવામાં આવે છે.
ભારતમાં મોટાભાગે ઘઉં, ચોખા અને શેરડીની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ નાની-મોટી પેદાશો લેવામાં આવે છે. આ સિવાય બટાટા, ડુંગળી અને ટામેટા જેવા શાકભાજીની મોટી ખેતી થાય છે. બાકી કઠોળ, દાળ અને અન્ય ફળો તથા શાકભાજીની છુટીછવાઈ ખેતી થાય છે. તેના કારણે ખેડૂતોને ભારતમાં મોટું વળતર મળતું નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે ખેતીની પદ્ધતિમાં પણ મોટો તફાવત છે. અમેરિકામાં ખેડૂતો કોર્પોરેટ પદ્ધતિથી ખેતી કરે છે. વિશાળ ખેતરોમાંથી પાક લણવા માટે પણ કંબાઈન હાર્વેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન દ્વારા એક જ દિવસમાં હજારો એકર જમીનમાંથી પાક લણી લેવામાં આવે છે. આ ઉપરાંત બાયો ટેક્નોલોજી દ્વારા બીજ તૈયાર કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે જંતુનાશકોનો નહીવત ઉપયોગ કરવો પડે છે. કીડા અને બિમારીઓથી પાક કુદરતી રીતે જ બચી જાય છે. આ સિવાય ખેતીની અન્ય પદ્ધતિની વાત કરીએ તો અમેરિકામાં ૯૦ ટકા ખેતરો ફેમિલી ફાર્મ હોય છે. તેમાં ખેડૂત અને તેનો પરિવાર જ કામ છે. તેમની પાસે અત્યાધુનિક મશીનોે અને સાધનો હોય છે કે, પરિવારના લોકો જ ૪૦૦-૫૦૦ એકર જમીનમાં ખેતી કરી લે છે. ભારતમાં આ કામ કરાવવું હોય તો ૧૦૦થી ૧૫૦ ખેતમજૂરોની જરૂર પડે છે. આ ઉપરાંત અહીંયા ઘણા ખેડૂતો પાસે તેનાથી પણ મોટા ખેતરો છે જેઓ કેટલાક લોકોને કામ ઉપર રાખે છે.
આ સિવાય ખેડૂતો પાસે એગ્રોનોમિસ્ટ, મિકેનિક, એકાઉન્ટન્ટ અને એગ્રોસાયન્ટિસ્ટ તથા અન્ય ટેકનિકલ સ્ટાફ નોકરીએ રાખીને ઓછા માણસોમાં મોટા ખેતરોની સંભાળ રાખતા હોય છે. ભારતમાં મોટાભાગને ખેડૂતો પાસે પરિવાર ખેતરમાં કામ કરતો નથી. જે ખેડૂત પરિવારો ખેતરોમાં કામ કરે છે તે ખેતમજૂરો હોય છે. તેના કારણે ક્યારેય ખેડૂતો વ્યાપક નફો કરી શકતા નથી.
અમેરિકી ખેડૂતોને 26 લાખની જ્યારે ભારતમાં 6,000ની સીધી સરકારી મદદ
અમેરિકાના ખેડૂતોની જે આવક અને શ્રીમંતાઈ છે તેની પાછળ સરકારની મદદ પણ રહેલી છે. અમેરિકામાં ખેડૂતોને સેરરાશ ૩૦,૦૦૦ ડોલર એટલે કે અંદાજે ૨૬ લાખ રૂપિયાની સીધી સરકારી સહાય કરવામાં આવે છે. વર્ષે ખેડૂતોને ૨૬ લાખ તો માત્ર મદદ મળે છે. આ સિવાય અન્ય લાભ અલગ રીતે મળે છે. તેની સામે ભારતીય ખેડૂતોની વાત કરીએ તો ભારતીય ખેડૂતોને પીએમ કિસાન યોજના દ્વારા માત્ર ૬૦૦૦ રૂપિયા વર્ષે આપવામાં આવે છે. અમેરિકામાં પાક નિષ્ફળ જાય કે રોગચાળો ફાટે કે કુદરતી આપત્તીમાં નુકસાન જાય તો સરકાર દ્વારા વળતર રૂપે મોટી રકમ આપવામાં આવે છે જેથી ખેડૂતને નુકસાન ન જાય. તેની સામે ભારતમાં નુકસાન જવાની સ્થિતિમાં તો મહિનાઓ સુધી તેની તપાસ કરવા સુધીની તસદી લેવામાં આવતી નથી. આ ઉપરાંત પાક સહાયના નામે માત્ર મજાક જેવી જાહેરાતો કરવામાં આવે છે. ઘણા રાજ્યોમાં તો ખેડૂતોને વર્ષો સુધી વળતરની જાહેર કરેલી રકમ પણ મળતી નથી. અમેરિકામાં ખેડૂતોને સરકાર પોતાના પાર્ટનર સમજીને સાચવે છે. તેમને વળતર આપે છે. જ્યારે ભારતમાં સહાય અને વળતરનો આશય માત્ર દેવામાંથી બહાર લાવવાનો કે ખેડૂત પરિવાર ભુખમરામાં ન સપડાય તેનો છે. દેશની ઈકોનોમીમાં ખેડૂત ખૂબ જ મહત્ત્વનો છે તેવું ક્યારેય માનવામાં આવ્યું જ નથી.


