For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈમરાનને ફાંસીનો તખ્તો તૈયાર ? જસ્ટિસ ઈસા સાથેની દુશ્મની નડશે ?

Updated: Feb 13th, 2024


- નવાઝ શરીફ વડાપ્રધાનપદે બેસે ને ઝરદારીને પ્રમુખ બનાવાય એવી શક્યતા છે

- ઈમરાન માટે છેલ્લી આશા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ છે. ઈમરાન અને ફાંસી વચ્ચે સુપ્રીમ કોર્ટ ઉભી છે. ઈમરાનના કમનસીબે જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે કે જેમને સુપ્રીમ કોર્ટમાંથી દૂર કરવા ઈમરાનની સરકારે બહુ ઉધામા કરેલા. ઈમરાન સરકારનો આક્ષેપ હતો કે, જસ્ટિસ ઈસાનાં પત્ની સરીના ઈસાની કરોડોની સંપત્તિ વાસ્તવમાં જસ્ટિસ ઈસાની છે કે જે તેમણે ભ્રષ્ટાચાર દ્વારા એકઠી કરી છે. ઈમરાન માટે જસ્ટિસ ઈસા આશાનું કિરણ પણ છે કેમ કે જસ્ટિસ ઈસાને પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ સાથે પણ દુશ્મનાવટ છે.

પાકિસ્તાનમાં નવાઝ શરીફની મુસ્લિમ લીગ, બિલાવલ ભુટ્ટો આસિફ ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને મુહાજીર નેતા ખાલિદ મકસૂદ સિદ્દીકીની મુત્તાહિદા કૌમી મુવમેન્ટ (એમક્યુએમ) સાથે મળીને સરકાર રચે તેનો તખ્તો તૈયાર છે. નેશનલ એસેમ્બલીની ૨૬૬ બેઠકોમાંથી શરીફને ૭૬, બિલાવલને ૫૪ અને એમક્યુએમને ૧૭ બેઠકો મળીને ૧૪૭ બેઠકો થાય છે તેથી સ્પષ્ટ બહુમતી થઈ જશે. નવાઝ શરીફ વડાપ્રધાનપદે બેસે ને ઝરદારીને પ્રમુખ બનાવાય એવી શક્યતા છે. 

પાકિસ્તાનમાં નવી સરકાર રચાય પછી ઈમરાન ખાનનું શું થશે એ સવાલ અત્યારે મહત્વનો છે. ઈમરાનને ચૂંટણી લડવાથી દૂર રાખવા છતાં તેની પાર્ટીના ઉમેદવારો અપક્ષ તરીકે ૯૭ બેઠકો જીતવામાં સફળ રહ્યા છે. ઈમરાને તેની રાજકીય તાકાત પુરવાર કરતાં પાકિસ્તાનનું આર્મી હલબલી ગયું છે. પાકિસ્તાનનું આર્મી ઈમરાનને પોતાની સર્વોપરિતા સામેના સૌથી મોટો પડકાર માને છે તેથી તેને ફાંસી આપીને પતાવી દેશે એવી અટકળો ચાલી રહી છે. ઈમરાન સામે આર્મી એક્ટ હેઠળ થયેલા કેસોમાં દોષિત ઠેરવીને તેને ફાંસીના માંચડે લટકાવી દેવાશે એવી હવા પાકિસ્તાનમાં જામી ગઈ છે. 

પાકિસ્તાનમાં ૧૯૫૨માં બનેલા આર્મી એક્ટની કલમ ૫૯ હેઠળ દેશવિરોધી પ્રવૃત્તિ કરનાર, પાકિસ્તાન લશ્કર પર હુમલો કરનાર કે હુમલાનું કાવતરું ઘડનારને આજીવન કારાવાસ કે ફાંસીની સજા થઈ શકે છે. ઈમરાન ખાનને સત્તા પરથી તગેડી મૂકાયો પછી તેની પાર્ટીના સભ્યોના આંદોલન દરમિયાન રાવલપિંડીમાં આવેલા પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટર, લાહોરમાં ઝીણા હાઉસ (કોર કમાંડર હાઉસ), મિયાંવાલી એરબેઝ, ફૈસલાબાદમાં આઈએસઆઈ બિલ્ડિંગ સહિતનાં ડઝનથી વધારે લશ્કરી થાણાં પર હુમલા થયા હતા.

આ હુમલા ઈમરાનની પાર્ટીના કાર્યકરોએ કરેલા અને ઈમરાનના આદેશથી કરાયેલા એવો આર્મીનો દાવો છે. આર્મીનું કહેવું છે કે, પોલીસ અને પોતાની તપાસમાં ઈમરાનની સંડોવણીની વાતો બહાર આવી છે. ઈમરાન સહિત સેંકડો લોકો પર આ હુમલા બદલ લશ્કર સામે બળવાનો કેસ નોંધાયો છે. પાકિસ્તાનની મિલિટરી કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ ચૂકી છે. લશ્કરે ઉભા કરેલા સાક્ષીઓએ પીટીઆઈના કાર્યકરોએ હુમલા કરેલા અને ઈમરાન હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો એવી જુબાની આપી દીધી છે તેથી ઈમરાનને આ કેસમાં દોષિત ઠેરવવવાનો તખ્તો તૈયાર જ છે. 

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મિલિટરી કોર્ટના આ કેસના ચુકાદા સામે સ્ટે આપ્યો હોવાથી ચુકાદો જાહેર થયો નથી પણ મિલિટરી કોર્ટનો ચુકાદો નક્કી જ છે. ઈમરાનને  ફાંસીના માંચડે લટકાવી દેવાનું કાવતરું પાર પાડવાની બધી ગોઠવણ થઈ ગઈ હોવાનો ઈમરાનના સમર્થકો આક્ષેપ કરી રહ્યા છે. ઈમરાન તથા તેના સમર્થકોના દાવા પ્રમાણે, ઈમરાનને ફાંસી અપાય તો પોતાના પર આળ ના આવે તેથી આર્મીને એક પ્યાદાની જરૂર હતી.  છેલ્લા સાતેક વર્ષથી દેશનિકાલ ભોગવતા નવાઝ શરીફ પાકિસ્તાનના રાજકારણમાં વાપસી કરવા બેબાકળા થઈ ગયા હતા. ગમે તે ભોગે પાકિસ્તાન પાછા આવવા માટે ઘાંઘા થયેલા શરીફ લશ્કરનું પ્યાદુ બનવા તૈયાર હતા તેથી તેમણે લશ્કરની તમામ શરતો માની લીધી તેથી પાકિસ્તાન આર્મી અને નવાઝ શરીફ વચ્ચે લાહોર એગ્રીમેન્ટ થયા છે. 

આ કરાર પ્રમાણે, શરીફને ભ્રષ્ટાચાર સહિતના બધા કેસોમાં માફી અપાવીને પાકિસ્તાનમાં પાછા ગાદી પર બેસાડવાનું આર્મીએ વચન આપેલું. આર્મીએ શરીફને ભ્રષ્ટાચારના કેસોમાં નિર્દોષ સાબિત કરાવીને આ વચન પાળ્યું છે. હવે શરીફને ગાદી પર બેસાડશે. શરીફ ગાદી પર બેસે એટલે ઈમરાનને ફાંસી આપવાના કાવતરાનો અમલ કરાશે કે જેથી લશ્કર અને શરીફ બંનેને  નડતો કાંટો નિકળી જાય. 

આ વાત સાચી હોય તો ઈમરાન માટે છેલ્લી આશા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ છે. ઈમરાન અને ફાંસી વચ્ચે સુપ્રીમ કોર્ટ ઉભી છે. ઈમરાનના કમનસીબે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા છે કે જેમને સુપ્રીમ કોર્ટમાંથી દૂર કરવા ઈમરાન ખાનની સરકારે બહુ ઉધામા કરેલા. ઈમરાન માટે જસ્ટિસ ઈસા આશાનું કિરણ પણ છે કેમ કે જસ્ટિસ ઈસાને પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ સાથે પણ દુશ્મનાવટ છે. જસ્ટિસ ઈસાએ ૨૦૧૯માં પાકિસ્તાનના ફૈઝાબાદમાં ૨૦૧૭માં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા કરાયેલાં ધરણાંના કેસમાં કટ્ટરવાદીઓ વિરૂધ્ધ ચુકાદો આપેલો. જસ્ટિસ ઈસાએ પાકિસ્તાન આર્મી, આઈએસઆઈ તથા બીજી સંસ્થાઓને પણ બરાબર ઝાટકી હતી. ફતવા બહાર પાડનારાં સામે ક્રિમિનલ કેસ નોંધવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ઈમરાન એ વખતે કટ્ટરવાદીઓ અને પાકિસ્તાન આર્મીનો લાડકો હતો તેથી આ ચુકાદાના ત્રણ મહિના પછી જસ્ટિસ ઈસાને ઘરભેગા કરવા ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકીને પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરાવેલો. ઈમરાન સરકારનો આક્ષેપ હતો કે, જસ્ટિસ ઈસાનાં પત્ની સરીના ઈસાની કરોડોની સંપત્તિ વાસ્તવમાં જસ્ટિસ ઈસાની છે કે જે તેમણે ભ્રષ્ટાચાર દ્વારા એકઠી કરી છે. સરીના પાસે પાકિસ્તાનમાં ૪.૫ કરોડ રૂપિયા અને લંડનમાં ૮ કરોડ રૂપિયાની સંપત્તિ મળીને ૧૨.૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. જસ્ટિસ ઈસાએ બચાવ કરેલો કે, સરીના યુકેની નાગરિક છે અને ૧૯૮૧થી સ્વતંત્ર રીતે કમાય છે. પાકિસ્તાનમાં તેના પિતાએ ખેતીની જમીન તથા બીજી સંપત્તિ આપી છે. આ બધી કમાણીમાંથી પાકિસ્તાન તથા લંડનની સંપત્તિ ખરીદી છે.  આ કેસમાં સરીના ઉપરાંત તેમની દીકરી સેહર અને દીકરા અર્સલાનને નોટિસ ફટકારીને આખ પરિવારને લપેટી લેવાયેલો. ઈમરાનની સરકાર, આર્મી, આઈએસઆઈએ જસ્ટિસ ઈસાના પરિવારને પરેશાન કરવામાં કોઈ કસર નહોતી છોડી. આર્મી, ઈન્ટેલિજન્સ, આઈએસઆઈ, પોલીસના માણસો પોતાના તથા પોતાનાં માતા-પિતાના ઘરે ઘૂસી જઈને પરેશાન કરે છે એવી ફરિયાદ પણ સરીનાએ કરેલી. 

સુપ્રીમ કોર્ટે આ કેસમાં જસ્ટિસ ઈસાને દૂધે ધોયેલા જાહેર કરેલા. આ ચુકાદા સામે ઈમરાનની સરકારે ક્યુરેટિવ પીટિશન કરેલી. પછીથી ઈમરાનને લાગ્યું કે, જસ્ટિસ ઈસા નુકસાન કરી શકે તેમ છે તેથી જસ્ટિસ ઈસા સામે તપાસ કરાવડાવીને ભૂલ કરી હોવાનું સ્વીકારેલું પણ કેસ પાછા નહોતા ખેંચ્યા. ઈમરાનના ઘરભેગા કરીને શાહબાઝ શરીફે સરકાર રચી પછી તેમણે જસ્ટિસ ઈસા સામેના તમામ કેસ પાછા ખેંચી લીધા. આ જસ્ટિસ ઈસા હજુ ઓક્ટોબર સુધી ચીફ જસ્ટિસ છે. આ સંજોગોમાં મિલિટરી કોર્ટ ઈમરાનને ફાંસીની સજા આપે ને જસ્ટિસ ખાર ઈમરાન સામે જૂનો ખાર કાઢે તો સુપ્રીમ કોર્ટ ફાંસીની મંજૂર રાખે એવું પણ બને. 

સૈધ્ધાંતિક રીતે જસ્ટિસ ઈસા પાકિસ્તાન આર્મીની વિરૂધ્ધ છે. પાકિસ્તાનની આર્મી નાગરિકો સામે મિલિટરી કોર્ટમાં કેસ ના ચલાવી શકે એવો ચુકાદો પણ ભૂતકાળમાં આપી ચૂક્યા છે. જસ્ટિસ ઈસા પોતાના સિધ્ધાંતોને વળગી રહીને ઈમરાન સામેનો કેસ જ કાઢી નાંખે ને નવેસરથી સામાન્ય કોર્ટમાં કેસ ચલાવવાનું ફરમાન કરીને ઈમરાનને બચાવી શકે. ઈમરાન સામે ૧૫થી વધારે કેસ નોંધાયેલા છે પણ બીજા બધા ભ્રષ્ટાચારના કેસ છે. એ કેસોમાં ફાંસી થાય એવું કશું નથી. ઈમરાનને ત્રણ કેસમાં ૧૦ વર્ષ, ૭ વર્ષ અને ૨૦ વર્ષની સજા થઈ છે એ રીતે સજા થાય પણ ઉપલી કોર્ટમાં સેટિંગ કરીને ઈમરાન તેમાંથી છૂટી શકે છે એ જોતાં જસ્ટિસ ઈસા દયા દાખવે તો ઈમરાન ફાંસીમાંથી બચી જાય ને બહાર પણ આવી જાય.

આર્મી ઈમરાનને પણ ભુટ્ટોની ફાંસી અપાવી શકે

પાકિસ્તાનમાં લશ્કરે લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાનને તગેડીને ફાંસીએ લટકાવી દીધા હોય એવું ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના કિસ્સામાં બન્યું જ છે. ભુટ્ટોની પાર્ટીને ૧૯૭૩ની ચૂંટણીમાં નેશનલ એસેમ્બલીની ૧૪૬ બેઠકોમાંથી ૧૦૮ બેઠકોની જંગી બહુમતી મળતાં ભુટ્ટો વડાપ્રધાન બન્યા હતા. ભુટ્ટો ૧૯૭૩થી ૧૯૭૭ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. ૧૯૭૭માં આર્મીના જનરલ ઝીયા ઉલ હકે બળવો કરીને સત્તા કબજે કરીને ભુટ્ટોને જેલમાં ધકેલી દીધા હતા. 

ભુટ્ટો સામે ૧૯૭૪માં એક રાજકીય હરીફ અહમદ રઝા કસુરીની હત્યા કરી હોવાનો આરોપ મૂકાયો. છ મહિનાના ટ્રાયલ પછી ભુટ્ટોને ૧૯૭૮ના માર્ચમાં દોષિત ઠેરવીને ફાંસીની સજા કરાઈ. તેની સામે અપીલો વગેરે થયું પણ બધું ફગાવીને છેવટે ૧૯૭૯માં ૪ એપ્રિલે ભુટ્ટોને રાવલપિંડી જેલમાં ફાંસીએ લટકાવી દેવાયેલા. 

ઈમરાનનો કેસ પણ ભુટ્ટો જેવો જ છે. આર્મીએ ઈમરાનને ઉથલાવીને તેને આર્મી એક્ટ હેઠળના કેસમાં ફિટ કરી દીધો છે. 

આર્મીએ બે ભૂતપૂર્વ વડાપ્રધાનોની હત્યા કરાવેલી

પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાનોની હત્યા કરી દેવાઈ હોય એવું પણ બન્યું છે. બેનઝીર ભુટ્ટોની ૨૦૦૭માં ૨૭ ડીસેમ્બરે રાવલપિંડીમાં બોમ્બ બ્લાસ્ટ કરીને હત્યા કરાવાયેલી. બેનઝીર આઠ મહિના સુધી દેશનિકાલ રહ્યા પછી ૨૦૦૭ના ઓક્ટોબરમાં પાકિસ્તાન પાછા ફર્યાં ત્યારે પણ તેમની હત્યાનો પ્રયાસ થયેલો. બેનઝીર કરાચીમાં એરપોર્ટથી મોહમ્મદ અલી ઝીણાની  મજાર પર જતાં હતાં ત્યારે કરાયેલા બોમ્બ ધડાકામાં ૧૮૦ લોકોનાં મોત થયેલાં. બેનઝીરની હત્યા પાકિસ્તાન આર્મીના કહેવાથી અલ કાયદાએ કરાવી હોવાના આક્ષેપ થયેલા. 

પાકિસ્તાનના પાંચમા વડાપ્રધાન હુસૈન શહીદ સુહરાવર્દી ૧૯૬૩માં લેબેનોનના બૈરૂતમાં ગુજરી ગયા ત્યારે પણ તેમને લશ્કરી સરમુખત્યાર અયુબ ખાને ઝેર આપીને મારી નંખાવ્યા હોવાના આક્ષેપ થયેલા. 

પાકિસ્તાન આર્મી ઈમરાનના કેસમાં પણ એવું કરી શકે એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

Gujarat