Get The App

બાંગ્લાદેશ ચૂંટણી અને રાજકીય રક્તપાત વચ્ચે જૂનો સંબંધ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશ ચૂંટણી અને રાજકીય રક્તપાત વચ્ચે જૂનો સંબંધ 1 - image

- 71માં આઝાદી મેળવનાર બાંગ્લાદેશમાં 1975થી માંડીને 2018 સુધીની ચૂંટણીઓમાં કાયમ રાજકીય હિંસા થઈ છે

- 1973માં પણ ચૂંટણીઓમાં ભયાનક હિંસા થઈ હતી. તે વખતે શેખ મુજીબુર રહમાનની સરકાર સત્તામાં આવી હતી. તે સમયે અવામી લીગનો દબદબો રહ્યો હતો. ત્યારબાદ 1975માં શેખ મુજીબુરની હત્યા કરવામાં આવી અને સૈન્ય દ્વારા બળવો કરવામાં આવ્યો અને સત્તા પલટો કરી દેવાયો : બાંગ્લાદેશ પીસ ઓબ્ઝર્વેટરીના મતે 1991માં બાંગ્લાદેશમાં ચૂંટણી ટાણે વ્યાપક રાજકીય હિંસા થઈ હતી. તેમાં અંદાજે 50 લોકોનાં મોત થયા હતા. 2014માં જે ચૂંટણી થઈ તેને સૌથી વિવાદિત ચૂંટણી માનવામાં આવે છે. આ ચૂંટણી દરમિયાન 142 લોકોનાં મોત થયા હતા. તે અત્યાર સુધીની સૌથી વધારે હિંસક ચૂંટણી હતી : છેલ્લાં પંદર મહિનામાં 200થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે જ્યારે 11,300થી વધારને ઈજા થઈ છે. હ્યુમનરાઈટ્સ એજન્સીનો અહેવાલ જણાવે છે કે, ઓગસ્ટ 2024માં રાજકીય વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 350થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે જ્યારે 15,000થી વધારે લોકોને ઈજા પહોંચી છે

બાંગ્લાદેશમાં આજે ચૂંટણી યોજાવાની છે. બહુચર્ચિત અને જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તેવી બાંગ્લાદેશની ચૂંટણી હજી પણ ચર્ચામાં જ છે. તેનું સૌથી મોટું કારણ છે કે અહીંયા ભયાનક હિંસા ચાલી રહી છે. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલાં રાજકીય હિંસા અને કટ્ટરવાદી રાજકીય હિંસાનો દોર ચાલી રહ્યો છે. વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ સ્થિતિ કાબુ કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. આ પહેલાં પણ બાંગ્લાદેશમાં ઘણા સમયથી હિંચા ચાલતી આવી છે અને અનેક નિર્દોષોની હત્યા થતી રહી છે. તાજેતરમાં રાજકીય હિંસા અને રક્તપાતના કિસ્સા વધી ગયા છે. જાણકારોના મતે છેલ્લાં ૪૮ કલાકમાં બાંગ્લાદેશમાં ૪૦થી વધારે જગ્યાઓએ રાજકીય હિંસા ફેલાઈ હતી. જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે.

હવે તેને નિયતી ગણો કે પછી દુર્ભાગ્ય પણ બાંગ્લાદેશમાં ચૂંટણી ટાણે થતી રાજકીય હિંસા કોઈ નવી બાબત નથી. ઉલ્લેખનીય છે કે, અહીંયા રાજકીય હિંસા જ નવી બાબત નથી. ૧૯૭૧માં બાંગ્લાદેશે જ્યારે પાકિસ્તાન પાસેથી આઝાદી મેળવી ત્યારે પણ મોટાપાયે હિંસા થઈ હતી. આઝાદી પહેલાં પાકિસ્તાને નરસંહાર કર્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ મુક્ત થઈ ગયું પણ હિંસાએ બાંગ્લાદેશને છોડયું નથી. તે બાંગ્લાદેશના રાજકારણનો પડછાયો બનીને જ રહી છે. બાંગ્લાદેશમાં ૧૯૭૫માં થયેલી ચૂંટણીથી શરૂ કરીને ૨૦૧૮ અને હાલમાં ૨૦૨૬માં પણ મોટા પ્રમાણમાં રાજકીય હિંસા જોવા મળી હતી. તેમાંય ખાસ કરીને ૧૯૭૫, ૧૯૯૧, ૨૦૦૮, ૨૦૧૪, ૨૦૧૮ એવા વર્ષો રહ્યા હતા જેણે સમગ્ર દેશ અને દુનિયાને ચિંતામાં મુકી દીધા હતા. અહીંયા ભયાનક સ્તરે રાજકીય રક્તપાત થયો હતો.

તાજેતરની જ વાત કરીએ તો, બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા જ કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ હિન્દુઓની હત્યા કરવા લાગ્યા છે. કેટલાક વિસ્તારોમાં હિન્દુઓ વિરોધી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બાંગ્લાદેશના મયમનસિંહ વિસ્તારમાં બોગર બાઝારમાં સોમવારે રાત્રે ૬૨ વર્ષીય હિન્દુ સુસેનચંદ્ર સરકારની હત્યા કરી દેવામાં આવી હતી. તે ઉપરાંત તેના લાખો રૂપિયા પણ લુંટી લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર દૂર થઇ તે પછી યોજાનારી આ ચૂંટણીમાં બાંગ્લાદેશની સર્જક પાર્ટી આવામી લીગને ચૂંટણીમાંથી બહાર રખાયા પછી આ પહેલી ચૂંટણી છે. તેવામાં ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા વધી છે. 

ઉલ્લેખનીય છે કે, બીજી એક ઘટનાને કારણે પણ રાજકીય વાતાવરણ તંગ થઈ ગયું છે. અહેવાલો પ્રમાણે એક કાર્યક્રમ દરમિયાન મતદાતાઓને પૈસા વહેંચવામાં આવ્યા હોવાની વાત ફેલાઈ હતી. આ આરોપો વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઈસ્લામીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા ફેલાઈ હતી. કહેવાય છે કે, બીએનપીના કાર્યકર્તાઓ કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં જમાતના સમર્થકો પણ ભેગા થવા લાગ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે વિખવાદ થયો અને તે કાર્યક્રમ સ્થળથી ફેલાતો ફેલાતો જાહેર રસ્તાઓ સુધી વિસ્તરી ગયો અને હિંચાના કારણે મામલો ગરમાઈ ગયો. મોડી રાત સુધી પથ્થરમારો, હિંસા અને તોડફોડનો ક્રમ ચાલતો રહ્યો જેમાં ૪૦થી વધારે લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય બાંગુરા જિલ્લામાં બીએનપીના એક નેતાની આંખ ફોડીને બહાર કાઢી લેવાની ઘટના પણ સામે આવી છે.

બાંગ્લાદેશના ઈતિહાસ ઉપર નજર કરીએ તો તેનું રાજકારણ અને તેની ચૂંટણીઓના પાયામાં જ હિંસા રહેલી છે. ૧૯૭૧ની હિંસા અને ભયાનક રક્તપાત બાદ ૧૯૭૩માં પણ ચૂંટણીઓમાં ભયાનક હિંસા થઈ હતી. તે વખતે શેખ મુજીબુર રહમાનની સરકાર સત્તામાં આવી હતી. તે સમયે અવામી લીગનો દબદબો રહ્યો હતો. ત્યારબાદ ૧૯૭૫માં શેખ મુજીબુરની હત્યા કરવામાં આવી અને સૈન્ય દ્વારા બળવો કરવામાં આવ્યો અને સત્તા પલટો કરી દેવાયો.

 તે સમેય પણ મોટાપાયે હિંસા થઈ હતી. દેશમાં લશ્કરી શાસન આવી ગયું અને તેમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશની સેનાના દબાણમાં ૧૯૭૯માં ચૂંટણી યોજાઈહ તી. તે સમયે ઝિયા-ઉર-રહેમાનની આગેવાનીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ચૂંટણી જીતી હતી. 

બીએનપી સત્તામાં આવતા જ બાંગ્લાદેશમાં કટ્ટર રાષ્ટ્રવાદ અને ઈસ્લામિક ઓળખને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તે સમયે પણ સેનાની અસર તો વ્યાપક પ્રમાણમાં જોવા મળી જ હતી. ૧૯૮૧માં ઝિયા ઉર રહેમાનની પણ હત્યા કરવામાં આવી અને હિંસા ફેલાવા લાગી. ત્યારે પણ બાંગ્લાદેશની સેનાએ બળપ્રયોગ કર્યો  અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. તે સમયે આર્મી ચીફ હુસૈન મોહમ્મદ ઈરશાદે માર્શલ લો લાગુ કરીને સત્તા આંચકી લીધી હતી.

બાંગ્લાદેશમાં ત્યારબાદ રાજકીય સફરની વાત કરીએ તો ૧૯૯૧ની ચૂંટણીમાં દેશનું ભવિષ્ય નક્કી કરનારી બે મહિલા નેતાઓની એન્ટ્રી થઈ. એક તરફ અવામી લીગનું નેતૃત્ત્વ શેખ હસીનાના હાથમાં આવ્યું. તે શેખ મુજીબુર રહમાનની પુત્રી હતા. બીજી તરફ ઝિયા ઉપર રહેમાનની પત્ની ખાલિદા ઝિયાએ બીએનપીની કમાન પોતાના હાથમાં લીધી. બંને મહિલા નેતાઓ દ્વારા સક્રિય રીતે વિપક્ષી રાજકીય દબાણ ઊભા કર્યા અને બાંગ્લાદેશમાં સૈન્ય સત્તાનો અંત આવ્યો. ત્યારબાદ ખાલિદા અને હસીના વચ્ચે સત્તાની સાઠમારી શરૂ થઈ ગઈ. 

૧૯૯૧માં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સત્તામાં આવી અને ખાલિદા ઝિયા દેશના પહેલા વડા પ્રધાન બન્યા. બાંગ્લાદેશ પીસ ઓબ્ઝર્વેટરીના મતે ૧૯૯૧માં બાંગ્લાદેશમાં ચૂંટણી ટાણે વ્યાપક રાજકીય હિંસા થઈ હતી. તેમાં અંદાજે ૫૦ લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત અનેક લોકોને ઈજા થઈ હતી. ત્યારપછી ૧૯૯૬ની ચૂંટણીમાં શેખ હસીના દેશના વડા પ્રધાન બન્યા અને અવામી લીગ સત્તામાં આવી. ત્યારબાદ ૨૦૦૧માં ખાલિદા ફરીથી ચૂંટાયા અને ૨૦૦૮માં શેખ હસીના સત્તા ઉપર પરત આવ્યા. આમ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે સત્તા સતત બદલાતીર હી અને સાથે સાથે રાજકીય હિંસાનો દૌર પણ અવિરત ચાલતો રહ્યો.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮ની ચૂંટણીમાં પણ રાજકીય હિંસા દરમિયાન ૨૧ લોકોનાં મોત થયા હતા. લોકશાહીના દાવા વચ્ચે રાજકીય અને સામાજિક ધુ્રવીકરણ, લઘુમતીઓ ઉપર હુમલા, રાજકીય રક્તપાતની ઘટનાઓમાં વ્યાપક વધારો થયો હતો. તેમ છતાં સેનાના નેતૃત્વમાં થયેલી આ ચૂંટણીમાં બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી ઓછી રાજકીય હિંસા થઈ હતી અને ઓછા લોકોનાં મોત થયા હતા. આ ચૂંટણીમાં શેખ હસીના મજબૂત રીતે સત્તામાં આવ્યા. આ ઉપરાંત તેમણે તત્કાલિન નાના રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરીને એક મજબૂત રાજકીય જોડાણ ઊભું કરી લીધું. ધીમે ધીમે બાંગ્લાદેશના રાજકારણમાં ખાલિદાનો પ્રભાવ ઘટા લાગ્યો. 

નોંધનીય છે કે, ૨૦૧૪માં જે ચૂંટણી થઈ તેને સૌથી વિવાદિત ચૂંટણી માનવામાં આવે છે. આ ચૂંટણી દરમિયાન ૧૪૨ લોકોનાં મોત થયા હતા. તે અત્યાર સુધીની સૌથી વધારે હિંસક ચૂંટણી હતી. આ ચૂંટણી દરમિયાન બીએનપી અને જમાત દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મતદાનના દિવસ પણ ૨૧ લોકોનાં મોત થયા હતા. 

આ ઉપરાંત ૪૦૦ મતદાન કેન્દ્રો ઉપર મતદાન રોકવું પડયું હતું. ૧૫૦થી વધારે મતદાન કેન્દ્રો ઉપર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. યુએન દ્વારા પણ ૨૦૧૮માં થયેલી ચૂંટણીમાં ૪૭ જેટલી હિંસક ઘટનાઓ નોંધવામાં આવી હતી. આ દરમિયાન ૮ લોકોનાં મોત થયા હતા અને ૫૬૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. બાંગ્લાદેશમાં ૨૦૨૪ દરમિયાન પણ રાજકીય હિંસા જોવા મળી. આ દરમિયાન શેખ હસીનાની સરકારનું પતન થયું હતું. 

મહત્ત્વની વાત એ છે કે, ૨૦૨૬ની ચૂંટણી એ પહેલી ચૂંટણી છે જેમાં શેખ હસીનાની ગેરહાજરી જોવા મળી છે. આ ઉપરાંત શેખ હસીનાની પાર્ટી ઉપર પણ ચૂંટણી લડવા સામે પ્રતિબંધ મુકાયેલો છે. ખાલિદા ઝિયાનું પણ અવસાન થઈ ગયું છે અને તેમનો દકીરો તારિક રહમાન બીએનપીનું સુકાન સંભાળી રહ્યો છે. આ ચૂંટણીમાં પણ ભયાનક હિંસા જોવા મળી રહી છે. 

કટ્ટરવાદ ચરમસીમાએ, 15 મહિનામાં 200થી વધુની હત્યા કરાઈ 

બાંગ્લાદેશમાં વર્તમાન સમયની વાત કરીએ તો હિંસા વ્યાપક સ્તરે વકરેલી છે. છેલ્લાં બે દિવસમાં જ ૬૦થી વધારે હિંસક ઘટનાઓ જોવા મળી છે. તેમાં પાંચસોથી વધારે લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં સૌથી મોટી ઘટના શનિવારે બની હતી. તેમાં ચાર જિલ્લામાં બીએનપીના સમર્થકો અને અન્ય પક્ષના સમર્થકો વચ્ચે રાજકીય હિંસા થઈ હતી. તેમાં ૧૦૦થીવધુ લોકોને ઈજા થઈ હતી. આ ઉપરાંત રાજકીય હત્યાની વાત કરીએ તો છેલ્લાં દસ દિવસમાં રાજકીય હિંસામાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલો છે. ગંભીર બાબત એવી છે કે, બાંગ્લાદેશમાં છેલ્લાં પંદર મહિનાથી રાજકીય હિંસા ચાલી રહી છે. અહીંયા રાજકીય અને ધાર્મિક કટ્ટરવાદ એ હદે વધ્યો છે કે, હિંસક ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે. છેલ્લાં પંદર મહિનામાં ૨૦૦થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે જ્યારે ૧૧,૩૦૦થી વધારને ઈજા થઈ છે. હ્યુમનરાઈટ્સ એજન્સીનો અહેવાલ જણાવે છે કે, ઓગસ્ટ ૨૦૨૪માં રાજકીય વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ૩૫૦થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે જ્યારે ૧૫,૦૦૦થી વધારે લોકોને ઈજા પહોંચી છે. અહેવાલો પ્રમાણે ૧૧ ડિસેમ્બર ૨૦૨૫માં બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારથી ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૬ સુધીમાં બે મહિનામાં જ ૧૬૫ જેટલી રાજકીય હિંસાઓની ઘટનાઓ નોંધાઈ છે. બીજી આઘાતજનક બાબત એ છે કે અહીંયા છેલ્લાં ૧૭ મહિનામાં રાજકીય અને ધાર્મિક હિંસાની ૪૧૩ ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનામાં ૨૬૦નાં મોત થાય છે. જાણકારોના મતે આ મોતમાંથી ૧૮૦ લોકોનાં મોત મોબ લિન્ચિંગ થકી થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ચૂંટણી જાહેર થયાના સમયગાળામાં ૬૫ મકાનો, ૧૭ મંદિરો અને ૬૩ મૂર્તિઓ તોડવાની ઘટનાઓ બની છે. આ ઉપરાંત ૧૫થી વધારે હિન્દુઓની જાહેરમાં હત્યા કરવાની ઘટનાઓ બની છે.