For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લવ, સેક્સ એન્ડ ધોખા : ચાંદ-ફિઝાની ફિલ્મી લવ સ્ટોરી તાજી થઈ

Updated: Feb 12th, 2024


- કોંગ્રેસી ચંદ્રમોહનનું કમબેક, કોંગ્રેસે હરિયાણા માટે જાહેર કરેલી ઇલેક્શન કેમ્પેઇન કમિટિમાં ચંદ્રમોહનને રાજકીય તખ્તે ફરી લાવવામાં આવ્યા છે

- ભજનલાલના પુત્ર હરિયાણાના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ચંદ્રમોહન ૬ વર્ષ નાની પ્રેમિકાને પરણવા માટે પોતે ચાંદ મોહમ્મદ બની ગયેલા જ્યારે પ્રેમિકા અનુરાધાને ફિઝા બનાવીને નિકાહ કરી લીધેલા. નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર ચાંદ-ફિઝાની લવ સ્ટોરીના કારણે ચંદ્રમોહનની રાજકીય કારકિર્ર્દીને એવું ગ્રહણ લાગ્યું કે, રાજકારણમાંથી ફેંકાઈ જ ગયા. ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહમ્મદ 2009માં ફિઝાને તીન તલાક આપીને પાછા હિંદુ બની ગયેલા પણ રાજકારણમાં ફરી દબદબો ના બનાવી શક્યા. બીજી તરફ ફિઝાનું પણ રહસ્યમય મોત થયું ને ઘરમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળેલી

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે હરિયાણા માટે જાહેર કરેલી ઈલેક્શન કેમ્પેઈન કમિટી અને પોલીટિકલ અફેર્સ કમિટીમાં નિમણૂક સાથે ચંદ્રમોહન બિશ્નોઈએ રાજકીય તખ્તે પુનરાગમન કર્યું છે. ચંદ્રમોહનને નવી પેઢી ઓળખતી નથી પણ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર ચંદ્રમોહન ૨૦૦૫થી ૨૦૦૮ દરમિયાન કોંગ્રેેસની ભૂપિન્દરસિંહ હુડ્ડાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. જો કે લોકોને ચંદ્રમોહન યાદ રહી ગયા તેમની લવ સ્ટોરીના કારણે છે. 

ચંદ્રમોહનની ચાંદ અને ફિઝાની લવસ્ટોરી ૨૦૦૮ અને ૨૦૦૯માં  બહુ ગાજેલી. કોઈ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી આ લવ સ્ટોરીમાં પોતાની ૬ વર્ષ નાની પ્રેમિકાને પરણવા માટે ચંદ્રમોહન મુસ્લિમ બની ગયેલા ને પોતાની પ્રેમિકા અનુરાધા બાલીને પણ મુસ્લિમ બનાવી દીધેલી. ચંદ્રમોહને પોતે ચાંદ મોહમ્મદ ને ેપ્રેમિકા અનુરાધાને ફિઝા બનાવીને નિકાહ કરી લીધેલા. આ નિકાહ પહેલાં અને પછી જે ડ્રામા ભજવાયો એવો ડ્રામા ભારતમાં બીજા કોઈ રાજકારણીની જીંદગીમાં નથી ભજવાયો. 

કોઈને કલ્પના પણ ના આવે નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર ચાંદ-ફિઝાની લવ સ્ટોરીના કારણે ચંદ્રમોહનની રાજકીય કારકિર્દીને એવું ગ્રહણ લાગ્યું કે, રાજકારણમાંથી ફેંકાઈ જ ગયા. ૧૯૯૬થી ૨૦૦૪ સુધી સળંગ ત્રણ વાર વિધાનસભામાં ચૂંટાયેલા ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહમ્મદ ૨૦૦૯માં ફિઝાને તીન તલાક આપીને ધર્માંતરણ કરીને  પાછા હિંદુ બની ગયેલા પણ રાજકારણમાં પહેલાં જેવો દબદબો ના બનાવી શક્યા. 

ચંદ્રમોહન કોંગ્રેસની ટિકિટ પર ૨૦૧૯માં પંચકુલા વિધાનસભા બેઠક પરથી લડેલા. ૧૫ વર્ષ પછી ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ચંદ્રમોહન ભાજપના જ્ઞાાનચંદ ગુપ્તા સામે હારી જતાં રાજકીય પુનરાગમનનો પ્રયત્ન સફળ થયો નહોતો. એ પછી ચંદ્રમોહન પાછા રાજકીય વનવાસમાં જતા રહેલા પણ કોંગ્રેસે તેમને પાછા બોલાવ્યા છે અને બે મહત્વની સમિતીમાં નિમીને લોકસભા અને પછી  સપ્ટેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ચંદ્રમોહનની ભૂમિકા મહત્વની હશે તેનો સંકેત આપ્યો છે. 

ચંદ્રમોહનના પિતા ભજનલાલ બિશ્નોઈ હરિયાણાના રાજકારણમાં દિગ્ગજ ગણાય છે. ભજનલાલ ૧૯૭૯માં ચૌધરી દેવીલાલની આખી કેબિનેટ સાથે પક્ષપલટો કરીને કોંગ્રેેસમા જતા રહેલા ને મુખ્યમંત્રી બનેલા. એ વખતે ભજનલાલે પોતાની સરકારને બચાવવા જે દાવપેચ કર્યા ને જે રીતે દેવીલાલના ધારાસભ્યોને તોડી તોડીને સ્પષ્ટ બહુમતી કરી નાંખી તેના કારણે ભજનલાલ ભારતના રાજકારણમાં પક્ષપલાટાના સૌથી મોટા ચેમ્પિયન ગણાયા. ભજનલાલને ચંદ્રમોહન અને કુલદીપ એ બે દીકરા છે. કુલદીપ પહેલાં કોંગ્રેસમાં હતો પણ ૨૦૨૨માં રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપમાં જતો રહેલો. કુલદીપનો દીકરો ભવ્ય બિશ્નોઈ અત્યારે ભાજપનો ધારાસભ્ય છે. 

ચંદ્રમોહન મોટા દીકરા તરીકે ભજનલાલના રાજકીય વારસ હતા. કોંગ્રેેસમાં વંશવાદનું રાજકારણ ચાલે જ છે તેથી ૧૯૯૬માં ચંદ્રમોહન પહેલી વાર ધારાસભ્ય બન્યા ને ૨૦૦૫માં હુડ્ડા સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા. ચંદ્રમોહન પાસે કાયદા મંત્રાલય પણ હતું તેથી હરિયાણાનાં આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ અનુરાધા બાલીના સંપર્કમાં આવ્યા ને પ્રેમમાં પડી ગયા. ચંદ્રમોહન ત્યારે સીમા બિશ્નોઈને પરણેલા હતા ને બે સંતાનોના પિતા હતા. કોઈ ફિલ્મી હીરોઈનને ટક્કર મારે એવી ખૂબસૂરતી ધરાવતી અનુરાધા પણ ચંદ્રમોહન પાછળ પાગલ હતી તેથી આગ બંને તરફ લાગી ગઈ હતી. બંને વચ્ચે સંબંધ બંધાયા ને ખાનગીમાં મુલાકાતો શરૂ થઈ. 

લગભગ બે વર્ષના સંબંધ પછી અનુરાધાએ ચંદ્રમોહનને લગ્ન કરવા કહ્યું ત્યારે આ લવ સ્ટોરીમાં પહેલો ટ્વિસ્ટ આવ્યો. ચંદ્રમોહનને અનુરાધા સાથે અય્યાશીમાં વાંધો નહોતો પણ લગ્નની વાતથી એ ભડક્યા. તેમણે અનુરાધાને સમજાવવાની કોશિશ કરી પણ અનુરાધા લગ્નની વાત પર અડી ગઈ તેથી છેવટે ચંદ્રમોહને ઝૂકવું પડયું. ચંદ્રમોહને પત્ની સીમાને છૂટાછેડા આપવા કહ્યું તેમાંથી બબાલ શરૂ થઈ. પિતા ભજનલાલ અને આખો પરિવાર સીમા સાથે હતો તેથી ડિવોર્સ નહીં જ મળે એ નક્કી હતું. બીજી તરફ અનુરાધા સાથેના સંબંધો તાડી નાંખવા પરિવારનું દબાણ વધવા માંડયું તેથી ૨૦૦૮ના નવેમ્બરમાં ચંદ્રમોહન અને અનુરાધા ગાયબ થઈ ગયાં. 

લગભગ મહિના સુધી ગાયબ રહ્યા પછી બંનેએ મીડિયાને પોતાના નિકાહની જાણ કરી. ઈસ્લામ અંગિકાર કરીને બંનેએ નિકાહ કરી લીધાં હોવાનું એલાન કરતાં ભડકેલા ભજનલાલે ચંદ્રમોહનને પરિવાર અને સંપત્તિમાંથી તગેડી મૂકવાની જાહેરાત કરી. હુડ્ડાએ પણ મહિના પછી ચંદ્રમોહનને નાયબ મુખ્યમંત્રીપદેથી તગેડીને દુષ્યંત ચૌટાલાને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા અને અનુરાધાને પણ રવાના કરી દીધી. તેના બે દિવસ પછી ચાંદ અને ફિઝાએ મીડિયા સામે હાજર થઈને એકબીજા સાથે આખી જીંદગી રહેવાની કસમો ખાધી. 

ચંદ્રમોહને રાજકીય સંન્યાસ લઈને ફિઝા સાથે મોહાલીમાં રહેવાનું શરૂ કર્યું. બંનેની લવ સ્ટોરીનો સુખાંત આવેલો મનાતો હતો ત્યાં ૨૦ દિવસ પછી જોરદાર ટ્વિસ્ટ આવ્યો. ૨૯ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસે ચંદ્રમોહન ફિઝાને છોડીને જતો રહ્યો. ફિઝાએ પહેલાં આક્ષેપ કર્યો કે, કેટલાક લોકો ચંદ્રમોહનને બળજબરીથી ઉઠાવીને જતા રહ્યા છે.  જો કે પંદર દિવસ પછી તેણે ચંદ્રમોહન સામે બળાત્કારની ફરિયાદ કરીને ક્રિમિનલ કેસ કર્યો. 

ચંદ્રમોહન ત્યાં સુધી લંડન પહોંચી ગયેલા. તેમણે લંડનથી ફોન કરીને પોતાને સાંભળ્યા વિના કોઈ પગલાં નહીં લેવા પોલીસને વિનંતી કરી હતી.  ફિઝાએ એ પછી મીડિયા સામે જઈને ચંદ્રમોહન અને ભજનલાલના પરિવાર સામે બેફામ આક્ષેપો શરૂ કરતાં મીડિયાને મસાલો મળવા માંડયો. ફિઝાના આક્ષેપો વચ્ચે ચંદ્રમોહને ૧૪ માર્ચે ફોન પર ફિઝાને તીન તલાક કહીને નિકાહનો અંત લાવી દીધો. 

તલાકથી છંછેડાયેલી ફિઝાએ ચાંદને ખતમ કરવાની કસમો જાહેરમાં ખાધેલી પણ કશું ના કરી શકતાં ત્રણ મહિના પછી ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરેલો. સમયસર સારવાર મળી જતાં ફિઝા બચી ગઈ પણ માનસિક રીતે ફરી કદી સ્વસ્થ ના થઈ શકી. દરમિયાનમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ચંદ્રમોહન પાછા ધર્મપરિવર્તન કરીને હિંદુ બની ગયેલા. હિસારમાં હિંદુ ધર્મ અપનાવતી વખતે તેમણે પોતાના સમાજની માફી પણ માંગી અને મુસલમાન બનીને ફિઝા સાથેના નિકાહ જીંદગીની સૌથી મોટી ભૂલ હોવાનું જાહેર કર્યું.  

ફિઝાએ ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેેસ સામે પ્રચાર કરેલો. ૨૦૧૧માં તેણે પોતાના રાજકીય પાર્ટી ફિઝા-એ-હિંદ બનાવવાની જાહેરાત કરેલી. બસપાના નેતાઓને મળીને બસપામાં જોડાવાની તૈયારી પણ તેણે કરેલી પણ રાજકીય રીતે સક્રિય ના થઈ. ફિઝાને મોહાલીમાં પાડોશીએઓ સાથે પણ સતત ઝગડા થતા. તેના કારણ ત્રણ વાર જેલમાં પણ જવું પડેલું.

ફિઝા પોતાની હરકતોના કારણે સતત ચર્ચામાં રહેતી ત્યાં અચાનક જ તેનો કરૂણાંત આવી ગયો. ૨૦૧૨ના ઓગસ્ટમાં તેના ઘરમાંથી તેની લાશ મળી. ચાર દિવસથી ઘરમાં પડેલી લાશ કોહવાઈ ગઈ હતી ને કીડા ખદબદતા હતા. પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં બાહ્ય ઈજાનાં નિશાન ના મળતાં પોલીસે ફિઝાના મોતને આપઘાત ગણાવીને કોઈ તપાસ ના કરી. ચંદ્રમોહન ફિઝાની લાશને જોવા પણ ના આવ્યો. 

ચંદ્રમોહન રાજકીય સંન્યાસ લઈને અલિપ્ત થઈ ગયેલા. ૨૦૧૪માં નાના ભાઈ કુલદીપની હરિયાણા જનહિત કોંગ્રેેસ માટે થોડો સમય કામ કર્યા પછી ચંદ્રમોહન ગાયબ થઈ ગયેલા. ૨૦૧૬માં કુલદીપે પોતાની પાર્ટી કોંગ્રેસમાં ભેળવી દીધી ત્યારે ચંદ્રમોહન પણ કોંગ્રેસમાં ગયા પણ સક્રિય નહોતા. ૨૦૧૯માં ચૂંટણી લડયા પછી પણ એ સક્રિય નહોતા. હવે અચાનક જ સક્રિય થયા છે ત્યારે શું કરી શકે છે એ જોવાનું છે.

ફિઝાનાં પહેલાં લગ્નમાં એક વર્ષમાં ડિવોર્સ થઈ ગયેલા

અનુરાધા બાલી ઉર્ફે ફિઝાની લાઈફ સ્ટોરી બિલકુલ ફિલ્મી છે. અનુરાધાના પિતા ધરમપાલ ચંદીગઢમાં મિલિટરી એન્જીનિયરિંગ સર્વિસમાં હતા. અનુરાધાને તેમણે કોન્વેન્ટમાં ભણાવેલી. અનુરાધા પછી એલએલબી કરીને વકીલ બનેલી. ૧૯૯૫માં ૨૪ વર્ષની ઉંમરે અનુરાધાનાં લગ્ન ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન સાથે થયેલાં પણ એક વરસ પછી ડિવોર્સ થઈ ગયેલા. 

અનુરાધા ચંદીગઢમાં પ્રેક્ટિસ કરતી હતી ત્યારે હુડ્ડા પરિવારના સંપર્કમાં આવી હતી. હુડ્ડા પરિવારને કેટલાક કેસમાં મદદ કરી તેના બદલામાં તેને ૨૦૦૫માં હુડ્ડા મુખ્યમંત્રી બન્યા પછી આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ બનાવાઈ હતી. એ દરમિયાન તે ચંદ્રમોહનના સંપર્કમાં આવી ને સાત વર્ષમાં માત્ર ૪૧ વર્ષની ઉંમરે તો તેનો કરૂણાંત આવી ગયો.

ફિઝાને ઝેર આપીને મારી નંખાયાની આશંકા વ્યક્ત કરાયેલી

અનુરાધા ઉર્ફ ફિઝાનું મોત રહસ્યમય હતું ને હત્યાની આશંકા પણ વ્યક્ત કરાયેલી. અનુરાધાને પાડોશીઓ સાથે ઝગડા થતા તેથી કોઈની સાથે સંબધો નહોતા. આ કારણે તેની લાશ ચાર દિવસ સુધી ઘરમાં પડી હતી છતાં કોઈને ખબર ના પડી. તેના કાકા સતપાલે ફોન કર્યો પણ તેણે ફોન ના ઉપાડતાં સતપાલ ઘરે આવ્યા ત્યારે મોતની ખબર પડી. 

અનુરાધાની લાશ પાસેથી દારૂની બોટલ મળેલી પણ સતપાલના કહેવા પ્રમાણે અનુરાધા દારૂ નહોતી પીતી. અનુરાધાને દારૂના બહાને ઝેર પિવડાવીને મારી નંખાઈ હોવાની આશંકા તેમણે વ્યક્ત કરેલી. અનુરાધા ઉપરના બેડરૂમમાં જ સૂતી પણ લાશ નીચેના બેડરૂમમાંથી મળી એ પણ શંકાસ્પદ હતું. 

અનુરાધાને તેનાથી ઉંમરમાં બહુ નાના ટીવી ચેનલના કેમેરામેન સાથે અંગત સંબંધો હોવાનું પણ કહેવાતું હતું. પોલીસે તેની પૂછપરછ પણ કરેલી પણ તેમાં કશું બહાર નહોતું આવ્યું.

Gujarat