- ધ્વનિ પ્રદુષણને કારણે પક્ષીઓ રોજિંદી કામગીરી કરી શકતા નથી, મેટિંગ કરી શકતા નથી અને તેમનું નેવિગેશન પણ ખોટકાઈ રહ્યું છે
- પક્ષીઓ માટે ધ્વનિ માત્ર એક અવાજ નહીં પણ તેમના સમગ્ર અસ્તિત્વનો આધાર છે. તેમની અસ્તિત્વ, સંચાર, પ્રજનન, દિશા નિર્દેશન અને બીજી ઘણી બાબતો ધ્વનિ ઉપર આધાર રાખે છે. વર્તમાન સમયમાં સ્થિતિ એવી થઈ છે કે, જેમ જેમ શહેરોમાં શોરબકોર વધતો ગયો છે, માનવીય કામગીરીઓ વધી રહી છે તેમ તેમ પર્યાવરણ ઉપર વિપરિત અસર પડતી રહી છે : પક્ષીઓ અવાજ દ્વારા જ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા હોય છે. તેમના અવાજમાં રહેલી તીવ્રતાના આધારે જ તેમનો પ્રેમ, તેમનો વિરોધ, તેમનો ભય, તેમનો સંકેત, પોતાના વિસ્તારનું રક્ષણ, સામાજિક માળખું, પરિવારની ઓળખ બધું જ સંકળાયેલું હોય છે. આજનો ઘોંઘાટ આ બધું જ વેરવિખેર કરી રહ્યો છે : પક્ષીઓ તેમના અવાજ, ગાયન અને નર્તન દ્વારા તેમના મેટિંગ માટે સાથીની પસંદગી કરતા હોય છે. ચારેતરફ ઘોંઘાટ વધી ગયો છે. તેના કારણે પક્ષીઓને પોતાના અવાજ અને ગાયનમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. આ પરિવર્તન તેમની સમસ્યાનો કામચલાઉ ઉકેલ બની શકે છે પણ તેની મધુરતા અને પ્રભાવ ઘટી ગયા છે
શહેરીકરણ અને ટેક્નોલોજીના વિકાસની જે દોડ ચાલી રહી છે તેમાં આજે દુનિયા ઘણા આગળ નીકળી ગઈ છે. આ વિકસતા જતા વિશ્વમાં જે સમસ્યાઓ સર્જાઈ રહી છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી. વિકાસના પથ ઉપર દોડતી દુનિયા દ્વારા ચારેતરફ વિવિધ પ્રકારનું પ્રદુષણ ફેલાવવામાં આવ્યું છે. દુનિયાની આ ઝડપમાં એક એવું પ્રદુષણ વધ્યું છે જેની હજી પણ ધરાર અવગણના થઈ રહી છે, તે છે ધ્વનિ પ્રદુષણ. દુનિયાભરમાં ધ્વનિ પ્રદુષણની સમસ્યા ગંભીર રીતે વકરી રહી છે પણ તેના નિવારણ અંગે ખાસ પગલાં લેવામાં આવતા નથી. આ એક એવું પ્રદુષણ છે જેના અવશેષો દેખાતા નથી પણ ધીમે ધીમે તેની અસર વ્યાપક થતી જાય છે અને તેનાથી થતા નુકસાન પણ દૂરોગામી હોય છે. આ નુકસાન સમગ્ર પારિસ્થિતિક તંત્રને અસંતુલિત કરી નાખે છે. પર્યાવરણને તેનાથી જે નુકસાન થાય છે તે આપણે કલ્પી પણ શકતા નથી.
જાણકારોના મતે ધ્વનિ પ્રદુષણની સૌથી મોટી અસર પક્ષીઓને થઈ છે. પક્ષીઓનું સમગ્ર જીવન ધ્વનિ ઉપર આધારિત છે.
પક્ષીઓ માટે ધ્વનિ માત્ર એક અવાજ નહીં પણ તેમના સમગ્ર અસ્તિત્વનો આધાર છે. તેમની અસ્તિત્વ, સંચાર, પ્રજનન, દિશા નિર્દેશન અને બીજી ગણી બાબતો ધ્વનિ ઉપર આધાર રાખે છે. વર્તમાન સમયમાં સ્થિતિ એવી થઈ છે કે, જેમ જેમ શહેરોમાં શોરબકોર વધતો ગયો છે, માનવીય કામગીરીઓ વધી રહી છે તેમ તેમ પર્યાવરણ ઉપર વિપરિત અસર પડતી રહી છે. શહેરોની આસપાસ પ્રાકૃતિક વાતાવરણ નષ્ટ થઈ ગયું છે અને નષ્ટ થઈ રહ્યું છે. તે ઉપર જ સમગ્ર સજીવ સૃષ્ટિ ટકેલી છે અને પક્ષીઓનું જીવન પણ તેનો જ એક ભાગ છે.
આપણી આસપાસ કોયલના ટહુકા સંભળાતા હતા, મોરના ટહુકા સંભળાતા હતા, ચકલીઓની ચીં..ચીં..ના સ્વર આવતા હતા, કાબરોનો કલબલાટ થતો હતો. તે સિવાય મેના, પોપટ, કબુતર, હોલા, કાગડા, બુલબુલ અને બીજા ઘણા પક્ષીઓ આપણી આસપાસ વસતા હતા. તેમનો અવાજ આપણને મંત્રમુગ્ધ કરતો હતો અને તેમના અસ્તિત્વને ટકાવી રાખતો હતો. તેઓ આ અવાજ દ્વારા જ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા હોય છે. તેમના અવાજમાં રહેલી તિવ્રતાના આધારે જ તેમનો પ્રેમ, તેમનો વિરોધ, તેમનો ભય, તેમનો સંકેત, પોતાના વિસ્તારનું રક્ષણ, અજાણ્યા ખતરા સામે સાવધાની, સામાજિક માળખું, પરિવારની ઓળખ બધું જ સંકળાયેલું હોય છે. પક્ષીઓના આ જ અવાજને આપણા કારખાનાઓ અને ફેક્ટરીઓના ઘોંઘાટે, ગાડીઓના ઘોંઘાટ અને વાહનોના હોર્નના અવાજે દબાવી દીધા છે. ચારેકોર એટલો કોલાહલ છે કે, પક્ષીઓ એકબીજાનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકતા જ નથી.
જાણકારોના મતે દરેક પક્ષી પોતાના હેબિટેટ પ્રમાણે ચોક્કસ અવાજ, તેની શૈલી, તેની મર્યાદા અને તેના લક્ષણો વિકસાવે છે. તેના દ્વારા જ તે કોમ્યુનિકેશન નેટવર્ક વિકસાવે છે.
હવે સ્થિતિ એવી થઈ રહી છે, વાહનોના કારણે ચારેકોર ટ્રાફિક વધી રહ્યો છે, બાંધકામ ચાલી રહ્યા છે, ઔદ્યોગિક મશિનો ઘોંઘાટ કરી રહ્યા છે, વિમાનોનો અવાજ આવી રહ્યો છે, શહેરી વિસ્તારોમાં કોલાહલ વધી રહ્યો છે તથા શહેરી વિસ્તારો ખસત ખસતા જંગલો ઘટાડી રહ્યા છે. આ શહેરી વિસ્તારોમાં જ પક્ષીઓ રહેવા મજબૂર બન્યા છે. તેના કારણે તેમનો અવાજ પણ દબાઈ ગયો છે. તેઓ જ્યારે એકબીજા સાથે વાત કરતા હોય છે ત્યારે બાહ્ય ઘોંઘાટના કારણે મુશ્કેલી સર્જાય છે. તેમનો સંવાદ અટકી જાય છે. તેના કારણે તેઓ એકબીજાને જે સંકેત આપવા માગે છે તે યોગ્ય રીતે પહોંચી શકતા નથી. આ મિસકોમ્યુનિકેશનની અસર માત્ર તે પક્ષી ઉપર નહીં પણ તેના સમગ્ર જીવનચક્ર અને તેની સાથે જોડાયેલા અન્ય પક્ષીઓ ઉપર પણ પડે છે. આ ઘોંઘાટ અને કોલાહલને કારણે ઘણા પક્ષીઓની પ્રજાતી વિલુપ્ત થઈ ગઈ અને ઘણાની પ્રજાતી વિલુપ્ત થવાના આરે આવી ગઈ છે.
ચિંતાજનક બાબત એવી પણ છે કે, ધ્વનિ પ્રદુષણની અસર પક્ષીઓની પ્રજનન ક્ષમતા ઉપર પણ પડી છે. જાણકારોના મતે પક્ષીઓ તેમના અવાજ, ગાયન અને નર્તન દ્વારા તેમના મેટિંગ માટે સાથીની પસંદગી કરતા હોય છે. આ જોડીઓ બનાવવામાં તેમનો અવાજ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સાથીની પસંદગી, તેને સંવનન માટે આવકાર, મનાવવું, જોડી બનાવવી તે બધું જ અવાજની આપ-લે ઉપર આધાર રાખે છે. જાણકારોના મતે માદા પક્ષી તેવા જ નરની પસંદગી કરે છે જેનો અવાજ સ્પષ્ટ, જેનું ગીત મનમોહક અને શક્તિશાળી તથા જેની ફ્રિક્વન્સી લાંબા અંતર સુધી જતી હોય.
માદા પક્ષીઓ માને છે કે, આવા નર જ આનુવંશિક રીતે સારા ગુણો ધરાવતા બચ્ચાને જન્મ આપવા માટે અને મેટિંગ માટે સક્ષમ છે.
સ્થિતિ એવી થઈ છે કે, ચારેતરફ ઘોંઘાટ વધી ગયો છે. તેના કારણે પક્ષીઓને પોતાના અવાજ અને ગાયનમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. તેઓ હવે અવાજ ખૂબ જ ઉંચા સ્કેલ ઉપર લઈ જઈ રહ્યા છે અથવા તો તેમનું ગાયન ટુંકાવીને નર્તન ઉપર ભાર મુકવા મજબૂર બન્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલું આ પરિવર્તન તેમની સમસ્યાનો કામચલાઉ ઉકેલ બની શકે છે પણ તેની મધુરતા અને પ્રભાવ ઘટી ગયા છે. તેના કારણે માદાઓની ઈંડા મુકવાની ક્ષમતાને પણ અસર થઈ છે.
પક્ષીઓના ઈંડાની સંખ્યા ઘટી રહી છે. તે સિવાય ઈંડામાંથી બચ્ચા નીકળવાની સમયમર્યાદા પણ વધી રહી છે ક્યાં ઘટી રહી છે. તે ઉપરાંત ઈંડા પણ ફલિત થઈને બચ્ચા આવશે જ તેવી શક્યતાઓ પણ ઘટવા લાગી છે. તેના કારણે ઘણી પ્રજાતીના પક્ષીઓની વસતીમાં મોટો ઘટાડો થયો છે.
બીજી ગંભીર અસર એ થઈ છે કે, પક્ષીઓમાં તણાવનું પ્રમાણ વધ્યું છે. ધ્વનિ પ્રદુષણના કારણે પક્ષીઓ શિકારીઓની ઓળખ કરી શકતા નથી, ભય અને ખતરાના આભાસને પામી શકતા નથી અને સતર્ક થઈ શકતા નથી અથવા કરી શકતા નથી. સામાન્ય રીતે પ્રાકૃતિક વાતાવરણમાં પાંદડાનો અવાજ, ડાળીઓનો અવાજ, અન્ય પક્ષીઓનો શોરબકોર અથવા તેમનો ભયનો સંકેત, ચેતવણી અથવા બચાવ માટેનો અવાજ પણ બાકીના પક્ષીઓને સતર્ક કરી દે છે. જેમ જેમ શહેરીકરણ વધ્યું છે, જંગલો ઘટયા છે અને ઘોંઘાટ વધ્યો છે તેમ તેમ પક્ષીઓનું આ સાંકેતિક નેટવર્ક ઘટયું છે. તેના પરિણામે પક્ષીઓને સતત સતર્ક રહેવું પડે છે. તેમની ઉંઘ, તેમના આરામ, તેમના ભોજન અને બાકીના કાર્યોમાં પણ તેની વિપરિત અસર જોવા મળી છે. સતત સતર્ક રહેવાના કારણે લાંબાગાળે તેમની ડિફેન્સિવ સિસ્ટમ ધીમી પડી રહી છે. ધ્વનિ પ્રદુષણના કારણે જ પક્ષીઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.
ઘોંઘાટ અને મોબાઈલ તરંગોથી પક્ષીઓના માઈગ્રેશનને વ્યાપક અસર થઈ
ઉલ્લેખનીય છે કે, માણસ દ્વારા ફેલાઈવાઈ રહેલું ધ્વનિ પ્રદુષણ અને કૃત્રિમ પ્રકાશનું પ્રદુષણ અને મોબાઈલ ટાવરના તરંગોના કારણે પણ પક્ષીઓને ખૂબ જ નુકસાન થયું છે. પક્ષીઓ મોટા ભારે રોજિંદા જીવનમાં પણ પોતાના સમગ્ર હેબિટેટમાં આમથી તેમ ઉડતા હોય છે અને ભોજન શોધતા હોય છે, સાથી શોધતા હોય છે અને જીવન પસાર કરતા હોય છે. તે ઉપરાંત શિયાળાના સમયમાં વ્યાપક પ્રમાણમાં વિદેશી પક્ષીઓ માઈગ્રેશન કરીને વિવિધ સ્થળોએ જતા હોય છે.
ભારતમાં પણ અનેક દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે. આ પક્ષીઓ ધ્વનિ તરંગો દ્વારા પોતાના પ્રવાસની દિશા, ગતિ, જગ્યા બધું જ નક્કી કરતા હોય છે. તેમના આ ધ્વનિ તરંગો જ તેમના મુખ્ય સંકેત હોય છે. જાણકારો માને છે કે, હાલમાં થઈ રહેલો ભયાનક ઘોંઘાટ, રાત્રી દરમિયાન ચાલુ રહેતી લાઈટો અને તેનું અત્યંત અજવાળું, મોબાઈલ નેટવર્ક માટે લગાવેલા ટાવરોમાંથી નીકળતા તરંગો પક્ષીઓના પોતાના નેટવર્કને અને નેવિગેશનને નુકસાન પહોંચાડે છે. કૃત્રિમ ઘોંઘાટ તેમના ધ્વનિ તરંગોને અવરોધે છે અને તેના કારણે તેઓ દિશાથી ભટકે છે. તેઓ ઘણી વખત સાચી દિશામાં પાછા જઈ શકતા નથી અથવા તો ઘણા કિસ્સામા સાચી દિશામાં પહોંચી શકતા નથી. બીજી તરફ કૃત્રિમ રોશની અને પ્રકાશ પ્રદુષણની વાત કરીએ તો તેનાથી પણ પક્ષીઓને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં પ્રકાશના કારણે પક્ષીઓ અંજાઈ જાય છે અને ઈમારતો સાથે અથડાય છે. દિવસ દરમિયાન પણ મોટી ઈમારતોમાં લગાવેલા રિફ્લેક્ટર ગ્લાસના કારણે સૂર્યપ્રકાશ પાછો ફેંકાય છે અને પક્ષીઓની આંખો અંજાઈ જાય છે. તેના કારણે પણ તેમના અકસ્માત થવાના કિસ્સા સામે આવ્યા છે.
જાણકારોના મતે સ્થિતિ એવી થઈ રહી છે કે, પક્ષીઓનો નાશ થઈ રહ્યો છે અથવા તો તેઓ પોતાનું હેબિટેટ છોડે બીજે જવા લાગ્યા છે. તેની અસર એ થઈ છે કે, બીજ ફેલાવવાની પ્રક્રિયા, કિટકોની સંખ્યાને મર્યાદિત કરવાની પ્રક્રિયા અને બીજી બાબતો ખોરવાઈ રહી છે. પર્યાવરણની ફૂડ સાઈકલ પણ ખોટકાઈ રહી છે. વાયુ પ્રદુષણ અને જમીન પ્રદુષણ કે જળ પ્રદુષણ તો પર્યાવરણને નુકસાન પહોંચાડે જ છે પણ અવગણાયેલું આ ધ્વનિ પ્રદુષણ પણ પક્ષીઓનો નાશ કરવાની સાથે સાથે કુદરતની કડીને ખોરવી રહ્યું છે.


