બ્રિટનના નવા કિંગને લફરાંબાજનું ટાઇટલ આપી શકાય


- પ્રિન્સ ચાર્લ્સ હવે 73 વર્ષે ઠાવકા બન્યા છે, લફરાબાજીની જગ્યાએ હવે તો ક્લાઇમેટ ચેન્જ અને બેરોજગારોને નોકરી આપવામાં વ્યસ્ત રહે છે

- ચાર્લ્સે 1981માં 19 વર્ષની ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યાં ત્યારે તેમની ઉંમર 32 વર્ષ હતી. વચ્ચેનાં 13 વર્ષમાં ચાર્લ્સનાં ઓછામાં ઓછા 20 અફેર બ્રિટનના મીડિયામાં ગાજેલાં. આ બધી યુવતીને મજાકમાં 'ચાર્લ્સ એંજલ્સ' કહેવાતી. મજાની વાત એ છે કે, ચાર્લ્સને ડાયનાની મોટી બહેન સારાહ સાથે પણ અફેર હતું.  

બ્રિટનનાં ક્વિન એલિઝાબેથનું ગુરૂવારે નિધન થયું એ સાથે જ એક યુગ પૂરો થયો. દુનિયાના મોટા ભાગના દેશોમાં રાજાશાહી મરી પરવારી છે પણ બ્રિટને પ્રતિકાત્મક રીતે રાજાશાહીને જાળવી છે, શાહી પરિવારમાંથી જ દેશના બંધારણીય વડા આવે છે. તેમની પાસે સત્તાઓ નથી હોતી તેથી આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો છે. ક્વીન એલિઝાબેથ આ હોદ્દા પર ૧૯૫૨થી એટલે કે ૭૦ વર્ષથી હતાં. 

વિશ્વમાં બહુ ઓછી વ્યક્તિ કોઈ દેશના બંધારણીય વડા તરીકે આટલો લાંબો સમય રહી છે એ જોતાં ક્વીન એલિઝાબેથ ઈતિહાસમાં અમર થઈ ગયાં છે.  ક્વિન એલિઝાબેથની વિદાય સાથે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના નવા કિંગ બન્યા છે, પ્રિન્સ મટીને કિંગ બન્યા છે. ચાર્લ્સ ૭૩ વર્ષના છે અને બ્રિટનના ઈતિહાસમાં સૌથી મોટી વયના કિંગ બનવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

ચાર્લ્સ એકદમ રસપ્રદ અને રંગીન વ્યક્તિત્વ ધરાવતા માણસ છે. બ્રિટનના શાહી પરિવારમાં ગ્રેજ્યુએશન કરનારી પહેલી વ્યક્તિ બનનારા ચાર્લ્સની છાપ બળવાખોર તરીકેની છે. સામાન્ય રીતે શાહી પરિવારના લોકો મીડિયાથી દૂર રહે છે, સામાન્ય લોકોની સમસ્યાઓ વિશે બોલવાનું ટાળે છે. ચાર્લ્સ બ્રિટનની સરકારને સામાન્ય લોકોની તકલીફો વિશે નિયમિત રીતે પત્રો લખીને ઘોંચપરોણા કરનારા વ્યક્તિ તરીકે જાણીતા છે. શાહી પરિવારનો સરકાર સાથેનો પત્રવ્યવહાર જાહેર કરાતો નથી ચાર્લ્સે ૨૦૧૫માં આ પત્રવ્યવહાર જાહેર કરાવડાવેલો ત્યારે સૌને ચાર્લ્સના વ્યક્તિત્વના આ પાસાની ખબર પડી હતી. 

જો કે પ્રિન્સ ચાર્લ્સ તેમની ઈશ્કમિજાજી અને રંગીન તબિયતના કારણે વધારે ચર્ચામાં રહ્યા. ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન ચાર્લ્સના મામા થતા હતા. એવું કહેવાય છે કે, માઉન્ટબેટને ચાર્લ્સને સલાહ આપેલી કે, જુવાનીમાં શક્ય હોય એટલાં લફરા કરીને જલસા કરી લેવા. ચાર્લ્સે આ સલાહને માથે ચડાવીને ભરપૂર લફરાંબાજી કરી. ચાર્લ્સનું પહેલું જાણીતું અફેર ચાર્લ્સ ૧૯ વર્ષના હતા ત્યારે બહાર આવેલું. 

ચાર્લ્સે ૧૯૮૧માં પોતાનાથી ૧૩ વર્ષ નાની અને ૧૯ વર્ષની ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યાં ત્યારે તેમની ઉંમર ૩૨ વર્ષ હતી. વચ્ચેનાં ૧૩ વર્ષમાં ચાર્લ્સનાં ઓછામાં ઓછા ૨૦ અફેર બ્રિટનના મીડિયામાં ગાજેલાં. આ બધી યુવતીને મજાકમાં 'ચાર્લ્સ એંજલ્સ' કહેવાતી. મજાની વાત એ છે કે, ચાર્લ્સને ડાયનાની મોટી બહેન સારાહ સાથે પણ અફેર હતું. તેના કારણે જ ચાર્લ્સની ડાયના પર નજર પડી ને છેવટે તેની સાથે પરણી ગયેલા. ૨૮ વર્ષના ચાર્લ્સનું ડાયના સાથે અફેર શરૂ થયું ત્યારે ડાયના માત્ર ૧૬ વર્ષની હતી. ડાયના સાથે અફેર હતું ત્યારે પણ ચાર્લ્સ બીજી યુવતીઓ સાથે જલસા કરતા હતા. 

ચાર્લ્સનું પહેલું જાણીતું અફેર ચીલીના બ્રિટન ખાતેના રાજદૂતની પુત્રી લ્યુસિયા સાંતા ક્રૂઝ સાથે હતું. ચાર્લ્સ ટ્રિનિટી કોલેજમાં ગ્રેજ્યુએશન કરતા ત્યારે બંને મળેલાં. ચાર્લ્સ કરતાં લ્યુસિયા ઉંમરમાં મોટી હતી પણ ડિનર પાર્ટીમાં પહેલી નજરે પ્રેમ થયો પછી ચાર્લ્સ તેના પ્રેમમાં પાગલ થઈ ગયેલા. બંને કારમાં એકબીજામાં ખોવાઈ ગયેલાં હોય એવી તસવીરો પણ છપાયેલી. 

લ્યુસિયાએ જ ચાર્લ્સનો પરિચય કેમિલ્લા શેંડ સાથે કરાવેલો. ચાર્લ્સને કેમિલ્લા પણ ગમી ગયેલી ને તેની સાથે અફેર ચાલુ થઈ ગયેલું. ચાર્લ્સ ૧૯૭૧માં નેવીમાં ગયા ત્યારે કેમિલ્લા સાથે અફેર ચાલુ જ હતું. કેમિલ્લાએ એ વખતે રાહ જોવાનું વચન આપેલું પણ ચાર્લ્સ ૧૯૭૬ સુધી નેવીમાં જ રહ્યા તેથી કેમિલ્લાની ધીરજ ખૂટી અને તેણે એન્ડ્રુ પાર્કર સાથે લગ્ન કરી લીધેલાં. જો કે બંને ખાનગીમાં મળતાં અને જલસા કરતાં. 

ડાયના સાથે લગ્ન પછી પણ ચાર્લ્સના કેમિલ્લા સાથે સંબંધો હતા. ડાયના સાથેનું લગ્નજીવન ખરાબે ચડયું તેનું કારણ કેમિલ્લા સાથેના સંબંધો હતા. આ સંબધોના કારણે ડાયનાએ પણ લફરાંબાજી શરૂ કરી ને તેમાં જ ૧૯૯૭માં તેનું મોત થયું પછી ચાર્લ્સ અને કેમિલ્લાએ જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. બંને ૨૦૦૭મા પરણ્યાં ને અત્યારે કેમિલ્લા તેમની જીવનસાથી છે. 

ડાયના સાથે અફેર હતું ત્યારે જ ચાર્લ્સને સ્કોટલેન્ડના જમીનદાર હમિશ વોલેસની દીકરી અન્ના સાથે પણ અફેર હતું. અન્ના સાથેના  ચાર્લ્સના સંબંધો પણ બહુ ચગેલા. લાંબા અફેર પછી ચાર્લ્સને અન્નામાંથી રસ ઉડી જતાં બંનેના સંબંધોનો અંત આવેલો. આ સિવાય જ્યોર્જિયાના રશેલ, સ્પેનમાં બ્રિટિશ રાજદૂતની પુત્રી, આર્થર વેલેસ્લી, ડયુક ઓફ વેલિંગ્ટનની પુત્રી લેડી જેન વેલેસ્લી, ડેવિના શેફિલ્ડ, મોડલ ફિયોના વોટસન, સુસાન જ્યોર્જ, લક્ઝમબર્ગની પ્રિન્સેસ મારિયા એસ્ટ્રિડ, ડેલ, બેરોનેસ જેન વેલેસ્લી, ડેલ, જેન વોર્ડ સહિતની યુરોપમાં અતિ ધનિકોની પુત્રીઓ સાથે ચાર્લ્સના સંબંધો સતત ચર્ચામાં રહ્યા હતા. 

ડાયનાએ પોતાની આત્મકથામાં ચાર્લ્સ સાથેના તંગ સંબંધો વિશે વિસ્તારથી લખ્યું છે. તેમાં કેમિલ્લા સાથેના સંબંધો વિશે સનસનીખેજ આક્ષેપો કર્યા છે. ચાર્લ્સ રાજા બનવાને લાયક નથી એવું પણ ડાયનાએ લખેલું.

ચાર્લ્સ બીજા વિવાદોમાં પણ ફસાયા છે. ચાર્લ્સનું પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફંડ અન્ય દેશોના ધનિકો પાસેથી નાઈટહુડ અને નાગરિકતા માટે નાણાં લે છે એવા આક્ષેપો થયેલા છે. આ અંગેના પુરાવા રજૂ કરાતાં  ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીએ રાજીનામું આપવું પડયું હતું. ચાર્લ્સ પર ૨૦૧૩માં ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી ૧૦ લાખ પાઉન્ડ લેવાનો પણ આરોપ મૂકાયો હતા. પેરેડાઈઝ પેપર્સમાં ચાર્લ્સે ખાનગીમાં વિદેશી  કંપનીમાં નાણાં રોક્યાં હોવાનું પણ બહાર આવ્યું હતું. આ સિવાય બીજા પણ ઘણા વિવાદો ચાર્લ્સના નામે બોલે છે પણ છેલ્લાં કેટલાંક વરસોથી ચાર્લ્સ ઠાવકા બન્યા છે. લફરાંબાજી અને વિવાદોના બદલે ક્લાઈમેટ ચેઈન્જ અને બેરોજગારોને નોકરી અપાવવા જેવાં કામોમાં વ્યસ્ત થયા છે. ચાર્લ્સે પ્રિન્સ્સ ટ્રસ્ટ બનાવ્યું છે કે જેની મદદથી આઠ લાખથી વધારે યુવાનોને નોકરી અપાવી છે. બીજાં પણ સામાજિક કાર્યો કરે છે. 

આશા રાખીએ કે, ચાર્લ્સ આ જ રસ્તે ચાલતા રહે ને કિંગ તરીકેની ગરિમા જાળવે. 

બોલીવુડ એક્ટ્રેસ પદ્મિનીએ ચાર્લ્સને જાહેરમાં કિસ કરેલી

પ્રિન્સ ચાર્લ્સ ૧૯૮૦ના દાયકામાં ભારત આવ્યા ત્યારે હિન્દી ફિલ્મોની એકટ્રેસ પદ્મિની કોલ્હાપુરેએ જાહેરમાં ચાર્લ્સને પ કિસ કરીને ખળભળાટ મચાવી દીધો હતો.  પ્રિન્સ ચાર્લ્સ ૧૯૮૧માં આહિસ્તા આહિસ્તા ફિલ્મના સેટ પર ફિલ્મનું શૂટિંગ જોવા ગયા હતા. રાજકમલ સ્ટુડિયોમાં શૂટિંગ ચાલતું હતું તેથી સ્ટુડિયોના માલિક જાણીતા ફિલ્મ સર્જક વી. શાંતારામ સાથે હતા. એ વખતે જાણીતાં અભિનેત્રી શશિકલાએ ભારતીય પરંપરા પ્રમાણે આરતી ઉતારી હતી જ્યારે પદ્મિની કોલ્હાપુરેએ  પ્રિન્સ ચાર્લ્સને ફૂલોની માળા પહેરાવી હતી. પછી અચાનક જ તેમના ગાલે કિસ કરી દીધી હતી અને હસતાં હસતાં દૂર જતી રહી હતી. 

ભારતમાં એ વખતે ફિલ્મોમાં પણ આ પ્રકારનાં દ્રશ્યો નહોતાં આવતાં. મોટા ભાગની ભારતીય અભિનેત્રીઓ સંપૂર્ણ ભારતીય નારીની ઈમેજમાં બંધાયેલી હતી તેથી સાડીમાં જ દેખાતી. ફિલ્મોમાં બોલ્ડ દ્રશ્યો આપવાની તો કલ્પના પણ ના કરી શકાય ત્યારે પદ્મિનીએ જાહેરમાં કિસ કરી લીધી તેના કારણે ચકચાર મચી હતી. પદ્મિની રાતોરાત 'ધ ગર્લ હૂ કિસ્ડ પ્રિન્સ' તરીકે દેશ-વિદેશમાં જાણીતી થઈ ગઈ હતી. 

પદ્મિનીની કિસથી ચાર્લ્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે તેમને ભારતમાં આવું બને તેની અપેક્ષા નહોતી. પદ્મિની એ વખતે માત્ર ૧૬ વર્ષની હતી જ્યારે પ્રિન્સ તેનાથી બમણી વયના હતા. પદ્મિની જાણીતી અભિનેત્રી શ્રધ્ધા કપૂરની માસી છે. 

ચાર્લ્સ રાજા બન્યા પણ રાજ્યાભિષેક પછી થશે

પ્રિન્સ ચાર્લ્સને યુનાઈટેડ કિંગડમના રાજા જાહેર કરી દેવાયા છે પણ ચાર્લ્સ હજુ બ્રિટનના રાજા તરીકેનો તાજ નહીં પહેરી શકે. સેન્ટ એડવર્ડ્સનો સોનાનો લગભગ ૨.૨૩ કિલોનો તાજ પહેરવા માટે ચાર્લ્સનો વિધિવત રીતે રાજ્યાભિષેક થવો જરૂરી છે. પ્રિન્સ ચાર્લ્સે રાજ્યાભિષેક માટે રાહ જોવી પડશે કેમ કે તેની તૈયારીમાં સમય લાગતો હોય છે. 

બ્રિટનમાં રાજા બંધારણીય વડા ગણાય છે તેથી કિંગનો રાજ્યાભિષેક બ્રિટિશ સરકારનો કાર્યક્રમ ગણાય છે.  તેનો ખર્ચ સરકાર ઉઠાવે છે. બ્રિટનની નવી સરકાર આ ખર્ચને મંજૂરી આપે પછી રાજ્યાભિષેક કરાશે પણ સત્તાવાર રીતે ચાર્લ્સને રાજા જાહેર કરી દેવાયા છે. પ્રિન્સ ચાર્લ્સ કિંગ ચાર્લ્સ ત્રીજા તરીકે ઓળખાશે અને રાજા તરીકેની ફરજો અદા કરશે. 

પ્રિન્સ ચાર્લ્સના માતા ક્વીન એલિઝાબેથે પણ રાજ્યાભિષેક માટે લગભગ ૧૬ મહિના રાહ જોવી પડી હતી. ૧૯૫૨ના ફેબ્રુઆરીમાં તેમના પિતાનું અવસાન થયું પછી તેમને વારસ જાહેર કરી દેવાયાં હતાં પણ તેમનો રાજ્યાભિષેક જૂન ૧૯૫૩માં કરાયો ત્યારે તાજ પહેરાવવામાં આવ્યો હતો.

City News

Sports

RECENT NEWS