Get The App

ચિનાબ બ્રિજના જીઓટેકનોલોજીસ્ટ ડૉ.માધવી પર દેશને ગૌરવ

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
ચિનાબ બ્રિજના જીઓટેકનોલોજીસ્ટ ડૉ.માધવી પર દેશને ગૌરવ 1 - image


- ઓપરેશન સિંદુરનાં સોફિયા કુરેશી પછી વધુ એક વિદુષી મહિલા ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયાં

- કાશ્મીરના ચેનાબ બ્રિજે ડૉ.લત્તાના જીઓટેકનોલોજી ક્ષેત્રે 'ડિઝાઈન એઝ યુ ગો'નો નવો સિદ્ધાંત સ્થાપિત કર્યો. તેમની સલાહ અને ઈનપુટે આ આર્ક બ્રિજના પાયાને મજબૂત બનાવ્યો. આ સિદ્ધાંત મુજબ પુલની ડિઝાઈન બનાવતી વખતે ભૂગર્ભીય અને ભૌતિક પડકારોને ધ્યાનમાં લેવામાં આવ્યા અને રિયલ ટાઈમમાં જમીની સ્થિતિ જોઈને પુલની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો. ડૉ. લતાએ રોક એન્કરના પ્લેસમેન્ટ અને સ્થિરતા સંબંધિત ટેક્નોલોજીકલ સલાહ આપી. સાથે આ પુલને આતંકી હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે ડીઆરડીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી અને બ્રિજને ૫૦ કિલો વિસ્ફોટકો પણ પુલને નુકસાન ના પહોંચાડી શકે તેવો બ્લાસ્ટ પ્રૂફ બનાવાયો

કાશ્મીરને સમગ્ર ભારત સાથે જોડનારો રૂ. ૧૪૮૬ કરોડના ખર્ચે બનેલા ચિનાબ આર્ક બ્રિજ પર અત્યારે સમગ્ર વિશ્વની યુનિવર્સિટીના  સ્ટ્રક્ચરલ એન્જિનિયરો અને જીઓટેકનિકલ વિભાગોની નજર મંડાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ વર્ષ કરતા વધુ સમયની મહેનતથી તૈયાર થયેલા રેલવે પુલનું શુક્રવારે ઉદ્ધાટન કર્યું હતું. આ ઉદ્ધાટન પછી આખી દુનિયા ચિનાબ પુલ અને તેને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારાં ડૉ. જી. માધવી લતા અંગે જાણવા આતુર છે.

જમીનથી ૩૫૯ મીટરની ઊંચાઈ ધરાવતો અને એફિલ ટાવર કરતાં ૩૫ ફૂટ ઊંચા આ બ્રિજને બનાવવામાં ભલે આઠ વર્ષ લાગ્યા હોય. પરંતુ ડૉ. જી માધવી લતા અને તેમની ટીમે વર્ષ ૨૦૦૫થી ૧૭ વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે કુલ ૨૭૨ કિ.મી. લાંબો છે. વધુમાં કટરાથી બનિહાલ સુધી ૧૧૧ કિ.મી. લાંબા રસ્તામાં મહત્વપૂર્ણ સંપર્ક સુવિધા છે. આ પુલના નિર્માણને વર્ષ ૨૦૦૨માં મંજૂરી અપાઈ હતી, પરંતુ તેના પર છેક વર્ષ ૨૦૧૭માં કામ શરૂ થયું હતું. આ પુલના નિર્માણ કન્યાકુમારીથી કાશ્મીર સુધી રેલવે કનેક્શનનું સપનું પૂરું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પડાવ છે.

આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવામાં કાશ્મીરની ધરતીને સમજવામાં નોંધપાત્ર સમય પસાર કરનારા જીઓટેકનોલોજીના નિષ્ણાંત ડૉ.જી.માધવી લતાનું આગવું યોગદાન છે. હાલમાં ઓપરેશન સિંદુર પછી સોફિયા કુરેશી પછી કાશ્મીરને જોડતાં ચિનાબ આર્ક બ્રિજના જીઓટેકનોલોજીસ્ટ ડૉ.જી.માધવી લત્તા પર સૌનું ધ્યાન કેન્દ્રીત થયું છે. ડૉ. માધવી લતા હાલમાં આઈઆઈએસસીમાં એચએજી પ્રોફેસર છે. 

તેમણે વર્ષ ૧૯૯૨માં જવાહરલાલ નહેરુ ટેક્નોલોજી યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. તેમણે વારંગલ સ્થિત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં એમ.ટેક.નો અભ્યાસ કરતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ૨૦૦૦માં આઈઆઈટી-મદ્રાસથી ભૂ-ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી. વર્ષ ૨૦૨૧માં તેમને ભારતીય ભૂ-ટેક્નોલોજી સોસાયટી તરફથી સર્વશ્રેષ્ઠ મહિલા ભૂ-ટેક્નોલોજી રિસર્ચ એવોર્ડ એનાયત થયો હતો. તેઓ વર્ષ ૨૦૨૨માં ભારતની સ્ટેમમાં ટોપ ૭૫ મહિલાઓમાં નોમિનેટ થયાં હતાં. 

ચિનાબ આર્ક બ્રિજની એક ઘટના બહુ ચર્ચિત છે કે જ્યારે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ત્યાંના ખડકોમાં જોવા મળતી વિવિધતાઓએ એન્જિનિયરોને ચિંતામાં મુકી દીધા હતા. આવા સમયે તાત્કાલિક તેની ડિઝાઈન બદલવાના નિર્ણયાત્મક તબક્કાએ આ પ્રોજેક્ટને તેના અંતિમ પડાવ પર સફળતાપૂર્વક મૂકી દીધો. આ બ્રિજના નિર્માણની સિદ્ધી એક એવી વૈશ્વિક સિદ્ધી છે, જે વૈશ્વિક સ્તરના આર્કિટેક અને જીઓટેકનોલોજીના વિભાગો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. 

વૈશ્વિક સ્તરનું આવું અદ્ભૂત કન્સ્ટ્રક્શન બની રહ્યું હોય ત્યારે ત્યાંની જમીન અને ભૂગોળ આ સમગ્ર બ્રિજના કાર્યને કેવી રીતે સપોર્ટ કરશે તે વિષય જીઓટેકનોલોજીનો છે અનેક વર્ષોેથી ચાલી રહેલા ચિનાબ બ્રિજ પાછળ ત્યાંનો પડકારજનક ભૂપ્રદેશ, કાશ્મીરના બદલાતા જતા હવામાન અને આ વિસ્તારની માટીની તાસીરને કારણે બાંધકામ કરવું મુશ્કેલ હતું. ભૂકંપની દૃષ્ટિએ આ ક્ષેત્ર સેસ્મિક ઝોન-૪માં આવે છે. આથી આ પુલને સેસ્મિક ઝોન-૫માં પણ ટકી શકે તેવી રીતે તૈયાર કરાયો છે. એટલે કે રિક્ટર સ્કેલ પર ૭ કે ૮ની તિવ્રતાનો ભૂકંપ આવે તો પણ આ પુલ સુરક્ષિત રહી શકે છે.વધુમાં આ પુલ પ્રતિ કલાક ૨૬૫ કિ.મી.ની ગતિએ ફૂંકાતા પવનનો પણ સામનો કરી શકે છે અને આ પુલ પર ટ્રેન પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની ઝડપે દોડી શકશે. પુલમાં એવી ટેક્નોલોજી સ્થાપિત કરાઈ છે કે કોઈપણ જોખમ હોય તો વોર્નિંગ એલાર્મ આપમેળે જ વાગી ઊઠશે.

 ડા.લતાની ટીમે તમામ અવરોધો દૂર કરવા માટે  ડૉ. લત્તાની ટીમે તમામ અવરોધોને દૂર કરવા માટે 'ડિઝાઇન-એઝ-યુ-ગો અભિગમ' અપનાવ્યો હતો. આનો અર્થ એ થયો કે ભૂસ્તરીય પરિસ્થિતિઓ જેવી કે ફ્રેક્ચર્ડ ખડકો, છુપાયેલા કેવિટીઝ, અને વિવિધ ખડકોના ગુણધર્મો, જે પ્રારંભિક સર્વેમાં સ્પષ્ટ ન હતા, તેના આધારે રીઅલ-ટાઇમમાં જમીની સ્તરની સ્થિતિ જોઈને પુલની ડિઝાઈનમાં ફેરફાર કરવો. ડૉ. જી માધવી લતાની ટીમે બાંધકામ દરમિયાન મળેલી વાસ્તવિક ખડકની સ્થિતિઓની આસપાસ કામ કરવા માટે જટિલ ગણતરીઓ અને ડિઝાઇનમાં ફેરફારો કર્યા અને  આ બ્રિજની  સ્થિરતા સુધારવા માટે રોક એન્કરની ડિઝાઇન અને પ્લેસમેન્ટ પર વધુ કામ કર્યું જેના કારણે ધરતીકંપ કે ભારે વરસાદની પરિસ્થિતિઓમાં પણ આ પુલને કશું ના થાય એ પ્રકારે કામ કરવામાં આવ્યું છે. 

ડૉ.જી.માધવી લતાએ  તાજેતરમાં ઇન્ડિયન જીઓટેકનિકલ જર્નલના મહિલા વિશેષ અંકમાં 'ડિઝાઇન એઝ યુ ગોથ ધ કેસ સ્ટડી ઑફ ચેનાબ રેલવે બ્રિજ' શીર્ષક હેઠળ એક પેપર પ્રકાશિત કર્યું છે જેમાં બ્રિજની ડિઝાઇન કેવી રીતે સતત વિકસિત થઈ, જેમાં ફક્ત એકંદરે માળખું, સ્થાન અને પ્રકાર જ સ્થિર રહ્યા, તેનું વર્ણન કરવામાં આવ્યું છે, જે સાઇટની ભૂસ્તરીય પરિસ્થિતિઓને એકદમ અનુરૂપ હતું. વર્ષ ૨૦૦૦માં આઈઆઈટી મદ્રાસમાંથી જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવાનારા ડૉ. લતા આ બ્રિજના નિર્માણ પછી સૌથી વધુ ઓનલાઈન પર સર્ચ થઈ રહ્યા છે. હાલમાં ઓપરેશન સિંદુરમાં સોફિયા કુરેશી સૌથી વધુ સર્ચ વ્યક્તિત્ત્વ હતાં તેમ આ બ્રિજના નિર્માણ પછી ડૉ. જી.માધવી લત્તા પર વિશ્વના પ્લાનિંગ અને સ્ટ્રક્ચર એન્જિનિયરોનું ફોકસ વધ્યું છે.

Design as You Go : The Case Study of Chenab Railway Bridgeના તેમના હાલના એક પેપરમાં તેમણે જણાવ્યું છે કે પ્રાકૃતિક પરીબળો સામે  જેમ જેમ આગળ વધો તેમ તેમ ડિઝાઈન બનતી જાય છે અને અનુકૂળતાઓ સર્જાતી જાય છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ચિનાબ નદી પર બનેલો દુનિયાનો આ સૌથી ઊંચો આર્ક બ્રિજ મજબૂત બનાવવો પણ ભારત માટે અત્યંત મહત્વનું હતું. આ કારણે વિસ્ફોટકોની મદદથી બ્રિજને કોઈ નુકસાન ના પહોંચે તેનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. આ માટે બ્રિજના પીલર પણ એવી જ પેટર્નથી તૈયાર કરાયા છે. ડૉ. લતાએ ચિનાબ આર્ક બ્રિજના જીઓટેક્નોલોજી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે તે જ રીતે પુલની મજબૂતાઈ અને સુરક્ષાના સંદર્ભમાં ડીઆરડીઓની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે.

આ બ્રિજના નિર્માણમાં ૨૮,૬૬૦ મેટ્રિક ટન સ્ટીલ તથા ૪૬,૦૦૦ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થયો છે. આ પુલમાં ૬ લાખથી વધુ બોલ્ટ લાગેલા છે. આ પુલની કુલ લંબાઈ ૭૨૫ મીટર છે. પુલના ડેકની કુલ પહોળાઈ ૧૫ મીટર છે. પુલ ૮૨ મીટરથી લઈને ૨૯૫ મીટર સુધીના ૯૬ કેબલ પર ટકેલો છે. આ બ્રિજને આતંકીઓ કોઈ નુકસાન ના પહોંચાડી શકે તે માટે તેને બ્લાસ્ટ પ્રૂફ બનાવાયો છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌડી વચ્ચે ચિનાબ નદી પર બનેલો આ પુલ ભારતીય એન્જિનિયરિંગનું એક અનોખું મોડેલ છે. આ પુલની સુરક્ષા માટે લાંબા સમય સુધી મંથન કરાયું હતું. તેમાં કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે પણ સલાહ-મસલત કરાઈ હતી. દરેક પ્રકારના જોખમોને ધ્યાનમાં રાખીને આ પુલનો બેઝ તૈયાર કરાયો છે. આ બ્રિજને કોઈપણ પ્રકારના હુમલાથી કેવી રીતે સલામત રાખી શકાય તે માટે ડીઆરડીઓએ અચૂક પ્લાનિંગ કર્યું હતું. કોઈ આતંકી ૪૦-૫૦ કિલો વિસ્ફોટકો લઈને હુમલો કરે તો પણ પુલને નુકસાન નહીં પહોંચે.

- ઘોડા અને ખચ્ચરોની મદદથી દુનિયાનો સૌથી ઊંચો પુલ બનાવાયો

હિમાલયના ઊંચા-નીચા પર્વતો પર દુનિયાનો સૌથી ઊંચો પુલ બનાવવાનું કામ અત્યંત મુશ્કેલ હતું. આ વિસ્તારમાં પાકા રસ્તા પણ નહોતા ત્યારે પુલ ટેક્નોલોજીની સાથે ભારતીય એન્જિનિયરોની જીદનું પરિણામ છે. આ પુલના નિર્માણ સ્થળ સુધી પહોંચવું જ સૌથી મોટો પડકાર હતો. કારણ કે તે સમયે ત્યાં કોઈ પાક્કો જ નહીં કાચો રસ્તો પણ નહોતો. પર્વતો પર માત્ર સાંકડી પગદંડીઓ હતી. આજે ત્યાં ૩૬૦ મીટર ઊંચો રેલવે પુલ ઊભો છે. પુલ માટે સામાન લઈ જવા માટે સૌથી પહેલાં ઘોડા અને ખચ્ચરોની મદદ લેવાઈ હતી. અફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. નામની કંપનીએ કહ્યું શરૂઆતમાં પ્રોજેક્ટ ટીમના સભ્યોને ખચ્ચરો અને ઘોડાની મદદથી સાઈટ સુધી પહોંચાડાતા હતા. ધીમે ધીમે ત્યાં અસ્થાયી માર્ગ બનાવાયો અને પછસ્તેને સ્થાયી અને પાક્કા રસ્તામાં ફેરવાયો હતો. ચિનાબ નદીના ઉત્તરીય તટ પર ૧૧ કિ.મી. અને દક્ષિણ તટ પર ૧૨ કિ.મી. લાંબો રસ્તો બનાવવામાં આવ્યો, જેના પર ભારે-ભરખમ મશીનો, સ્ટીલ અને અન્ય જરૂરી સામાન સાઈટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. એન્જિનિયરિંગની કમાલ એવા આ પુલના નિર્માણની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ના થાય તે માટે પ્રોજેક્ટ સ્થળ પર જ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝથી પ્રમાણિત લેબ સ્થાપિત કરાઈ હતી.


Tags :