For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા પાછળ પાકિસ્તાન-ચીન ?

Updated: Mar 5th, 2023

Article Content Image

- બ્રિસ્બેનમાં દસેક દિવસ પહેલાં ઇન્ડિયન કોન્સુલેટમાં ખાલિસ્તાની ઝંડો લગાવી દેવાયો હતો, ઘટનાઓની પેટર્ન જોતાં લાગે છે કે હિન્દુઓને સીખોમાં કડવાશ ઊભી કરાઈ રહી છે

- બ્રિસ્બેનમાં લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલા માટે ખાલિસ્તાનવાદીઓએ કોંગ્રેસીઓને જવાબદાર ગણાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પોલીસ આ વાત માનતી નથી. ઓસ્ટ્રેલિયામાં રહેતા હિંદુ અને સીખોમાં કડવાશ ઉભો કરવા રમાતી હુમલાની આ ગંદી રમત પાછળ પાકિસ્તાન-ચીન હોવાની પૂરી શક્યતા છે. બંને ખાલિસ્તાનવાદીઓના ખભે મૂકીને બંધૂક ફોડી રહ્યાં છે

ઓસ્ટ્રેલિયામાં ફરી હિંદુ મંદિર પર હુમલો થયો છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં શુક્રવારની રાતે કેટલાંક તોફાનીઓએ તોડફોડ કરી હતી. આ સિવાય દીવાલો પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી સૂત્રો પણ લખાયેલાં હતા. 'ઈન્ડિયા મુર્દાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદ' અને 'મોદી ટેરરિસ્ટ' એ પ્રકારનાં સૂત્રો લખાયેલાં હતાં. 

હિંદુ શ્રધ્ધાળુ શનિવારે વહેલી સવારે આરતી કરવા આવ્યા ત્યારે મંદિરમાં થયેલી તોડફોડ અને દીવાલો પર લખાયેલાં સૂત્રો જોઈને ચોંકી ગયા. તાત્કાલિક પોલીસને જાણ કરાઈ અને પોલીસે તપાસ શરૂ પણ કરી દીધી છે. લક્ષ્મી નારાયણ મંદિરની દીવાલો પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખાયેલાં છે તેથી પહેલી નજરે જ આ કૃત્ય ખાલિસ્તાનવાદીઓનું લાગે પણ રસપ્રદ વાત એ છે કે, ખાલિસ્તાનવાદીઓએ આ અપકૃત્ય માટે કોંગ્રેસીઓને જવાબદાર ગણાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના મીડિયાના રીપોર્ટ અનુસાર આ અપકૃત્યો માટે જેની સામે આંગળી ચીંધવામાં આવે છે એ સીખ જસ્ટિસ ફોર ગ્લોબલ નામની સંસ્થાનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયામા રહેતા કોંગ્રેસના સમર્થકો આ બધું કરી રહ્યા છે ને પછી દોષનો ટોપલો સીખો પર ઢોળી રહ્યા છે. 

આ હુમલા કોણ કરાવી રહ્યું છે એ પોલીસ શોધશે પણ આ ઘટનાના કારણે ઓસ્ટ્રેલિયામા રહેતા હિંદુઓમાં ફફડાટ છે. એ સ્વાભાવિક છે કેમ કે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં હિંદુ મંદિરો પર આ ચોથો હુમલો છે. આ હુમલાઓની શરૂઆત ૧૨ જાન્યુઆરીએ મિલ પાર્કમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર હુમલાથી થઈ હતી. મંદિરની દીવાલો પર ખાલિસ્તાનતરફી અને ભારત વિરોધી ચિતરામણ કરી દેવાયું હતું.

આ ઘટનાના ત્રણ દિવસ પછી ૧૫ જાન્યુઆરીએ ખાલિસ્તાનવાદીઓએ મેલબોર્નમાં ખાલિસ્તાનની માગણીના સમર્થનમાં કાર રેલી યોજી હતી. તેના બીજા દિવસે એટલે કે ૧૬ જાન્યુઆરીએ વિક્ટોરીયા સ્ટેટના કર્રમ ડાઉન્સમાં આવેલા શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખી દેવાયાં હતાં. 

ઓસ્ટ્રેલિયામાં રહેતા હિંદુઓ થાઈ પોંગલની ઉજવણી કરવા માટે મંદિરમાં ગયા ત્યારે આ ચિતરામણ જોવા મળ્યું હતું. એ પછી વિક્ટોરીયા સ્ટેટમાં જ ઈસ્કોનના કૃષ્ણ મંદિરની દીવાલો પર ભારત તથા હિંદુ વિરોધી લખાણો લખી દેવાયાં હતાં. હવે એ જ પેટર્નથી બ્રિસ્બેનના હિંદુ મંદિરને નિશાન બનાવાયું છે. 

બ્રિસ્બેનની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ છે કેમ કે બ્રિસ્બેનમાં હજુ દસેક દિવસ પહેલાં જ ઈન્ડિયન કોન્સ્યુલેટમાં ખાલિસ્તાનનો ઝંડો લગાવી દેવાયો હતો.

 બ્રિસ્બેનમાં ભારતનાં કોન્સ્યુલ અર્ચના સિંહ ૨૨ ફેબ્રુઆરીએ ઓફિસમાં આવ્યાં ત્યારે દીવાલ પર ખાલિસ્તાનનો ઝંડો લગાવેલો હતો. ઈન્ડિયન કોન્સ્યુલેટ હાઈ સીક્યુરિટી એરીયા હોવા છતાં ત્યાં ખાલિસ્તાનવાદીઓ પોતાનો ઝંડો લગાવી ગયા તેના કારણે પોલીસ ટેન્શનમા હતી જ ત્યાં આ ઘટનાએ ટેન્શન વધારી દીધું છે. 

ઓસ્ટ્રેલિયાની ઘટનાઓ ગંભીર છે ને તેની પેટર્ન જોશો તો સમજાશે કે તેનો ઉદ્દેશ ઓસ્ટ્રેલિયામાં રહેતા હિંદુ અને સીખોમાં કડવાશ ઉભો કરવાનો છે. આ ગંદી રમત ખાલિસ્તાનવાદીઓ રમી રહ્યા છે એવું ચિત્ર ઉભું કરાઈ રહ્યું છે. ખાલિસ્તાનવાદીઓએ ભારતમાં પણ માથું ઉંચક્યું છે તેથી તેમની સંડોવણીનો ઈન્કાર ના કરી શકાય  પણ તેમની પાછળ પાકિસ્તાન અને ચીન જેવા દેશો હોવાની પૂરી શક્યતા છે. 

ભારતમાં ૧૯૮૦ના દાયકામાં ખાલિસ્તાનની ચળવળ ઉગ્ર બની અને આતંકવાદ શરૂ થયો ત્યારે તેને ભડકાવવામાં પાકિસ્તાનનો હાથ હતો. પાકિસ્તાન તન,મન, ધનથી મદદ કરેલી. અત્યારે પંજાબમાં જે ઉધામા થઈ રહ્યા છે તેમાં પણ પાકિસ્તાનનો હાથ છે જ. પાકિસ્તાનથી ડ્રોનથી શસ્ત્રો વગેરે આવી રહ્યું છે એ અમથું નથી. 

આ વખતે ખાલિસ્તાનના ચળવળીયાઓને ચીન પર મદદ કરી રહ્યું હોવાની શક્યતા છે. પાકિસ્તાન તો હવે ભિખારી થઈ ગયું છે તેથી એ ખાલિસ્તાનવાદીઓને સીધી બહુ આર્થિક મદદ ના કરી શકે પણ ચીનને સાધીને ચોક્કસ મદદ અપાવી શકે છે.  ચીનને હવે દુનિયાના દાદા બનવાની ખંજવાળ ઉપડી છે. આ ખંજવાઠની આડે આવે એ બધા દેશોને ચીન સીધી કે આડકતરી રીતે કનડી રહ્યું છે.

ચીનનું સ્પાય નેટવર્સ એટલે કે જાસૂસીની જાળ આખી દુનિયામાં ફેલાયેલી છે. ઓસ્ટ્રેલિયામાં ૧૪ લાખ જેટલા ચીના રહે છે તેથી ઓસ્ટ્રેલિયામાં તો ચીનનું મજબૂત નેટવર્ક હોય જ એ કહેવાની જરૂર નથી. ચીન ખાલિસ્તાનવાદીઓનો ઉપયોગ કરીને ભારત વિરોધી માહોલ ઉભો કરવા અને હિંદુ-સીખો વચ્ચે વેરઝેર ઉભું કરવા મથી રહ્યું હોય એવી શક્યતા નકારી ના શકાય. 

બીજી એક નોંધવા જેવી વાત એ છે કે, ઓસ્ટ્રેલિયામાં રહેતા સીખોને ખાલિસ્તાનવાદીઓ કે પાકિસ્તાન-ચીન જે કંઈ કરે છે તેમાં જરાય રસ નથી. તેનો પુરાવો ૧૫ જાન્યુઆરીએ ખાલિસ્તાનવાદી સંગઠનોએ યોજેલી રેલી છે.

 ખાલિસ્તાનની માગણીના સમર્થનમાં સીખ્સ ફોર જસ્ટિસ (એસજેઆઈ) સંગઠને મેલબોર્નમાં કાર રેલી યોજેલી. આ રેલીનો ફિયાસ્કો થઈ ગયેલો. રેલી પહેલાં દાવા કરાયેલા કે, મેલબોર્નમાં કદી જોવા ના મળી હોય એવી કાર રેલી જોવા મળશે ને સેંકડો કારો રેલીમાં ભાગ લેશે. 

આ વાતો ફાંકા સાબિત થઈ હતી ને માત્ર પચાસેક કારોની રેલી નિકળી હતી. બધાં મળીને માંડ બસો લોકો એકઠાં થયાં હશે. મેલબોર્નમાં એકલામાં જ ૬૦ હજારથી વધારે સીખો રહે છે. તેમાંથી એક ટકા સીખો પણ હાજર રહ્યા હોત તો ૬૦૦ લોકો થઈ જાત પણ એટલાં લોકો પણ હાજર ના રહ્યાં. તેના પરથી સ્પષ્ટ છે કે, ખાલિસ્તાનવાદીઓ કે બીજું કોઈ ગમે તે ઉધામા કરે પણ સામાન્ય સીખોને રસ નથી. સામાન્ય સીખો આ બધી પ્રવૃત્તિઓથી દૂર જ છે. 

ભારતમાં સીખો અને હિંદુઓ સંપથી રહે છે. બલ્કે બંને એક જ ગણાય છે. વિદેશોમાં તો હિંદુ-સીખ એકતા વધારે મજબૂત છે ને બંનેને અલગ ન ગણી શકાય એવી હાલત છે. આ એકતાને તોડવા માટેના હલકા પ્રયત્નો થઈ રહ્યા છે તેનાથી હિંદુ અને સીખ બંને અલિપ્ત છે એ સારી વાત છે.

ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષમાં સીખોની વસતી 60 ટકા વધી

વિદેશમાં સીખોની સૌથી વધારે વસતી યુ.કે અને કેનેડામાં છે જ્યારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ચોથા નંબરે છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૧ની વસતી ગણતરી પ્રમાણે સીખોની વસતી ૨.૧૦ લાખ છે અને છેલ્લાં પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં સીખોની વસતીમાં ૬૦ ટકાથી વધારેનો વધારો થયો છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૬ની વસતી ગણતરી પ્રમાણે સીખોની વસતી ૧.૩૦ લાખ હતી. પાંચ વર્ષમાં સીખોની વસતીમાં ૮૦ હજારનો વધારો થયો છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૬ની વસતી ગણતરી પ્રમાણે હિંદુઓની વસતી ૪.૪૦ લાખ હતી જે ૨૦૨૧માં વધીને ૬.૮૪ લાખ થઈ છે. મતલબ કે હિંદુઓની વસતીમાં પણ ૫૦ ટકાથી વધારેનો વધારો થયો છે. 

ઓસ્ટ્રેલિયામાં રહેતા સીખોમાંથી પચાસ ટકા જેટલા સીખો વિક્ટોરિયા સ્ટેટમાં રહે છે. મેલબોર્ન વિક્ટોરીયા સ્ટેટનું સૌથી મોટું શહેર છે કે જ્યાં ૬૦ હજારથી વધારે સીખો રહે છે.  ભારતમાં સીખોની વસતી ૨.૪૦ કરોડની આસપાસ છે. યુ.કે.માં લગભગ ૬ લાખ, કેનેડામાં ૫.૫૦ લાખ અને અમેરિકામાં ૪.૨૫ લાખની આસપાસ સીખો રહે છે. ભારત સિવાયના દેશોમાં કુલ મળીને ૨૫ લાખ જેટલા સીખો હોવાનું મનાય છે. 

મંદિર પર હુમલાની ધમકીના ફોન પાકિસ્તાનથી આવેલા

ઓસ્ટ્રેલિયામાં રહેતા સીખો ખાલિસ્તાનવાદીઓના સમર્થનમાં નથી પણ પાકિસ્તાનના એજન્ટો સીખો અને હિંદુઓને લડાવવાના ષડયંત્રના ભાગરૂપે હિંદુ મંદિરોને નિશાન બનાવાઈ રહ્યાં હોવાની પ્રબળ શક્યતા છે. બ્રિસ્બેનમાં લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો થયો એ પહેલાં ગાયત્રી મંદિરને ઉડાવી દેવાની ધમકી આપતા ફોન આવ્યા હતા.  

આ ફોન કરનારે હિંદુઓ અને હિંદુ ધર્મ વિશે બેફામ ગાળાગાળી કરીને બ્રિસ્બેનના ગાયત્રી મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસ તપાસમાં આ કોલ પાકિસ્તાનથી આવ્યો હોવાનું બહાર આવતાં પાકિસ્તાન તરફ શંકાની સોય તકાઈ રહી છે. ભૂતકાળમાં હિંદુ સંગઠનો અને હિંદુ મંદિરોને પાકિસ્તાનથી ધમકીભર્યા કોલ આવ્યા હોવાથી પાકિસ્તાન આ ગંદી રમત રમી રહ્યું હોવાની શક્યતા નકારી ના શકાય. 

 ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનીઓની વસતી નોંધપાત્ર છે. ૨૦૨૧ની વસતી ગણતરી પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ૯૧ હજાર પાકિસ્તાની રહે છે. પાકિસ્તાનને હિંદુ મંદિરો પર હુમલા કરાવવા કે ભારત વિરોધી સૂત્ર લખાવવા માટે મુઠ્ઠીભર લોકો મળી જ રહે એ જોતાં પાકિસ્તાનનો હાથ હોવાની શક્યતા નકારી શકાય નહીં.

Gujarat