mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સોનાક્ષીના સસરાના દાઉદ કનેક્શનને કારણે લવ લગ્નમાં ના આવ્યો ?

Updated: Jul 5th, 2024

સોનાક્ષીના સસરાના દાઉદ કનેક્શનને કારણે લવ લગ્નમાં ના આવ્યો ? 1 - image


- શત્રુઘ્ન સિંહા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે, સોનાક્ષીના જોડકાં ભાઈ પૈકી એકે ભાંડો ફોડયો હતો અને તેના સસરાનું દાઉદ કનેક્શન ખૂલ્લું પાડયું છે

- સોનાક્ષીના ભાઈએ ઈકબાલ રતનશીના એક રાજકારણી સાથેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. આ રાજકારણી સામેની ઈડીની તપાસ 'વોશિંગ મશીન'માં ધોવાઈ ગઈ છે એવો પણ ઉલ્લેખ છે તેથી એ અજીત પવારની એનસીપીના નવાબ મલિક હોવાનું કહેવાય છે. અત્યારે ભારતમાં એક જ 'વોશિંગ મશીન' એવું છે કે જે ભલભલા દાગ ધોઈ નાંખે છે. મલિકને દાઉદ ઈબ્રાહીમ સાથે સાંઠગાંઠના કેસમાં ઈડીએ જેલભેગા કરી દીધા હતા પણ અજીત પવાર ભાજપની પંગતમાં બેસતાં જમલિક સામેની તપાસ ધીમી થઈ ગઈ. મલિકને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન પણ મળી જતાં મલિક અત્યારે બહાર જલસા કરે છે.

મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ફિલ્મ એક્ટર સોનાક્ષી સિંહાનાં ઝહીર ઈકબાલ સાથેનાં લગ્ન થવાનાં છે એવું જાહેર થયું ત્યારથી કોઈ ને કોઈ વિવાદ થયા જ કરે છે. પહેલાં સોનાક્ષી અને ઝહીરનાં લગ્ન લવ જિહાદનો ભાગ હોવાથી શત્રુઘ્ન સિંહા લગ્નથી નારાજ છે તેથી સિંહા પરિવારમાંથી કોઈ લગ્નમાં હાજર રહે એવી વાત પહેલાં ચાલેલી. શત્રુઘ્ન પહેલાં આ મામલે ચૂપ હતો પણ પછી ગમે તે કારણોસર એ માની ગયો. 

શત્રુઘ્ને સામેથી પોતે લગ્નમાં હાજર રહેવાનો છે એવું જાહેર કરીને આ વિવાદને ટાઢો પાડયો ત્યાં સોનાક્ષી લગ્ન પછી ઈસ્લામ અંગિકાર કરીને મુસ્લિમ બની જવાની છે એવી નવી વાત આવી. સોનાક્ષીના સસરા ઈકબાલ રતનસીએ આ વાતોને સાવ ખોટી ગણાવી અને સોનાક્ષી-ઝહીરે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરતાં આ વાતનો છેદ પણ ઉડી ગયેલો. શત્રુઘ્ન પત્ની પૂનમ સાથે હાજર રહેતાં શત્રુઘ્નની નારાજગીનો મુદ્દો તો પતી ગયો પણ લગ્નમાં સોનાક્ષીના જોડિયા ભાઈ લવ અને કુશ ના દેખાતાં બંને નારાજ હોવાનો નવો વિવાદ શરૂ થઈ ગયો. 

કુશે સ્પષ્ટતા કરી કે પોતે લગ્નમાં હાજર હતો ને પોતાની પત્ની તરૂણાએ જ મેંહદી સહિતની બીજી રસમો કરી હતી તેથી એ વિવાદ તો શાંત થયો પણ બીજા ભાઈ લવે સ્વીકારી લીધું કે, પોતે લગ્નમાં હાજર નહોતો જ.  લવની આ કબૂલાતના કારણે બહુ ફરક ના પડયો હોત પણ લવે પોતાની ગેરહાજરી માટે જે કારણ આપ્યું તેના કારણે નવો વિવાદ ઉભો થઈ ગયો છે અને આ વિવાદ બહુ મોટો છે કેમ કે લવ સિંહાએ પોતાની બહેનના સસરા ઈકબાલ રતનશીના કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધો હોવાનો આડકતરો આક્ષેપ મૂકી દીધો છે. 

લવ સિંહાએ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ સાથે એક રીપોર્ટની લિંક પણ મૂકી છે. આ રીપોર્ટમાં દાવો કરાયો હતો કે, ઈકબાલ રતનશીએ પીઆર કેમ્પેઈન દ્વારા પોતાના ફેમિલી બિઝનેસ અંગે સારી સારી વાતો છપાવડાવીને પોતાના ખરાબ ધંધાને ઢાંકી દીધા છે. ઈકબાલ રતનશીના દુબઈ કનેક્શનનો પણ ઉલ્લેખ કરાયો છે. દુબઈ કનેક્શનનો મતલબ દાઉદ ઈબ્રાહીમ સાથેના સંબંધો એ કોઈને પણ કહેવાની જરૂર નથી. 

લવે આ 'રીસર્ચ' બદલ રીપોર્ટ લખનાર પત્રકારનો આભાર માન્યો છે અને આ 'રીસર્ચ'ના કારણે પોતે કેમ લગ્નમાં હાજર ના રહ્યો એ સ્પષ્ટ થઈ ગયું છે એવું પણ કહી દીધું.  શત્રુઘ્ન સિંહા તૃણમૂલ કોંગ્રેેસનો સાંસદ છે ને આ રીપોર્ટ કોલકાત્તાના પ્રતિષ્ઠિત અખબારમાં છપાયો છે એ જોતાં આ 'રીસર્ચ' પાછળ કોણ છે એ કહેવાની જરૂર નથી. ખેર, એ વાત બાજુ મૂકીએ પણ આ રીપોર્ટમાં  ઈકબાલ રતનશીના એક રાજકારણી સાથેના ગાઢ સંબંધોનો પણ ઉલ્લેખ છે. આ રાજકારણી સામેની ઈડીની તપાસ 'વોશિંગ મશીન'માં ધોવાઈ ગઈ છે એવો પણ ઉલ્લેખ છે. આ રાજકારણી અજીત પવારની એનસીપીના નવાબ મલિક હોવાનું કહેવાય છે. 

અત્યારે ભારતમાં એક જ 'વોશિંગ મશીન' એવું છે કે જે ભલભલા દાગ ધોઈ નાંખે છે. મલિકનાં પાપ પણ આ 'વોશિંગ મશીન'માં ધોવાઈ ગયાં છે. નવાબ મલિકને દાઉદ ઈબ્રાહીમ સાથે સાંઠગાંઠના કેસમાં એકનાથ શિંદેની સરકારે જેલભેગા કરી દીધા હતા. મલિક સામે ઈડીની તપાસ પણ ધમધોકાર શરૂ થઈ ગયેલી પણ અજીત પવાર ભાજપની પંગતમાં બેઠા પછી નવાબ મલિક સામેની તપાસ ધીમી થઈ ગઈ. ગયા ડીસેમ્બરમાં મલિકને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન પણ મળી જતાં મલિક અત્યારે બહાર ફરે છે ને જલસા કરે છે. મંગળવારે રાત્રે જ અજીત પવારની એનસીપીના ધારાસભ્યો સાથેની બેઠકમાં પણ મલિક હાજર રહ્યા હતા. 

મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યારે શરદ પવારની એમસીપીના નવાબ મલિક તેમાં મંત્રી હતા જ્યારે ભાજપ વિપક્ષમાં હતો. એ વખતે દેવેન્દ્ર ફડણવિસે આક્ષેપ કરેલો કે, મલિકના દાઉદ ગેંગ સાથે સંબંધો છે. મલિકે દાઉદ ગેંગનો ઉપયોગ જમીનો ખાલી કરાવીને આર્થિક ફાયદો મેળવવા કર્યો છે. 

દાઉદની બહેન હસીના પારકર અને દાઉદના બે સાથીઓની મદદથી ૨૦૦૫માં મલિકે કુર્લાની ૩૦૦ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટી માત્ર ૫૫ લાખ રૂપિયામાં ખરીદી હતી. આ કેસમાં ઈડીની તપાસ શરૂ થઈ ને મલિકને જેલભેગા કરી દેવાયા હતા. મલિક સામે બીજા કેસોમાં પણ તપાસ શરૂ થઈ હતી પણ અજીત પવાર કાકા શરદ પવારને દગો આપીને ભાજપની સરકારમાં જોડાયા પછી મલિકનાં પાપ ધોવાવા માંડયાં. મલિક સામેના કેસ હજુ પત્યા નથી પણ ઈડી સહિતની એજન્સીઓ કશું કરતી પણ નથી. મલિક સાત મહિનાથી મેડિકલ ગ્ર્રાઉન્ડ પર બહાર ફરે છે પણ તેમના જામીન રદ કરાવવા એક અરજી સુધ્ધાં કરાઈ નથી. 

નવાબ મલિક અને ઈકબાલ રતનસી વચ્ચે સંબંધો હોય તેનો મતલબ એ થાય કે, ઈકબાલ પણ અંડરવર્લ્ડ અને આતંકવાદીઓ સાથે સંકળાયેલા છે. ઈકબાલના સલમાન ખાન સાથે પણ ગાઢ સંબંધો હોવાથી સલમાન પણ દાઉદ સહિતના આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોવાનું લવે ઈશારા ઈશારામાં કહી દીધું છે. 

આ ધડાકો કર્યા પછી દબાણ આવ્યું તેમાં લવ ફસકી ગયો છે. લવે ટીપીકલ રાજકારણીની સ્ટાઈલમાં પોતાની વાતનું ખોટું અર્થઘટન કરાયું હોવાનું કહીને હાથ ખંખેરી નાંખ્યા છે. આ મુદ્દો હવે પતી ગયો છે એવું એમ કહીને લવે આખી વાત પર પડદો નાંખવા કહ્યું છે પણ લવ સિંહાના કહેવાથી વાત પતી ના જાય. 

મુંબઈનો એક ટોચનો બિઝનેસમેન દાઉદ ઈબ્રાહીમ જેવા આતંકવાદી સરદાર સાથે સંકળાયેલો હોય એ ગંભીર વાત કહેવાય. દાઉદને લગતી દરેક વાત દેશની સુરક્ષા સાથે સંકળાયેલી છે એ જોતાં ઈકબાલ રતનશી અને નવાબ મલિકના સંબંધોની તપાસ થવી જોઈએ, ઈકબાલ અને દાઉદના સંબંધોની પણ તપાસ થવી જોઈએ ને સત્ય લોકો સામે મૂકાવું જોઈએ. 

શત્રુઘ્નના જોડિયા પુત્રો લવ-કુશ માથે પડેલા છે

શત્રુઘ્ન સિંહાના પુત્રો લવ અને કુશ જોડિયા છે પણ બંને માથે પડેલા છે.  

સોનાક્ષીએ ફિલ્મોમાં થોડીઘણી સફળતા મેળવી પણ લવ-કુશ ક્યાંય ચાલ્યા નથી. લવે ૨૦૦૪માં વેબસ્ટર યુનિવર્સિટીમાંથી સ્કૂલ ઓફ માસ કમ્યુનિકેશન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે જ્યારે કુશે વિદેશમાં ફોટોગ્રાફીનો કોર્સ કર્યો છે. 

લવ સિંહા રાજકારણી અને એક્ટર છે પણ બંનેમાંથી એક પણ ઠેકાણે ચાલ્યો નથી. 

એક્ટર તરીકે લવ સિંહાએ ૨૦૧૦માં હિન્દી ફિલ્મ સદિયાં દ્વારા કારકિર્દી શરૂ કરેલી પણ ફિલ્મ સુપર ફ્લોપ થતાં લવ સિંહાને પછી કોઈએ ના લીધો. વર્ષો પછી ૨૦૧૮માં લવ સિંહા જે.પી. દત્તાની પલટનમાં પણ જોવા મળ્યો હતો પણ આ ફિલ્મ પણ નહોતી ચાલી. ફિલ્મોમાં ના ચાલતાં લવ રાજકારણમાં ગયો ને ૨૦૨૦માં બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડયો પણ ભાજપના નીતિન નબીન સામે ૩૯,૦૩૬ મતે હારી ગયો હતો. લવ ગયા વરસે પાછો ગદર ૨ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ૪૧ વર્ષનો લવ અપરણિત છે. 

કુશ ફોટોગ્રાફર અને ડિરેક્ટર કહેવાય છે પણ શત્રુઘ્ન સિંહાની ઓળખાણ વિના બીજું કામ નથી મળતું. ૨૦૧૦માં સોનાક્ષીને સલમાન ખાને દબંગ ફિલ્મમાં બ્રેક આપ્યો ત્યારે કુશને પણ કેમેરા વિભાગમાં કામ આપેલું. દબંગના ડિરેક્ટર અનુભવ કશ્યપ પણ બિહારી હોવાથી બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ તેથી અનુભવની બેશરમ ફિલ્મમાં કુશ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો.

 અનુભવ કશ્યપ જાહેરખબરોનો જાણીતો ડિરેક્ટર હોવાથી તેના કારણે કુશનું કામ પણ ચાલ્યા કરે છે. ૪૧ વર્ષના કુશે લંડનના બિઝનેસમેનની પુત્રી તરૂણા અગ્રવાલ સાથે ૨૦૧૫માં લગ્ન કર્યાં હતાં.-

ઈકબાલ રતનસીનો જાહેરમાં રીયલ એસ્ટેટ-જ્વેલરીનો બિઝનેસ

ઈકબાલ રતનસી રીયલ એસ્ટેટ અને જ્વેલરીના બિઝનેસમાં હોવાનો દાવો કરાય છે. ઈકબાલનો હિન્દી ફિલ્મોના શૂટિંગ માટે ઈક્વિપમેન્ટ્સ ભાડે આપવાનો બિઝનેસ પણ છે. 

ઝહીર ઈકબાલનો સૌથી મોટો દીકરો છે. ઝહીર સ્કોટિશ સ્કૂલમાં ભણ્યો છે કે જ્યાં રણબીર કપૂર તેનો સીનિયર હતો. બીજો દીકરો મુહમ્મદ લોઢા કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ છે અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં છે. દીકરી સનમ સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ અને કોશ્ચયુમ ડીઝાઈનર છે. સોનાક્ષી સિંહાની પર્સનલ સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરતી સનમે સલમાન માટે પણ કામ કર્યું છે. 

ઈકબાલ રતનસી અને સલમાન ખાન વચ્ચે વરસોથી ગાઢ સંબંધો છે. આ કારણે ઝહીર ઈકબાલને ફિલ્મોમાં સલમાને લોંચ કર્યો હતો. ઝહીરની પહેલી ફિલ્મ નોટબુક ચાલી નહોતી. ઝહીર નાનો હતો ત્યારના સલમાન સાથેના તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઝહીર અને સોનાક્ષીની પહેલી મુલાકાત સલમાનની પાર્ટીમાં જ થઈ હોવાનું મનાય છે.

Gujarat