- યુકેમાં એઆઈ સેફ્ટી સમિટની શરૂઆત થઈ છે ત્યારે આ સમિટમાં અમેરિકાએ એઆઈના કારણે પેદા થનારા ખતરાને ટાળવા કેટલાંક પગલાંની જાહેરાત કરી છે
- એપલના સહ-સ્થાપક સ્ટીવ વોઝનિયાક અને ટ્વિટરના માલિક એલન મસ્ક સહિત 1000થી વધુ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની અસરો અંગે અમેરિકા સહિતના દેશોની સરકારોને ખુલ્લો પત્ર લખેલો. આ ટેક ઝાર્સે પત્રમાં માંગ કરી હતી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ડેવલપમેન્ટ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ કેમ કે એઆઈના ડેવપપમેન્ટ પર પ્રતિબંધ નહીં મૂકાય તો માનવજાત માટે ઘાતક સાબિત થશે. આ ટેક નિષ્ણાતોએ કેમ પ્રતિબંધ મૂકાવો જોઈએ તેને લગતી દલીલો પણ કરી હતી. અમેરિકાએ આ ચેતવણીને ગંભીરતાથી લીધી છે એ મહત્વનું છે.
વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની ચર્ચા વચ્ચે યુકેમાં એઆઈ સેફ્ટી સમિટની શરૂઆત થઈ છે ત્યારે આ સમિટમાં અમેરિકાએ એઆઈના કારણે પેદા થનારા ખતરાને ટાળવા માટે કેટલાંક પગલાંની જાહેરાત કરી છે. અમેરિકા વતી વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આ એઆઈ સમિટમાં ભાગ લેવા ગયાં છે. હેરિસે સમિટમાં એલાન કર્યું છે કે, અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ એઆઈ સેફ્ટી ઈન્સિટયુટ બનાવશે કે જે અમેરિકામાં એઆઈના વિકાસ માટેની ગાઈડલાઈન તૈયાર કરશે.
આ ઈન્સિટયુટ એઆઈમા ટેસ્ટ માટેના માપદંડ નક્કી કરશે અને ભવિષ્યમાં કઈ એઆઈ સિસ્ટમ્સ ખતરનાક સાબિત થઈ શકે છે તેનું મૂલ્યાંકન કરીને એઆઈના ખતરાને ઓછો કરવા માટે પ્રયત્ન કરશે. આ ઈન્સ્ટિટયુટની કામગીરીનો વ્યાપ બહુ મોટો છે અને આ તો સાદી સમજ છે. બાકી એઆઈને લગતી કાયદાકીય બાબતો તથા બીજા મુદ્દા અંગે પણ સરકારી એજન્સીઓને સલાહ અને માર્ગદર્શન આપવાથી માંડીને ખતરનાક લાગે એવી એઆઈ સિસ્ટમ્સને નાથવા સહિતની તમામ જવાબદારી આ સંસ્થાના માથે રહેશે.
કમલા હેરિસની આ જાહેરાત બહુ મોટી છે કેમ કે અમેરિકાના પ્રમુખ જો બાઈડને બે દિવસ પહેલાં જ એક્ઝીક્યુટિવ ઓર્ડર બહાર પાડીને અમેરિકામાં એઆઈના વિકાસ પર વ્યાપક પ્રતિબંધો મૂક્યા હતા. આ ઓડરમાં એઆઈ સાથે સંકળાયેલા સલામતીના મુદ્દા, નાગરિકોના અધિકાર તથા સમાનાતાને લગતી બાબતો, રોજગારી પર પડનારી અસર સહિતના મુદ્દા આવરી લેવાયા હતા. આ ઓર્ડરમાં ગ્રાહકની પ્રાઈવસીની સુરક્ષા અને કામદારોનાં હિતોના રક્ષણ સહિતની કુલ ૮ મહત્વની બાબતોને આવરી લેવાઈ હતી.
આ ઓર્ડર સાથે દુનિયામાં એઆઈના વિકાસ પર નિયંત્રણો મૂકનારો અમેરિકા પહેલો દેશ બનેલો પણ તેના અમલ માટે શું કરાશે એ સ્પષ્ટતા નહોતી. કમલા હેરિસે નવું ઈન્સ્ટિટયુટ રચવાની જાહેરાત કરીને એ સ્પષ્ટતા કરી દીધી છે. બલ્કે કઈ રીતે એઆઈના ખતરા સામે લડત આપવા અમેરિકા સજ્જ છે એ પણ સ્પષ્ટ કરી દીધું છે.
અમેરિકાએ જે પગલા લીધાં છે એ પહેલું કદમ છે. સાથે સાથે એઆઈના સંભવિત ખતરા વિશે પણ લોકો બહુ માહિતગાર નથી આ કારણે બાઈડેનના એક્ઝીક્યુટિવ ઓર્ડર કે હેરિસની જાહેરાતની ગંભીરતા શું છે એ લોકોને સમજાયું નથી પણ અમેરિકાની પહેલ ક્રાંતિકારી છે ને માનવજાતના ભલા માટે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ અત્યારે 'ઈન થિંગ' એટલે કે ચલણી વિષય છે ને તેના કારણે દુનિયા કેવી રીતે બદલાઈ જશે તેની વાતો દંગ કરી દેનારી છે તેથી સૌ તેનાથી અંજાયેલાં છે. જૂની પેઢીને તેના ખતરા વિશે ખબર નથી ને તેમને એઆઈમાં પોતાનાં સંતાનોની ભવ્ય કારકિર્દી દેખાઈ રહી છે તેથી એ લોકો પોતાનાં સંતાનોને એઆઈ તરફ ધકેલી રહ્યાં છે.
મીડિયાને એઆઈની ખતરનાક અસરોની બહુ પડી નથી તેથી એઆઈનાં ગુણગાન ભરપૂર ગવાઈ રહ્યાં છે. તેનાથી અંજાઈને યંગ જનરેશન એઆઈ પાછળ ભાગી રહી છે. યંગસ્ટર્સ એઆઈમાં કારકિર્દી બનાવીને સારા ભવિષ્યના સપનાં જુએ છે પણ ટેકનોલોજી સેક્ટરના દિગ્ગજો એઆઈને વિશ્વ માટે બહુ મોટો ખતરો માને છે. વિશ્વના ટોચના ટેકનોક્રેટ્સે વારંવાર આ ખતરા વિશે દુનિયાભરની સરકારોને ચેતવી છે પણ કોઈ કશું કરતું નહોતું.
લગભગ છ મહિના પહેલાં એપલના સહ-સ્થાપક સ્ટીવ વોઝનિયાક અને ટ્વિટરના માલિક એલન મસ્ક સહિત ૧૦૦૦થી વધુ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની અસરો અંગે અમેરિકા સહિતના દેશોની સરકારોને ખુલ્લો પત્ર લખેલો. આ ટેક ઝાર્સે પત્રમાં માંગ કરી હતી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ડેવલપમેન્ટ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ કેમ કે એઆઈના ડેવપપમેન્ટ પર પ્રતિબંધ નહીં મૂકાય તો માનવજાત માટે ઘાતક સાબિત થશે. આ ટેક નિષ્ણાતોએ કેમ પ્રતિબંધ મૂકાવો જોઈએ તેને લગતી દલીલો પણ કરી હતી. અમેરિકાએ આ ચેતવણીને ગંભીરતાથી લીધી છે એ મહત્વનું છે.
અમેરિકાએ સંપૂર્ણ પ્રતિબંધ તો નથી મૂક્યો કેમ કે કોઈ પણ સેક્ટર પર સંપૂર્ણ પ્રતિબંધ ના મૂકી શકાય. તેમાં પણ ભવિષ્યમાં પડનારી અસરોને આધાર બનાવીને પ્રતિબંધ મૂકાય તો એ વિકાસને રૃંધવા દેવું કહેવાય. એઆઈનો ઉપયોગ લોકોના ભલા માટે પણ થઈ શકે છે ને એ રીતે તેનો વિકાસ થતો હોય તો તેમાં કશું ખોટું નથી. અમેરિકાએ નિયંત્રણો મૂકીને એ જ અભિગમ અપનાવ્યો છે.
અમેરિકાનું આ ફ્રેમ વર્ક કેટલું કામ કરે છે એ જોવાનું રહે છે કેમ કે એઆઈનો ભરડો વધતો જ જાય છે. ઈન્ટરનેટ વિશ્વવ્યાપી હોવાથી ઈન્ટરનેટને કાબૂમાં લેવું બહુ અઘરું છે. આ સંજોગોમાં માત્ર અમેરિકા નિયંત્રણો મૂકે તેનાથી નહીં ચાલે પણ આખી દુનિયાએ તેના માટે એક થવું પડે.
ઈન્ટરનેટનો ઉપયોગ પ્રોપેગેન્ડા અને કુપ્રચાર માટે વ્યાપક રીતે થઈ રહ્યો છે ને તેના કારણે અશાંતિ પણ ઉભી થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને લોકોમાં ખોટી માહિતી ફેલાવવાનો અને પોતાના બદઈરાદા પાર પાડવા માટે દુરૂપયોગ કરવાનું પ્રમાણ પણ વધતું જાય છે.
આ બધું રોકવા માટે દુનિયાના બધા દેશો એક થાય, એક ફ્રેમવર્ક બનાવે એ જરૂરી છે. અમેરિકાએ જે રીતે એઆઈને નિયંત્રણમાં લેવા માટે પહેલ કરી છે એવા પગલાં ભરવાં પડે. યુકેમાં ચાલી રહેલા એઆઈ સેફ્ટી સમિટમાં એ માટે સર્વસંમતિ સધાય અને દુનિયાના બધા દેશો એઆઈના ખતરાને પહોંચી વળવા માટે કમર કસે એવી આશા રાખીએ.
એઆઈના કારણે 30 કરોડ લોકો નવરા થઈ જશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસરો વ્યાપક છે પણ વિશ્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફર્મ ગોલ્ડમેન સાક્સે એઆઈના કારણે ભવિષ્યમાં રોજગારી પર શું અસર પડશે તેનો લગભગ છ મહિના પહેલાં એક રિપોર્ટ બહાર પાડેલો.
આ રીપોર્ટમાં આગાહી કરેલી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં ૩૦ કરોડ નોકરીઓનો ભોગ લઈ લેશે, મતલબ કે ૩૦ કરોડ લોકો બેકાર થઈ જશે. વિશ્વમાં અત્યારે કુલ વર્કફોર્સ ૩૩૮ કરોડ લોકોની છે. મતલબ કે, દુનિયામાં ૩૩૮ કરોડ લોકો જુદાં જુદાં કામો સાથે સંકળાયેલાં છે. આ વર્કફોર્સમાંથી ૩૦ કરોડ એટલે કે લગભગ ૮ ટકા લોકો એઆઈના કારણે બેકાર થઈ જશે એવો દાવો રીપોર્ટમાં કરાયેલો. હાલની નોકરીઓમાથી લગભગ બે તૃતિયાંશ નોકરીઓ ઓછાવત્તા અંશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હશે જ્યારે ૨૫ ટકા નોકરીઓ માટે માણસો જ નહીં જોઈએ. ક્લિનિંગ, મેઇન્ટેનન્સ, ઇન્સ્ટોલેશન, રિપેર અને કન્સ્ટ્રકશન જોબમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થશે.
'ધ પોટેન્સિયલ લાર્જ ઇફેક્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓન ઇકોનોમિક ગ્રોથ' ટાઇટલ સાથેના રીપોર્ટમાં દાવો કરાયેલો કે, એઆઈ સાથેના રોબોટ મોટા ભાગનાં ઓફિસ વર્ક કરી લે એવા છે તેથી ઓફિસને લગતાં મોટા ભાગનાં કામો રોબોટ જ કરતા હશે તેથી એડમિનિસ્ટ્રેશન અને લીગલ સેક્ટરમાં તો ધડાધડ લોકો બેકાર થશે. આ બંને સેક્ટરમાં તો લગભગ ૫૦ ટકા નોકરીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ ખાઈ જશે. સ્કીલ્ડ મેન્યુફેક્ચરિંગ સિવાયના અને ખાસ તો ઓફિસ વર્ક હોય એવાં બીજાં તમામ સેક્ટર્સ પર એઆઈની અસર પડશે.
ટેક ધુરંધરો એઆઈ પર પ્રતિબંધની તરફેણમાં: રિપોર્ટ
સ્ટીવ વોઝનિયાક અને એલન મસ્ક સહિત ૧૦૦૦થી વધુ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપમેન્ટ પર પ્રતિબંધની માગ કરી હતી. આ લોકોની દલીલ હતી કે, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સંપૂર્ણપણે બેકાબૂ બની જાય એવો ખતરો હોવાથી પાણી પહેલાં પાળ બાંધીને તેના વિકાસ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.
આ પત્રમાં લખાયું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાન્ય કામોમાં પણ લોકોની જગા લઈ રહ્યું છે ત્યારે આપણે મશીનોને આપણી ઈન્ફર્મેશન ચેનલોમાં કુપ્રચાર માટેની સામગ્રી અને ખોટી માહિતી ભરવા દેવી જોઈએ ? આપણે તમામ કામોને ઓટોમેશન પર નાંખી દેવા જોઈએ ? આપણે એવાં નોન-હ્યુમન મગજ વિકસાવવાં જોઈએ કે જે આપણું સ્થાન લઈ શકે ?
આ પત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે કઈ રીતે ખતરનાક બની શકે છે એ અંગેનાં કારણો સવિસ્તાર અપાયાં હતાં. તેમાં સ્પષ્ટ રીતે કહેવાયેલું કે, આટફિશિયલ ઇન્ટેલિજન્સને અત્યારે નહીં રોકાય તો દુનિયા મશીનોની ગુલામ બની જશે. માલિકો પોતાને અનુકુળ આવે એવા રોબોટ બનાવીને માણસોને રોબોટના હાથ નીચે કામ કરવાની ફરજ પાડશે. આ સ્થિતિ પેદા થાય એ પહેલાં એઆઈમાં તાં બધા રીસર્ચ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.


