Get The App

મિથુનને મોદીની દોસ્તી ફળી, ધાર્યા કરતાં વહેલો ફાળકે એવોર્ડ મળી ગયો

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
મિથુનને મોદીની દોસ્તી ફળી, ધાર્યા કરતાં વહેલો ફાળકે એવોર્ડ મળી ગયો 1 - image


- મિથુન બંગાળમાં મોદીને જીતાડી તો ના શક્યા પણ તેને ફાયદો થયો, ભાજપ સાથે નિકટતા ના હોત તો કદાચ દાદાસાહેબ ફાળકે એવોર્ડ ના મળ્યો હોત

- મિથુને કેમિસ્ટ્રી સાથે બી.એસસી. કર્યું પછી પૂણેના ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયામાં એક્ટિંગની તાલીમ લીધેલી પણ એક્ટિંગ કરવાના બદલે નકસવાદી બની ગયેલો. તેના નાના ભાઈનું કરંટ લાગવાથી મોત થયા પછી પરિવારના આગ્રહથી નકસલવાદ છોડીને મિથુન ઘરે પાછો ફર્યો અને મૂણાલ સેનનો સંપર્ક કર્યો. સેને તેને પહેલો બ્રેક આપતાં મિથુને ૧૯૭૬માં મૃગયા ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરેલી. આર્ટ ફિલ્મ મૃગયા માટે મિથુનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળેલો. પોતાની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મેળવનારો મિથુન એક માત્ર હિંદી એક્ટર છે.

ભારતમાં સિનેમામાં યોગદાન બદલ અપાતો સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૨૦૨૩ના વર્ષ માટે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને આપવાની જાહેરાત કરાઈ છે. મિથુન ચક્રવર્તી ભાજપ સાથે જોડાયેલો છે અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ ભારત સરકાર આપે છે તેથી મિથુનને ભાજપની ચમચાગીરી કરવા માટે એવોર્ડ અપાયો હોવાની કોમેન્ટ્સ થઈ રહી છે પણ આ ટીકા અધકચરી છે. 

ભારતીય સિનેમામાં અત્યારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે મિથુન કરતાં વધારે લાયક કલાકારો અને સર્જકો છે પણ મિથુન સાવ લાગવગના જોરે એવોર્ડ લઈ ગયો હોય એવું પણ નથી. મિથુનની ભાજપ સાથેના કનેક્શને તેને એવોર્ડ ધાર્યા કરતાં વહેલો અપાવ્યો પણ સામે ભારતીય સિનેમામાં તેનું નોંધપાત્ર યોગદાન પણ છે જ. મિથુને ૧૦૦થી વધારે સુપરહીટ ફિલ્મો આપી છે અને તેના જેટલી સુપરહીટ ફિલ્મો હિન્દી સિનેમામાં બીજા કોઈ એક્ટરે આપી નથી. મિથુનની ૧૯૮૨માં આવેલી ડિસ્કો ડાન્સર ભારતીય સિનેમામાં ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી પહેલી ફિલ્મ હતી. 

એક સમય એવો હતો કે જ્યારે દર મહિને મિથુનની કોઈ ને કોઈ ફિલ્મ રીલીઝ થતી ને હીટ પણ થતી. યંગસ્ટર્સ મિથુન પાછળ પાગલ હતા ને તેની સ્ટાઈલની નકલ કરતા. મિથુન લાંબા વાળ રાખીને કાન પાસે કલમ જ નહોતો રાખતો તો એ હેર સ્ટાઈલની યંગસ્ટર્સ કોપી કરતા, મિથુન થ્રી-ફોર્થ સ્લીવ સાથેનો ઈલાસ્ટિકવાળો પીળા રંગનો શર્ટ પહેરે તો યુવાનો એ શર્ટ પહેરતા ને થીયેટરમાં મિથુન 'કોઈ શક ?' બોલે કે સિક્કાનો વરસાદ થતો. હિંદી સિનેમામાં ડિસ્કો ડાન્સનો ક્રેઝ મિથુન લાવ્યો અને યંગસ્ટર્સ તેની પાછળ પાગલ હતા. મિથુન લિવિંગ લીજેન્ડ છે તેથી ફાળકે એવોર્ડને લાયક તો છે જ. 

મિથુનની જીંદગી અને કારકિર્દી બંને રસપ્રદ છે. કોલકાત્તાના હિંદુ પરિવારમાં જન્મેલા મિથુને કેમિસ્ટ્રી સાથે બી.એસસી. કર્યું પછી પૂણેના ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયામાં એક્ટિંગની તાલીમ લીધેલી પણ એક્ટિંગ કરવાના બદલે નકસવાદી બની ગયેલો. તેના નાના ભાઈનું કરંટ લાગવાથી મોત થયા પછી પરિવારના આગ્રહથી નકસલવાદ છોડીને મિથુન ઘરે પાછો ફર્યો અને મૂણાલ સેનનો સંપર્ક કર્યો. 

સેને તેને પહેલો બ્રેક આયો અને મિથુને ૧૯૭૬માં મૃગયા ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરેલી. આર્ટ ફિલ્મ મૃગયા માટે મિથુનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળેલો. પોતાની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મેળવનારા મિથુને એ પછી પોતાની કારકિર્દીમાં ભાગ્યે જ આર્ટ ફિલ્મો કરી કેમ કે કોમર્શિયલ ફિલ્મોમાં મિથુનને જબરદસ્ત સફળતા મળી. મિથુન ફિલ્મોમાં આવ્યો ત્યારે અમિતાભ બચ્ચન સુપરસ્ટાર હતો. જે નિર્માતાઓને અમિતાભ બચ્ચનની ફી નહોતી પરવડતી એ નિર્માતા મિથુનને લેતા તેથી મિથુન ગરીબોના અમિતાભ બચન તરીકે જાણીતો થયો. 

મિથુને ૧૯૮૦ના દાયકામાં ઘણી સુપરહીટ ફિલ્મો આપી પણ ૧૯૯૦ના દાયકામાં મિથુનના વળતાં પાણી શરૂ થયાં પછી મિથુને ફિલ્મ નિર્માણનું નવું મોડલ વિકસાવ્યું. મિથુન ઉટીમાં જઈને વસેલો ને પોતાની હોટલ બનાવેલી. મિથુને સાવ નવી હીરોઈનો સાથે એકદમ સસ્તામાં ફિલ્મો બનાવવા માંડી કે જેનું શૂટિંગ ને પોસ્ટ પ્રોડક્શન પણ ઉટીમાં થતું. આ રીતે પાંચેક વર્ષમાં મિથુને પચાસેક ફિલ્મોનો ઢગ કરી દીધેલો. 

મિથુને ૧૯૯૦ના દાયકામાં બંગાલી ફિલ્મોમાં કામ કર્યું કે જેમાં રામકૃષ્ણ પરમહંસની ભૂમિકા બદલ નેશનલ એવોર્ડ પણ મળ્યો. બંગાળીમાં મિથુને ચાકા, તિતલી, ફેરારી ફૌજ, સંતર્ષ સહિતની બહુ વખણાયેલી ફિલ્મો પણ કરી. મિથુને હિન્દી ફિલ્મોમાં પણ આ જ ફોર્મ્યુલા અપનાવીને કેરેક્ટર રોલ કરવા માંડયા. ઓ માય ગોડ અને તેની સિક્વલ, ગોલમાલ ૩, કિક, હાઉસફુલ ૨, ખિલાડી ૭૮૬ સહિતની ફિલ્મોમાં મિથુનના રોલ વખણાયા છે ને નવી પેઢી પણ મિથુનથી પરિચિત થઈ. 

મિથુન ૨૦૧૦ના દાયકામાં રાજકારણમાં આવ્યો. મિથુનનું બંગાળના રાજકારણમાં કોઈ યોગદાન નથી પણ મૂળ બંગાળી ને હિન્દી ફિલ્મોનો સુપર સ્ટાર હતો એટલે મમતાએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના ત્રણ મહિના પહેલાં એટલે કે ફેબ્રુઆરીમાં  મિથુનને રાજ્યસભાનો સભ્ય બનાવેલો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં મોટા પ્રમાણમાં ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝને  મેદાનમાં ઉતાર્યાં તેની સામે મિથુને મમતાનો પ્રચાર કરેલો.

મિથુનની આકરી ટીકા થયેલી કેમ કે હિન્દી ફિલ્મોમાં મિથુનને કારકિર્દી ઘડવામાં મદદરૂપ બપ્પી લાહિરીને હરાવવામાં મિથુને મહત્વની ભૂમિકા ભજવી હતી. બપ્પીદા ભાજપની ટિકીટ પર શ્રીરામપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતરેલા. તેમનો મુકાબલો બે વાર ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્ય કલ્યાણ બેનરજી સામે હતો. મિથુન 'ગરીબ નિર્માતાઓનો અમિતાભ બચ્ચન' કહેવાતો.  સંગીતમાં બપ્પી લહેરીની હાલત પણ એવી જ હતી. હિન્દી ફિલ્મોમાં  લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી અને રાહુલ દેવ બર્મન જેવા ધુરંધર સંગીતકારોનો જમાનો હતો. જેમને આ ત્રણેયનો ભાવ ના પરવડે એ બપ્પી લહેરીને લેતા. મિથુનને લેનારા 'ગરીબ નિર્માતાઓ' માટે બપ્પી લહેરી પહેલી પસંદગી બન્યા હતા.

બપ્પી લહેરી વેસ્ટર્ન મ્યુઝિકની ઉઠાંતરીમાં હોંશિયાર હતા. પશ્ચિમની ઘૂનો ઉઠાવીને ચિપકાવી દેવામાં માહિર બપ્પી લહેરીએ  મિથુનની ફિલ્મો માટે વેસ્ટર્ન સ્ટાઈલનું  સંગીત આપ્યું. મિથુનદા ડિસ્કો ડાન્સરથી સુપરસ્ટાર બન્યા તેમાં સંગીત બપ્પીદાનું હતું. મિથુનની મોટા ભાગની હીટ ફિલ્મોનું સંગીત બપ્પીદાએ આપેલું. મિથુનને ડિસ્કો ડાન્સર તરીકે સ્થાપિત કરનારા બપ્પીદા અને મિથુન વચ્ચે  ગાઢ મિત્રતા હતી પણ મિથુને એ મિત્રતાને ભૂલાવી દીધેલી. મમતાએ  મિથુનને પ્રચારની જવાબદારી સોંપી  હતી. મિથુને બપ્પીદા સાથેના અંગત સંબધોને ખાતર તેમની સામે પ્રચાર કરવા જેવો નહોતો એવું મોટા ભાગનાં લોકોનું માનવું હતું પણ મિથુને રાજકીય ફાયદાને વધારે મહત્વ આપ્યું તેમાં બપ્પીદાની કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગઈ.

મિથુને વરસો પછી મમતાને પણ છોડી દઈને તેમની સાથે પણ ગદ્દારી કરીને મોદીનો હાથ પકડી લીધેલો. મિથુન બંગાળમાં મોદીને જીતાડી તો ના શક્યો પણ તેને ફાયદો થયો. ભાજપ સાથે નિકટતા ના હોત તો કદાચ દાદાસાહેબ ફાળકે એવોર્ડ ના મળ્યો હોત.

ગુજરાતી થીયેટરની એક્ટ્રેસ સાથે પહેલાં લગ્ન, શ્રીદેવી સાથે લાંબો સમય લગ્નેતર સંબંધો

મિથુન ચક્રવર્તીની અંગત જીંદગી અત્યંત રસપ્રદ છે. મિથુને પહેલાં લગ્ન એક્ટ્રેસ હેલેના લ્યુક સાથે કર્યાં હતાં. તુર્કીશ પિતા અને એંગ્લો ઈન્ડિયન ક્રિશ્ચિયન માતાની દીકરી હેલેના નાની ઉંમરે ગુજરાતી થીયેટરમાં આવી ગયેલી. ૯ વર્ષ સુધી ગુજરાતી નાટકોમાં કામ કરનારી હેલેના સાથે મિથુને ૧૯૭૯માં લગ્ન કર્યાં પણ ચાર મહિનામાં જ બંનેના ડિવોર્સ થઈ ગયેલાં. 

ડિવોર્સ વખતે હેલેના પ્રેગનન્ટ હતી તેથી  અમેરિકા જતી રહેલી કે જ્યાં હેલેનાને એક દીકરો થયેલો એવું કહેવાય છે. હેલેનાની ૧૯૮૨ અને ૧૯૮૩માં દો ગુલાબ, આઓ પ્યાર કરેં, ભાઈ આખિર ભાઈ હોતા હૈ વગેરે ફિલ્મો આવેલી. હેલેના પછી અમેરિકા પાછી જતી રહી કે જ્યાં ડેલ્ટા એરલાઈન્સમાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કામ કરીને નિવૃત્ત થઈ. હેલેનાના પછી જાવેદ ખાન સાથે સંબંધ હતા. 

મિથુને ૧૯૮૦માં કિશોર કુમાર સાથે ડિવોર્સ લેનારી યોગિતા બાલી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી મિથુનને મિમોહ, ઉશ્મેય, નમશી એમ ત્રણ સંતાન થયાં. આ સિવાય તેમણે દિશાની નામની છોકરીને દત્તક પણ લીધી છે. 

મિથુનનાં પદ્મિની કોલ્હાપુરે, સારિકા, જયા પ્રદા અને શ્રીદેવી જેવી સફળ અભિનેત્રીઓ સાથે લગ્નેતર સંબંધો પણ રહ્યા હોવાનું કહેવાય છે. જાગ ઉઠા ઈન્સાનના શૂટિંગ દરમિયાન શ્રીદેવી સાથે મિથુનનો રોમાન્સ શરૂ થયેલો. બંનેએ ખાનગીમાં લગ્ન પણ કરી લીધેલાં. ચાર વર્ષ સુધી બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતાં હતાં પણ મિથુન પત્નીને છોડવા તૈયાર નહોતો તેથી શ્રીદેવીએ સંબંધોનો અંત લાવી દીધેલો. 

મોદીની હાજરીમાં મમતા સામે મિથુને હુંકાર કરેલો મૈં કોબરા હૂં, એક બાર ડસ કે ખતમ કર દૂંગા

પશ્ચિમ બંગાળની ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી પહેલાં મિથુન ચક્વર્તી પોતાને રાજકારણમાં લાવનારાં મમતા બેનરજીને છોડીને નરેન્દ્ર મોદીની પંગતમાં બેસી ગયેલો.  ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને મમતાને હરાવવા પૂરી તાકાતથી મચી પડેલા તેથી મીડિયાએ મમતા હારી જશે એવી હવા ઉભી કરી દીધેલી. મિથુનને પણ એવો વહેમ હતો એટલે ભાજપમાં જોડાયા પછી બહુ ચગેલો. 

મોદીની હાજરીમાં જોડાયા પછી મિથુને ડાયલોગ ફટકારેલો કે, હું જોલધરા સાપ નથી કે બોલેબોરા સાપ પણ નથી પણ કોબરા છું, એક જ દંશમાં કામ પૂરું કરી નાંખીશ. મિથુને મોદીની સભામાં ડાયલોગ ફટકારેલો કે, મૈં મારુંગા યહાં ઓર લાશ ગિરેગી સ્મશાન મેં.

મિથુન દરેક સભામાં નવા ડાયલોગ ફટકારતો ને લોકો ઝૂમી ઉઠતા તેથી રાજાપાઠમાં આવી જતો. મમતા પર અંગત પ્રહારો કરતા ડાયલોગ એ ફટકાર્યા કરતો હતો. મમતાએ મોદી-શાહ બંનેની આબરૂના ધજાગરા કરીને ચૂંટણી જીતી પછી પોતાની સામે પડનારાં બધાંનો વારો પાડી દીધેલો. મિથુનનો પણ તેમાં વારો પડી ગયેલો.

News-Focus

Google NewsGoogle News