દિલ્હીની વાત : સોનાલી હત્યા કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો આક્ષેપ


નવીદિલ્હી : સોનાલી ફોગાટ હત્યાકાંડને મુદ્દે જાટ સમાજ મેદાનમાં આવતાં ભાજપમાં તણાવ છે. જાટ સમાજની પહેલના પગલે  જાટ ધર્મશાળામાં  સર્વજાતીય ખાપની મહાપંચાયત બોલાવાઈ તેમાં નિર્ણય લેવાયો કે, સરકાર સીબીઆઈ તપાસ નહીં કરે તો બધા જંતર મંતર પર વિરોધ કરશે. આ ખાપ મહાપંચાયતમાં સોનાલીની પુત્રી અને પરિવારજનોને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં ભાજપમાં જોડાયેલા કુલદીપ બિશ્નો સામે પણ આક્ષેપો કરાયા છે.

કુલદીપ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તેથી તેમની બેઠક પર પેટાચૂંટણી થશે. પેટાચૂંટણી દરમિયાન કુલદીપ મત માંગવા જાય ત્યારે તેને ગામમાં ઘૂસવા દેવામાં ના આવે ને ચૂંટણી દરમિયાન મત પણ ના આપવામાં આવે એવો સંકલ્પ તમામ ખાપ આગેવાનોએ લીધો.  કુલદીપે સોનાલીના અંતિમ સંસ્કાર દરમિયાન પણ મત માંગ્યા હતા તેની આકરી ટીકા કરાઈ છે. ખાપ નેતા દલજીત પંઘાલે ભજન સલાલ અને કુલદીપ બિશ્નોઈ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ મૂકીને હુંકાર કર્યો કે, મહાસભા તેના કોઈ કાર્યક્રમ થવા દેશે નહીં. કેટલાક આગેવાનોએ આ વાતનો વિરોધ કર્યો હતો.

અજીત પવાર ચાલુ અધિવેશને ઉઠીને જતા રહ્યા

એનસીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં શરદ પવારની ચાર વર્ષ માટે પ્રમુખપદે વરણી કરાઈ તેના કારણે અજીત પવાર નારાજ હોવાનું કહેવાય છે. અધિવેશનના છેલ્લા દિવસે અજીત પવારે શરદ પવારના સમાપન પ્રવચન પહેલાં પ્રવચન આપવાનું હતું. તેની સ્ટેજ પરથી જાહેરાત પણ કરાઈ પણ અજીત શરદ પવારની સામે જ સ્ટેજ પરથી ઉભા થઈને જતા રહ્યા.

સુપ્રિયા શૂલે તેમની પાછળ પાછળ ગયાં અને તેમને સમજાવવા પ્રયત્ન કરતાં રહ્યાં પણ અજીત માન્યા નહીં ને પ્રવચન કરવા ના આવ્યા. અજીતને પોતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાશે એવી અપેક્ષા હતી પણ એ અપેક્ષા ના ફળતાં તે નારાજ થઈ ગયા હોવાનું મનાય છે.

અધિવેશનમાં  એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે જાહેરાત કરી કે, શરદ પવાર ક્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર હતા નહીં અને  ક્યારેય બનશે પણ નહીં. અલબત્ત દેશની રાજકીય પરિસ્થિતિને જોતાં એનસીપીએ મોટી ભૂમિકા ભજવવાની છે. કેસીઆર, સ્ટાલિન, મમતા બેનર્જી, સીતારામ યેચુરી, ચૌટાલા અને કોંગ્રેસી નેતા પવાર પાસે આવે છે. તેની પાછળ પવારનું વિઝન છે. પવાર જ બધા પક્ષોને એક સાથે લાવી શકે છે.

ભાજપ શિવરાજસિંહને સ્થાને સિંધિયાને લાવશે

મધ્ય પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અચાનક સક્રિયતાને કારણે એવી અટકળો ચાલી રહી છે કે, ભાજપ ૨૦૨૩ની ચૂંટણી પછી  શિવરાજસિંહ ચૌહાણને હટાવીને જ્યોતિરાદિત્યને મુખ્યમંત્રીપદે બેસાડવા માગે છે. જ્યોતિરાદિત્યે શિવરાજને છોડીને તેમના હરીફ કૈલાસ વિજયવર્ગીય સાથે નિકટતા વધારી છે અને રાજ્યમાં બેઠકો પર બેઠકો કરી રહ્યા છે તેથી આ વાતોને વેગ મળ્યો છે.

જ્યોતિરાદિત્યે તાજેતરમાં ગ્વાલિયરમાં અનુસૂચિત જાતિના લોકોને પોતાના હાથે ભોજન પિરસ્યું અને તેમની સાથે બેસીને એક જ થાળીમાં ભોજન પણ લીધું. સિંધિયા પરિવારમાં પહેલી વાર કોઈ વ્યક્તિ આ રીતે સાવ છેવાડાનાં લોકો વચ્ચે જઈ રહી છે.

ખરીદી જ નથી થઈ તેમાં સીબીઆઈ તપાસનો આદેશ !

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કરાયેલી ૧,૦૦૦ બસોની ખરીદીમાં કહેવાતા કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસને મંજૂરી આપતાં કેજરીવાલ સરકાર માટે નવી આફત ઉભી થઈ છે. ગયા વર્ષે ફરિયાદના પગલે બસ ખરીદીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.

જો કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મુખ્ય સચિવ નરેશ કુમારે ૯ જૂને ફરિયાદ નોંધાવતાં તપાસનો આદેશ અપાયા છે. આ ફરિયાદમાં, દિલ્હીના પરિવહન મંત્રી સામે ટેન્ડર પ્રક્રિયા, બસોની ખરીદી અને દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ સમિતિના ચેરમેનની નિમણૂકમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે.

કાનૂની નિષ્ણાતો લેફ્ટનન્ટ ગવર્નરના આદેશને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે કેમ કે જૂના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશને પગલે ખરીદી રદ કરી દેવાઈ હતી. જે સોદો જ થયો નથી તેમાં સીબીઆઈ દ્વારા શાની તપાસ કરાશે એ સવાલ છે. ભાજપના નેતા વિજેન્દર ગુપ્તાએ બસોની ખરીદી અને જાળવણીમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપ મૂકતાં તત્કાલીન ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ  સમિતીએ કોન્ટ્રાક્ટ તથા ઓર્ડર રદ કરવાની ભલામણ કરી હતી.

મતદાર યાદી મુદ્દે સોનિયા બાગીઓ સામે ઝૂક્યાં

આવતા મહિને યોજાનારી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી પહેલે બળવાખોરોએ મતદાર યાદીનો મુદ્દો ઉભો કરીને રાહુલ-સોનિયા જૂથને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ મુદ્દો ચગે નહીં એટલા માટે સોનિયા-રાહુલે બળવાખોરો સામે શરણાગતિ સ્વીકારી છે. ચૂંટણી સમિતિના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ જાહેરાત કરી છે કે, ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર તમામ પાર્ટીના નેતાઓને ઈલેક્ટોરલ કોલેજમાં સામેલ તમામ ૯ હજાર ડેલીગેટ્સની યાદી જોવા મળશે. આ યાદી પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી પાસે ૨૦ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

કોંગ્રેસના પાંચ દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી. શશિ થરૂર, કાત ચિદમ્બરમ, મનીષ તિવારી એ પાંચ સાંસદોએ પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીને પત્ર લખીને મતદાર યાદી ઉપલબ્ધ કરાવવા લખતાં  કોંગ્રેસ નેતાગીરીએ આ નિર્ણય લેવો પડયો છે.

કોંગ્રેસે પ્રમુખપદની ચૂંટણી જાહેર કરી પણ આ પ્રક્રિયા ન્યાયી અને તટસ્થ રહેવા વિશે શંકા છે. આ કારણે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા સતત રાજીનામા આપી રહ્યા છે તેથી પાર્ટી હાઈકમાન્ડે બાકીના નેતાઓની નારાજગી દૂર કરવા માટે આ પગલું ભર્યું છે.

ગેહલોતનો એનઆઈએ દ્વારા તપાસનો ભાજપને પડકાર

ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાનો મુદ્દો ઉઠાવીને ભાજપે કહેલું કે, કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણના કારણે હિંદુવાદીની હત્યા થઈ. ગેહલોતે વળતો પ્રહાર કર્યો કે, હત્યાના બીજા દિવસે ભાજપના નેતા હૈદરાબાદની ફાઈવ સ્ટાર હોટેલમાં લંચ અને ડિનર કરીને મીટિંગ કરી રહ્યાં હતાં ત્યારે હું, ગૃહ મંત્રી, મુખ્ય સચિવ, ડીજીપી કન્હૈયાલાલના ઘરે શોક વ્યક્ત કરતા હતાં.

ગેહલોતે આક્ષેપ મૂક્યો છે કે, ઉદયપુર ઘટનાનો મુખ્ય આરોપી રિયાઝ અત્તારી ભાજપનો સક્રિય સભ્ય હતો. ઘટનાના મહિના પહેલાં રિયાઝનો મકાનમાલિક સાથે વિવાદ થયો ત્યારે ભાજપના નેતાઓએ પોલીસ પર તેની સામે કેસ ન નોંધવા દબાણ કર્યું હતું. ગેહલોતે સવાલ કર્યો કે, અત્તારી ભાજપમાં જોડાયો તેના ફોટા વાયરલ થયા છે ત્યારે કોઈ રાજકીય કાવતરું હતું કે નહીં તેની એનઆઈએ દ્વારા તપાસ કરાવી લો.

* * *

કોંગ્રેસ માટે આંતરિક ચૂંટણી કસોટીભરી

કોંગ્રેસે એના કેટલાક વરિષ્ઠ નેતાઓની વધતી માગણીને તાબે થઇને એની આગામી આંતરિક સંસ્થાકીય ચૂંટણી માટેની પ્રતિનિધિ (ડેલિગેટ)- યાદીને આંશિકપણે જાહેર કરવાનું નક્કી કર્યું છે. પક્ષની આંતરિક ચૂંટણી સમિતિના વડા મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે પક્ષપ્રમુખની ચૂંટણી માટેના પ્રતિનિધિઓ (મતદારો)ને ક્યુઆર-કોડવાળા ઓળખપત્રો આપવામાં આવશે. એમના (મિસ્ત્રીના) કાર્યાલયમાં રખાયેલી આ પ્રતિનિધિઓની યાદીને કોઇપણ ઉમેદવાર જોઇ શકશે. ચૂંટણી માટે લગભગ ૯૦૦૦ પ્રતિનિધિઓ છે. કોઇપણ ઉમેદવારની ઉમેદવારી માન્ય રહે એ માટે એને ૧૦ પ્રતિનિધિઓનો ટેકો  હોવો જરૂરી છે. જો કોંગ્રેસ તાજેતરના વર્ષોના ચૂંટણી-જંગમાં એની થયેલી પીછેહઠને રોકવા અને ભાજપ સામે વિશ્વસનીય પડકાર બનીને ઉભરવા માગતી હોય તો આ આંતરિક ચૂંટણી એના માટે કસોટીપૂર્ણ બની રહેશે એમ રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું.

રાજસ્થાનનું નવું નામ કર્તવ્યસ્થાન કરો : શશી થરૂર

દિલ્હીના રાજપથ વિસ્તારનું કર્તવ્યપથરૂપે નવું નામાભિધાન કરનાર ભાજપની કેન્દ્ર સરકારને કોંગ્રેસી નેતા શશી થરૂરે માર્મિક ટિપ્પણી પૂરી પાડી છે. એમણે ટ્વિટ કર્યું કે જો રાજપથને કર્તવ્યપથ તરીકે નવું નામાભિધાન કરાતું હોય તો દેશના બધા રાજભવનો (રાજ્યપાલના કાર્યાલયો) નવા નામે, કર્તવ્યભવન ના બની રહેવા જોઇએ ? અને ત્યાં અટકવાનું શું કામ ? રાજસ્થાનને પણ કર્તવ્યસ્થાનના નવા નામની ઓળખ આપી દો, એમ એમણે કેન્દ્ર સરકારની સમજણશક્તિ પર ભારોભાર વ્યંગ કરતા કહ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૮ સપ્ટેમ્બરે પાટનગરના અગાઉના રાજપથ વિસ્તારને કર્તવ્યપથના નવા નામ સાથે ખુલ્લો મૂકતા જણાવ્યું કે આ નામ-બદલો એ વાતનું પ્રતીક બની રહેશે કે અગાઉનું રાજપથ, સત્તાનું કેન્દ્ર હતું, જે હવે બદલાઇને કર્તવ્યપથરૂપે જનતાની માલિકી અને સશક્તિકરણનું દ્રષ્ટાંત બન્યું છે.

અયોધ્યાના રામમંદિરનો બાંધકામ-ખર્ચ 1800 કરોડ : ટ્રસ્ટ

સુધારાયેલા અંદાજ મુજબ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, એમ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે આ મંદિરની નગરીમાં રવિવાર સાંજે યોજાયેલી બેઠક પછી પત્રકારોને માહિતી આપી. રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના અધ્યક્ષપદે મળેલી આ બેઠક પછી ટ્રસ્ટે એના નિયમોને પણ અંતિમ સ્વરૂપ આપ્યું છે. રાયે મંદિરના નિર્માણ-ખર્ચ વિષે કહ્યું કે કેટલાક સુધારાઓ પછી આ (૧૮૦૦ કરોડ રૂપિયાનો) ખર્ચ-અંદાજ બેઠો છે. એમાં પણ વધારો થવાની શક્યતા ખરી. ટ્રસ્ટે ભગવાન રામની પ્રતિમા બનાવવામાં શ્વેત  આરસપહાણનો ઉપયોગ કરવાનું ઠરાવ્યું છે. રામાયણ યુગના અન્ય કેટલાક દૈવી અવતારોની પ્રતિમાઓને પણ રામ મંદિરમાં સ્થાન આપવામાં આવશે, એમ રાયે ઉમેર્યું.

મોદીની રેવડી-ફિલસૂફી સામે કોંગ્રેસનો વ્યંગ

અગાઉ, ૬ ઓગસ્ટે યોજાયેલી દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસોમાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એવો દાવો કર્યો હતો કે જો તેઓ કેન્દ્ર સરકાર વિરૂધ્ધ બોલવાનું બંધ કરે તો એના બદલામાં વડાપ્રધાન મોદી એમને (મલિકને) ઉપરાષ્ટ્રપતિ બનાવી દઇ શકે. મલિકની આ જૂની વાતના આધારે કોંગ્રેસે રવિવારે કેન્દ્રને મહેણું મારતા કહ્યું કે આ છે વડાપ્રધાન મોદીની રેવડી-સંસ્કૃતિ. વાહ મોદીજી વાહ તમે તો મહાન કલાકાર નીકળ્યા. કોંગ્રેસે રેવડી સંસ્કૃતિ અથવા મફતિયા લ્હાણીના રાજકારણ વિષેની રાજકીય ચર્ચા વચ્ચે એના  સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ઉપરોક્ત ટિપ્પણીની સાથે ઉમેર્યું  છે કે કેન્દ્ર સરકાર વિરૂધ્ધ બોલશો નહિ. બદલામાં દેશના ઉપરાષ્ટ્રપતિ બનવા મળશે, એમ કોંગ્રેસે વ્યંગ કર્યો.

દિલ્હીમાં મન્કીપોક્સનો સાતમો કેસ

શનિવારે પાટનગરમાં મન્કીપોક્સનો સાતમો કેસ નોંધાયો. દિલ્હીની લોકનાયક હોસ્પિટલ સ્થિત મન્કીપોક્સના કેસો માટેના નોડલ  અધિકારી અને ડર્મેટોલોજીના પ્રાધ્યાપક ડો. વિનીત રેલ્હાને કહ્યું કે આ સાતમા દર્દી મૂળભૂતપણે નાઇજિરિયાની ૨૪ વર્ષની યુવતી છે, કે જે છેલ્લા ચાર મહિનાથી ભારતમાં છે. દિલ્હીના શારદાવિહાર વિસ્તારમાં રહેતી આ યુવતી તાવ, ગળામાં બળતરા તેમજ હાથ અને ચહેરા પર ફોલ્લીઓ જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. એને ગત બુધવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરાઇ એમ ડો. રેલ્હાને ઉમેર્યું.

- ઇન્દર સાહની

City News

Sports

RECENT NEWS