દિલ્હીની વાત : ખાંડુએ ટ્વિટ ડીલીટ કરતાં લોકડાઉન લંબાવાની અટકળો
ખાંડુએ ટ્વિટ ડીલીટ કરતાં લોકડાઉન લંબાવાની અટકળો
નવીદિલ્હી, તા.02 એપ્રિલ 2020, ગુરુવાર
નરેન્દ્ર મોદી ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન ચાલુ રાખશે એવી અટકળો તેજ બની છે. આ અટકળો પાછળનું કારણ અરૂણાચલ પ્રદેશના ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુની ટ્વિટ છે. મોદીએ શુક્રવારે વીડિયો મેસેજ આપવાની જાહેરાત કરતાં આ વાતોને વધારે વેગ મળ્યો છે.
મોદીએ ગુરૂવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના કટોકટીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મોદીએ લોકડાઉન ચાલુ રાખવું કે નહીં તે અંગે ચર્ચા કરી. બેઠક પછી ખાંડુએ ટ્વિટ કરી કે, લોકડાઉન ૧૫ એપ્રિલે પૂરો થઈ જશે. ખાંડુએ મિનિટોમાં આ ટ્વિટ ડીલીટ કરીને નવી ટ્વિટ કરી કે, લોકડાઉનના સમય અંગે પહેલાં કરાયેલી ટ્વિટ એક અધિકારીઓ કરી હતી. તેમનું હિંદીનું જ્ઞાાન મર્યાદિત છે તેથી જૂની ટ્વિટ હટાવી લીધી છે.
ખાંડુએ ભલે આ સ્પષ્ટતા કરી પણ એવું મનાય છે કે, પીએમઓમાંથી સૂચના પછી ખાંડુએ આ ટ્વિટ ડીલીટ કરી. તેના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે, મોદી હજુ લોકડાઉન હટાવવાના મૂડમાં નથી. સરકારી સૂત્રોનું પણ કહેવું છે કે, લોકડાઉન સંપૂર્ણપણ નહીં હટાવાય ને કેટલાંક નિયંત્રણો તો ચાલુ રહેશે.
ડોવાલની ખાતરી પછી મૌલાના સાદના સૂર બદલાયા
તબલીગી જમાતના વડા મૌલાના સાદ પોલીસ ફરિયાદ પછી ફરાર છે ત્યારે તેમની નવી ઓડિયો ટેપ બહાર આવી છે. જમાતની યુ ટયુબ ચેનલ પર મૂકાયેલી આ ટેપમાં મૌલાના અનુયાયીઓને કહે છે કે, ડોક્ટર પાસે જવું શરીયત વિરૂધ્ધ નથી તેથી લોકો ડોક્ટર પાસે જઈને ઈલાજ કરાવે. મૌલાનાએ તો અનુયાયીઓને સરકારને મદદ કરવા અને હવે પછી ક્યાંય આ રીતનો કાર્યક્રમ નહીં કરવા પણ કહ્યું છે. આ પહેલાં મૌલાનાએ 'મસ્જિદ સે અચ્છી મૌત નહીં' એવો સંદેશો આપીને લોકોને જલસામાં ભેગા થવા હાકલ કરેલી.. મૌલાના ઢીલા પડી ગયા એ માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ જવાબદાર મનાય છે. જમાતનાં લોકોને નિઝામુદ્દી મરકઝ ખાલી કરવા માટે ડોવાલે પહેલાં પણ મૌલાના સાથે વાત કરી હતી. એ વખતે મૌલાના નહોતા માન્યા પણ હવે કેસ થતાં તે ડોવાલના શરણે ગયાનું સરકારી સૂત્રો કહે છે. ડોવાલે મૌલાના સરકારની વાત માને તો તેમને કશું નહીં થાય એવી ખાતરી આપી પછી મૌલાનાના સૂર બદલાઈ ગયા છે.
રાહુલની હાજરીથી કોંગ્રેસના નેતાઓને હાશકારો થયો
સોનિયા ગાંધીએ કોરોનાવાયરસ કટોકટી અંગે ચર્ચા કરવા બોલાવેલી કોંગ્રેસ વકગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહેશે કે નહીં એ અંગે કોંગ્રેસના ટોચના નેતાઓ ઉચાટમાં હતા. જો કે રાહુલે આ બેઠકમાં હાજરી આપતાં કોંગ્રેસીઓએ રાહતનો શ્વાસ લીધો. રાહુલે કોંગ્રેસીઓને સંબોધન પણ કર્યું અને સૂચનો પણ કર્યાં.
રાહુલે છેલ્લે ઓગસ્ટ મહિનામાં સીડબલ્યુસીની બેઠકમાં હાજરી આપી હતી. એ બેઠકમાં સોનિયાને કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. એ પછી છેલ્લા આઠ મહિના દરમિયાન રાહુલે એક પણ બેઠકમાં હાજરી નહોતી આપી. રાહુલ પીઢ નેતાઓથી નારાજ હોવાથી હાજર નથી રહેતા એવી ચર્ચા લાંબા સમયથી ચાલે છે.
કોંગ્રેસનાં સૂત્રોના મતે, રાહુલની હાજરી એ વાતનો સંકેત છે કે રાહુલ કોંગ્રેસ પ્રમુખપદે પાછા ફરવા માની ગયા છે. રાહુલની નજીક મનાતા રાજીવ સાતવ, કે.સી. વેણુગોપાલ રાવ અને નીરજ ડાંગી સહિતના રાહુલની નજીકના યુવા નેતાઓને રાજ્યસભાની ટિકિટ આપીને સોનિયા સહિતના ટોચના નેતાઓએ રાહુલને મનાવી લીધા હોવાનો તેમનો દાવો છે.
રાજ્યસભાના બિનહરીફ ચૂંટાયેલા સભ્યો ઉચાટમાં
કોરોનાવાયરસના કારણે જાહેર થયેલા લોકડાઉનની અસર રાજ્યસભાના નવા બિનહરીફ ચૂંટાયેલા ૩૭ સભ્યોને પણ થઈ છે. આ નેતાઓ સાંસદ તરીકે લોકડાઉન પતે પછી એટલે કે ૧૪ એપ્રિલ પછી જ શપથ લઈ શકશે. આ સભ્યો ત્યાં સુધી સાંસદ પણ નહીં ગણાય ને તેમને સાંસદો તરીકેનો પગાર તથા ભથ્થાં પણ નહીં મળે તેથી આથક નુકસાન પણ સહન કરવું પડશે. જો કે તેમને લોકડાઉન લંબાશે તેનો ઉચાટ વધારે છે.
રાજ્યસભાના કુલ ૫૫ સભ્યો ૩ એપ્રિલથી ૧૩ એપ્રિલ દરમિયાન નિવૃત્ત થાય છે. આ ખાલી પડનારી બેઠકો પૈકીની ૩૭ બેઠકો પર બિનહરીફ ચૂંટણી થઈ ગઈ છે. સંસદીય પરંપરા એવી છે કે સભ્ય નિવૃત્ત થાય એ પહેલાં નવા સભ્યો શપથ લઈ લે છે. લોકડાઉનના કારણે બાકી રહેલી ૧૮ બેઠકોની ચૂંટણી મોકૂફ રહી છે પણ બિનહરીફ ચૂંટાયેલા સભ્યોની શપથવિધી શક્ય હતી. જો કે રાજ્યસભાના ચેરપર્સન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાહ નાયડુએ આ સભ્યોની આશા પર પાણી ફેરવી દેતાં લોકડાઉન પતે પછી જ શપથવિધી કરવાની જાહેરાત કરી છે. લોકડાઉન લંબાશે તો તેમની શપથવિધી પણ લંબાઈ જશે એવી સભ્યોને ચિંતા છે.
***
લોકડાઉન અંગે અવઢવ યથાવત
૨૧ દિવસનું લોકડાઉન વધશે એવી અટકળો તો સોશિયલ મીડિયામાં પણ કેટલાય દિવસથી ચાલી રહી છે. એ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી અટકળોને વધુ બળ મળ્યું છે. હજુ લોકડાઉનના ૧૨ દિવસ બાકી છે અને જે રાજ્યો કોરોનાથી વધારે પ્રભાવિત છે એને લોકડાઉન ચાલુ રાખવાની કેન્દ્ર સરકાર છૂટ આપશે એવું મનાય છે, પણ હજુ સરકાર સ્પષ્ટતા કરતી નથી.
એ દરમિયાન ભાજપના નેતા અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ વડાપ્રધાનને ટાંકીને ટ્વીટ કરી હતી કે લોકડાઉન ૧૫મી એપ્રિલે પૂર્ણ જાહેર કરાશે, પરંતુ ૨૫-૩૦ મિનિટ પછી અચાનક એ ટ્વિટ તેમના એકાઉન્ટમાંથી ગાયબ થઈ ગઈ હતી. કદાચ કેન્દ્ર સરકાર પણ એવી કોઈ સ્પષ્ટતા કરવાના મૂડમાં નથી. અગાઉ કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ લોકડાઉનની તારીખ એક્સટેન્ડ થઈ હોવાની સોશિયલ મીડિયામાં ચાલતી અફવાનું ખંડન કરીને કહ્યું હતું કે લોકડાઉન નિયત દિવસે જ પૂરું જાહેર કરાશે. ટૂંકમાં, સરકારના વિવિધ નિવેદનો અને એક્શન પછી પણ લોકડાઉન ચાલશે કે બંધ થશે તે અંગે ખોંખારીને કોઈ જ સ્પષ્ટતા થતી નથી.
કોરોનાના કેર વચ્ચે આતંકવાદી હુમલાની ભીતિ
એક તરફ સુરક્ષાદળો કોરોનાના કારણે દેશની આંતરિક સુરક્ષામાં વ્યક્ત છે ને બીજી તરફ આતંકવાદીઓ એ મોકો જોઈને દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યાં છે. લોકડાઉનને સફળ બનાવવા માટે સુરક્ષાદળો રાત-દિવસ મહેનત કરે છે ત્યારે ઈન્ટેલિજન્સના અહેવાલોમાં દાવો થયો છે કે આતંકવાદીઓ પાટનગરમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકવાદી સંગઠન આઈએસના જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ દિલ્હી પહોંચવાની પેરવી કરી રહ્યાં છે એવા અહેવાલો પછી સુરક્ષાદળોને એલર્ટ જારી કરાયો છે. દિલ્હી-યુપીની સરહદેથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે એવી શક્યતાના પગલે સરહદે સુરક્ષાદળોને એલર્ટ કરાયા છે. દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન જેવા રાજ્યને પણ એલર્ટ રહેવાનો આદેશ થયો છે. આઈએસના ન્યૂઝ બૂલેટિનમાં આતંકવાદીઓને કોરોના વાયરસનો ફાયદો ઉઠાવવાનું કહેવાયું છે.
નિઝામુદ્દીનમાં ડોર ટુ ડોર સ્ક્રીનિંગ
નિઝામુદ્દીન વિસ્તારમાં કોરોના ફેલાયો હોવાની ભીતિ પછી હવે સરકારી તંત્ર રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. મરકઝની આસપાસ રહેતાં લોકોના ઘરે જઈને ચેકઅપ શરૂ કરાયું છે. દરેક ઘરે તબીબી સ્ટાફ જઈને સ્ક્રીનિંગ કરે છે. લોકોનો ડર રાખ્યા વગર સાવચેત રહેવાની ધરપત બંધાવે છે. બીમારીના લક્ષણો જણાય તો તુરંત જાણ કરવા અને ઘરમાં પણ એક બીજાથી સલામત અંતર રાખવાની સલાહ આખાય નિઝામુદ્દીન વિસ્તારમાં અપાઈ રહી છે. તબલિઘી જમાતના ધાર્મિક મેળાવડામાં કોરોના સંક્રમિત શંકાસ્પદોની હાજરીના કારણે દિલ્હીના આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં ૨૩૪૬ લોકોને બિલ્ડિંગમાં જ રહેવાની તાકીદ કરાઈ છે. ૫૩૬ને હોસ્પિટલ ભેગા કરાયા હતા અને ૧૮૧૦ને ક્વોરન્ટાઈન કરાયા છે.
- ઇન્દર સાહની