For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતને ટાર્ગેટ બનાવનાર ખૂંખાર આતંકવાદીઓને પંપાળવાની ચીની ચાલ

Updated: Sep 18th, 2022

Article Content Image- મુંબઈ પરના ૨૬ નવેમ્બર ૨૦૦૮ના ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર સાજીદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન આડું ફાટયું 

- મિરની યોજના મૂળ તો દેહરાદૂનમાં ઈન્ડિયન મિલિટરી એકેડમી અને નવી દિલ્હીમાં નેશનલ ડીફેન્સ કોલેજ પર હુમલો કરાવીને મોટો ધડાકો કરવાની હતી. આ માટે ૨૦૦૫ના એપ્રિલમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત આવી ત્યારે મિર ક્રિકેટ ફેન તરીકે ભારત આવેલો, આ બંને સ્થળની રેકી કરી ગયેલો પણ હુમલો કરવાનું કપરું લાગતાં છેવટે મુંબઈ પર હુમલાનું કાવતરું બનાવ્યું.

ચીને ફરી એક વાર ભારત વિરોધી વલણ અપનાવીને આતંકવાદી સરદાર સાજિદ મિરને ગ્લોબલ ટેરરિસ્ટ એટલે કે વૈશ્વિક આતંકવાદી જાહેર ના થવા દીધો. યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં સાજિદ મિરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટે લવાયેલી દરખાસ્તને યુએનએસસીના બાકીના ચારેય કાયમી સભ્યોનો ટેકો હતો પણ ચીને આડા ફાટીને વીટો વાપરતાં મિર બચી ગયો. 

સાજિદ મિર મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના ભીષણ આતંકવાદી હુમલાનો સૂત્રધાર છે. ૨૦૦૮નો મુંબઈનો હુમલો ભારતમાં થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલામાં એક છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તઈબાએ સાથે મળીને આ હુમલાનું કાવતરું ઘડાયેલું.  લશ્કર-એ-તઈબાના સભ્ય સાજિદ મિરે મુંબઈ હુમલા માટેની બધી વ્યવસ્થા કરી હતી. સાજિદે અજમલ કસાબ સહિતના દસ યુવાનોને શોધીને તેમને આતંકવાદની તાલીમ આપેલી ને પછી મુંબઈ સુધી પહોંચવા માટે ડિંઘી તથા શસ્ત્રોની વ્યવસ્થા કરેલી. મુંબઈમાં કઈ રીતે ઘૂસવું તેનો પ્લાન પણ સાજિદે બનાવેલો.  સાજિદે તૈયાર કરેલા ૧૦ આતંકવાદીઓએ મુંબઈમાં કાળો કેર વર્તાવી દીધેલો. અજમલ કસાબ સિવાયના બાકીના નવ આતંકવાદી માર્યા ગયેલા પણ એ પહેલાં તેમણે ચાર દિવસ સુધી મુંબઈને બાનમાં રાખીને કદી ના ભૂલી શકાય એવો ડરનો માહોલ પેદા કરી દીધેલો. આ હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયેલા ને તેમાં ભારતીયો ઉપરાંત અમેરિકનો સહિતના વિદેશી નાગરિકો પણ હતા. આતંકવાદીઓને મારવા ભારતે બ્લેક કેટ કમાન્ડોને ઉતારવા પડેલા. તેના પરથી જ સાજિદ મિરે કેવું પ્લાનિંગ કર્યું હશે, કેવી ટ્રેઈનિંગ આપી હશે તેનો અંદાજ આવી જાય. 

મિર આવું જબરદસ્ત પ્લાનિંગ કરી શક્યો કેમ કે એ મૂળ આર્મીનો માણસ છે. મિર પાકિસ્તાની આર્મીમાં હતો ત્યારે પણ આતંકવાદીઓને ટ્રેઈનિંગ જ આપતો હતો. તેનાથી પ્રભાવિત થયેલા લશ્કર-એ-તઈબાના મિલિટરી કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીએ આર્મી પાસેથી તેને માંગી લીધો હોવાનું કહેવાય છે. લખવીએ તેનો પરિચય અફઘાનિસ્તાનના અલ કાયદાના આતંકવાદીઓ સાથે કરાવ્યો. એ પછી તેને લશ્કર-એ-તઈબાનો વ્યાપ વધારવા અમેરિકા મોકલેલો.

 મિરે અમેરિકાના વર્જિનિયામાં રહીને તઈબાનું નેટવર્ક વિસ્તાર્યું. મિરે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સમાં લશ્કરી બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોની તઈબામાં ભરતી કરેલી. વર્જિનિયા ઉપરાંત ફ્રાન્સ અને ઓસ્ટ્ર્રેલિયામાં તેણે આતંકવાદી હુમલા પણ કરાવેલા. તેના કારણે અમેરિકા સહિતના દેશોની નજરે ચડી જતાં પાકિસ્તાન ભાગી આવેલો. લખવીએ તેને ભારતમાં આતંકવાદ ભડકાવવાના ધંધે લગાડયો ને તેના ભાગરૂપે તેણે મુંબઈ હુમલાનું કાવતરું પાર પાડેલું. 

મિરની યોજના મૂળ તો દેહરાદૂનમાં ઈન્ડિયન મિલિટરી એકેડમી અને નવી દિલ્હીમાં નેશનલ ડીફેન્સ કોલેજ પર હુમલો કરાવીને મોટો ધડાકો કરવાની હતી. આ માટે ૨૦૦૫ના એપ્રિલમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત આવ ત્યારે મિર ક્રિકેટ ફેન તરીકે ભારત પણ આવેલો, આ બંને સ્થળની રેકી કરી ગયેલો પણ હુમલો કરવાનું કપરું લાગતાં છેવટે મુંબઈ પર હુમલાનું કાવતરું બનાવ્યું. મિરે જ આતંકવાદીઓને અમેરિકન સહિતના વિદેશી નાગરિકોની નિશાન બનાવવા કહેવું કે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે હુમલાના પડઘા પડે. છાબડ હાઉસમાં યહૂદી હોલ્ત્ઝબર્ગ કપલની હત્યાનો આદેશ પણ મિરે જ આપેલો. 

સાજિદ મિરનાં આતંકવાદી કૃત્યોનું આ ટ્રેલર જ છે. આવા આતંકવાદીને બચાવવા વીટો વાપરીને ચીને તેની હળાહળ ભારત વિરોધી માનસિકતા છતી કરી છે. છેલ્લાં એક વર્ષમાં ભારતમાં કાળો કેર વર્તાવનારા આ ત્રીજ આતંકવાદીને બચાવ્યો છે. આ પહેલાં ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થયેલા હફીઝ સઈદના સાળા અબ્દુલ રહેમાન મક્કી અને જૈશે-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરના નાના ભાઈ મુફતી અઝહર રઉફને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની દરખાસ્ત પણ ચીનના વીટોના કારણે ઉડી ગયેલી.  ચીને આ રીતે જ વરસો લગી આતંકવાદી સરદાર મસૂદ અઝહરને આ રીતે જ બચાવેલો. ભારતના દબાણના કારણે મસૂદ તો ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થઈ ગયો પણ હવે ચીને બીજા આતંકવાદીઓને બચાવવા આ જ ખેલ શરૂ કર્યો છે.  

ચીનનું વલણ એ વાતનો પુરાવો છે કે, ચીનને આતંકવાદનો કોઈ છોછ નથી. પાકિસ્તાનની ધરતી પર રહીને ભારતમાં આતંકવાદ ભડકાવતાં આતંકવાદી સંગઠનો નિર્દોષ ભારતીયોનાં લોહી રેડે, ભારતમાં અરાજકતા ફેલાવે તેનાથી ચીન રાજી છે. પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે થવા દે છે તેને ચીનનો પૂરેપૂરો ટેકો છે. 

ચીનના વલણ પછી એક વાત સ્પષ્ટ છે કે, ભારતે યુએનએસસી કે બીજા કોઈના પર નિર્ભર રહેવાના બદલે પોતાની રીતે જ ભારતમાં આતંકવાદ ફેલાવતા હલકટોનો નિકાલ કરવો પડે. ભારત સાજિદ મિર કે બીજા કોઈ આતંકવાદીને પતાવી દે તો  કોઈ કશું તોડી શકવાનું નથી. બલ્કે અમેરિકા સહિતના દેશો પણ ભારતને ટેકો આપશે કેમ કે સાજિદ મિર અમેરિકાનો પણ અપરાધી છે. 

અમેરિકાએ તો મસૂદના મામલે ચીન આડું ફાટતું હતું ત્યારે કહેલું કે, કોઈ દેશ યુએનએસસીમાં વીટો વાપરીને આતંકવાદીઓને છાવરે કે તેમની દલાલી કરે તેનાથી અમે આતંકવાદીઓ સામે કશું કરીશું નહીં એવા ભ્રમમાં કોઈએ રહેવાની જરૂર નથી. બલ્કે યુએનએસસી પગલાં લે  એ આતંકવાદીઓ માટે સારું છે કેમ કે એ રસ્તે  આતંકવાદી જેલમાં જશે પણ અમેરિકા પોતાની રીતે પગલાં લેશે તો આતંકવાદી સીધો ઉપર જશે.

ભારતે અમેરિકાની આ વાતનો અમલ કરવાની જરૂર છે.

ચીને ચાર વાર વીટો વાપરીને મસૂદને દસ વર્ષ બચાવેલો

ચીને સાજિદ મિરના મુદ્દે કરી એવી લુચ્ચાઈ પહેલા પણ કરી છે. ભારતે પુલવામા હુમલા માટે જવાબદાર આતંવાદી સંગઠન જૈશ-એ-મહંમદના આતંકવાદી સરદાર મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે કરેલા પ્રયત્નોને ચીને આ રીતે જ વારંવાર નિષ્ફળ બનાવ્યા હતા. 

૨૦૦૮ના મુંબઈ હુમલા પછી ભારતે મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવીને યુનાઈટેડ નેશન્સ મારફતે પ્રતિબંધ માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા પણ ચીનની દાંડાઈના કારણે ચાર વાર પછડાટ મળી હતી.  યુએનએસસીમાં ૨૦૦૯માં પહેલી વાર મસૂદને વૈશ્વક આતંકવાદી જાહેર કરવા માટેની દરખાસ્ત લવાઈ હતી પણ ચીને વીટો વાપરતાં દરખાસ્ત ઉડી ગઈ હતી. એ પછી ૨૦૧૬ અને ૨૦૧૭માં અમેરિકાએ મૂકેલી દરખાસ્ત સામે પણ ચીને વીટો વાપર્યો હતો. 

૨૦૧૯માં પુલવામામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના ૩૯ જવાનોમાં મોત થયાં હતાં. પુલવામા હુમલા પછી અમેરિકા, ફ્રાન્સ ને બ્રિટન એક થઈને યુનાઈટેડ નેશન્સની સીક્યુરિટી કાઉન્સિલમાં મસૂદ પર પ્રતિબંધ મૂકવાનો  ઠરાવ લાવેલાં. રશિયા પણ ભારતને પડખે હતું તેથી સીક્યુરિટી કાઉન્સિલના ચારમાંથી પાંચ કાયમી સભ્યો ભારતને પડખે હતા. આ ઉપરાંત ૧૦ બિન કાયમી સભ્યો પણ ભારતને પડખે હતા તેથી ૧૫માંથી ૧૪ સભ્યો મસૂદ પર પ્રતિબંધની તરફેણમાં હતા પણ ચીન ભારતને પડખે નહોતું. ચીને સળંગ ચોથી વાર વીટો વાપરીને મસૂદને બચાવ્યો હતો. 

ચીન આતંકવાદીને બચાવે છે એવા આક્ષેપોનો મારો ચાલતાં છેવટે ચીન ઢીલું પડયું હતું. ૧ મે, ૨૦૧૯ના રોજ યુએનએસસીમાં મૂકાયેલી દરખાસ્તને ચીને પણ ટેકો આપવો પડયો હતો. તેના કારણે મસૂદ અંતે વૈશ્વિક આતંકવાદી જાહેર થયો. 

પાકિસ્તાને મિર મરી ગયો હોવાનું જૂઠાણું ચલાવેલું

સાજિદ મિરને મુદ્દે પાકિસ્તાને ભારતને વરસો સુધી બેવકૂફ બનાવ્યું છે. મુંબઈ હુમલા પછી તરત જ સાજિદ મિરનું નામ બહાર આવી ગયેલું. પાકિસ્તાને પહેલાં તો મુંબઈ હુમલામાં કોઈ પણ પાકિસ્તાની નાગરિકની સંડોવણીની વાત માનવા જ ઈન્કાર કરી દીધેલો. અજમલ કસાબ પાકિસ્તાની હોવાની વાત માનવા પણ પાકિસ્તાન તૈયાર નહોતું પણ જડબેસલાક પુરાવા બહાર આવ્યા પછી પાકિસ્તાને દેખાવને ખાતર કાર્યવાહી શરૂ કરેલી.   જો કે સાજિદ મિરના મામલે પાકિસ્તાને દાવ કરી દીધેલો. પાકિસ્તાને સાજિદ મિર આતંકવાદી હુમલામાં માર્યો ગયો હોવાનું જાહેર કરી દીધેલું.  ૧૫ વર્ષ સુધી પાકિસ્તાન એ જ રેકર્ડ વગાડતું રહ્યું કે, મિર તો મરી ગયો છે. વાસ્તવમાં મિર આઈએસઆઈની સેફ કસ્ટડીમાં હતો ને પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધેલી કે જેથી ઓળખાય નહીં. એ તો અમેરિકાએ સાજિદ મિર જીવતો હોવાના પુરાવા આપ્યા પછી પાકિસ્તાને તેની શોધખોળનું નાટક કરીને તેને જેલમાં નાંખવો પડયો.   અમેરિકાના ઈશારે વિશ્વમાં આતંકવાદને કરાતી નાણાંકીય સહાય રોકવા કામ કરતા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું પછી પાકિસ્તાને દેખાવ ખાતર કેટલાક આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી પડી. તેમાં મિરનો પણ વારો પડી ગયો. 

આ વરસે જૂનમાં પાકિસ્તાનની એક કોર્ટે મિરને ૧૫ વર્ષની કેદ ફટકારી છે. આ સજા પણ નાટક છે કેમ ક મિર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી કેમ્પોમાં હોય છે.

Gujarat