વિશ્વના વિસ્મયકારી બ્રિજ : સૌથી લાંબા અને ઊંચા બ્રિજનો વર્લ્ડ રેકોર્ડ ચીનના નામે

Updated: Mar 29th, 2022


- બ્રિજની બાબતે ચીનની મોનોપોલી : વિશ્વના ૧૦ ઊંચા બ્રિજમાંથી છ ચીનમાં છે: ગિનેસ બુકમાં નોંધાયેલો ૧૬૫ કિ.મી.નો સૌથી લાંબો બ્રિજ ચીનમાં આવેલો છે  

- જાપાનમાં દુનિયાનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ છે

- વિશ્વના સૌથી વિશાળ રેલવે બ્રિજના નિર્માણમાં ચીનને પાછળ રાખીને ભારત નંબર વન બનશે : ચેનાબ નદી પર બંધાઈ રહેલા રેલવે બ્રિજની ઊંચાઈ 1177 ફૂટ

બાંધકામ ક્ષેત્રની તરક્કી પરથી કોઈ પણ દેશની તેજી-મંદીનો ખ્યાલ આવે છે. બાંધકામ ક્ષેત્ર ધમધમતું હોય તો એ દેશમાં વિકાસ થઈ રહ્યો હોવાનું મનાય છે. એક સમયે અવનવા બાંધકામો માટે અમેરિકાની મોનોપોલી ગણાતી હતી. ઊંચી-ભવ્ય ઈમારતો બાંધીને અમેરિકા દુનિયાને આંજી દેતું હતું. હવે એ કામ ચીનમાં થઈ રહ્યું છે. ચીનના નાગરિકોનું શોષણ કરીને પણ ચીનની સરકાર દેશમાં ચળકાટ ઓછો થવા દેતી નથી. તેના ઉદાહરણો જોવા જેવા છે. ચીને છેલ્લાં દોઢેક દશકામાં બાંધકામ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. દુનિયાના સૌથી ઊંચા ૧૦ બ્રિજમાં છ તો ચીનના છે. અહીં વિશ્વના વિસ્મયકારી બનેલા બ્રિજની રસપ્રદ માહિતી મેળવી લઈએ...

વિશ્વના સૌથી ઊંચા બ્રિજ

બીપાંજિયાંગ બ્રિજ

ઊંચાઈ : ૧૮૫૪ ફૂટ

ચીનના ગુઈઝુ પ્રાંતની નિઝુ નદી ઉપર બનેલો બીપાંજિયાંગ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે. આ બ્રિજની ઊંચાઈ ૧૮૫૪ ફૂટ છે અને લંબાઈ ૧૩૪૧ ફૂટ. ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાન બનેલાં આ બ્રિજના નિર્માણ પાછળ ૧૪.૪ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો. આ બ્રિજના કારણે ચીનના બે પ્રાંત - ગુઈઝુ અને યુઆન પ્રાંત વચ્ચેનો રસ્તો પાંચ કલાકને બદલે માત્ર ૨ કલાકનો થઈ ગયો છે. ફોર લેન કેપેસિટીનો આ બ્રિજ ગિનેસ બુકમાં દર્જ થયો છે. નજીકના ભવિષ્યમાં તેનો રેકોર્ડ તૂટે એવી શક્યતા જણાતી નથી. ચીન ઉપરાંત વિદેશી પ્રવાસીઓ માટે પણ ચીનનો આ સૌથી ઊંચો બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બને છે.

સિદુ રિવર બ્રિજ

ઊંચાઈ - ૧૮૩૭ ફૂટ

ચીનના હુબેઈ પ્રાંતમાં આવેલા યેસેનગુઆન શહેરની નજીક સિદુ નદી ઉપર ચીને ૨૦૦૯માં સસ્પેન્શન બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. ૧૮૩૭ ફૂટ ઊંચો આ બ્રિજ ૪૦૦૯ ફૂટ લાંબો છે. આ બ્રિજ બનાવવા પાછળ ચીને ૧૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો. બ્રિજની આસપાસનું લીલુછમ્મ મનોહર દૃશ્ય બ્રિજની સુંદરતામાં વધારો કરે છે.

બ્રિજનું નામ : પુલી

ઊંચાઈ : ૧૫૯૧ ફૂટ

ચીનના યુઆન પ્રાંતમાં આવેલા ક્યુજિંગ શહેરની નજીક ૨૦૧૫માં પુલી બ્રિજ બાંધવામાં આવ્યો હતો. ૧૫૯૧ ફૂટ ઊંચો આ બ્રિજ ત્રીજા નંબરનો સૌથી ઊંચો સસ્પેન્શન બ્રિજ છે. ઝ્યુનવેઈ શહેરથી ગુઈઝુ પ્રાંત વચ્ચેનું અંતર આ બ્રિજના કારણે ચાર કલાકમાંથી એક કલાક થઈ ગયું છે. ગેક્સિંગ નદી ઉપર બનેલા આ ૩૪૧૦ ફૂટ લાંબાં બ્રિજને બાંધવામાં ૭ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો.

જિનાન બ્રિજ

ઊંચાઈ : ૧૫૧૨ ફૂટ

ચીનના યુનાન અને લિજિઆંગ પ્રાંતમાં જિન્શા નદી ઉપર ૨૦૧૬થી જેનું બાંધકામ શરૂ થયું હતું એ બ્રિજ જિનાન વિશ્વનો ચૌથા નંબરનો સૌથી ઊંચો બ્રિજ છે.તેની ઊંચાઈ ૧૫૧૨ ફૂટ છે અને લંબાઈ ૪૫૪૭ ફૂટની છે. આ સસ્પેન્શન પ્રકારનો બ્રિજ ચાર વર્ષની મહેનત પછી બંધાયો હતો અને ૨૦૨૦માં ખુલ્લો મૂકાયો હતો.

યાંકી રિવર બ્રિજ

ઊંચાઈ : ૧૪૨૪

ગુઈઝુ પ્રાંતમાં આવેલી યાંકી નદી ઉપર ૨૦૧૩થી આ બ્રિજનું બાંધકામ થતું હતું. ૨૦૧૬માં તેનું બાંધકામ પૂરું થયું હતું. એ દુનિયાનો પાંચમો સૌથી ઊંચો બ્રિજ છે. એ પહેલાં પાંચમા સૌથી ઊંચા બ્રિજનો રેકોર્ડ આ જ પ્રાંતમાં બનેલા ક્વિનશાઈંગ બ્રિજના નામે હતો. ૨૦૧૬માં યાંકી નદી ઉપર બનેલો આ બ્રિજ ખુલ્લો મૂકાયો તે સાથે જ રેકોર્ડ બુકમાં સ્થાનફેર થયું હતું. ૧૪૨૪ ફૂટ ઊંચો આ બ્રિજ ૨૬૦૦ ફૂટ લાંબો છે.

વિશ્વના સૌથી ઊંચા ૧૦ બ્રિજમાં છ ચીનમાં છે. એમાંથી છઠ્ઠો સૌથી ઊંચો બ્રિજ એટલે ક્વિનશાઈંગ બ્રિજ. ચીનના ગુઈઝુ પ્રાંતમાં આવેલી ક્વિનશાઈંગ નદી ઉપર એ જ નામનો બ્રિજ ચીને ડિસેમ્બર-૨૦૧૫માં બનાવીને ખુલ્લો મૂક્યો હતો. ૧૩૩૨ ફૂટ ઊંચા આ બ્રિજની પહોળાઈ ૧૩૩૨ ફૂટની છે અને લંબાઈ ૩૭૧૦ ફૂટની છે. આ બ્રિજને બનાવવા માટે ચીને ૧૯ કરોડ ડોલરનો માતબર ખર્ચ કર્યો હતો. 

પાપુઆ ન્યુ ગિનીની હેગિગો નદી ઉપર બનેલો એ જ નામનો બ્રિજ ૨૦૦૫માં ખુલ્લો મૂકાયો હતો. ૧૨૮૯ ફૂટની ઊચાઈ ધરાવતો આ વિશ્વનો સૌથી ઊંચો સાતમા નંબરનો બ્રિજ છે. ૧૫૪૦ ફૂટ લાંબો આ બ્રિજ નામ પ્રમાણે પાઈપલાઈન બ્રિજ છે. તેનો ઉપયોગ પેટ્રોલિયમ માટે થાય છે. ચીનનો સિદુ નદી ઉપર બનેલો બ્રિજ ૨૦૦૯માં શરૂ થયો ત્યાં સુધી એટલે કે ચાર વર્ષ સુધી હેગિગો વિશ્વના સૌથી ઊંચા બ્રિજનું સ્ટેટસ ધરાવતો હતો. એ પછી જેમ જેમ ચીને એક પછી એક બ્રિજ બનાવવાનું શરૂ કર્યું તેમ તેમ તેનું સ્થાન પાછળ ધકેલાતું ગયું. હવે એ પાછળ ધકેલાઈને સાતમા નંબરે પહોંચી ચૂક્યો છે.

જાપાનના અવાજી ટાપુ ઉપર ૧૯૯૮માં બનેલો અકાશી કેઈક્યો બ્રિજ વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ છે. ૧૯૮૮થી ૧૯૯૮ એમ એક દશકા સુધી આ બ્રિજ બાંધવાનું કામ ચાલુ રહ્યું હતું. બ્રિજ ૬૫૩૨ ફૂટ લાંબો છે. બે દશકા પહેલાં વિશેષ ભૂકંપ પ્રૂફ ટેકનિકથી બ્રિજનું નિર્માણ કરવા પાછળ જાપાને ૩૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો.

ડેનમાર્કના ઝીલેન્ડ અને ફ્યૂનેન નામના લોકપ્રિય ટાપુઓને જોડતો ગ્રેટ બેલ્ટ બ્રિજ ૫૩૨૮ ફૂટ લાંબો છે. ૧૦૨ ફૂટ પહોળો આ બ્રિજ ૧૯૯૮માં બન્યો હતો. તેની ભવ્યતા માટે જાણીતા આ બ્રિજને બનાવવા માટે છેક ૧૯૯૮માં ૨૧ કરોડ ડોલરનું બજેટ ફાળવાયું હતું. બ્રિજની રૂપરેખા તો છેક ૧૯૮૬થી નક્કી થઈ હતી. પાણીમાં ખોડાયેલા ૧૯ થાંભલા બ્રિજની શોભામાં વધારો કરે છે.

તૂર્કીના ઈઝમિટ શહેરની નજીકની ઈઝમિટ ખાડીમાં બનેલો આ સસ્પેન્શન બ્રિજ ૫૦૯૦ ફૂટ લાંબો છે. ૨૦૧૬ના જુલાઈમાં ખૂલ્લો મુકાયેલો આ બ્રિજ તૂર્તી અને ઈટાલિયન કંપનીએ મળીને ૧.૨ અબજ ડોલરના ખર્ચે તૈયાર કર્યો હતો. દક્ષિણ કોરિયાના જેઓલા પ્રાંતમાં ૨૦૧૨માં બનેલો યી સૂન-સિન બ્રિજ ૫૦૬૯ ફૂટ લાંબો છે. યેઓસુ શહેરની નજીક બાંધવામાં આવેલો આ બ્રિજ ઈન્ડસ્ટ્રિયલ કોપ્લેક્સને અપ્રોચ રોડ સાથે જોડે છે. તેને ૧૬મી સદીમાં થયેલા કોરિયન એડમિરલ યી સૂન-સિન ઉપરથી નામ અપાયું છે. ૨.૧ અબજ અમેરિકન ડોલરના ખર્ચે આ બ્રિજ બંધાયો હોવાનો અંદાજ છે. ૧૯૮૧માં બ્રિટને યોર્કશાયર અને ઉત્તર લિન્કનશાયરને જોડે છે. બ્રિજની લંબાઈ  ૪૬૨૬ ફૂટ છે. જે તે વખતે આ બ્રિજ વિશ્વનો સૌથી લાંબો બ્રિજ હતો. બ્રિજ ૧૫ કરોડ પાઉન્ડના ખર્ચે તૈયાર થયો હતો. બ્રિજ પરથી એક સપ્તાહમાં ૧ લાખ ૨૦ હજાર વાહનો પસાર થાય છે.

વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ તો ચીનમાં છે જ, દુનિયાનો સૌથી લાંબો બ્રિજ પણ ચીનમાં જ આવેલો છે. ૨૦૧૧માં ખુલ્લો મૂકાયેલો આ બ્રિજ ૫,૪૦,૭૦૦ ફૂટ લાંબો છે. એટલે કે બ્રિજની લંબાઈ ૧૬૫ કિલોમીટર જેટલી છે, જેમાં ૨૪ સ્ટેશન છે. બેઈજિંગ-શાંઘાઈ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે આ બ્રિજ ૨૦૦૮માં બનાવવાનું શરૂ કર્યું હતું. એ રેલવેલાઈન કુલ ૧૩૧૮ કિલોમીટરની છે. તે હિસાબે આ સિંગલ રેલવે લાઈન પણ દુનિયાનો સૌથી લાંબો રેલવે માર્ગ છે. તેના બનાવવામાં આઠ અબજ ડોલરનો ખર્ચ થયો હતો.

બાંધકામમાં ચીનનો દબદબો વધ્યો છે. લાંબાં, ઊંચા બ્રિજ અને ભવ્ય ઈમારતોના બાંધકામમાં ચીને છેલ્લાં બે દશકામાં કાઠું કાઢ્યું છે, પરંતુ ભારતનો એક આર્ચ બ્રિજ ચીનનું ટાઈટલ છીનવીને નવો વિક્રમ બનાવશે. ચેનાબ નદી ઉપર ભારત વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવે છે. ૨૭ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ રેલવે ટ્રેકની કેટલીય વિશેષતાઓ છે. પુલ નદીતળથી ૧૧૭૭ ફૂટ ઊંચો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે થોડા દિવસ પહેલાં જ આ બ્રિજનો મનમોહક ફોટો ટ્વીટ કર્યો હતો. અત્યારે દુુનિયાનો આ પ્રકારનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચીનમાં છે. ગુઈઝુ પ્રાંતમાં આવેલો નાઝીહે રેલવે બ્રિજની નદીતળથી ઊંચાઈ ૧૦૦૧ ફૂટ છે. ચેનાબ નદી ઉપર ભારત રેલવે બ્રિજ ખુલ્લો મૂકશે તે સાથે જ ભારતીય બ્રિજના નામે સૌથી ઊંચા રેલવે બ્રિજનો રેકોર્ડ દર્જ થશે.

આજની નવી જોક

લીલી એના દીકરાને સાસુ પાસે મૂકીને એક વીક માટે પિયર ગયેલી. ત્રીજા જ દિવસે સાસુજીનો ફોન આવ્યો: 'તું આજે જ ઘરે આવી જા. દીકરો તારા વિના નથી રહેતો'

લીલીએ ભોળા ભાવે પૂછ્યું, 'કોનો દીકરો નથી રહેતો? - મારો કે તમારો?'

હેં? હોય નહીં!

ચીનમાં 590 ફૂટ ઊંચો કાચનો ટ્રાન્સપરન્ટ

 બ્રિજ : ઉપર આસમાન, નીચે ખીણ

૯૮૪ ફૂટનું અંતર કાપતા મુલાકાતીઆ ભયના માર્યા પરસેવે રેબઝેબ થઈ જાય છે. ટ્રાન્સપરન્ટ કાચના કારણે મુલાકાતીઓને ખીણ ઉપર અદ્ધર ચાલતા હોવાનો અનુભવ થાય છે. ચીનના હૂન્નાન પ્રાંતમાં પિંગઝૈન વિસ્તારમાં બુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતા પ્રદેશમાં બે પહાડીઓની વચ્ચે સહેલાણીઓ માટે ચીને કાચનો બ્રિજ બનાવ્યો છે. બ્રિજને બનાવવામાં ૧૧ કુશળ ઈજનેરોએ સતત બે વર્ષ સુધી કામ કર્યું હતું. તેમાં લગાવેલા કાચ સાધારણ કાચની તુલનાએ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે અને એનાથી ૨૫ ગણા મજબૂત બનાવાયા છે. એક બ્લોકનું વજન ૧૪૦ કિલો જેટલું થાય છે. ૫૯૦ ફૂટ ઊંચા અને ૯૮૪ ફૂટ લાંબા બ્રિજ પર ચાલવા માટે મુલાકાતીઓને ખાસ પ્રકારના શૂઝ આપવામાં આવે છે. ટ્રાન્સપરન્ટ કાચના કારણે બ્રિજ પર ચાલતી વખતે જ નીચે ભયાનક ખીણ દેખાય છે, એટલે અડધે સુધી પહોંચ્યા પછી મુલાકાતીઓના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ દૃશ્ય જોઈને કોઈને ચક્કર આવે કે માથું ભમવા લાગે તો ઈમરજન્સીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

    Sports

    RECENT NEWS