For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયા યુક્રેનમાં ફાધર ઓફ ઓલ બોમ્બ વાપરીને તબાહી સર્જે તેવી દહેશત

Updated: Mar 14th, 2022

Article Content Image

- રશિયા-અમેરિકા વચ્ચે 21મી સદીમાં હથિયારોની હરીફાઈ થઈ તેના કારણે બે ખતરનાક બોમ્બનો જન્મ થયો 

- રશિયા પાસે એવા બોમ્બ છે જે અણુશસ્ત્રો કરતાં ઓછા ભયાનક છે, છતાં ભારે વિનાશ વેરવા સક્ષમ છે 

- અમેરિકાએ 2003માં મધર ઓફ ઓલ બોમ્બ બનાવ્યા પછી રશિયાએ 2007માં 7100 કિલો વજન ધરાવતો ફાધર ઓફ ઓલ બોમ્બ વિકસાવ્યો હતો  

યુક્રેનમાં રશિયાએ તાજેતરમાં ૫૦૦ કિલોનો બોમ્બ ચેર્નિહિવ શહેરમાં ફેંક્યો હતો પણ આ બોમ્બ ફૂટયો નહોતો. સામાન્ય રીતે આ પ્રકારના શક્તિશાળી બોમ્બ મિલિટરી અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં ફેંકવામાં આવે છે પણ રશિયાએ આ બોમ્બ માનવવસાહતમાં ફેંક્યા હોવાનો દાવો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે. ચેર્નિહીવ રિજનલ મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા વિટાલી ચાઉસે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે રશિયાનું સુ-૩૪ ફાઇટર બોમ્બર વિમાન ગઇકાલે ચેર્નિહીવ ખાતે તોડી પાડવામાં આવ્યું હતું તેમાંથી આવા બીજા ત્રણ બોમ્બ મળી આવ્યા હતા.  યુક્રેનના વિદેશ પ્રધાન દમિત્રી કુલેબાએ આ બોમ્બનો ફોટો પણ ટ્વિટર પર મુક્યો હતો. હવે રશિયાએ ફાધર ઓફ ઓલ બોમ્બ એટલે કે તમામ બોમ્બનો બાપ ફેંકવાની ધમકી આપી છે. રશિયા પાસે આવા વિવિધ પ્રકારના બોમ્બ કેટલા વિનાશક છે તેની માહિતી પણ દિલધડક છે. 

જેને મધર ઓફ ઓલ બોમ્બ્સ તરીકેે ઓળખવામાં આવે છે તે જીબીયુ ૪૩-બી બોમ્બ અમેરિકાએ વિકસાવ્યો હતો. ૨૦૦૨માં અમેરિકાની તેની ડિઝાઈન બનાવી હતી અને ૨૦૦૩માં એ તૈયાર થયો હતો. ૨૦૦૩માં જ આ બોમ્બનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં ઇસ્લામી સ્ટેટના આંતકીઓને લક્ષ્ય બનાવી કરવામાં આવ્યો હતો. તેનું વજન ૧૦,૦૦૦ કિલો હતું અને તેના કારણે ૧૧ ટન ટીએનટી જેટલો વિસ્ફોટ થયો હતો. તેના પહેલા ડેઇઝી કટર તરીકે ઓળખાતો ૬૮૦૦ કિલોનો બોમ્બ વિયેટનામમાં તાબડતોબ હેલિકોપ્ટર લેન્ડિંગ સાઇટ બનાવવા માટે વાપરવામાં આવ્યો હતો. આ બોમ્બનો વિસ્ફોટ થવાને પગલે ૧૫૨ મીટરના વ્યાસમાં આવેલા તમામ વૃક્ષો બળીને ખાક થઇ ગયા હતા. સૌથી વજનદાર બોમ્બ અમેરિકા પાસે ૧૪,૦૦૦ કિલોનો જીબીયુ -૫૭ે-બી માસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર હતો. એ બોમ્બની જગ્યા મધર ઓફ ઓલ બોમ્બે લીધી હતી. 

રશિયા પાસે પણ એવિએશન થર્મોબેરિયાક બોમ્બ ઓફ ઇન્ક્રિઝડ પાવર છે. જેને તમામ બોમ્બનો બાપ ગણવામાં આવે છે. આ તમામ બોમ્બની મા કરતાં ચાર ગણો વધારે વિનાશક છે. અમેરિકાનું જોઈને અમેરિકાને જવાબ આપવા પુતિને ખાસ પ્રોગ્રામ લોંચ કરીને ૨૦૦૭માં તેનું પરીક્ષણ કરાવ્યું હતું. રશિયાએ અમેરિકાના જવાબમાં બનેલા બોમ્બને ફાધર ઓફ ઓલ બોમ્બ નામ આપ્યું હતું. આ રશિયન બોમ્બ ૭૧૦૦ કિલો જેટલું વજન ધરાવે છે. તેની વિનાશક શક્તિ ૪૪ ટન ટીએનટી જેટલી છે. 

જો કે અણુબોમ્બની વિનાશકતા સામે આ બોમ્બ પ્રમાણમાં ઓછા વિનાશક છે. અણુ બોમ્બ કરતાં આ બોમ્બના કદ અને વજન વધારે હોય છે પણ વિનાશકતામાં અણુબોમ્બને કોઇ રીતે પહોંચી શકે તેમ નથી.બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિરોશીમા પર ફેંકવામાં આવેલા લિટલ બોમ્બ નામના અણુબોમ્બની વિનાશકતા ૧૫,૦૦૦ ટન ટીએનટી જેટલી હતી. જે તમામ બોમ્બના બાપ ગણાતાં બોમ્બની વિનાશકતાથી ૩૦૦ ગણી વધારે છે.

અણુબોમ્બમાં પણ તમામ બોમ્બનો રાજા ગણાતાં ઝાર બોમ્બનો ૧૯૬૧માં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેના વિસ્ફોટથી ૫૦ મેગાટન ટીએનટી જેટલો મોટો વિસ્ફોટ થયો હતો. જે હિરોશીમા અને નાગાસાકી કરતાં અનેકગણો વધારે વિનાશક હતો. 

તમામ બોમ્બની મા ગણાતો બોમ્બ પરંપરાગત બોમ્બ કરતાં ટેકનોલોજીની દૃષ્ટિએ પણ અલગ પડે છે. પરંપરાગત બોમ્બમાં મોટા કેસમાં નાની જગ્યામાં વિસ્ફોટક દ્રવ્ય ભરેલું હોય છે. જેને કારણે વિસ્ફોટ થાય ત્યારે બોમ્બનું કવચ નાની કરચોમાં ફેરવાઇ જાય છે અને તે જેને વાગે તેનું શરીર લોહીલુહાણ થઇ જાય છે. આની સામે તમામ બોમ્બની મા ગણાતાં બોમ્બમાં વિરાટ વિસ્ફોટ થાય છે અને તેની સાથે જબરદસ્ત ગરમી અને હવાનું દબાણ સર્જાય છે. પરંપરાગત બોમ્બ કરતાં આ દબાણ એટલુ પ્રંચંડ હોય છે કે તેના કારણે વેક્યુમ સર્જાય છે. આ વેક્યુમ એટલું પ્રચંડ હોય છે કે તેના પરિઘમાં રહેલા કોઇપણ વ્યક્તિના ફેફસાંમાંથી પણ તે હવા ખેંચી લે છે. 

બીજી તરફ તમામ બોમ્બના બાપમાં અલગ ટેકનોલોજી વપરાય છે. તેમાં બે તબક્કામાં વિસ્ફોટ થાય છે. પહેલા વિસ્ફોટમાં બહુ થોડી શક્તિ છૂટી પડે છે. જેના કારણે મુખ્ય વિસ્ફોટક દ્રવ્ય વહેંચાઇ જાય છે. બીજો વિસ્ફોટ એટલો પ્રચંડ હોય છે કે તેના સંપર્કમાં આવનાર તમામ વસ્તુઓ બળીન ખાક થઇ જાય છે. અમેરિકા અને રશિયાના આ બંને પ્રકારના બોમ્બમાં ઘણી સમાનતા હોવાનું કહેવાય છે. રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જનરલ એલેક્ઝાન્ડર રસ્કિન દાવો કરે છે કે મધર ઓફ ઓલ બોમ્બ કરતાં રશિયાનો ફાધર ઓફ ઓલ બોમ્બ સાઈઝમાં નાનો છે, પરંતુ વધારે ખતરનાક છે. અમેરિકાનો મધર ઓફ ઓલ બોમ્બ લગભગ ૮૫૦૦ કિલોનો છે. ૩૦ ફૂટ બાય ૪૦ ઈંચનો આ બોમ્બ ૧૧ ટન ટીએનટીની વિનાશકતા ધરાવે છે. તેની સામે ફાધર ઓફ ઓલ બોમ્બની વિનાશકતા ૪૪ ટન ટીએનટી છે.

ટૂંકમાં રશિયા અને અમેરિકા અણુ બોમ્બ વાપર્યા વગર પણ મોટો વિનાશ વેરી શકે તેવા શસ્ત્રો વિકસાવી ચૂક્યા છે. જો આ બંને દેશો યુદ્ધમાં સામ-સામે આવી જાય તો દુનિયામાં મહાવિનાશ સર્જાય એ નક્કી છે. રશિયા-અમેરિકા યુદ્ધમાં એક બીજા સામે અણુશસ્ત્રોને બદલે મધર ઓફ ઓલ બોમ્બ અને ફાધર ઓફ ઓલ બોમ્બ પ્રયોજે તો ય સેંકડો લોકોના મોત થઈ જાય. તેનાથી જે તબાહી સર્જાય તેમાંથી બહાર નીકળવામાં વિશ્વને દાયકાઓ લાગી શકે. આ બંને પ્રકારના બોમ્બમાં જે ટેકનિક વાપરવામાં આવી છે તેનાથી જે તે વિસ્તાર ઉપરાંત તેની ગંભીર અસર પર્યાવરણ ઉપર પણ પડયા વગર ન રહે. યુક્રેન-રશિયાના યુદ્ધમાં હજુ સુધી અમેરિકાએ સીધી રીતે ઝંપલાવ્યું નથી, પરંતુ જો રશિયા ફાધર ઓફ ઓલ બોમ્બ ફેંકે તો અમેરિકા મધર ઓફ ઓલ બોમ્બ ફેંક્યા વગર ન રહે. જો એવું થાય તો એને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત જ ગણવી રહી. 

યુક્રેન ચેર્નોબિલ અણુ પ્લાન્ટમાં ડર્ટી બોમ્બ બનાવી રહ્યું હોવાનો દાવો

યુક્રેને ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઝોનનો ઉપયોગ ડર્ટી બોમ્બ બનાવવા માટે કર્યો છે. આ ઝોનમાં પ્લુટોનિયમ અલગ પાડવામાં આવ્યું હતું જેને કારણે આ ઝોનમાં કિરણોત્સર્ગી પદાર્થોનું પ્રમાણ વધી  ગયંિ હતું એવો દાવો રશિયાએ કર્યો હતો. 

આરઆઇએ નોવોસ્તીના જણાવ્યા અનુસાર ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો ઉપયોગ અણુ શસ્ત્રો વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. આ કામને છાવરવા માટે ચેર્નોબિલ ઝોનમાં કિરણોત્સર્ગ વધી ગયો હોવાની વાતો ફેલાવવામાં આવી હતી.

ડર્ટી બોમ્બ બનાવવા માટે કિરણોત્સર્ગી પદાર્થ ધરાવતાં પાત્રમાં પરંપરાગત દારૂગોળો ભરી તેનો વિસ્ફોટ કરવામાં આવે છે. દાખલા તરીકે જ્યારે બોમ્બને ડિટોનેટ કરવામાં આવે ત્યારે આઇસોટોપ સાથે કન્ટેઇનર નાશ પામે છે અને તેને કારણે કિરણોત્સર્ગી પદાર્થ ધરાવતાં તરંગો વાતાવરણમાં ફેલાઇ જાય છે. ડર્ટી બોમ્બનો કદી વાસ્તવમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. 

દરમ્યાન આ જે સમયે ઓડેસા નેશનલ પોલિટેકનિક યુનિવર્સિટીમાં કાઇનેટિક્સ ઓફ થર્મોન્યુક્લિયર રિએકશન્સના ગણિતિય મોડેલિંગનો અનુભવ ધરાવતાં કર્મચારીઓ આ ક્ષેત્રની ચોક્કસ સમસ્યાઓ પર કામ કરી રહ્યા હોવાનું જણાયું છે. તેમની સાથે કીવ નેશનલ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિક્સ એન્ડ ટેકનોલોજી ઓફ મટિરિયલ્સ તથા એકેડમી ઓફ સાયન્સીઝના કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે. આ લોકો હાઇડ્રોડાઇનેમિક્સ એન્ડ કન્ટિન્યુઅમ મિકેનિક્સના ફિલ્ડમાં કમ્પ્યુટર મોડેલિંગ કરવામાં પણ નિષ્ણાત છે. 

સાથે સાથે ન્યુક્લિયર એક્સપ્લોઝિવ ડિવાઇસ બનાવવાના કામમાં પણ કીવ મશગૂલ છે. તેઓ અણુશસ્ત્રોની ડિલિવરી કરી શકે તેવી મિસાઇલ સિસ્ટમ પણ તૈયાર કરી રહ્યા છે તેમ આરઆઇએ નોવોસ્તીના સૂત્રોએ જણાવ્યું હતું. સાથે સાથે દેશમાં વર્તમાન મિસાઇલને આધુનિક બનાવવાનું તથા અણુશસ્ત્રોનો પ્રયોગ કરી શકે તેવી નવી મિસાઇલ વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. આમ, આ બધા કાર્યો એકસાથે થઇ રહ્યા છે તે બાબત દર્શાવે છે કે યુક્રેન કોઇ મોટો ધડાકો કરે તેવી સંભાવના છે. 

આજની નવી જોક

જૂની કહેવતઃ દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.

નવી કહેવતઃ દરેક નારાજ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ હોય છે જેને એ ખબર નથી હોતી કે એણે શું ભૂલ કરી છે.

અણુશસ્ત્રો વિકસાવવા માટેના દસ્તાવેજો ઝેપોરીઝઝિયા અણુપાવર પ્લાન્ટમાં સંતાડવામાં આવ્યા હોવાનો રશિયાનો દાવો 

ઝેપોરીઝઝીયા અણુ ઉર્જા પ્લાન્ટમાં આવેલી એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગમાં તાજેતરમાં  જે અથડામણો થઇ હતી તેનું કારણ ત્યાં સંગ્રહવામાં આવેલા અણુશસ્ત્રો વિકસાવવાના દસ્તાવેજો હતા તેમ રશિયાના સૂત્રોએ જણાવ્પું હતું. રશિયાની સ્પુટનિક સમાચાર સંસ્થાને સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનના સત્તાવાળાઓએ થોડા નાશ પામેલા અને મોટાભાગના અણુશસ્ત્રો વિષયક દસ્તાવેજો કીવ અને ખારકીવમાંથી ખસેડીને લીવ મોકલી દીધા છે. 

ઝપોરીઝઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે રશિયા અને યુક્રેનના દળો વચ્ચે અથડામણ થયા બાદ યુક્રેનની નેતાગીરીએ તેમના અણુકાર્યક્રમ વિશેના તમામ દસ્તાવેજો અન્યત્ર ખસેડવાનો અથવા તેનો નાશ કરવાનો નિર્ણય લીધો હતો. કીવ અને ખારકીવમાં સંગ્રહવામાં આવેલા તમામ મૂલ્યવાન દસ્તાવેજોને લીવ પોલિટેકનિક નેશનલ યુનિવર્સિટી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ દસ્તાવેજોમાંથી અમુક દસ્તાવેજો ઝેપોરીઝઝિયા અણુપાવર પ્લાન્ટમાં સંતાડવામાં આવ્યા હોવાનો રશિયાએ દાવો કર્યો હતો. રશિયાએ કીવ અને ખારકીવ પર પણ આ દસ્તાવેજોને નષ્ટ કરવાના હેતુસર જ હુમલા કર્યા હોય તે સંભવ છે. 

Gujarat