જીઆરયુના (કોમિક) જાસૂસી મિશનો
- વ્લાદિમિર પુતિન જાસૂસ હતા, પણ રશિયાની અંદર જ જાસૂસી કરતા, બહાર નહીં
- રશિયાની જાસૂસી સંસ્થા જીઆરયુ પર આરોપ છે કે તે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોને મારવા તાલિબાનને પૈસા આપે છે
- જીઆરયુના આળસું જાસૂસો ડગલે ને પગલે પુરાવા છોડે છેઃ દુનિયાભરમાં હાંસીપાત્ર બને છે
જાસૂસીની એક અલગ જ દુનિયા છે. એ દુનિયા કદાચ આપણી આસપાસ હોય તો પણ આપણે તેને જોઇ શકતા નથી. તેનાથી પરિચિત થવાય છે કેવળ ફિલ્મો, પુસ્તકો અને અખબારોથી. મોસાદ, સીઆઇએ, રોના જાસૂસી મિશનો વાંચી રહ્યા હોઇએ ત્યારે અહેસાસ થાય છે જાણે કોઇ સસ્પેન્સ થ્રીલર નવલકથા વાંચી રહ્યા છીએ. પણ રશિયાની જાસૂસી સંસ્થા જીઆરયુના મિશન વાંચીએ તો સ્થિતિ આનાથી બિલકુલ ઊલટી થાય, ખડખડાટ હસવું આવે. આ સંસ્થા એવી તે કઇ બ્લન્ડર કરે છે કે દુનિયા આખીને તેના પર હસવું આવે છે! જાણીએ.
ગુપ્તચર વિભાગને અંગ્રેજીમાં એમ જ કંઈ ઇન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવતો નથી. ઇન્ટેલીજન્સનો અર્થ થાય છે બુદ્ધિ. મતલબ જાસૂસીનું કામ પ્રખર બુદ્ધિ માગી લેનારું છે, ચતુરાઇનું કામ છે. એટલી સફાઇથી કામ કરવું પડે કે પાછળ કોઇ પુરાવો છુટે નહીં. જીઆરયુના જાસૂસો હોશિયાર છે, ખૂનખાર છે પણ એટલા આળસું છે કે પુરાવા છોડી જ દે છે. વિશ્વની જાસૂસી સંસ્થાઓને કોઇ મહેનત કરવી પડતી નથી. તેને એક જ સેકન્ડમાં ખ્યાલ આવી જાય છે કે આવા ભગા કેવળ એક જ જાસૂસી સંસ્થા મારી શકે છે. એક ઉદાહરણ જોઇએ.
નેધરલેન્ડનું એક શહેર છે હેગ. ત્યાં ઓપીસીડબલ્યુનું હેડ કવાર્ટર આવેલું છે. ઓપીસીડબલ્યુ એટલે ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઑફ કેમિકલ વેપન્સ. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેમનું કામ પ્રતિબંધિત કેમિકલ હથિયારો પર નજર રાખવાનું છે. કોઇ દેશ કે સંગઠન કેમિકલ હથિયારોનો ઉપયોગ ન કરે તે જોવાનું છે. ૨૦૧૮માં નેધરલેન્ડની પોલીસે એક કારમાં બેઠેલા ચાર જણાની ધરપકડ કરી. ચારેય ઓપીસીડબલ્યુમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. તેમાંથી એકનું નામ એલેક્સી મોરોનેક્સ. પોલીસે તેમની કારનું રજીસ્ટ્રેશન તપાસ્યું. તે મોસ્કોમાં રજીસ્ટર્ડ હતી. મોસ્કોમાં ક્યાં રજીસ્ટર્ડ હતી? ક્રોમોસો મોલ્સ્કી પ્રોસ્પેક્ટ ૨૦ ખાતે. આ સરનામું રશિયાના સંરક્ષણ મંત્રાલયનું છે. એ જગ્યાએ રશિયાની ગુપ્તચર સંસ્થાનું કાર્યાલય પણ છે. ડચ પોલીસ અધિકારીને તેમની પાસેથી હેકીંગના ઉપકરણો પણ મળ્યા. એક લેપટોપ મળ્યું, જેમાં આ પહેલાં કરવામાં આવેલા કેટલાક સાયબર એટેકનો ડેટા હતો. ઉપરાંત એક રસીદ હતી. એ રસીદ હતી સંરક્ષણ મંત્રાલયની ઑફિસથી મોસ્કો એરપોર્ટ જવા માટે ભાડે કરેલી ટેક્સીની. એક જ મિશનમાં કેટલી ભૂલો કરી જુઓ. ૧) સંરક્ષણ મંત્રાલયના નામે રજીસ્ટર્ડ હોય એવી ગાડીનો ઉપયોગ કરાય? ૨) જે સાયબર એટેક થઇ ચૂક્યા છે તેનો ડેટા ભેગો લઇને ફરાય? અને ૩) ટેક્સી ભાડે કરી હોય તેની રસીદ સાથે રખાય? અલ ઝઝીરાના એક પત્રકારે મજાક ઉડાવી કે પૈસા રીઇન્બર્સ કરવા માટે તેમણે રસીદ સાચવીને રાખી હશે. આ પાછી એ દેશની જાસૂસી એજન્સી છે જેના વડા પોતે જાસૂસ રહી ચૂક્યા છે.
આજકાલ જીઆરયુ વર્લ્ડ મીડિયાની હેડ લાઇન્સમાં ઝળકી રહી છે. કારણ છે રશિયાની મિલિટરી ઇન્ટેલીજન્સ યુનિટ. હેડ લાઇન્સ શરૂઆત થઇ ૨૬મી જુનથી. ન્યુયોર્ક ટાઇમ્સે એક્સકલુઝીવ સમાચાર પ્રસિદ્ધ કર્યા,રશિયાની સૈન્ય ગુપ્તચર એજન્સી તાલિબાનને પૈસા આપી રહી છે. શા માટે? જેથી તેઓ અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકન સૈનિકો તથા નાટો સૈનિકો પર હુમલા કરે, તેમને મારે. ૨૦૧૯માં આવી રીતે ૨૦ સૈનિકને ટાર્ગેટ કરાયા. અત્યાર સુધીમાં રશિયાએ કેટલા અમેરિકન સૈનિકોને ટારગેટ કર્યા છે એ હજુ બહાર આવ્યું નથી. ન્યુયોર્ક ટાઇમ્સે બોમ્બ ફોડયા બાદ વોશિંગ્ટન પોસ્ટ અને વોલસ્ટ્રીટ જર્નલ સહિત અનેક અખબારોએ તેનું કવરેજ કર્યું.
આની પાછળ રશિયન મિલિટરી ઇન્ટેલિજન્સની યુનિટ નં. ૨૯૧૫૫નું નામ લેવાઇ રહ્યું છે. તે જીઆરયુ અંતર્ગત કામ કરે છે. આધુનિક રશિયામાં બે યુગ થઇ ગયા. એક ૧૯૯૧ પહેલાંનો, બીજો ૧૯૯૧ પછીનો. સોવિયેત રશિયાના દોરમાં એક ગુપ્તચર એજન્સી હતી. તેનું નામ હતું ગ્લેવનોએ રેઝવેદીવાતેલનોએ ઉપરાવેલનીએ. આ એજન્સીને શોર્ટમાં કહે છે, જીઆરયુ. તે વિદેશની સેનાઓ વિશેની બાતમી એકત્રિત કરવાનું કામ કરતી હતી. રશિયાના વિઘટન બાદ તેની નવેસરથી રચના કરવામાં આવી. તેને નવું નામ આપવામાં આવ્યું જેનરાલનોગો સ્તાબા. તેનું શોર્ટનેમ છે, જીયુ. નામ સિવાય તેમાં કોઇ અંતર ન હોવાથી આજે પણ તે જીઆરયુના પુરાણા નામથી જ ઓળખાય છે.
જીઆરયુ શું કરે છે? વિવિધ દેશોમાં રાજનીતિ વિશેની બાતમીઓ મેળવે છે અને સૈન્ય વિશેની ગુપ્તચરીય માહિતી એકઠી કરે છે. દરેક દેશ આ રીતે પોતાની ગુપ્તચર સંસ્થાને બે વિભાગમાં વહેંચી દેતો હોય છે જેમ કે રશિયામાં કેજીબી પોલીટિકલ અને સિવિલ ઇન્ટેલીજન્સ એકત્રિત કરવાનું કામ કરતી હતી, જ્યારે જીઆરયુ મિલિટરી ઇન્ટેલિજન્સનું નામ. અત્યારે રશિયામાં કેજીબીના સ્થાને એસવીઆર અને જીઆરયુના સ્થાને જીયુ કામ કરે છે. એ બંને સિવાય અન્ય એક ગુપ્તચર એજન્સી છે, જેનું નામ છે એફએસબી. તે રશિયાની ઘરેલું સુરક્ષા અને તેને લગતા ગુપ્તચરીય ઓપરેશન્સ જોવે છે. વ્લાદિમિર પુતિન એફએસબીનો હિસ્સો હતા. જીઆરયુ ૩ પદાધિકારીઓને રીપોર્ટ કરે છે. ૧) રશિયાના રાષ્ટ્રપતિ, ૨) સંરક્ષણ પ્રધાન, અને ૩) ચીફ ઑફ ધ જનરલ સ્ટાફ. રશિયાના રાષ્ટ્રપતિ કોણ છે એ તો બધા જાણે છે. સંરક્ષણ મંત્રી છે શેરગી શોઇગુ અને ચીફ ઑફ ધ જનરલ સ્ટાફ છે વેલરી ગોરાસીમોવ.
જીઆરયુ મલ્ટીટાસ્કીંગ છે. સાઇબર હેકીંગ કરે છે. ડબલ ક્રોસ કરીને વિદેશ ભાગી ગયેલા રશિયાના ભૂતપૂર્વ જાસૂસોને ઠેકાણે પાડે છે. બીજા દેશોની સેના અને સૈન્ય ક્ષમતાની ભાળ મેળવે છે. કયારેક તેને પોલિટિકલ કામ પણ પકડાવી દેવામાં આવે છે. જેમ કે કોઇ દેશના ઇલેક્શન હાઇજેક કરવા, સ્થાનિક લોકોની ભરતી કરી સત્તાપલ્ટો કરાવવો, સાઇકોલોજીકલ કેમિકલ અથવા સાયબર હુમલો કરાવવો.
નિષ્ફળ ઓપરેશનને કારણે અથવા ઓપરેશન દરમિયાન ઢગલાબંધ પુરાવા છોડવાના કારણે જીઆરયુ હંમેશા ચર્ચામાં રહે છે. આ સંસ્થા એટલી આળસુ છે કે એજન્ટ્સના નકલી નામ પણ બદલાવતી નથી. અનેક ઓપરેશન્સમાં એકના એક નામનો ઉપયોગ કરે છે, પરિણામે તેનું પેપર ફૂટી જાય છે. ઇન્ટરનેટ પર અવેલેબલ ઑપન સોર્સનો ઉપયોગ કરીને ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ પણ તેનો રૂટચાર્ટ, અસલી ઓળખ, મોબાઇલ નંબર, પાસપોર્ટ નંબર, સર્વિસ રેકોર્ડ અને તેની યુનિટના બીજા સાથીઓની વિગતો સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જીઆરયુ દુનિયાની એકમાત્ર એવી એજન્સી છે જેના વિશે ઇન્ટરનેટ પર સૌથી વધુ વિગતો અવેલેબલ છે. જેવી રીતે સેનામાં અલગ અલગ ટુકડીઓ હોય છે તેમ જીઆરયુમાં પણ અનેક યુનિટ્સ છે. તેના યુનિટ નંબર ૨૯૧૫૫ પર આરોપ છે કે તેણે અમેરિકન સૈનિકોને મારવા માટે તાલિબાનોને પૈસા આપ્યા. આ વિશે ખબર કઇ રીતે પડી? જે બેંક ખાતામાંથી તાલિબાનોએ પેમેન્ટ થયું છે તે બેંક એકાઉન્ટ સીધા જીઆરયુ સાથે જોડાયેલાં છે. ફરીથી કોમેડી. આટલા સ્થૂળ પુરાવા કોઈ છોડી શકે ખરું?
યુનિટ ૨૯૧૫૫ પણ આ પહેલા અનેક વખત સમાચારમાં ચમકી ચૂકી છે. ૨૦૧૮ના શેરગીસ્ક્રીપ્લ કેસને કારણે તે સૌ પ્રથમ પ્રકાશમાં આવી. શેરગી સ્ક્રીપ્લર રશિયાના ભૂતપૂર્વ જાસુસ હતા. ૨૦૧૮માં શેરગી અને તેની દીકરી યુલિયા પર નર્વ એજન્ટથી હુમલો થયો. હુમલો કરનારા બે રશિયન ગુપ્તચરોએ ઢગલામોઢે પુરાવા છોડેલા. બ્રિટનમાં તેની પ્રત્યેક મુવમેન્ટને ટ્રેસ કરી લેવામાં આવી. સીસીટીવી ફૂટેજમાં બંનેના ચહેરા ઝીલાઇ ગયા. તપાસ કરતા જાણવા મળ્યું, તેઓ રશિયન પાસપોર્ટ પર બ્રિટન આવ્યા હતા. પાસપોર્ટ પ્રમાણે એકનું નામ હતું રૂસલાન બોસીરોવ, અને બીજાનું નામ હતું એલેકઝાન્ડર પેટ્રો. બંને નામ નકલી હોય એ તો સ્વાભાવિક છે. તેમનો સર્વિસ રેકોર્ડ, તેમના અસલી નામ બધું જ સરળતાથી મળી ગયું. તેમાંથી એકને હીરો ઑફ રશિયા એવોર્ડ આપવામાં આવેલો છે એવું પણ જાણવા મળ્યું. હીરો ઑફ ધ રશિયા એવોર્ડ રશિયાનું સૌથી મોટું સન્માન છે.
થોડી ઘણી જાણકારી જે નહોતી મળતી તે આ મિશનમાં સામેલ ત્રીજા શખસ દ્વારા છોડવામાં આવેલા પુરાવાના કારણે મળી ગઇ. ત્રીજાનું નામ ડેનિસ સેરગેવ. તે સેરેગી ફેદોતોવનું નામ ધારણ કરીને બ્રિટન પહોંચેલો. આ નામથી ટ્રાવેલ હીસ્ટ્રી ચેક કરવામાં આવી તો એક છેડો છેક બુલગેરિયા સુધી પહોંચ્યો. બુલગેરિયામાં ૨૦૧૫માં એક આર્મ્સ લીડરને આ જ નામ ધરાવતા યુવાને નર્વ એજન્ટ દ્વારા મારવાની કોશિશ કરી. તેના ફલાઇટ રેકોર્ડ્સ, પેસેન્જર ડેટા, રશિયાની સીમામાંથી બહાર જવું આ બધી જ વિગતો ઇન્ટરનેટ પરથી મળી આવી. જાણવા મળ્યું કે તે અવારનવાર યુરોપ, સેન્ટ્રલ એશિયા, યુક્રેન અને મિડલ ઇસ્ટ જાય છે. સેરેગી ફેદોતવના બાકી સાથીદારોની પણ જાણકારી મળી ગઇ. આમ ગુપ્તચર એકમ ૨૯૧૫૫ જરાય ગુપ્ત રહ્યો નહીં. તેમની સૌથી મોટી ભૂલ એ કે તેઓ એકને એક નામનો વારંવાર ઉપયોગ કરતા. સાલ ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટનના ઇ-મેઇલ લીક કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રભાવિત કરવાનું કારનામો પણ યુનિટ ૨૯૧૫૫એ કરેલો. દક્ષિણ યુરોપમાં સાલ ૨૦૧૬માં મોન્ટેનએગ્રોમાં તખ્તાપલટની કોશિશ કરેલી. સાલ ૨૦૧૭માં સ્પેનના કેટેલોનિયામાં અલગાવવાદની આગ ભડકાવી.
જીઆરયુમાં ૨૯૧૫૫ જેવા અનેક યુનિટ્સ છે. જેમ કે યુનિટ નં. ૨૬૧૬૫. યુક્રેન પરથી પસાર થઇ રહેલુ પેસેન્જર વિમાન એમએચ-૧૭ ધરાશાયી કરવાનું કારસ્તાન આ યુનિટે કરેલું. સાલ ૨૦૧૭માં તેમણે ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંના ઇ-મેઇલ હેક કરવાની પણ કોશિશ કરેલી. હેકિંગ દરમિયાન તેમણે એટલા બધા પુરાવા છોડેલા કે કોણે કર્યું તેની પણ ખબર પડી ગઇ. તેમાંથી એક હેકર્સનું નામ પણ મળી ગયું. જોર્જી પેટ્રોવિકરોસ્કા. તપાસ કરતા તરત જ જાણવા મળી ગયુ કે આ માણસ જીઆરયુના યુનિટ નં.૨૬૧૬૫નો જાસૂસ છે.
૫મી નવેમ્બર ૨૦૧૮ના રોજ જીઆરયુનો ૧૦૦મો બર્થ-ડે હતો. દર વર્ષે આ પ્રસંગ ભવ્ય ઉજવણી થતી હોય છે, પરંતુ ૨૦૧૮માં ઊલટો કાર્યક્રમ થયો. એક ઇમર્જન્સી મીટીંગ યોજાઈ. જેમાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જીઆરયુના જાસૂસોને બેફામ ખખડાવ્યા. કહ્યું, તમે બિલકુલ ગેરલાયક અને બેપરવાહ છો. એક કામ કરોને મિશન દરમિયાન રશિયાની ટોપી કેમ નથી પહેરી લેતા?
આજની નવી જોક
લીલી (છગનને) : તમે બિલકુલ બદલાઈ ગયા છો. હવે મને પહેલા જેટલો પ્રેમ નથી કરતા. પહેલા તો તમે મને પડોશની અગાસીએથી આખો દિવસ જોયા કરતા.
છગનઃ થાય છે કે હવે એ જ અગાસીએથી કૂદકો મારી લઉં.
લીલીઃ હેં!?