પોસ્ટ કોવિડ વર્લ્ડઃ નવું વર્ક કલ્ચર

Updated: Jun 11th, 2022


- વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન મળવાને કારણે 2022 સુધીમાં યુએસમાં 20 ટકા કોમર્શીયલ પ્રોપર્ટી ખાલી રહેશેઃ મુડીઝ

- ઓસ્ટ્રેલિયા તેના દેશમાં સંપૂર્ણપણે વર્ક ફ્રોમ ઑફિસ કલ્ચર લાવવા માગે છે

- કોરોનાના કારણે દુનિયામાં ધાર્યા કરતાં વધુ ઝડપથી પરિવર્તન થઇ રહ્યુ છે

દરેક સવાર જુદી હોય છે. દરેક આજનો સૂરજ પ્રત્યેક ગઈ કાલના સૂરજ કરતા અલગ હોય છે. આ નિયમ બધે લાગુ પડે છે. એ જ રીતે વર્ક કલ્ચરને પણ લાગુ પડે. આમ તો વર્ક કલ્ચર ધીમે-ધીમે અવિરત બદલાતું જ હોય છે, પણ કોરોનાએ તે મોટા પાયે બદલી નાખ્યું છે. માત્ર લોકડાઉન પૂરતું નથી બદલાયું. હંમેશા-હંમેશા માટે પરિવર્તિત થઈ ચૂક્યું છે. જ્યાં કોવિડનો પ્રકોપ ઓછો થયો છે, જ્યાં રસીકરણ વધ્યું છે ત્યાં, દેશ-દુનિયામાં અનલોક થવા લાગ્યાં છે, પણ આજે, આવતીકાલે અથવા ભવિષ્યમાં ઑફિસો ભૂતકાળની જેમ ધમધમે, ખચોખચ ભરાઈ જાય એવી સંભાવનાઓ પર ધુમ્મસ બાઝી ગઈ છે.

ભારતની વાત કરીએ તો ગૃહ ઉદ્યોગો કેટલા મોટા હશે. ઘરેથી થતા નાના-નાના ઉદ્યોગો દ્વારા પેદા કરવામાં આવતી આવકનો ટોટલ અબજોમાં થાય. વર્ક ફ્રોમ હોમ પણ ગૃહ ઉદ્યોગ જેવું જ મોટું પરિમાણ બની ગયું છે.  વર્ક ફ્રોમ હોમ પહેલા પણ હતું, પણ કલ્ચર સ્વરૂપે નહોતું. હવે છે. તેનો સ્કેલ બહુ મોટો થઈ ગયો છે. નિષ્ણાતો કહે છે કે કોવિડ જશે, પણ સોએ સો ટકા વાતાવરણ પહેલા જેવું નહીં થાય. ઑફિસો ચાલુ થાય તોય અત્યારે ઘરેથી કામ કરે છે એ બધાને ઑફિસ જવું નહીં પડે. કેટલીક કંપનીઓ પણ એવું ઇચ્છી રહી છે કે અમુક કામ ઘરે બેઠા થઈ શકે છે તો પછી હવે સ્ટાફને નોકરીએ બોલાવવો શા માટે? આથી ઘણી નોકરીઓ કાયમ માટે વર્ક ફ્રોમ હોમ થવા લાગી છે. અઠવાડિયે, ચાર દિવસે કે મહિને જ્યારે જરૂરી હોય ત્યારે જ સ્ટાફને ઑફિસ પર બોલાવવાનો. જરૂરી માર્ગદર્શન આપીને, ટ્રેનિંગ આપીને ફરીથી ઘરે મોકલી દેવાનો. વર્ક ફ્રોમ હોમ.

આની પાછળ કંપનીઓનું ગણિત છે. સ્ટાફ ઑફિસ પર ઓછો આવે તો ઑફિસ સ્પેસ ઓછી જોઈએ. એટલું ભાડું ઓછું ભરવું પડે. ગોલ્ડમેન સાક્સ તેના તમામ કર્મચારીઓને ફરીથી ઑફિસ પર હાજર કરવા માગે છે, પણ તેની પ્રતિસ્પર્ધી સિટીબેન્કની નીતિ અલગ છે. તે અમુક સ્ટાફને ઘરેથી કામ કરાવવા માગે છે.  આ બે ઉદાહરણ જાણે કે બે જૂથ છે. એક જૂથના બિઝનેસીસ ઑફિસમાં ફૂલ સ્ટાફ ભરશે જ્યારે બીજા નહીં ભરે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના મત પ્રમાણે ઘણી ખરી વર્ક ફોર્સ અત્યારે ઘરેથી કામ કરી રહી છે અને ઘણી ખરી કોવિડ પછી પણ ઑફિસ નથી આવવાની તેના કારણે કોમર્શિયલ પ્રોપર્ટીનો વેકેન્સી રેટ વધતો જાય છે. વેકેન્સી રેટ અગાઉ કરતા પાંચ ટકા વધવાને કારણે આગામી પાંચ વર્ષમાં કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં અને ભાડામાં ૧૫ ટકાનો ઘટાડો થઈ શકે છે. અમેરિકાની ક્રેડિટ રેટિંગ એજન્સી ફિન્ચ કહે છે કે જો અમેરિકનો અઠવાડીયામાં ત્રણ જ દિવસ ઑફિસ જાય તો કોમર્શીયલ પ્રોપર્ટીના ભાવ અને ભાડાં અડધાં થઈ જાય.

મૂડીઝ કહે છે કે ૨૦૨૨ સુધીમાં અમેરિકામાં ૨૦ ટકા ઑફિસો ખાલી હશે. જે ઑફિસોમાં હવા ઉજાસ ન હોય તેના માલિકોને ભાડાં મેળવવામાં હવે ઓર મુશ્કેલી થશે. તેમને રીનોવેશન કરાવવું પડશે. પછીય કેટલું ઊગે કોને ખબર? વર્ક ફ્રોમ હોમના ફૂલતા-ફાલતા કલ્ચરને કારણે કોમર્શિયલ પ્રોપર્ટી ક્ષેત્રને જે નુકસાન થવા સંભવ છે તેની અસર બેન્કો પર પણ પડવાની. એકલા અમેરિકામાં બેન્કોએ કોમર્શીયલ પ્રોપર્ટી સેક્ટરને, વ્યાવસાયિક મિલકત ક્ષેત્રને ૨.૪ ટ્રિલિયન ડોલરની લોન આપેલી છે. ભારતની એક વર્ષની જીડીપી જેટલી રકમ થઈ. અફકોર્સ આ જે અસરો હશે તે લાંબા સમય સુધી નહીં રહે. લાંબા ગાળે દુનિયા પોતાને નવા વર્ક કલ્ચરમાં એડજસ્ટ કરી લેશે.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન બધાને ઘરને બદલે ઑફિસથી કામ કરવા માટે આહ્વાન કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે કોઈ ઘરેથી કામ ન કરે. આવું શા માટે? કારણ કે તેઓ આની પાછળ એક મોટું આર્થિક ચિત્ર જોવે છે.  જ્યારે તમે ઑફિસ જાવ છો ત્યારે તમે ચા પીવા કેન્ટિનમાં જાવ છો. બહાર પાનવાળાને ત્યાં જઈને પાન ખાવ છો, સેગારેટ પીવો છો કે વેફર ખાવ છો. ખુમચા પર સમોસા ખાવ છો. ઑફિસમાં બે-ત્રણ વખત બહારથી ચા આવે છે. તમે ઑફિસ જાવ છો એટલે પેટ્રોલ બાળો છો. ટ્રેન,  ટેક્સી કે બસનો ઉપયોગ કરો છો. સાંજ પડયે સોની નોટ ખર્ચીને આવો છો. ઓસ્ટ્રેલિયામાં પાનની દુકાન ન હોય. અગ્રી, પણ આ માત્ર સમજૂતિ માટે છે. આમ કેવળ ઑસ્ટ્રેલિયા કે અમેરિકામાં નહીં, પણ દુનિયાના લગભગ તમામ દેશોમાં એક એવી ઇકોનોમી છે જે ઑફિસ કલ્ચરને કારણ ધમધમે છે. આ ઇકોનોમિક સાઇકલ કોવિડ લોકડાઉનને કારણે ઠપ થઈ કઈ છે. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન તેને ફરીથી ધમધમતી કરવા માગે છે. 

ફ્રીલાંસ રાઇટર, વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, વેબ ડિઝાઇનર, સોશિયલ મીડિયા મેનેજર, ઇ-માર્કેટિંગ, એનિમેશન અને પ્રોમોશનલ વીડિયો મેકર સહિત કેટલીય એવી જૉબ છે જે ઘરે બેઠા થઈ શકે છે અને હવે કંપની તે કામ એ જ રીતે કરાવવા પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. ઓસ્ટ્રેલિયન ફાઇનેન્શિયલ રીવ્યુ અખબારમાં છપાયું છે કે હવે વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ ઑફિસનું મિશ્રિત કલ્ચર ચાલશે. વર્ક ફ્રોમ હોમના કેટલાક માઇનસ પોઇન્ટ પણ છે. ઘરે એ મહોલ બનતો નથી જે ઑફિસમાં બને છે. પ્લસ ઑફિસમાં કર્મચારીઓ વચ્ચે સહકારની ભાવના હોય છે. આ ભાવનાને ઘરે વિકસવાની તક મળતી નથી. ઑફિસમાં નવા-નવા વિષયોની ચર્ચા થતી રહે છે. ઘરે આ તમામ પ્રકારની શક્યતાઓ રૂંધાતી રહે છે. ઓસ્ટ્રેલિયન પબ્લિક સર્વિસ કમિશને વર્ક ફ્રોમ ઑફિસ પર શક્ય એટલો વધારે ભાર મૂકી રહી છે. 

ઘણા નાના-નાના ધંધા એવા છે જે કોમર્શીયલ ઑફિસને બદલે ઘરના જ એક રૂમમાં કે એક ખૂણામાં ઑફિસ બનાવીને ચાલવા લાગ્યા છે. ઘરની ખાલી પડેલી જગ્યાનો ઑફિસ તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. કોરોનાએ આપણી વર્ક પેટર્નને પ્રભાવિત જરૂર કરી છે, પણ એવું નથી કે કોરોનાને કારણે જ બદલાયું. પરિવર્તન તો ક્યારનું ચાલુ જ હતું. ને આ થવાનું જ હતું. કોરોનાએ તે બહુ ઝડપથી કરી નાખ્યું.

 આપણે પ્રોપર્ટીના તૂટતા ભાવની વાત કરીએ કે ખોડંગાતી ઇકોનોમીની વાત કરીએ હવે ૧૦૦ ટકા વર્ક ફ્રોમ ઑફિસનું કલ્ચર પાછું આવવું સંભવ નથી. કોવિડ લોકડાઉનના સમય કરતા વર્ક ફ્રોમ હોમ ઘટશે, પણ અગાઉના સમય કરતા વધારે જ રહેશે. કારણ કે જે બિઝનેસીસ ઑનલાઇન છે તેમાં વર્ક ફ્રોમ હોમ સસ્તો ઉપાય છે. કંપનીઓને કર્મચારીઓને સાચવવાનો ખર્ચો ઘટી જાય છે, બચી જાય છે.

બિઝનેસ ટુડેએ વર્ક ફ્રોમ હોમ કરનારા કેટલાક લોકો સાથે વાતચીત કરી છે. તેઓ એવું કહે છે કે જો તેમને ઑફિસે જવા ફરજ પાડવામાં આવશે તો તેઓ જૉબ બદલી શકે છે. મતલબ એ થયો કે વર્ક ફ્રોમ હોમ કરનારાઓમાંથી ઘણા ખરાને આ વ્યવસ્થા બહુ જ અનુકૂળ આવી ગઈ છે. આ બધા વચ્ચે સૌથી મહત્ત્વનો મુદ્દો પ્રોફિટ છે. જે કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમ કરતા વર્ક ફ્રોમ ઑફિસ વધારે પ્રોફિટેબલ હશે તે વર્ક ફ્રોમ ઑફિસને વધારે પ્રોત્સાહિત કરશે. એવી જ રીતે જે કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કરતા વર્ક ફ્રોમ ઑફિસ વધારે આવક રળી આપનારું હશે તો તેઓ જવાના જ. આ અભિગમ બંને તરફથી કેસ બાય કેસ ભિન્ન હોઈ શકે છે. ઇન શોર્ટ, મિક્સ વર્ક કલ્ચર આજ અને આવતીકાલનું સત્ય છે.

આજની નવી જોક

લલ્લુ (લીલીને): મારે સ્કૂલે નથી જવું.

લીલીઃ કેમ?

લલ્લુઃ ટીચરને કંઈ આવડતું નથી. બધું મને પૂછ-પૂછ કરે છે.

લીલીઃ હેં!?

જીકે જંકશન

- દર વર્ષે ૩૦મી મેએ ગોવા સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. નોવાક જોકોવિચ બેલગ્રેડ ઓપન ૨૦૨૧ ટાઇટલના વિજેતા બન્યા છે.

- જર્મનીના ખેલાડી સામે ખેદિરાએ ફુટબોલમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. તાજેતરમાં કર્નલ પંજાબસિંહનું અવસાન થયું હતું. તેમને પૂંચની લડાઈમાં વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.

- બોધગયામાં મહાત્મા બુદ્ધની સૌથી મોટી સૂતી પ્રતિમા (રિક્લાઇનિંગ બુદ્ધા) સ્થાપિત કરવામાં આવશે. 

- ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની ઘોષણા કરી છે. શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોને સલાહ આપવા માટે યુવા પહલની શરૂઆત કરી છે. આઇપીએલ-૨૦૨૧નું યુએઈમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

- સેબી લિસ્ટેડ કંપનીઓ માટે ફોરેન્સિક ઓડિટર નિયુક્ત કરશે. એમેઝોન હોલિવુડ સ્ટુડિયો એમજીએમને ૮.૪૫ અબજ ડોલરમાં ખરીદશે.

- આસામ રાજ્ય સરકારે શિશુ સેવા યોજના શરૂ કરી છે. યુએઈ સરકારે સંજય દત્તને ગોલ્ડન વિઝા આપ્યો છે. આ વિઝા મેળવનારો તે પહેલો ફિલ્મસ્ટાર છે.

- એનિમિયા ફ્રી ઇંડિયા ઇન્ડેક્સ ૨૦૨૧-૨૧માં મધ્ય પ્રદેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ચીને હવામાન વિશે માહિતી મેળવવા માટે ફેન્ગ્યુન-૪બી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો.

- ચીલી દ્વારા આયોજિત નેટ ઝીરો સમિટમાં ભારતે મિશન ઇનોવેશન ક્લિનટેક એક્સચેન્જ લોન્ચ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના આંકડા પ્રમાણે ૨૦૨૨માં ૫.૭ ટકા લોકો બેરોજગારી ભોગવશે.

- ફ્રાંસની એન્ટી કોમ્પીટેટીવ ઓથોરિટીએ ગુગલને ૨૬.૮ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. કર્ણાટક સરકારે સ્ટ્રીટ વેન્ડર્સને રૂા.૨,૦૦૦ની સબસિડી જાહેર કરી છે.

- ભારત પાસે પરમાણું હુમલો કરી શકે તેવી એક માત્ર સબમરીન છે. સબમરીન આઇએનએસ ચક્ર. તે આપણે રશિયાને પરત કરી રહ્યા છીએ. વિજય ગોખલેએ તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે, જેનું શીર્ષક છે, તિયાનનમેન સ્ક્વેરઃ મેકિંગ ઑફ અ પ્રોટેસ્ટ.

    Sports

    RECENT NEWS