બોલીવુડમાં સગાવાદ સામે મીટૂ...
- સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે આંદોલનથી ફાયદો શું? તમે એવું માનો છો કે બધું બદલાઈ જશે?
- આયુષ્માન ખુરાનાએ જ્યારે ધર્મા પ્રોડક્શન્સમાં ફોન કર્યો ત્યારે તેમને એવો જવાબ મળેલો કે, અમે માત્ર સ્ટાર્સ સાથે જ કામ કરીએ છીએ
- સોનુ નિગમના એક વીડિયોએ સંગીત જગતમાં વીડિયો વૉર છેડી દીધી
દુનિયા એવી જ છે તમે એને બદલી શકતા નથી. અહીં તમારું શોષણ થાય છે, તમારી સાથે રાજનીતિ થાય છે, તમને તક આપવામાં આવતી નથી. આ બધું ત્યાં સુધી ચાલતુ રહે છે જ્યાં સુધી તમને મોટી સફળતા મળતી નથી. કેટલાક લોકો એવા હોય છે જે ધીરજ રાખી આ શોષણનું દૂષ્ચક્ર સહન કરી લે છે, કેટલાક સુશાંત જેવા હોય છે જે હંમેશા માટે શાંત થઇ જાય છે.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સૌથી પહેલાં તેની માનસિક સ્થિતિ પર ચર્ચા શરૂ થયેલી. બાદમાં નેપોટિઝમનો મુદ્દો સપાટી પર આવ્યો ને અત્યારે તે હોટટોપિક બની ગયો છે. ખાસ કશું બદલાવાનું નથી, કદાચ થોડો ઘણો ફેરફાર થાય. એ ટૂંકા ગાળાનો હોય કે લાંબા ગાળાનો કોને ખબર? એવું માનીને સગાવાદ સામેનો આક્રોશ ઠાલવવાનું કેન્સલ કરી શકાય નહીં. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બોલીવુડમાં મામકા પાંડવાનું કડવો અનુભવ કરનારા કલાકારોનું મી ટુ આંદોલન બની ચૂકી છે.
તો દુનિયામાં એવી કોઇ ચીજ નથી જેનાથી તમને ડર લાગતો હોય?, કોમલ નાહટાએ ૨૦૧૯માં એક ઇન્ટરવ્યુમાં સુશાંતને આવું પૂછેલું.
મોત. સુશાંતે જવાબ આપ્યો, જ્યારે હું ઊંઘું છું ત્યારે મને ખબર હોતી નથી કે હું કોણ છું? કદાચ મૃત્યુ પછી પણ આવું જ થતું હશે એટલે જ મને મોતથી ડર લાગે છે. સુશાંતનો આ જવાબ સાંભળીને આપણને થાય કે મોતથી ડરનારો માણસ કઇ રીતે આત્મહત્યા કરી શકે? એ સ્થિતિ કેટલી ખરાબ રહી હશે કે મોતથી ડરનારા માણસે આત્મહત્યા કરવી પડી હોય.
એ પ્રશ્નનો ઉત્તર બોલીવુડમાં નેપોટિઝમ સામે ચાલેલા મી ટુ આંદોલનમાંથી મળે છે. સગાવાદ વિરોધી આંદોલનનું નેતૃત્વ કર્યું કંગના રણોતે. તેણે ટ્વીટર પર એક વીડિયો મૂક્યો. તેમાં કેટલાક આર્ટીકલ્સ ટાંકવામાં આવ્યા હતા. તેનો આધાર લઇને તેણે કહ્યું, સુશાંતનું મૃત્યુ ઇમોશનલ, સાયકોલોજીકલ અને મેન્ટલ લિન્ચિંગ છે.
સુશાંતને બોલીવુડમાં લોન્ચ કરનારા નિર્દેશક અભિષેક કપુર એક ઇન્ટરવ્યુમાં કહે છે તેનું મોત સિસ્ટેમેટિક ડિસમેન્ટલિંગ ઑફ અ ફ્રેજાઇલ માઇન્ડ છે. અર્થાત એક સંવેદનશીલ મનને લગાતાર તોડવું. સુશાંતના પ્રશંસકોએ સોશિયલ મીડિયા ટ્રાયલમાં યશરાજ બેનરને પણ કટઘરાનામાં ઊભું રાખી દીધું.
તેમણે સુશાંત સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાકટ કર્યો હોવા છતાં ત્રીજી ફિલ્મ શા માટે ન કરી? એવા સવાલ ઉઠાવ્યા. કહેવાય છે કે રામલીલા માટે પણ સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ સુશાંત હતા. પરંતુ યશરાજ બેનરના ટેલેન્ટ મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટ દેખાડીને કહ્યું કે, તમે અમારી સાથે છો ત્યાં સુધી બીજા બેનરમાં કામ કરી શકો નહીં. અન્ય એક અભિનેતા પણ યશરાજ બેનર સાથે આવા જ કરારથી બંધાયેલો હતો.
પણ તેને રોકવામાં આવ્યો નહીં. આ બાબત દર્શાવે છે કે નિયમો બધા માટે સરખા નથી. બેનરના આકાઓ મનફાવે તેમ તેનો દુરૂપયોગ કરે છે. કલાકારોનો આક્ષેપ છે કે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ તેમનું કરિયર બનાવવાનું નહીં પણ બગાડવાનું કામ કરે છે. પરિણામે કલાકારો યા તો તેમને સરેન્ડર થઇ જાય છે અથવા આત્મહત્યા કરી લે છે. આ કંપનીઓ ઘણી વાર કલાકારોને ફિલ્મ, કોર્પોરેટ અથવા રાજનીતિ ક્ષેત્રના માંધાતાઓનો ઇગો મસાજ કરવા અથવા તેમની દૈહિક માગણી સંતોષવા મજબૂર કરે છે.
બોલિવુડમાં દબંગાઇ અને જૂથબંધીની બાબતમાં સલમાન ખાન અને તેના ભાઇઓનું નામ પણ ગાજી રહ્યું છે. અભિનવ કશ્યપે તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, સલમાનખાન, અરબાઝખાને અને સોહેલખાને મારી કરિયર ખતમ કરી નાખી. આ બંધુઓએ મને કામ કરતાં અટકાવ્યો એટલું જ નહીં જાત જાતની ધમકીઓ પણ આપી. મારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ કહ્યું. ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ કલાકારોને કોન્ટ્રાકટના ચક્રવ્યૂહમાં ફસાવી ગોળ-ગોળ ફેરવે છે. લાંબા સમય સુધી કામ ન મળતાં આ કલાકારો નિરાશ થઇ જાય છે અને આત્મહત્યા તરફ ધકેલાય છે.
ખાનબંધુઓ વિશે અભિનવ કશ્યપે લખેલી પોસ્ટને અનેક મોટા એન્ટરટેઇમેન્ટ મીડિયાએ અવોઇડ કરી. આ વિશે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ફોડ પાડયો કે, મીડિયાને અભિનવ કશ્યપના સમાચાર દબાવવાનો ઇશારો કરવામાં આવ્યો છે. સલમાને અનેક સ્ટાર્સની કારકિર્દી બનાવી હોવાનું કહેવાય છે.
તો તેમણે અનેક કારકિર્દી ખતમ કરી હોવાનું પણ કહેવાય છે. જેમ કે વિવેક ઓબેરોય. થોડા વર્ષો પહેલાં એક નાની એવી અમથી વાતમાં સલમાન અરીજીત સાથે પણ ઝઘડી પડયા હતા. અભિનેત્રી જિયાખાનની માતાએ આક્ષેપ મૂક્યો, સલમાન મારી દીકરીના સૂસાઇડ કેસની સીબીઆઇ તપાસમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. ૨૦૧૩માં જિયાખાને આત્મહત્યા કરી ત્યારે તે આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી સાથે રિલેશનશિપમાં હતી. આથી આ મામલે સૂરજની પણ તપાસ ચાલી રહી છે. જિયાની માએ આક્ષેપ મૂક્યો છે કે, સલમાન સૂરજને ઢાંકવા માટે મેદાનમાં ઊતર્યા છે.
રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના અને તાપસી પન્નુ સહિત બહારથી આવનારા લગભગ તમામ કલાકાર બોલીવુડમાં સગાવાદ વિશે નિ:સંકોચ બોલી રહ્યા છે. સુશાંત પોતે પણ આ વિશે તેમના અનેક ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા હતા. તેમણે કહેલું, બોલીવુડ સહિત લગભગ તમામ ક્ષેત્રોમાં નેપોટિઝમ છે. જ્યાં સગાવાદ હોય છે ત્યાં મિડિયોક્રીટી જ ચાલે છે. જો આમ જ ચાલતું રહેશે તો એક દિવસ આ ઇન્ડસ્ટ્રીઝ ધરાશાયી થઇ જશે.
અત્યારે કર્ણપટલમાં ઝીલાયેલો સગાવાદનો મુદ્દો છેલ્લાં બે-ત્રણ વર્ષથી બોલીવુડમાં ચર્ચાઇ રહ્યો છે. સગાવાદના પોસ્ટર બોય છે કરણ જોહર. કંગના રણોત જેવી ફિલ્મી હસ્તીઓ તેનું નામ લઇ જ તેના પર નિશાન તાકે છે તો બીજા ઘણાં તેની તરફ નનામા તીર ફેંકે છે. સ્ટુડન્ટ ઓફ ધ ઇયર અને સ્ટુડન્ટ ઓફ ધ ઇયર-ટુ બનાવ્યા પછી તેઓ વિશેષ ટાર્ગેટ બની રહ્યા છે. સુશાંતની આત્મહત્યા પછી સર્વાધિક આક્રોશ તેમના પર ઠલવાઇ રહ્યો છે.
હટકે ફિલ્મોને લઇને જાણીતા બનેલા આયુષ્યમાન ખુરાનાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, જ્યારે મેં કરણ જોહરની ઓફિસમાં ફોન કર્યો તો મને કહેવામાં આવ્યું ધર્મા પ્રોડકશન કેવળ સ્ટાર્સ જોડે કામ કરે છે. સ્ટાર્સ એટલે પોપ્યુલર થઇ ગયેલા કલાકાર, અને બોર્નસ્ટાર્સ. બોર્નસ્ટાર એટલે સ્ટાર્સના છોકરા. કોફી વિથ કરણના એક એપિસોડમાં પણ આયુષ્યમાને આ સચ્ચાઇ કરણના મોંઢે ચોપડાવી હતી.
અભિનેતા ઇન્દરકુમારની પત્ની પલ્લવીએ પણ કરણ પર સગાવાદનો આરોપ મૂક્યો. તેણે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું, મારા પતિ ટેલેન્ટ પણ હતા અને સફળ પણ થઇ ચૂક્યા હતા. તો પણ કરણે તેમની મદદ કરી નહીં. સાલ ૨૦૧૭માં હાર્ટ એટેક આવતા તેઓ મૃત્યુ પામ્યા. અભિષેક કપુર અને અભિનવ કશ્યપની પોસ્ટ ઝીણવટપૂર્વક વાંચતા સમજાય છે કે તેઓ માત્ર બોલીવુડમાં પ્રસરેલા સગાવાદ વિશે વાત કરી રહ્યા નથી, તેમાં ઊંડા પગ કરી ગયેલી દબંગાઇ અને માફિયાગીરી તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે. ફિલ્મ જગતના મોટા લોકો બહુધા પોતાનો અહમ સંતોષવા માટે કલાકારોનો દુરૂપયોગ કરે છે. યા કહો કે તેમની ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ ન થવા દઇ તેને વેડફી નાખે છે.
સોનુ નિગમે એક વીડિયો પોસ્ટ કરીને બળતામાં ઘી હોમ્યું. તેમણે કહ્યું, આવનારા દિવસોમાં સુશાંત જેવા અપમૃત્યુ સંગીત જગતમાં પણ જોવા મળશે. કારણ કે અહીં પણ માફિયા સક્રિય છે. તેઓ પોતાની મરજી અને અનુકુળતા પ્રમાણે પ્રતિભાશાળી અને બિનપ્રતિભાશાળી લોકોની કરિયર બનાવે છે અને બરબાદ કરે છે. સોનુ એ કોઇનું નામ લીધું નહોતું છતાં ટી-સીરીઝના વડા ભુષણકુમારની પત્ની દિવ્યાકુમાર છંછેડાઇ ગયા. તેમણે સોનુની ટિપ્પણી સામે વાંધો દર્શાવતો વીડિયો મૂકતા વિડિયોવૉર છેડાઇ ગઇ.
સોના મહાપાત્રા, અદનાન સામી, અલીશા ચિનાય સહિત અનેક પ્રખ્યાત ગાયકોએ પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં માફિયારાજ ચાલતું હોવાનું તથા ક્રિએટીવીટી કંટ્રોલ કરવામાં આવતી હોવાનો આક્ષેપ મૂક્યો. સોના મહાપાત્રાએ પોતાના વીડિયોમાં સોનુ નિગમનું સમર્થન કર્યું અને તુલસીકુમાર તથા ધોની ભાનુશાળીની યોગ્યતા સામે સવાલ ઉઠાવ્યા.
ઉલ્લેખનીય છે કે ધોની ભાનુશાળી ટી-સીરીઝના કો-પ્રોડયુસર વિનોદ ભાનુશાળીની દીકરી છે અને તુલસીકુમાર ટી-સીરીઝના માલિક ભૂષણકુમારની બહેન છે. મોનાલી ઠાકુરે આક્ષેપ મૂક્યો કે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એવી જગ્યા છે કે જ્યાં મિસફીટ થનારા લોકોને બિલકુલ કીડીની જેમ કચડી નાખવામાં આવે છે. ચાહે તે કંપોઝર હોય, સિંગર હોય કે લિરીસિસ્ટ બધા સાથે આવું થાય છે. અહીં કેવળ મીડિયોકર કલાકારોને જ આગળ વધારવામાં આવે છે.
લેખક, ગીતકાર જાવેદ અખ્તર સંગીતની દુનિયામાં ચાલતી જૂથબંધી વિશે બહુ પહેલાં જ બળાપો ઠાલવી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે મન હળવું કર્યું, ઘણાંયે મારી પાસે લખાવવાનું બંધ કરી દીધું છે. કોપીરાઇટ લો પસાર થયા બાદ સંગીતકારો, ગીતકારોને પણ રોયલ્ટી મળવા લાગી છે. સ્વાભાવિક છે કે આ વાત મ્યુઝિક કંપનીઓને ન ગમે. આથી તેમણે મારો બહિષ્કાર કર્યો છે, મારી સાથે કામ કરવાનું બંધ કરી દીધુ છે.
દરેક વિરોધ સાચો જ હોય એવું જરૂરી નથી. તમે સાચા મુદ્દે વિરોધ કરતા હો પણ ઘણાં તકસાધુઓ, ઘણાં નિષ્ફળ ગયેલા નબળા કલાકારો તમે લગાડેલી આગમાં પોતાના રોટલા શેકી લે છે. કલાકારના દીકરા-દીકરીને વહેલી તક મળે છે એ બિલકુલ સાચું છે, તેમને વધુ તક મળે છે એ પણ સાચું છે, પણ તેનો અર્થ એવો નથી કે દરેક સ્ટારકિડ કમજોર કલાકાર જ હોય. આવું ન સમજનારા લોકોએ કરણ જોહરની સાથોસાથ આલિયા ભટ્ટ, સોનમ કપુર, સોનાક્ષી સિન્હા, અર્જુન કપુરને પણ ટ્રોલ કર્યા. તેમના વિશે સોશિયલ મીડિયામાં અણછાજતી ટીપ્પણી કરી.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડની વણઝાર ચાલી. ઈંસુશાંતસિંહ રાજપૂત ઈંબોલિવુડ બ્લોક્ડ સુશાંત, ઈંઅવર રિયલ હીરો સુશાંત, ઈંઇંડિયા ડિમાન્ડઝ સીબીઆઇ ફોર એસએસઆર અને ઈંકરણ જોહર. કેવળ ઈંજસ્ટીસ ફોર સુશાંતસિંહ રાજપૂત પર ૩૬ હજાર કોમેન્ટ આવી હતી. નેપોટિઝમ ઇન બોલીવુડ સર્ચટર્મ ૪૦,૦૦૦ ગણી વધુ સર્ચ થઈ રહી છે.
આજની નવી જોક
મગન (છગનને): હાથમાં આટલી બધી વીંટી શેની છે?
છગન: પહેલી વીંટી સગાઈની છે અને બાકી બધી ગ્રહ શાંતિની.
મગન: હેં!?