For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયન વોડકાનો બહિષ્કાર

- પુતિનનો યુધ્ધનો નશો ઉતારવા વિશ્વના મદ્યપાન શોખીનોનું અનોખું આંદોલન

Updated: Mar 6th, 2022

Article Content Image

- વિશ્વના મોટાભાગના આલ્કોહોલ વેચતા સ્ટોરમાં વોડકાની બોટલ ઉઠાવી લઈ તેની જગાએ યુક્રેનના નાના કદના રાષ્ટ્રધ્વજ ગોઠવી દેવાયા 

- વોડકાના બહિષ્કારથી પ્રેરિત થઈ અમેરિકાની સોશિયલ મીડિયા કંપનીઓએ પણ રશિયાને લગભગ બ્લોક કરી દીધું છે

રશિયાએ યુક્રેમ સામે યુદ્ધ જાહેર કર્યું તે પછી તેના પર જુદા જુદા દેશોએ આર્થિક નિયંત્રણો તો જાહેર કરી જ દીધા છે પણ એક રસપ્રદ બહિષ્કાર જો હોય તો તે 'વોડકા'નો છે. મદ્યપાનના શોખીન ન હોય તેઓ પણ જાણે છે કે વોડકાનું નામ પડે તે સાથે જ મનોમન રશિયાની યાદ જોડાઈ જાય.

વિશ્વના તમામ દેશોમાં વોડકા ખૂબ જ જાણીતો અને મદ્યપાનના શોખીનોમાં સ્ટેટસ સભર મનાતો દારૂ છે.

હવે રશિયન ચીજવસ્તુઓના બહિષ્કારની સાથે રસપ્રદ ઘટના એ બની છે કે વિશ્વના દેશોએ વોડકાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક દેશ કે દેશની રાજ્ય સરકારે આવી જાહેરાત કરી છે તો વિશ્વના લાખો નાગરિકોએ સ્વયં વોડકાને તિલાંજલી આપી છે એટલું જ નહીં વોડકાની બોટલને જમીન પર ગુસ્સાથી ફેંકીને તોડતા હોય કે પછી વોડકાની બોટલ ઉંધી કરી તેમાંનું પીણું જમીન પર રેડતા હોય તેવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે.

ન્યુ હેમ્પશાયર, ઉટાહ, ઓહાયો જેવા અમેરિકાના ત્રણ રાજ્યોના ગવર્નરે વોડકા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ન્યૂઝીલેન્ડની આલ્કોહોલ વેચતી સૌથી મોટી રીટેઈલ ચેનના સ્ટોર્સમાંથી વોડકા જ નહીં પણ રશિયાની બનાવટની ઇવાનોવ તેમજ રશિયન સ્ટાન્ડર્ડ બ્રાન્ડ રેકમાંથી કાઢી નંખાઈ છે અને તેના સ્થાને યુક્રેનના નાના કદના યુક્રેનના રાષ્ટ્રધ્વજ મુકવામાં આવ્યા છે. અમેરિકાની વાત કરીએ તો તેઓના વપરાશમાં વોડકાનો હિસ્સો એક ટકો જ છે આમ છતાં તેનો બહિષ્કાર તેઓ યુક્રેનની સાથે છે તેવો મેસેજ આપવા માટે ભારે પ્રભાવી પૂરવાર થયો છે. ઓસ્ટ્રેલિયાની પણ મોટી મનાતી રીટેઈલ આલ્કોહોલ ચેઈન ડેન મર્ફી અને બીડબ્લ્યુ.એસ. વોડકા નહીં વેચે. સીડની સ્થિત એન્ડવેર ગુ્રપ લી. હસ્તકના આવા સ્ટોર્સ છે તેની બજાર વેલ્યુ ૧૨.૬ અબજ ઓસ્ટ્રેલિયન ડોલર છે.

રશિયાના પાડોશી જેવા ફિનલેન્ડમાં મદ્યપાન વેચતી ચેઈન આલ્કોઓય છે તેઓ એક બોટલ ૪૮૦ ડોલરમાં વેચે છે તેમણે પણ વોડકાનું વેચાણ બંધ કર્યું છે અને હોટલો, રેસ્ટોરા, બાર પણ આવા બહિષ્કારમાં જોડાવા માંડયા છે. એસ ગુ્રપ અને કેસ્કો પણ જોડાતા વોડકાને ફટકો પહોંચ્યો છે.

ડેન્માર્કની સૌથી મોટી રીટેઈલર સોલિંગ ગુ્રપે તો વોડકાથી માંડી રશિયન ટુથપેસ્ટ, ચોકલેટ અને અન્ય પ્રોડક્ટને  જાકારો આપ્યો તેના પગલે સ્વીડનની આઈસીએ ગુ્રપને પણ આ નિર્ણય જાહેર કર્યો.

પોલેન્ડની કેરેફોર, આલ્ટી બાઇડ્રોન્કાએ વોડકા ઉપરાંત રશિયાની ૧૬ પ્રોડક્ટસ તેમના તમામ સ્ટોર્સમાંથી ઉઠાવી લીધી છે.

લીથુઆનિયાના વડાપ્રધાન સિમોન્યરે પોસ્ટ મૂકી કે ''અમારા નાગરિકો રશિયાને માટે ફંડ બની શકે તેવું શોપિંગ નહીં કરે. રશિયાની પ્રોડ્કટ ખરીદવી તે યુદ્ધને ફંડ આપવા જેવું છે.''

કેનેડાનું લિકર કંટ્રોલ બોર્ડ વિશ્વના મોટા આલ્કોહોલ ખરીદનાર ગુ્રપ છે. તેઓએ રશિયાની તમામ બ્રાન્ડ તેમના ૬૭૯ સ્ટોર્સમાંથી કાઢી નાંખવાનો નિર્ણય લીધો છે.

જોકે વોડકા કે રશિયાની બ્રાન્ડના બહિષ્કારથી રશિયાના અર્થતંત્રને કે પ્રમુખ પુતિનને સ્હેજ પણ ફર્ક નથી પડતો તેમ ગ્રાન્ડ વેલી સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ ઇસ્લેએ મત પ્રગટ કર્યો છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે આ રીતનો પ્રતિકાત્મક બહિષ્કાર પણ વિશ્વવ્યાપી હોઈ રશિયાને અને પુતિનને કડક મેસેજ પહોંચી ગયો છે કે વિશ્વ તમારાથી સખ્ત નારાજ અને સખ્ત રોષે ભરાયું છે. વિશ્વ તમારા કૃત્યની નીંદા કરવામાં એકમત ધરાવે છે.

જોકે અમેરિકા અને વિશ્વના ઘણા દેશો જે વોડકા પીવે છે તે સ્ટોલી વોડકા લાતિવિયાનું ઉત્પાદન છે તે મોટાભાગનાને ખબર નથી.

૨૦૧૩ના સોચી વિન્ટર ઓલિમ્પિક વખતે પણ રશિયા વિરોધી દેશોએ વોડકાનો બહિષ્કાર કર્યો છે. આમ વોડકા રશિયાની રાષ્ટ્ર સંસ્કૃતિનું પર્યાય હોય તે રીતે જોવાય છે.

રસપ્રદ વાત તો એ છે કે માર્ક સ્કાર્ડે ''વોડકા પોલિટિક્સ ઃ આલ્કોહોલ, ઓટોક્રેસી એન્ડ ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ધ રશિયન સ્ટેટ'' નામનું પુસ્તક લખ્યું છે જે રાજકારણ, રાજદ્રોહી અને વૈશ્વિક દેશોના સંબંધ-અને મંત્રણાઓ કઈ રીતે થાય છે તેના પર પ્રકાશ પાડે છે. તેનું કહેવું છે કે રશિયા વિશ્વની જે પણ ટોચની હસ્તીઓ જોડે મંત્રણા કરે છે ત્યારે તેના નેતા, સરકારી સેનાનીઓ અને કોર્પોરેટ અબજપતિઓ વોડકા પીરસે છે.

રશિયન નેતા વોડકાથી મહેમાનગતિ કરે તેમાં વિશ્વના ટોચના નેતાઓ પણ ગદ્ગદ્ થઈ ધન્યતા અનુભવે છે.

વોડકાની બોટલ રશિયાના ઇતિહાસની તમામ ઘટનાક્રમનું મૂક સાક્ષી રહ્યું છે.

માત્ર રશિયા જ નહીં પણ રશિયાના સમર્થક તમામ દેશો અને તેઓના કલાકારો, ખેલાડીઓ, ઓરકેસ્ટ્રા તમામનો વિશ્વ બહિષ્કાર કરવાના મૂડમાં છે. એટલે સુધી કે પુતિનના યુદ્ધની તરફેણ કરતા મીડિયા, રાજકીય વિશ્લેષકોનો પણ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. 

વિશ્વની ટોચની એનર્જી કંપની, એપલ, ગૂગલ જેવી ટેકનો કંપની, કાર કંપની, કાયદા અને નાણાંકીય સંસ્થાઓ અને રમતગમતના વૈશ્વિક મંડળોએ રશિયાની પ્રોડક્ટ, આયોજન, મેળાવડા, બિઝનેસ અને આયાત-નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

ગુગલે રશિયાના મીડિયા તેમજ સરકાર હસ્તક આર.ટી. અને સ્પુટનિક જેવા માધ્યમોના કન્ટેન્ટ ગુગલ સર્ચમાં ન આવે તે રીતે બ્લોક કરી દીધા છે. જીમેઈલ સર્વિસ પણ બંધ કરી દીધી છે તેવી જ રીતે રશિયામાં ગુગલ પે સર્વિસ પણ બંધ કરી દીધી છે.

યુ ટયુબની માલિકી પણ રશિયાની છે. રશિયાની સરકાર નાગરિકો અને વિશ્વને ગેરસમજ ફેલાવતા હોય તેવી કે રશિયાના હૂમલાના વિડીયોને પણ બ્લોક કરી દીધા છે. જાહેરાતો પર પણ નિયંત્રણ છે. ફેસબુક જેના હેઠળ હવે કાર્યરત છે તે કંપની મેટાના હેડ ઓફ સીક્યોરીટી પોલીસી નથાનિયાલ ગ્લેઇચરે પણ જાહેરાત કરી છે કે ફેસબુકના એકાઉન્ટ ધારકો અજાણી વ્યક્તિના સંપર્કથી દૂર રહેવા માંગતી હોય તો તેની પ્રોફાઈલ લોક કરી શકશે. રશિયન સ્ટેટ મીડિયાની જાહેરાત તથા ફેસબુક પર ચલાવી નહીં શકાય. યુક્રેનમાં ફેસબુક એકાઉન્ટ ધારક ફ્રેન્ડસ લીસ્ટ કે સર્ચ જોઈ શકે તે ફીચર હાલ પુરતું બંધ કરવામાં આવ્યું છે.

મેટા કંપનીની જ માલિકીનું ઈન્સ્ટાગ્રામ પણ રશિયાની માલિકીની કંપનીની જાહેરાત ચલાવવા નહીં દે. યુક્રેનના ગ્રાહકોની પ્રાઇવસીનું રક્ષણ થાય તે માટેના ફિચર્સ ઉમેરાયા છે.

જો કોઈ ઈન્સ્ટાગ્રામ કાઉન્ટ ધારક રશિયા અને યુક્રેનમાં ઈચ્છે તો તેની પોસ્ટ અને સોશિયલ મીડિયાની એન્ટ્રી અન્ય કોઈ કંપનીના ડેટા બેંકમાં ન જાય તે વિકલ્પ પસંદ કરી શકે છે.

ટ્વિટર કંપનીએ પણ રશિયન કંપની દ્વારા મૂકાતી પોસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે એટલું જ નહીં તમામ પોસ્ટ પર તેઓ નજર રાખશે અને ઉશ્કેરણીજનક પોસ્ટને રીલીઝ જ નહીં થવા દે. કેટલીક ટ્વિટ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને લીધે મૂકવાની પરવાનગી આપશે પણ તેના પર ખાસ કલરનું માર્કિંગ થયેલું હશે.

એપલે તેના સ્ટોર રશિયામાં બંધ કર્યા છે. રશિયન એડ પણ તેમના ફોનની સિસ્ટમ થકી ફિલ્ટર થઈ જશે. રશિયામાં એટલે તેનું ઓનલાઈન ઓપરેશન પણ બંધ કરી દીધું છે. જે રીટેઈલ બિઝનેસ કરતું હતું એટલે એ સર્વિસ પણ રશિયામાં નિયંત્રિત કરવામાં આવી છે.

આશ્ચર્યની વાત તો એ છે કે ચીનની માલિકીની ટીકટોક પણ ફેસબુક, ગુગલ અને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરની જેમ રશિયન માલિકીના મીડિયા આર.ટી. અને સ્પુટનિકને બ્લોક કર્યો છે.

માઈક્રોસોફ્ટે પણ રશિયાની મોબાઈલ એપ વિન્ડોઝ એપ સ્ટોરમાંથી કાઢી નાંખી છે. તેવી જ રીતે રશિયન સરકારની રીલીઝ પર પણ ચોકડી મારી દીધી છે.

વોડકા અને તે પછી આ તો થઈ સોશિયલ મીડિયા કંપનીના રશિયાના પ્રતિબંધની વાત પણ અમેરિકા, કેનેેેડા અને યુરોપે રશિયાની સાત બેંકો જોડેના ગ્લોબલ મેસેજિંગ સિસ્ટમ અને ઓનલાઈન બેંક 'સ્વીફ્ટ' ટ્રાન્ઝેક્શન્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. યુક્રેનના આવા કપરા સમયે વધુ મજબુત બનવા આર્થિક વ્યવહાર, ખરીદી કે અસામાજિક તત્વો જોડે કામ પતાવવા નાણઆકિય વ્યવહાર ન કરે તે માટે પણ બેંકો રશિયાના વ્યવહારો પર નજર રાખશે.

રશિયાને વધુ એક ફટકો એરલાઈન્સ દ્વારા પણ પડયો છે. યુરોપના મોટાભાગના દેશોએ તેમના આકાશ પરથી રશિયાના વિમાનો ઉડી ન શકે તેવા પ્રતિબંધને અમલમાં મૂકી દીધો છે. ઓસ્ટ્રીયા, બલ્ગેરિયા, ચેક રિપબ્લીક, ઈસ્ટોનિયા, ફ્રાંસ, લાતિવીયા, લિથુઆનિયા, જર્મની, ઈટાલી, સ્લોવેનિયા, ફિનલેન્ડ, પોલેન્ડ, રોમાનિયા, સ્પેન, બેલ્જીયમ, સ્વીડન અને ડેન્માર્કના આકાશમાંથી રશિયન વિમાન નથી ઉડી શકતું.

અર્થતંત્રના નિષ્ણાતો કહે છે કે યુધ્ધમાં હુમલો કરનાર દેશને ખબર જ હોય છે કે આવા નિયંત્રણો આવી શકે છે. જો કે રશિયાના અર્થતંત્રને ભારે અને વણકલ્પ્યો ફટકો પહોંચ્યો છે.

યુક્રેનના નાગરિકો, નિવૃત્ત સૈનિકો યુદ્ધમાં જોડાયા

રશિયા જોડે મંત્રણા માટે પણ યુક્રેનની ટીમ લશ્કરી યુનિફોર્મ પહેરીને આવે છે

રશિયા આમ તો ધાર્યા પ્રમાણે અનેકગણું તાકાવર હોઈ યુક્રેનના એક પછી એક શહેરો પર કબ્જો કરતું જાય છે. આમ છતાં યુક્રેન યુદ્ધને નવમા દિવસ સુધી લઈ જઈ શક્યું છે તેમાં પુતિનની આબરૂ ચોક્કસ ગઈ છે યુક્રેનની બહાદુરીની એ રીતે પણ નોંધ લેવાઈ કે રશિયા અને યુક્રેન વચ્ચે યોજાયેલ મંત્રણા વખતે પણ યુક્રેનના પ્રમુખ ઝેલનેસ્કીના પ્રવક્તા અને સલાહકાર મિખાઇલો પોડોલિક અને તેની ટીમ યુદ્ધ ચાલુ જ છે તેમ બતાવવા સૈનિકોના યુનિફોર્મ સાથે જ ટેબલ પર બેઠા હતા. જ્યારે રશિયાનું પ્રતિનિધિ મંડળ શુટ પેન્ટ  પહેરીને આવ્યું હતું. યુક્રેનની મંત્રણા ટીમ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર પર બેસીને આવી હતી. યુક્રેનના સૈનિકો જ નહી યુક્રેનના ઘણા નાગરિકોએ પણ સૈન્યની વર્દી જેવો ડ્રેસ પહેરી લીધો છે અને તેઓ બોર્ડર પર કે જાહેર માર્ગોમાં જરૂરિયાતમંદોની મદદ કરે છે. યુક્રેનના નિવૃત્ત સૈનિકો પણ યુદ્ધમાં જોડાયા છે. જેઓ વિદેશમાં વસતા હતા તેઓ યુક્રેન પહોંચી ગયા છે.

આજની નવી જોક

લીલી : આજે સવારથી જીભ કેમ થોથવાય છે?

છગન : છેલ્લા બે વર્ષથી રેમિડેસિવર, ઓમિક્રોન, એઝીથ્રોમાયસીન, ટોસિલિઝૂમાબ, ક્ષીયાનપિંગ, જિનપિંગ, ડેક્ઝામેથાસોન જેવા શબ્દો બોલવાની પ્રેક્ટિસ કરી માંડ જીભને આરામ મળ્યો હતો ત્યાં વ્લાદિમીર પુતિન, વોલેદિમિર ઝેલેન્સ્કી, મિખાઈલ પોડોલ્પાક, ખાર્વિક જેવા ડઝન શબ્દો વાતચીત દરમ્યાન બોલવા પડે છે.

લીલી : સારુ, ત્યારે પ્રેક્ટિસ કરતા  કરતા શાકભાજી લઈ આવો.

Gujarat