FOLLOW US

PUBGની લતે 21 વર્ષના યુવકને બનાવી દીધો હિંસક, માતા અને બહેનને ઘર છોડવા મજબૂર બન્યા

Updated: Jan 31st, 2023


- યુવક PUBGની લતમાં દિવસમાં માત્ર એક જ ટાઈમ ભોજન લેતો 

નવસારી, તા. 31 જાન્યુઆરી 2023, મંગળવાર

આજે મોબાઈલ લોકોની જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. મોબાઈલ હવે માત્ર કોલિંગ પૂરતો જ કામમાં નથી આવતો પરંતુ તે મનોરંજનનું મોટું સાધન બની ગયુ છે. મોબાઈલમાં લોકો ગેમ પણ રમે છે. ગેમ રમવાની આદત બાળકોમાં જ નહીં મોટા લોકોમાં પણ જોઈ શકાય છે. લોકોને મોબાઈલમાં ગેમ રમવાની લત લાગી જાય છે. અનેક રિસર્ચમાં એ વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે કે, કેટલીક મોબાઈલ ગેમ બાળકને હિંસક બનાવી દે છે. સતત ગેમ રમવાથી માનસિક રીતે નબળા રહેવાની સાથે વિચારવાની વૃત્તિમાં પણ પરિવર્તન આવે છે. આવી જ એક મોબાઈલ ગેમ PUBG પણ છે. ભૂતકાળમાં PUBG ને લઈને બાળકો હિંસક હોવાના અહેવાલો આવ્યા હતા. હવે આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં 21 વર્ષનો યુવક PUBG ગેમને કારણે એટલો હિંસક બની ગયો કે તેની માતા અને બહેનને ડરીને ઘર છોડવા માટે મજબૂર થવુ પડ્યુ છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે PUBGની લતે 21 વર્ષના યુવકને ખતરનાક સ્તર પર પહોંચાડી દીધો છે. યુવકની હિંસક હરકતોથી પરેશાન થઈને તેમની માતા અને બહેને પોતાનું ઘર છોડીને ભાગી જવુ પડ્યુ છે. માતા-પુત્રીને અન્ય ગ્રામજનોના ઘરોમાં આશરો લેવાની ફરજ પડી હતી. આ મામલો ગુજરાતના નવસારી જિલ્લાના એક ગામનો છે.

માતા અને બહેન સાથે મારપીટ કરતો

આ મામલે ગ્રામજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. હેલ્પલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે PUBGની લતના કારણે તેણે હિંસક વલણો વિકસાવ્યા પછી તેણે તેની માતા અને બહેન સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. તેની માતા મજૂરી કામ કરતી હતી.

પોલીસની મદદ લેવી પડી

અભયમની ટીમ ગામમાં જઈને યુવકના ઘરે પહોંચી તો જોયું કે, તે છરી લઈને બેઠો હતો. તેણે તેમને ધમકી આપી હતી કે, તે તેની નજીક ન આવે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ ન કરે. બાદમાં ટીમે પોલીસ અને ગામના વરિષ્ઠ લોકોને બોલાવીને સમજાવ્યું કે વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર છે. તેની માનસિક સ્થિતિ અસ્થિર હતી.

દિવસમાં માત્ર એક જ ટાઈમ ભોજન લેતો

અભયમ ટીમ દ્વારા માતા-પુત્રીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે છેલ્લા છ વર્ષથી PUBG ની લતમાં છે. સતત ફોન પર રહેતા હોવાથી તે ઘરની બહાર નીકળ્યો ન હતો અને દિવસમાં માત્ર એક જ ટાઈમ ભોજન લેતો હતો. જ્યારે તેની માતાએ તેને ખાવા માટે સમજાવ્યો ત્યારે તેણે તેના પર હુમલો કરતો હતો. 


Gujarat
IPL-2023
Magazines