For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બીલીમોરામાં નવો પ્રયોગ : વેસ્ટ પ્લાસ્ટિક રસ્તા પર પાથરી તેના પર ડામર રોડ બને છે

Updated: Jan 13th, 2022

Article Content Image

-નગરપાલિકાનો આ પ્રયોગ સફળ થશે તો પ્લાસ્ટિક  વેસ્ટના નિકાલના પ્રશ્નો હલ થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે

બીલીમોરા, બુધવાર

બીલીમોરા નગરપાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વેસ્ટ પ્લાસ્ટિક રસ્તા પર પાથરી તેના ઉપર ડામર રોડ બનાવવાનું કામ હાથ ધર્યુ છે. જો આ પ્રયોગ સફળ થાય તો પ્લાસ્ટિક નિકાલનો પ્રશ્ન હલ થવા સાથે પ્રદુષણ ઘટશે.

પ્લાસ્ટિકની શોધને પ્રારંભમાં આશિર્વાદરૃપ ગણવામાં આવી હતી. તેના કારણે સહેલાઈથી ખરીદી-વેચાણ શક્ય બન્યું હતું. અને તેનો બેફામ ઉપયોગ શરૃ થયો ત્યારબાદ તેના વેસ્ટનો નિકાલ માથાનો દુઃખાવો બની ગયો. કારણ કે પ્લાસ્ટિકનો વર્ષો સુધી નાશ થતો નથી. જમીનમાં દાટવાથી પણ તેનું સ્વરૃપ જૈસે થે રહે છે. તેને બાળવાથી વાયુ પ્રદુષણ ફેલાય છે. મુંગા પશુઓ તેને ખાવાથી ગંભીર બિમારીનાં ભોગ બને છે. ત્યારે આ પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો એ એક મોટી સમસ્યા બની છે. દરમ્યાન બીલીમોરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનાં કાયમી નિકાલ માટેનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આજરોજ બીલીમોરા નગરપાલિકાની પાછળ આવેલી માધવબાગ સોસાયટીની પાછળ ટી.પી.રોડ આવેલ છે. તેના ૫૦ મીટરનાં ભાગ ઉપર માટીનું એક લેયર બનાવી તેના પર વેસ્ટ પ્લાસ્ટિક પાથરી તેને રોલરથી પ્રેસ કરીને ફરીથી માટીનું લેયર પાથરી રોલર ફેરવી મેટલીંગ કરી ડામર રોડ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. આ જગ્યામાં કાયમ રોડ જ રહેવાનો હોવાથી નકામું પ્લાસ્ટિક તેની નીચે દબાઈ જશે. જાણકારનાં મતે આ પ્લાસ્ટિક લેયરથી ડામર રોડની સ્ટેંન્થમાં ધરખમ વધારો પણ થશે. અને રસ્તો વર્ષો સુધી મજબુત બની રહેશે એવો દાવો પાલિકાએ કર્યો છે. પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, કારોબારી ચેરમેન સુચેતા દુષાણે, મલંગ કોલીયા, હેતલ દેસાઈ વિગેરે હાજર રહ્યા હતા. 

Gujarat