સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય
Zubeen Garg Death Case: સિંગર ઝુબિન ગર્ગના નિધન પર ઘણા લોકોએ આશંકા વ્યક્ત કરી છે. જે બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ 22મી સપ્ટેમ્બરે સાંજે જાહેરાત કરી કે મંગળવારે સવારે ઝુબિન ગર્ગનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. નોંધનીય છે કે 19મી સપ્ટેમ્બરે ઝુબિન ગર્ગનું સિંગાપોરમાં સમુદ્રમાં ડૂબવાના કારણે નિધન થયું હતું. સિંગાપોર સરકારે પણ તેમના રિપોર્ટમાં આ જ કારણ આપ્યું હતું.
ફરીથી ઝુબિન ગર્ગનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવાયો
આસામના મુખ્યમંત્રીએ કહ્યું છે, કે એક વર્ગની માંગના કારણે ગુવાહાટીમાં ફરીથી ઝુબિન ગર્ગનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
અંતિમ સંસ્કાર માટે લેવાયો આ નિર્ણય
અંતિમ સંસ્કાર અંગે રવિવારે સરમાએ કહ્યું કે, લોકપ્રિય ગાયક ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર 23 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટી નજીકના એક ગામમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સરમાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'સિંગરના પરિવારે તેમના અંતિમ સંસ્કાર ગુવાહાટીમાં અથવા તેની નજીક કરવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠકમાં તેમના અંતિમ સંસ્કાર કામરકુચી એનસી ગામમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
'ઝુબિનના અંતિમ સંસ્કાર ત્યા કરો જ્યા તેમણે બાળપણ વિતાવ્યું હતુ'
સરમાએ કહ્યું કે, 'ઉપલા આસામના જોરહાટ શહેરના લોકો તરફથી પણ માંગ કરવામાં આવી હતી કે, ઝુબિનના અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવે જ્યાં ઝુબિને તેમના બાળપણના દિવસો વિતાવ્યા હતા. અમે બંને દરખાસ્તો પર ચર્ચા કરી છે. ઝુબિન સરકાર સાથે સંબંધિત ન હતા, તેથી તેમના પરિવારની ઇચ્છાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.'
ઝુબિને જીવનનો મોટાભાગનો સમય ગુવાહાટીમાં વિતાવ્યો
સરમાએ જણાવ્યું હતું કે, 'ઝુબિનના પત્ની ગરિમા સૈકિયા ગર્ગ અને બહેન પામેલ બોરઠાકુરે તેમના 85 વર્ષીય બીમાર પિતા માટે અંતિમ સંસ્કાર માટે જોરહાટ જવું શક્ય નથી, અને પછી પણ પરિવાર માટે પુણ્યતિથિ અથવા અન્ય ધાર્મિક વિધિઓ દરમિયાન ત્યાં મુસાફરી કરવી મુશ્કેલ બનશે. એ પણ હકીકત છે કે, ઝુબિન ગર્ગે તેમના જીવનનો મોટાભાગનો સમય ગુવાહાટીમાં વિતાવ્યો હતો.'