For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બ્રિજ ભૂષણ સિંહે કુસ્તીબાજો પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું ‘આંદોલનનું ખાલિસ્તાની કનેક્શન’

બ્રિજ ભૂષણે કહ્યું, કુસ્તીબાજોના આંદોલનમાં PM મોદી અને યોગી આદિત્યનાથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે

કુસ્તીબાજો માથુ વાઢવાની ભાષા બોલી રહ્યા છે, આ ભાષા તેમની નહીં પણ કોઈક બીજાની છે : બ્રિજ ભૂષણ

Updated: May 26th, 2023

Article Content Image

નવી દિલ્હી, તા.26 મે-2023, શુક્રવાર

દેશભરમાં કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શન અંગે જોરદાર રાજકારણ જોવા મળી રહ્યું છે, ત્યારે ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણે સિંહ કુસ્તીબાજો પર ફરી ગંભીર આરોપો લગાવ્યા છે. બ્રિજ ભૂષણે બજરંગ પૂનિયા સહિત તમામ કુસ્તીબાજો પર આરોપ લગાવી કુસ્તીબાજોની તુલના ખાલિસ્તાનીઓ સાથે કરી દીધી છે. તેમણે કહ્યું કે, કુસ્તીબાજોનું પ્રદર્શન ખાલિસ્તાની તરફ આગળ વધી રહ્યું છે. કુસ્તીબાજો હવે માથુ વાઢવાની ભાષા બોલી રહ્યા છે, આ ભાષા તેમની નહીં પણ કોઈક બીજાની છે. કુસ્તીબાજોના આંદોલનમાં PM નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

બ્રિજ ભૂષણ કોંગ્રેસ-AAPને કર્યો સવાલ

મીડિયા અહેવાલો મુજબ ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે આજે બલરામપુરમાં હતાં. તેઓ પાંચમી જૂને અયોધ્યામાં યોજાનારી સંતોની રેલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે શક્તિ સ્મારક કોલેજમાં યોજાયેલી બેઠકમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ-આમ આદમી પાર્ટી અને કિસાન નેતાને પૂછવા માંગુ છું કે, શું તેઓ માથુ વાઢવાના બજરંગ પુનિયાએ કરેલા નિવેદનનું સમર્થન કરશે. ઉલ્લેખનિય છે કે, વિનેશ ફોગટ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત દેશભરના ટોચના કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં એક સગીર સહિત 7 મહિલા કુસ્તીબાજો પર કથિત રીતે જાતીય સતામણી કરવા બદલ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી કરવામાં આવી છે.

28 મેએ બોર્ડર પર એકત્ર થશે ખાપ પંચાયતો 

કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેઓ 28મી મેએ નવા સંસદ ભવન સામે મહિલા સમ્માન મહાપંચાયત યોજશે, જેમાં હરિયાણા અને પંજાબથી આવનારા ખેડૂતો-મજુરોના જૂથો સવારે 11 વાગ્યા સુધીમાં સિંધુ બોર્ડર પર પહોંચશે. તો બીજી તરફ હરિયાણાના ખાપ પંચાયતો અને ટોલ પ્લાઝા પર ધરણા પર બેઠેલી સંઘર્ષ કમિટીઓ ટીકરી બોર્ડર પર સવારે 11 કલાકે પહોંચશે. ઉત્તર પ્રદેશથી આવતા ખેડૂતોના જૂથો અને ખાપ પંચાયતો સવારે 11 વાગ્યા સુધીમાં ગાઝીપુર બોર્ડર પહોંચી જશે. ઉપરાંત દેશ-વિદેશમાંથી ટ્રેન કે બસ દ્વારા આવનારા સાથીઓ સવારે 11 વાગ્યે જંતર-મંતર ખાતેના ધરણાસ્થળે પહોંચશે. દિલ્હીના તમામ લોકોના સંગઠનો, મહિલા સંગઠનો અને વિદ્યાર્થીઓના સંગઠનો પણ જંતર-મંતર પહોંચશે. ત્યારબાદ સવારે 11.30 વાગ્યે પ્રસ્તાવિત મહિલા સમ્માન મહાપંચાયત માટે તમામ મોરચાઓ સંસદ સામે શાંતિપૂર્વક માર્ચ શરૂ કરશે અને આ માર્ચ સંસદ ભવન સામે પહોંચ્યા બાદ સભામાં ફેરવાઈ જશે.

Gujarat