ચોમાસા અંગે ચિંતાજનક સમાચાર, જ્યાં જુઓ ત્યાં વરસાદની ઘટ, દુષ્કાળનું જોખમ વધ્યું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monsoon Deficit India : દેશમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડતાં દુષ્કાળનો ખતરો સતત વધી રહ્યો છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધર દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ, ભારતમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં ઘણી ઓછી એટલે કે દીર્ઘકાલીન સરેરાશના માત્ર 85% વરસાદ થવાની શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં ઝડપથી સક્રિય થઈ રહેલા અલ નીનોના કારણે ચોમાસું નબળું પડતાં દેશમાં દુષ્કાળનું જોખમ વધીને 70% સુધી પહોંચી ગયું છે.
ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદમાં મોટો ઘટાડો
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, બાકી બચેલી સિઝનમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું અસમાન વિતરણ જોવા મળશે. ઑગસ્ટના અંત સુધીમાં વરસાદની અછત સરેરાશ 16% નોંધાઈ શકે છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અલ નીનો વધુ શક્તિશાળી બનીને સુપર અલ નીનોમાં ફેરવાઈ જવાની સંભાવના છે, જેના કારણે સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં 20% જેટલો ઓછો રહેવાની આશંકા છે.
હવામાન વિભાગનું શું છે અનુમાન?
ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અખિલ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની શક્યતા છે અને સરેરાશના 90% વરસાદ થઈ શકે છે. દેશભરમાં 1 જૂનથી 17 ઑગસ્ટ સુધી સામાન્ય રીતે 596 મિમી વરસાદ થવો જોઈતો હતો, પરંતુ તેની સામે વાસ્તવમાં 518.7 મિમી વરસાદ જ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 13%ની ઘટ દર્શાવે છે. આ સમગ્ર ચોમાસાની ઋતુની સરેરાશ સામાન્ય રીતે 870 મિમી આસપાસ હોય છે.
રાજ્યોમાં વરસાદની સ્થિતિ અને ઘટ
ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા સહિતના ઉત્તર-પશ્ચિમ ભારતમાં 408.7 મિમી સામાન્ય વરસાદ સામે 361.7 મિમી વરસાદ નોંધાયો છે, જે 12% નો ઘટાડો દર્શાવે છે. દક્ષિણ ભારતમાં પણ 477 મિમીની સરખામણીએ 375 મિમી વરસાદ નોંધાતા 13%ની અછત છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય 938.7 મિમી સામે માત્ર 684.8 મિમી વરસાદ થતાં સૌથી વધુ 27%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા મધ્ય ભારતના રાજ્યોમાં 667.5 મિમી વરસાદ થતાં 1% જેટલી સામાન્ય ઘટ છે.
ચોમાસુ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન
હાલ વરસાદ લાવનારી મોન્સૂન ટ્રફ લાઇન પંજાબના ફિરોઝપુર, મુઝફ્ફરનગર, બસ્તી, પટના અને પશ્ચિમ બંગાળ પર બનેલા ડિપ્રેશનના કેન્દ્ર પરથી બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણા પર ચક્રવાતી પવનોનું ક્ષેત્ર સક્રિય છે તેમજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે.









