350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલી મહિલા ચાંદીની પાદુકા ચોરી રફૂચક્કર
UP Theft in Temple: ઉત્તર પ્રદેશના બાગપતથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 350 વર્ષ જૂના દાદી મહારાજ મંદિરમાં એક મહિલાએ ચાંદીના પાદુકાની ચોરી કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, આ મહિલા ખૂબ જ ચાલાકીભર્યા અંદાજમાં મંદિરમાં પ્રવેશી પાદુકા લઈને ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મંદિરમાંથી ચાંદીના પાદુકાની ચોરી
મળતી માહિતી મુજબ, આ ઘટના ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલેરા ગામની છે. સવારે જ્યારે શ્રદ્ધાળુઓ મંદિર પહોંચ્યા તો તેમણે જોયું કે, ભગવાનના ચરણોમાં મૂકવામાં આવેલા ચાંદીના પાદુકા ગુમ છે.
CCTV ફૂટેજથી સામે આવી હકીકત
પ્રથમ દૃષ્ટિએ લોકોને લાગ્યું કે, પાદુકા કોઈએ પૂજા માટે હટાવ્યા હશે. પરંતુ, બાદમાં જ્યારે શોધખોળ હાથ ધરી અને તપાસ માટે CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો હકીકત જાણીને સૌ કોઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ વીડિયોમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, મહિલા શ્રદ્ધાળુઓની જેમ મંદિરમાં પ્રવેશે છે અને તક મળતા જ ચાંદીના પાદુકા ચોરીને ત્યાંથી નીકળી જાય છે.
પોલીસે હાથ ધરી તપાસ
સ્થાનિક લોકો અને મંદિર વહીવટી તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરુ કરી અને CCTV ફૂટેજ જપ્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે, મહિલાની ઓળખ માટે એક ટીમ બનાવવામાં આવી રહી છે અને ફૂટેજના આધારે તેની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.
ગ્રામીણોનું કહેવું છે કે, આ મંદિરની આસ્થા સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક માન્યતા છે અને આ પ્રકારની ઘટનાઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. હાલ, પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી મહિલા ચોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.