સુશીલા કાર્કીને જ સોંપાશે નેપાળની સત્તા! Gen-Zમાં સહમતી નહીં; વચગાળાની સરકારની તૈયારીઓ તેજ
Nepal Gen Z Protest: નેપાળમાં Gen-zના ઉગ્ર આંદોલને દેશની સરકારને ઉથલાવી નાખી. વડાપ્રધાન કેપી શર્મા ઓલીથી માંડી અનેક મંત્રીઓ રાજીનામું આપવા મજબૂર બન્યા. ભ્રષ્ટાચાર અને કુશાસન વિરૂદ્ધ યુવાનોનું દેશવ્યાપી આંદોલન ચાલુ છે. આ આંદોલન વચ્ચે દેશની કમાન સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુશીલા કાર્કીને સોંપવાની તૈયારી થઈ રહી છે. તેમને વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં તેમની નિમણૂકની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. જો કે, Gen Z માં સુશીલા કાર્કીને સત્તા સોંપવા સહમતિ જોવા મળી રહી નથી.
નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલય 'શીતલ નિવાસ'એ પોતાના કર્મચારીઓને નવા વચગાળાના વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ પ્રકારના આદેશ જાહેર કર્યા છે. જેથી સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં રાજકીય સહમતિ જોવા મળી રહી છે.
સુશીલા કાર્કીને મળ્યું સમર્થન
દેશના ટોચના રાજકીય પક્ષો અને રાષ્ટ્રપતિ વચગાળાની સરકારનું નેતૃત્વ સુશીલા કાર્કીના હાથમાં સોંપવા માગે છે. તેઓએ મંત્રાલયને આ સંબંધિત વ્યવસ્થાઓ શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. સુશીલા કાર્કી એક પ્રતિષ્ઠિત ન્યાયવિદ અને નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ હતાં. તેમની છબિ એક નિષ્પક્ષ વ્યક્તિ રૂપે છે. વર્તમાન અસ્થિરતાના દોરમાં તેઓ વિશ્વસનીયતા અને સ્થિપતા સ્થાપિત કરવા સક્ષમ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. નેપાળમાં રાજકીય ઉથલ-પાથલ બાદ મોટાભાગની પ્રજાએ સુશીલા કાર્કીના હાથમાં દેશનું નેતૃત્વ સોંપવાની માગ કરી હતી. બીજી બાજુ અમુક યુવાનો માને છે કે, તેઓ ભારતથી વધુ પડતું આકર્ષણ ધરાવતા હોવાથી તેઓ આ પદ માટે યોગ્ય નથી.
PM પદ માટે આ નામની પણ હતી ચર્ચા
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યા બાદ નવા વડાપ્રધાન માટે અગાઉ કાઠમંડુના મેયર બાલેન્દ્ર ઉર્ફ બાલેન શાહના નામની ચર્ચા થઈ રહી હતી. આ યુવા ચહેરો Gen z માટે ઉત્તમ હોવાની અટકળો વહેતી થઈ હતી. યુવાનોએ પણ તેમને વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા અપીલ કરી હતી. પરંતુ બાલેન શાહે ઈનકાર કરી દેતાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુશીલા કાર્કીને સંભવિત ચહેરો દર્શાવાયો હતો. જો કે, સુશીલા કાર્કીના નામની અટકળો વચ્ચે જ વધુ એક નવુ નામ ચર્ચામાં આવ્યું હતું. નેપાળ વિદ્યુત પ્રાધિકરણના પૂર્વ પ્રમુખ કુલમન ઘિસિંગને પીએમ માટે સંભવિત ચહેરો માનવામાં આવી રહ્યો હતો. તેઓએ વ્યાપક સુધારાઓના માધ્યમથી વીજની અછત દૂર કરી હતી.
આંદોલનમાં 34 લોકોના મોત
કાઠમંડુમાં સોશિયલ મીડિયા પ્રતિબંધનો વિરોધ કરતાં આઠ સપ્ટેમ્બરના રોજ Gen Z આંદોલન શરૂ થયુ હતું. દેશના મોટી સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચારનો વિરોધ કરતાં રેલીઓ યોજી હતી. જેણે બાદમાં હિંસક સ્વરૂપ લીધુ હતું. આ ઉગ્ર આંદોલનમાં અત્યારસુધી 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નેપાળના રાજકારણીઓ અને મંત્રીઓના ઘરમાં તોડફોડ, આગચંપી, અને જાહેરમાં ઢોરમાર જેવી ઘટનાઓ બની હતી.