Get The App

ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી 1 - image


Winter Weather Forecast: ભારતમાં આ વખતે ઠેર-ઠેર મેઘપ્રકોપ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ ડેવલપ થવાના કારણે ચોમાસું સતત મજબૂત બની રહ્યું છે. આના કારણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી મુશળધાર વરસાદ પડ્યો. આ માટે એક કારણ સૌથી વધુ જવાબદાર છે - પેસિફિક રીજન(પ્રશાંત મહાસાગર ક્ષેત્ર)માં અલ-નીનોના બદલે લા-નીનાનું એક્ટિવ થવું. ભારતમાં શિયાળા પર પણ લા-નીનાની વ્યાપક અસર થવાની પ્રબળ શક્યતા છે.

 હાડ થિજવતી ઠંડી પડશે

અમેરિકાના નેશનલ ઓશિએનિક ઍન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને(NOAA) લા નીના અસરકારક રહેવાની આગાહી કરી છે. તેનાથી ઈન્ડોનેશિયાથી લઈને લેટિન અમેરિકા સુધીના પ્રદેશો પર તો અસર પડશે જ, પરંતુ ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ પર પણ તેની વ્યાપક અસર પડવાની સંભાવના છે. આમ ભારતમાં આ વખતે હાડ થિજવતી ઠંડી પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

NOAAએ જણાવ્યું કે, સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે લા-નીના વિકસિત થવાની શક્યતા લગભગ 53% છે, જ્યારે વર્ષના અંત સુધીમાં આ સંભાવના 58% સુધી પહોંચી શકે છે. એકવાર શરુ થયા પછી આ ક્લાઇમેટ પેટર્ન શિયાળાના મોટાભાગના સમય સુધી સક્રિય રહી શકે છે અને વસંતઋતુના પ્રારંભ સુધી તેની અસર પડી શકે છે. લા-નીના એક કુદરતી આબોહવા પ્રણાલી છે, જેમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગર(Equatorial Pacific)નું પાણી સામાન્ય કરતાં ઠંડુ થઈ જાય છે. તેની અસર ઉપલા વાયુમંડળીય પેટર્ન પર પણ પડે છે, જે વૈશ્વિક હવામાનને અસર કરે છે. તેનાથી વિપરીત અલ-નીનો દરમિયાન સમુદ્રનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. બંને જ પરિસ્થિતિઓ ઉત્તરી ગોળાર્ધના શિયાળામાં સૌથી વધુ અસર કરે છે. આ વખતે આવનાર લા-નીનાને પ્રમાણમાં નબળું માનવામાં આવી રહ્યું છે, જેનો અર્થ છે કે તેની અસરો હંમેશા સ્પષ્ટ રીતે દેખાશે નહીં. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે, તે હવામાન માટે એક બ્લુપ્રિન્ટ ચોક્કસપણે પ્રદાન કરે છે.

લા-નીના એટલે તાપમાનમાં ઘટાડો

લા-નીના એક એવી આબોહવા પેટર્ન છે જેમાં મધ્ય પેસિફિક મહાસાગરની સપાટીનું પાણી સામાન્ય કરતાં ઠંડુ થઈ જાય છે, જે સમગ્ર વિશ્વના હવામાનને અસર કરે છે. તે સામાન્ય રીતે ભારતમાં ભારે ચોમાસુ અને ભારે વરસાદ લાવે છે, જ્યારે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં તે દુષ્કાળનું કારણ બને છે. તે વૈશ્વિક તાપમાનને થોડું ઠંડુ પણ કરે છે. તેનાથી વિપરીત અલ-નીનોના પ્રભાવને કારણે તાપમાન વધે છે. આમ લા-નીના સક્રિય થવાના કારણે ભારત સહિત એશિયાના મોટાભાગના દેશોમાં હાડ થિજવતી ઠંડી પડવાની શક્યતા છે.  

લા-નીના અને અલ-નીનો

લા-નીના અને તેની વિપરિત ચક્ર અલ-નીનો વૈશ્વિક સ્તરે હવામાન પેટર્ન પર ઊંડી અસર કરે છે. લા-નીના દરમિયાન પેસિફિક મહાસાગરનો ઈન્ડોનેશિયાથી દક્ષિણ અમેરિકા સુધીનો ભાગ સામાન્ય કરતાં ઠંડો થઈ જાય છે, જ્યારે અલ-નીનો દરમિયાન આ જ સમુદ્રી વિસ્તાર વધુ ગરમ થઈ જાય છે. લા-નીનાની અસરને કારણે ભારતમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ પડે છે, પરંતુ આફ્રિકાના ઘણા ભાગોમાં દુષ્કાળ અને એટલાન્ટિક ક્ષેત્રમાં તોફાનોની તીવ્રતા વધી જાય છે. બીજી તરફ અલ-નીનો ભારતમાં ભીષણ ગરમી અને દુષ્કાળનું કારણ બને છે, જ્યારે તે દક્ષિણ અમેરિકામાં તે વધારાનો વરસાદ લાવે છે. છેલ્લા દાયકાની શરુઆતમાં 2020થી 2022 સુધી સતત ત્રણ વર્ષ સુધી લા-નીના સક્રિય રહ્યું હતું, જેને ટ્રિપલ ડીપ લા-નીના કહેવામાં આવે છે. ત્યારબાદ 2023માં અલ-નીનોએ દસ્તક આપી. વૈજ્ઞાનિકો માનવું છે કે આબોહવા પરિવર્તનના કારણે લા-નીના અને અલ-નીનો જેવી ઘટનાઓ હવે વધુ વખત અને વધુ તીવ્રતા સાથે બની શકે છે.

Tags :