હવે ભારતમાં બાળકોને સોશિયલ મીડિયા વાપરતા રોકાશે? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Social Media Age Limit : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક મહત્ત્વપૂર્ણ અરજી પર નોટિસ જારી કરી છે. આ અરજીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ દરમિયાન સુરક્ષાના કડક ઉપાયોની માગ કરવામાં આવી છે. જેમાં માતા-પિતા કે કાનૂની વાલીની અનિવાર્ય ભાગીદારી પણ સામેલ છે. 'જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ' નામના એનજીઓ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે.
ફેસબુક અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ સામે સવાલ
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુક અને સ્નેપચેટ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ યુઝર્સને 13 વર્ષની ઉંમરથી જ એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે. જો કે, ભારતીય કાયદા અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોને સગીર (નાબાલિગ) માનવામાં આવે છે, જેના કારણે બાળકોની સુરક્ષા જોખમાઈ રહી છે.
IT રૂલ્સ 2021 માં ફેરફાર કરવાની માગ
અરજીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021 માં ફેરફાર કરવા અથવા ખાસ ગાઇડલાઇન્સ બનાવવા માટે નિર્દેશો માંગવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ માતા-પિતા કે કાનૂની વાલીની સંમતિ વગર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે કોઈ કરાર ન કરે અને આ માટે વાલીની ઓળખની પુષ્ટિ કે ઈ-કેવાયસી ફરજિયાત બને.
વાલીઓની કાનૂની ભાગીદારી અને ઈ-કેવાયસી પ્રક્રિયા
અરજીમાં એવી ગાઇડલાઇન્સની પણ માગ કરાઈ છે કે જ્યારે પણ કોઈ સગીરને ડિજિટલ પ્લેટફોર્મ વાપરવાની પરવાનગી આપવામાં આવે, ત્યારે તે વાલીઓની સક્રિય ભાગીદારી વાળી કાનૂની પ્રક્રિયા હેઠળ હોવી જોઈએ. આ પ્રક્રિયામાં સેવાની પ્રકૃતિ અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને માતા-પિતા કે વાલીનું વેરિફિકેશન અથવા ઈ-કેવાયસી પણ સામેલ હોવું જોઈએ.
બાળકો સામે રહેલા ગંભીર ઓનલાઈન જોખમો
અરજીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ સુધી બાળકોની આઝાદ અને અનિયંત્રિત પહોંચ તેમને અનેક જોખમોમાં ધકેલે છે. જેમાં ઓનલાઈન ગ્રોમિંગ, યૌન શોષણ, તસ્કરી, વ્યવહારની પ્રોફાઇલિંગ, ખાનગી ડેટાનો દુરુપયોગ, સાયબર-બુલિંગ અને વયજુથ પ્રમાણે યોગ્ય ન હોય તેવું કન્ટેન્ટ સામેલ છે.




