Elephant Rampage in Jharkhand: ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં જંગલી હાથીએ હાહાકાર મચાવ્યો છે. મંગળવારે (છઠ્ઠી જાન્યુઆરી) મોડી રાત્રે હાથીએ અલગ-અલગ ગામોમાં હુમલો કરીને 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં માત્ર 6 દિવસમાં જ હાથીના હુમલામાં કુલ 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બાબરિયા ગામમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત
અહેવાલો અનુસાર, બાબરિયા ગામમાં મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે લોકો ઘરમાં સૂતા હતા ત્યારે હાથીએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં સનાતન મેરલ, તેની પત્ની જોનકોન કુઇ, તેમના બે નાના બાળકો અને અન્ય એક ગ્રામજન મોગડા લગુરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પરિવારનો એક બાળક ચમત્કારિક રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે બડા પાસિયા અને લમ્પાઈસાઈ ગામમાં પણ હાથીએ એક-એક વ્યક્તિને કચડી નાખ્યા હતા.
હાથીના આતંકનો ઘટનાક્રમ
પહેલી જાન્યુઆરી
ટોન્ટો બ્લોકના બાંદીઝારી ગામના રહેવાસી 35 વર્ષીય મંગલ સિંહ હેમ્બરામનું હાથીએ હુમલો કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તે જ રાત્રે, બિરસિંહહાટુ ગામના કુચુબાસા ટોલીના રહેવાસી 55 વર્ષીય ઉર્દુપ બહંડાનું પણ હાથીએ હુમલો કરતાં મોત થયું. સદર બ્લોકના રોરો ગામના રહેવાસી 57 વર્ષીય વિષ્ણુ સુંડીનું પણ આ હુમલામાં મૃત્યુ થયું.
બિરસિંહહાટુ ગામના રહેવાસી મણિ કુંતિયા અને સુખમતી બહંડા ગંભીર રીતે ઘાયલ થયા. ત્રણેય ઘટનાઓ 1 જાન્યુઆરીની રાત્રે બની હતી.
બીજી જાન્યુઆરી
ગોઇલકેરા વિસ્તાર હેઠળના સયાતવા ગામમાં એક હાથીએ મન્દ્રુ કયોમના 13 વર્ષના પુત્ર રેંગા કયોમને કચડી નાખ્યો અને તેનું મોત નીપજ્યું. જ્યારે બૈપી ગામના રહેવાસી નંદુ કગોરાઈની 10 વર્ષની પુત્રી ઢીંગી ગગરાઈને હાથીએ કચડી નાખતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ.
ચોથી જાન્યુઆરી
ગોઇલકેરા વિસ્તારમાં આવેલા કુઇડા પંચાયતના અમરાઇ કિતાપી ગામ, તોપનોસાઇ ગામમાં હાથીએ 47 વર્ષીય મહિલાને કચડી નાખીને તેનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં તેના પતિ રંજન ટોપનો અને ૧૦ વર્ષનો પુત્ર કાહિરા ટોપનો પણ ઈજાગ્રસ્ત થયો હતો.
પાંચમી જાન્યુઆરી
ઇલકેરાના સંતરા ફોરેસ્ટ રેન્જની અંદર બિલા પંચાયતમાં આવેલા મિસ્ત્રીબેડા નામના જંગલ ગામમાં એક હાથીએ 50 વર્ષીય જોંગા લગુરી પર હુમલો કરીને તેનું મોત નીપજ્યું હતું. તેમના પતિ, 52 વર્ષીય ચંદ્ર મોહન લગુરી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
છઠ્ઠી જાન્યુઆરી
ગોઇલકેરાના સોવા ગામ પર હાથીએ હુમલો કર્યો, જેમાં કુંદરા બાહદા, તેના ૬ વર્ષના પુત્ર કોદમા બાહદા અને તેમની 8 મહિનાની પુત્રી સમુ બાહદાનું મૃત્યુ થયું. 3 વર્ષની પુત્રી જિંગિન બાહદા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
ત્યારબાદ, બેકાબૂ હાથી સોવા અને પટુંગ ગામોમાંથી પસાર થઈને મંગળવારે વહેલી સવારે સાંત્રા વન વિસ્તારના ટોન્ટો બ્લોકના કુઇલસુતા ગામ પહોંચ્યો, જ્યાં તેણે 21 વર્ષના જગમોહન સવૈયાને કચડી નાખ્યો અને તેનું મોત નીપજ્યું.
વહીવટીતંત્રની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રોન અને વનકર્મીઓની મદદથી હાથીના લોકેશન પર નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય અને સરકારી જોગવાઈ મુજબ વળતર આપવાની જાહેરાત કરી છે. ગ્રામજનોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હાથીઓ હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા હોવાથી ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની સુરક્ષા માટે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.


