Get The App

શિવાજી મહારાજ વિશે એવું તો શું પ્રકાશિત કર્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બે દાયકા બાદ માફી માગી

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
શિવાજી મહારાજ વિશે એવું તો શું પ્રકાશિત કર્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બે દાયકા બાદ માફી માગી 1 - image

Shivaji Maharaj News: ઐતિહાસિક તથ્યોની છેડછાડ અને વાંધાજનક લખાણના એક દાયકાઓ જૂના વિવાદમાં આખરે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP) ઈન્ડિયાએ નમતું જોખ્યું છે. અમેરિકાના લેખક જેમ્સ લેન દ્વારા લખાયેલા પુસ્તકમાં શિવાજી મહારાજ વિશે કરાયેલી અપ્રમાણિત ટિપ્પણીઓ બદલ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસએ છત્રપતિના 13મા વંશજ ઉદયનરાજે ભોંસલે અને સમગ્ર જનતાની જાહેર નોટિસ દ્વારા માફી માંગી છે.

શું હતો સમગ્ર વિવાદ?

અહેવાલો અનુસાર, વર્ષ 2003માં OUP દ્વારા 'શિવાજી: હિન્દુ કિંગ ઇન ઇસ્લામિક ઇન્ડિયા'નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના લેખક અમેરિકાના જેમ્સ લેન હતા. પુસ્તકમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને તેમના પરિવાર વિશે કેટલીક એવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને ઈતિહાસકારો અને શિવપ્રેમીઓએ અત્યંત અપમાનજનક અને પાયાવિહોણી ગણાવી હતી. પુસ્તકના પાના નંબર 31, 33, 34 અને 93 પરના લખાણો સામે મુખ્ય વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

જાન્યુઆરી 2004માં આ પુસ્તકના વિરોધમાં સંભાજી બ્રિગેડના કાર્યકરોએ પુણેની પ્રસિદ્ધ 'ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (BORI)માં ભારે તોડફોડ કરી હતી. તેમનો આરોપ હતો કે આ સંસ્થાએ લેખકને ખોટી માહિતી પૂરી પાડી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો

કોર્ટના આદેશ બાદ જાહેર નોટિસ

બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચમાં ચાલી રહેલા કેસના નિર્દેશોનું પાલન કરતા, OUP ઈન્ડિયાએ અખબારોમાં માફીનામું પ્રસિદ્ધ કર્યું છે. OUP ઈન્ડિયાનું લખ્યુ 'અમે સ્વીકારીએ છીએ કે પુસ્તકમાં આપવામાં આવેલા કેટલાક નિવેદનો અપ્રમાણિત અને વણચકાસાયેલા હતા. આ લખાણ દ્વારા છત્રપતિ ઉદયનરાજે ભોંસલે અને જનતાની લાગણી દુભાઈ છે તે બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.'

OUPના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ મંજાર ખાન વતી આ માફી માંગવામાં આવી છે. આ કેસ લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ હતો. અંતે, હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ વૈશ્વિક સ્તરે નામી એવી આ સંસ્થાએ પોતાની ભૂલ સ્વીકારી છે. અગાઉ આ પુસ્તક પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. આ માફીનામાને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના સન્માન અને સાચા ઇતિહાસની જીત તરીકે જોવામાં આવી રહી છે.