નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ
Ghaziabad: ગાઝિયાબાદથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં એક મહિલાએ પોતાના પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેને બોલિવૂડ એક્ટર નોરા ફતેહી જેવી દેખાવા અને બનવા માટે મજબૂર કરતો હતો. તેના માટે તે દરરોજ 3-3 કલાક કસરત કરાવતો હતો અને જે દિવસે તે આટલું વર્ક આઉટ ન કરી શકું તે દિવસે તેને ભૂખી રાખતો હતો.
મને તો બોલિવૂડ અભિનેત્રી જેવી પત્ની મળી હોત
મહિલાએ જણાવ્યું કે મારો પતિ જે એક સરકારી ફિઝિકલ એજ્યુકેશન ટિચર છે, તે ઘણીવાર મને ટોણો મારે છે. પતિ કહે છે કે મારું તો જીવન બરબાદ થઈ ગયું છે કારણ કે મને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી જેવી સુંદર અને આકર્ષક પત્ની મળી શકી હોત. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પતિ માત્ર આવી વાતો જ નહોતો કરતો, પરંતુ તે પત્નીને દરરોજ 3-3 કલાક કસરત કરવાનું કહેતો જેથી તેનું શરીર બોલિવૂડ અભિનેત્રી જેવું દેખાય. જ્યારે મહિલા શારીરિક નબળાઈ, થાક અથવા સ્વાસ્થ્ય કારણોસર વર્કઆઉટ પૂર્ણ ન કરી શકે, ત્યારે પતિ તેને ઘણા દિવસો સુધી ખાવાનું પણ નહોતો આપતો.
માર્ચમાં થયા હતા બંનેના લગ્ન
ફરિયાદી મહિલાના લગ્ન માર્ચ 2025માં ગાઝિયાબાદમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. તેણે જણાવ્યું કે, લગ્નમાં ઘરેણાં, લગભગ 24 લાખ રૂપિયાની મહિન્દ્રા સ્કોર્પિયો, 10 લાખ રૂપિયા રોકડા અને અન્ય ભેટ સામેલ હતી. લગ્નમાં કુલ 76 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. તેમ છતાં લગ્ન પછી તરત જ સાસરિયાઓએ વધુ દહેજની માગણી કરવાનું શરૂ કર્યું. પતિ અને તેનો પરિવાર સતત જમીન, રોકડ અને મોંઘી વસ્તુઓની માંગ કરતા હતા. જ્યારે મેં આ માગણીઓ પૂરી કરવાનો ઈનકાર કરતી ત્યારે મને ટોણા મારવામાં આવતા અને શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડતો.
અશ્લીલ સામગ્રી અને વિરોધ કરવા પર મારપીટ
પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો કે, મારો પતિ ઘણીવાર અન્ય મહિલાઓની વાંધાજનક તસવીરો અને વીડિયો જોતો હતો. જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે મારી સાથે મારપીટ કરવામાં આવી અને ધમકી આપવામાં આવી કે જો તે ચૂપ નહીં રહે તો તને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. પોતાની ફરિયાદમાં મહિલાએ તેના પતિ તેમજ તેના સાસુ, સસરા અને ભાભી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, મારા સાસરિયાઓ સતત દહેજની માગણી કરતા હતા અને મારી સાથે દુર્વ્યવહાર કરતા હતા. માતા-પિતાના ઘરેથી કપડાં, ઓવન અને ઘરેણાં લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
ગર્ભવતી હતી તે દરમિયાન પણ ત્રાસ આપ્યો
ફરિયાદ પ્રમાણે લગ્નના થોડા સમય પછી મહિલા ગર્ભવતી થઈ. આ દરમિયાન પણ તેને હેરાન કરવામાં આવતી હતી. એવો આરોપ છે કે તેના સાસરિયાઓએ તેને એવું ખાવાનું આપ્યું કે તેની તબિયત બગડી ગઈ. જુલાઈ 2025માં વધુ પડતા રક્તસ્ત્રાવ અને અસહ્ય દુખાવાને કારણે તેને હોસ્પિટલમાં લઈ જવી પડી. ડોક્ટરોને તપાસ કરતા જાણવા મળ્યું કે, સતત માનસિક તણાવ, શારીરિક ત્રાસ અને ખરાબ ખાવાના કારણે તેનો ગર્ભપાત થઈ ગયો. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે સમયે પણ મારા પતિ અને સાસરિયાઓએ મને કોઈ ભાવનાત્મક કે શારીરિક સપોર્ટ નહોતો કર્યો.
પિયરમાં પણ શાંતિથી ન રહેવા દીધી
ગર્ભપાત અને ત્રાસથી ભાંગી પડેલી મહિલા પોતાના પિયર જતી રહી. એવો આરોપ છે કે પિયરમાં રહેતી હતી ત્યાં પણ તેના પતિ, સાસુ અને ભાભીએ તેના અને તેના પરિવાર સાથે વીડિયો કોલ દ્વારા દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે છૂટાછેડાની ધમકી પણ આપી હતી. 26 જુલાઈના રોજ જ્યારે મહિલા પોતાના માતા-પિતા સાથે તેના સાસરે પાછી ફરી અને વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને ઘરની અંદર પણ ન ઘૂસવા દીધી. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે તીજ-તહેવાર પર પિયરમાંથી જે ઘરેણા આપવામાં આવ્યા હતા તેને પરત કરવાનો સાસરિયાઓએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
પોલીસ પર ન્યાયની માગ
મહિલાએ પોતાની ફરિયાદમાં તેના પતિ, સાસુ, સસરા અને ભાભી પર દહેજ માટે ઉત્પીડન, ઘરેલુ હિંસા, ગર્ભપાત કરાવવું, ધમકીઓ અને બ્લેકમેલિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. પીડિતાએ પોલીસ પાસે માગ કરી છે કે આ સમગ્ર કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી મને ન્યાય મળી શકે.
શું કહ્યું પોલીસે?
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આ મામલો ખૂબ જ ગંભીર છે અને પીડિતાના આરોપોની તપાસ તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કરવામાં આવશે. ઉપરાંત પુરાવા તરીકે મેડિકલ રિપોર્ટ અને હોસ્પિટલના દસ્તાવેજો પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.