જજ વિરૂદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કટાક્ષ
Justice Yashwant Verma: જસ્ટિસ યશવંત વર્માના ઘર પર કથિત રૂપે રોકડ મળવાના કેસમાં ચાલી રહેલી ધીમી કાર્યવાહી પર સવાલો ઉઠાવતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે, એવુ લાગી રહ્યું છે કે, આ મામલો ઠંડો પડી ગયો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે, આ મામલે સત્ય બહાર આવે, પરંતુ અત્યારસુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. શું આ પ્રકારના કેસ ન્યાયિક વ્યવસ્થાને પ્રદૂષિત કરી રહ્યા નથી?
એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું કે, આ કેસને બે મહિના થઈ ગયા છે. તેમાં ઝડપથી તપાસ થવી જોઈએ. અત્યારસુધી એફઆઈઆર નોંધાઈ નથી. સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો વિરૂદ્ધ કેસ ચલાવવા પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. ધનખડે આ મામલે તપાસ કરી રહેલા ત્રણ જસ્ટિસની આંતરિક સમિતિ દ્વારા સાક્ષીઓ પાસેથી ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસ જપ્ત કરવાના પગલાંને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે. 1991નો કે. વીરાસ્વામી Vs ભારત સંઘના કેસનો ચુકાદો ધ્યાનમાં લેવો જોઈએ. જેમાં કોર્ટના ન્યાયાધીશોને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્ત્વને રેખાંકિત કરે છે.
કોર્ટના આ નિર્ણય પર પુનર્વિચારની જરૂર
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, જસ્ટિસ વાસ્તવમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ લોકસેવક છે. પરંતુ તેમણે કહ્યું કે, કોઈ પણ ન્યાયાધીશ વિરૂદ્ધ કેસ ચલાવવા માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. સત્ય સામે આવવું જરૂરી છે. તેના માટે ફોરેન્સિક એક્સપર્ટ્સની પણ મદદ લેવી જોઈએ. જેથી સત્ય ઉજાગર થાય. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત સિંહાના ઘરે લાગેલી આગ બુઝાવતી વખતે કથિત રૂપે મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી. CJI સંજીવ ખન્નાની ત્રણ સભ્યોની આંતરિક કમિટીના રિપોર્ટમાં આ આરોપોને વિશ્વસનીય દર્શાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ જસ્ટિસ વર્માનું અલાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જસ્ટિસ વર્માએ પોતાની પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા હતાં.
દેશ કાયદાથી ચાલે છેઃ ધનખડ
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, આપણે વાસ્તવિકતાથી ભાગી શકીએ નહીં. સત્ય એ જ છે કે, લુટિયન્સ દિલ્હીમાં જજના ઘરેથી બળેલી હાલતમાં મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. અત્યારસુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. આપણો દેશ કાયદાથી ચાલે છે. લોકતંત્ર અભિવ્યક્તિ, વાતચીત અને વિશ્વસનીયતાથી ચાલે છે. પરંતુ જો કોઈ વિચારે છે કે, તે જે બોલે છે તે જ સત્ય છે, તો હું તેને અહંકાર ગણીશ.
લોકોને માત્ર સત્ય જાણવું છે
ધનખડે જણાવ્યું કે, આપણે કોર્ટના સન્માનને નુકસાન થાય તેવું કંઈ કરી શકીએ નહીં. લોકોને કશું નથી જાણવું બસ, તેઓ સત્ય જાણવા માગે છે. લોકોને ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. પારદર્શિતા અને ન્યાય સાથે સમાધાન કરી શકાય નહીં. માર્ચની તે રાત્રે જે બન્યું તેનાથી દેશ ચિંતિંત બન્યું છે. જરા વિચારો આ પ્રકારના કેટલા કેસ હશે, જેના વિશે આપણને જાણ પણ નથી.