Explainer: શિમલા-મનાલીની દુર્દશાના શું છે કારણો, છેલ્લા 100 વર્ષમાં હિમાચલનું તાપમાન પણ વધી ગયું
Himachal Pradesh climate change : ભારતના અમુક રાજ્યો એના કુદરતી સૌંદર્ય માટે ખાસ જાણીતા છે. હિમાચલ પ્રદેશ એમાંનું એક છે. હિમાલયના ખોળામાં વસેલું આ રૂપકડું રાજ્ય દર વર્ષે લાખો પ્રવાસીઓનું યજમાન બને છે. આ દરમિયાન હિમાચલ છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર કુદરતી આફતોનો પણ ભોગ બની રહ્યું છે. વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલન જેવી આપત્તિઓને લીધે રાજ્યને જાનમાલનું બેહિસાબ નુકસાન થાય છે. અહીંના અર્થતંત્ર અને પ્રવાસન પર પણ તેની પ્રતિકૂળ અસર થઈ છે. ચાલો જાણીએ હિમાચલમાં એકાએક કુદરતનો કોપના કારણો શું છે?
આબોહવામાં થયેલો ફેરફાર
- હિમાચલ પ્રદેશ આફતગ્રસ્ત થયું એમાં સૌથી મોટું કારણ આબોહવામાં થયેલો ફેરફાર છે. છેલ્લા 100 વર્ષોમાં હિમાચલનું સરેરાશ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે, જેના કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે.
- અનિયમિત વરસાદ: હિમાચલમાં વરસાદ અનિયમિત છે. પહેલા ચોમાસામાં વરસાદ અકસમાન થતો હતો, પરંતુ હવે ઓછા સમયમાં વધુ વરસાદ થાય છે. વર્ષ 2023માં કુલ્લુ જિલ્લામાં સામાન્ય કરતાં 180% વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી હતી.
- વાદળ ફાટવાની ઘટનામાં વધારો: ઓછા સમયમાં નાના વિસ્તારમાં ભારે વરસાદ પડે એને વાદળ ફાટ્યું કહેવાય. ભારતીય હવામાન વિભાગના મતે, જો 20-30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં 100 મિ.મી.થી વધુ વરસાદ પડે છે, તો વાદળ ફાટ્યું ગણાય. છેલ્લા થોડા વર્ષોમાં હિમાચલમાં વાદળ ફાટવાની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. વર્ષ 2024ના ચોમાસામાં હિમાચલમાં વાદળ ફાટવાની 18 ઘટના નોંધાઈ હતી. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ વધુ જોવા મળી રહી છે.
- વિલન બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હિમાચલમાં અતિશય વરસાદનું કારણ બને છે. જુલાઈ 2023માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં જનજીવન ઠપ થઈ ગયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ એક હવામાનની સિસ્ટમ છે, જે જે ભૂમધ્ય સમુદ્ર, એટલાન્ટિક મહાસાગર અને કેસ્પિયન સમુદ્રમાંથી ભેજ લાવે છે અને ઉત્તર ભારત, પાકિસ્તાન અને નેપાળમાં અચાનક વરસાદ કે હિમવર્ષા લાવે છે. તે એક ઓછા દબાણવાળું વાવાઝોડું છે જે પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધે છે અને ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગોમાં હવામાનમાં પરિવર્તન લાવે છે.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
હિમાલયની ભૌગોલિક રચના પણ કારણભૂત
હિમાચલ પ્રદેશ હિમાલયના પશ્ચિમ ભાગમાં સ્થિત છે, જે વિશ્વની સૌથી નાની પર્વતમાળા છે. વરસાદની જેમ ભૂસ્ખલન અને ભૂકંપ માટે હિમાચલની ભૌગોલિક રચના જવાબદાર છે.
- હિમાચલના પાંચ જિલ્લા ચંબા, હમીરપુર, કાંગડા, કુલ્લુ અને મંડી ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ ભૂકંપ વિસ્તાર છે. આ જિલ્લાઓનો સમાવેશ ઝોન ચાર અને પાંચમાં થાય છે. ભૂકંપ અને સતત વરસાદ પર્વતોને નબળા બનાવે છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થાય છે.
- એવી જ રીતે અહીં પર્વતોનો ઢાળ પણ મુસીબત નોંતરે છે. હિમાચલના પર્વતોના ઢાળ તીવ્ર છે, જે વરસાદી પાણીને ઝડપથી નીચે લઈ જાય છે. આ કારણસર પૂરની ઘટનાઓમાં અચાનક વધારો થાય છે. પીર પંજાલ જેવા વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળે છે.
- અહીં માટીનું ધોવાણ પણ ભૂસ્ખલનનું જોખમ વધારે છે. હિમાચલમાં લગભગ 58.36% જમીન પર ધોવાણનું જોખમ છે. ભારે વરસાદને કારણે માટી ધોવાઈ જતાં પર્વતોની સ્થિરતા ઘટે છે, જે વખતોવખત ભૂસ્ખલનમાં પરિણમે છે.
હિમનદીઓ અને બરફ પીગળવાથી પૂર આવે છે
સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જના કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે, જેને લીધે નદીઓમાં પૂરનું જોખમ વધે છે. વળી, ગ્લેશિયર નજીક વાદળ ફાટવાની ઘટનાઓ પણ વધુ બને છે, કારણ કે ત્યાં ઠંડા અને ગરમ પવનો ભેગા થતા હોય છે.
હિમાચલની કુદરતી આફતો માટે આ તો થયા કુદરતી કારણો. પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે.
- બિનઆયોજિત વિકાસ કાર્યોનો અતિરેકઃ હિમાચલમાં બિનઆયોજિત વિકાસ કાર્યોએ પણ કુદરતી આફતોને આમંત્રણ આપ્યું છે. નિષ્ણાતો કહે છે કે સરકાર અને વિકાસકર્તાઓ પર્યાવરણીય અસરોને અવગણી રહ્યા છે.
- હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સથી પર્યાવરણને નુકસાન: હિમાચલમાં નાના-મોટા 174 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ છે, જે 11,209 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રોજેક્ટ્સ માટે પર્વતો કાપવામાં આવે છે, જેનાથી નદીઓનો પ્રવાહ ખોરવાય છે. બંધ બાંધવાથી બંધના સ્થિર પાણીમાં લાકડા અને અન્ય કાર્બનિક પદાર્થો સડે છે, જે મિથેન ગેસ છોડે છે. આ ગેસ તાપમાનમાં વધારો કરે છે અને વાદળ ફાટવા જેવી ઘટનાઓમાં નિમિત્ત બને છે.
- કુદરતના ભોગે રસ્તાનું બાંધકામ પણ જોખમી: નેશનલ હાઈવે અને ફોર લેન રસ્તા બનાવવા માટે પર્વતોને કાપવામાં આવે છે, જે ભૂસ્ખલનનું જોખમ વધારે છે. મંડી, કુલ્લુ અને શિમલામાં તેનો પ્રકોપ વિશેષપણે જોવા મળ્યો છે.
- આડેધડ થતા બાંધકામ જમીનને નબળી પાડે છે: શિમલા જેવા શહેરોમાં બહુમાળી ઇમારતો બનાવાઈ રહી છે, જેમાં પર્યાવરણીય નિયમોનો ભંગ કરાય છે. ઉદાહરણ તરીકે, શિમલાની કચ્ચી ખીણમાં જમીન નબળી હોવા છતાં મોટા બાંધકામો થયા, જેના કારણે ભૂસ્ખલન વધ્યું છે.
- વનનાબૂદી કુદરતી આફતોનું સૌથી મોટું કારણ: પાવર પ્રોજેક્ટ્સ, રસ્તા અને પ્રવાસન માટે જગ્યા બનાવવા માટે હિમાચલમાં બેફામ જંગલો કપાઈ રહ્યા છે. વર્ષ 1980થી 2014 સુધી, કિન્નૌરના 90% જંગલોને બિન-વન પ્રવૃત્તિઓ માટે સ્થાનાંતરિત કરી દેવાયા હતા, જેના કારણે જૈવવૈવિધ્ય અને જમીનની સ્થિરતામાં ઘટાડો થયો હતો.
- ગેરકાયદે ખાણકામ પૂરની સ્થિતિ પેદા કરે છે: નદીઓના પટમાં થતું અવૈજ્ઞાનિક ખાણકામ નદીઓના પ્રવાહને અવરોધે છે, જેનાથી પૂરનું જોખમ વધે છે.
- સતત ફાલતોફૂલતો પ્રવાસન ઉદ્યોગ પર્યાવરણની ઘોર ખોદે છે: હિમાચલ દર વર્ષે લાખો પ્રવાસી આવે છે, ખાસ કરીને કુલ્લુ, મનાલી અને શિમલા જેવા વિસ્તારોમાં. આ કારણસર પર્યાવરણ પર દબાણ વધે છે. હોટલ, રિસોર્ટ અને અન્ય બાંધકામ કાર્ય માટે પર્વતો કાપવામાં આવે છે. કચરાનું યોગ્ય સંચાલન થતું નથી. પાણીના સ્ત્રોતો અને નદીઓને પ્રદૂષિત કરાય છે. 'ઇકો ટુરિઝમ'ને પ્રોત્સાહન આપવાની ફક્ત વાતો થાય છે, અમલ થતો નથી.
- ખામીયુક્ત સરકારી નીતિઓ વિનાશકારી: હિમાચલ સરકાર અને કેન્દ્રની સ્પષ્ટ નીતિઓનો અભાવ પણ કુદરતી આપત્તિઓમાં વધારો કરવામાં ફાળો આપી રહ્યો છે. હાઇડ્રોપાવર અને રોડ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકતાં પહેલાં પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરાતું નથી. હિમાચલમાં આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) હોવા છતાં નિષ્ણાતો કહે છે કે તે અસરકારક રીતે કાર્ય કરી રહ્યું નથી. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ અને આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓને અપડેટ કરવાની જરૂર છે.
તાજેતરની કુદરતી આફતોએ હિમાચલમાં કરેલું નુકસાન
છેલ્લા કેટલાક વર્ષોમાં હિમાચલમાં કુદરતી આફતોના કારણે થયેલું નુકસાન
- 2021: 476 મૃત્યુ, 1151 કરોડનું નુકસાન.
- 2022: 276 મૃત્યુ, 939 કરોડનું નુકસાન.
- 2023: 404 મૃત્યુ, 12000 કરોડનું નુકસાન.
- 2024: 358 મૃત્યુ, 1004 ઘરોને નુકસાન અને 7088 પશુઓએ પણ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત વાદળ ફાટવાની 18 ઘટનાઓમાં 14 હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં 'આફતોનું પૂર': અતિભારે વરસાદ બાદ મંડીમાં 10ના મોત, 34 ગુમ
આપત્તિ નિવારણ માટે કેવા પગલાં લઈ શકાય એમ છે?
- બધા વિકાસ પ્રોજેક્ટ્સ પહેલા કડક પર્યાવરણીય તપાસ થવી જોઈએ.
- રસ્તા અને ઇમારતોના બાંધકામ માટે ટેરેસિંગ અને પર્યાવરણને અનુકૂળ તકનીકોનો ઉપયોગ થવો જોઈએ.
- વન નાબૂદી બંધ કરીને પુનઃવનીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ.
- દરેક ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં સ્વચાલિત હવામાન મથકો સ્થાપિત કરવા જોઈએ.
- પ્રવાસન તો પર્યાવરણને અનુકૂળ જ હોવું જોઈએ, જેથી કુદરતી સંસાધનો પર દબાણ ઓછું થાય.
- આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓને મજબૂત બનાવવી જોઈએ અને એ માટે સ્થાનિકોને તાલીમ આપવી જોઈએ.