હિમાચલ પ્રદેશમાં 'આફતોનું પૂર': અતિભારે વરસાદ બાદ મંડીમાં 10ના મોત, 34 ગુમ
Himachal Pradesh Flood: હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં સતત વરસાદે રાજ્યમાં ભારે વિનાશ સર્જ્યો છે. 16 સ્થળોએ વાદળ ફાટવાના કારણે, ત્રણ સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ પાંચ લોકોના મોત થયા છે. વરસાદ પછી સર્જાયેલી પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 34 લોકો ગુમ છે, જેમાંથી 11 લોકો પાણીમાં તણાઈ ગયા છે.
ભારે વરસાદના કારણે મંડી જિલ્લો ભારે તબાહી
આ ઉપરાંત છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 356.67 કરોડનું નુકસાન થયું છે. તેમજ વરસાદના કારણે સૂબેના મંડી જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. મંડીમાં છેલ્લા 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, મંડીમાં વાદળ ફાટવાની કુલ 10 ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભારે વિનાશ, જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ
આ ઉપરાંત રાજ્યમાં અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. આથી કટોકટી સેવાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 287થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં મંડીમાં 233થી વધુ, હમીરપુરમાં 51 અને ચંબામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુઓ અને ગૌશાળાઓને પણ નુકસાન થયું છે.
IMD ચેતવણી
ભારતીય હવામાન વિભાગે(IMD) 2 જુલાઈના રોજ પૂર્વી રાજસ્થાન, ગુજરાત ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.