Delhi Ston Pelting in Mid Night : દિલ્હીના રામલીલા મેદાન પાસે આવેલા તુર્કમાન ગેટ વિસ્તારમાં અડધી રાતે ભારે હોબાળો થયો હતો. દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD)ની ટીમ ફૈઝ-એ-ઈલાહી મસ્જિદની આસપાસના ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે પહોંચી હતી, ત્યારે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો અને જોતજોતામાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. અત્યાર સુધીમાં પોલીસના બોડી વોર્ન કેમેરાના આધારે 10 જેટલાં પથ્થરમારોની અટકાયત કરી લેવામાં આવી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.
ઘટનાની શરૂઆત અને હિંસક વળાંક
મળતી માહિતી મુજબ, MCDની કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. થોડી જ વારમાં ભીડ ઉગ્ર બની ગઈ અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના પોલીસ દળને તાત્કાલિક ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યું હતું.
પોલીસની કાર્યવાહી અને સત્તાવાર નિવેદન
સેન્ટ્રલ રેન્જના જોઈન્ટ પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું હતું કે, "દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો હેઠળ MCD દ્વારા 7 જાન્યુઆરીની વહેલી સવારે અતિક્રમણ ક્ષેત્રમાં તોડફોડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કરીને માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો."
તેમણે વધુમાં કહ્યું કે, "પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મર્યાદિત અને સંતુલિત બળ પ્રયોગ કરવામાં આવ્યો, જેનાથી કોઈ પણ તણાવ વધાર્યા વિના પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવી." આ કાર્યવાહી માટે મંગળવારે મોડી રાત્રે જ નગર નિગમના 17 બુલડોઝર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પથ્થરમારો શરૂ થતાં પોલીસે ભીડને વિખેરવા માટે આંસુ ગેસના ગોળા છોડ્યા હતા અને લોકોને ત્યાંથી ખદેડ્યા હતા.
શું તોડવામાં આવ્યું અને શા માટે?
MCD અધિકારીઓ મુજબ, મસ્જિદને અડીને આવેલા દવાખાના અને બારાત ઘર (સમુદાય ભવન)ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. રામલીલા મેદાન વિસ્તારમાં થયેલા સર્વે બાદ આ બાંધકામોને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રશાસને આ અતિક્રમણ હટાવવા માટે લોકોને પહેલાથી સમય પણ આપ્યો હતો.
ટ્રાફિક વ્યવસ્થા પર અસર
આ તોડફોડની કાર્યવાહીને કારણે વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી છે. જેએલએન માર્ગ, અજમેરી ગેટ, મિન્ટો રોડ અને દિલ્હી ગેટની આસપાસ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે મુસાફરોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી છે.
સંપૂર્ણપણે બંધ કરાયેલા રસ્તા:
કમલા માર્કેટ ગોળ ચક્કરથી હમદર્દ બિલ્ડિંગ આગળ આસફ અલી રોડ.
કમલા માર્કેટ ગોળ ચક્કરથી જેએલએન માર્ગ.
દિલ્હી ગેટથી જેએલએન માર્ગ તરફ જતો રસ્તો.
મિરદર્દ ચોકથી ગુરુ નાનક ચોક તરફ જતો મહારાજા રણજીત સિંહ માર્ગ.
પોલીસની પૂર્વતૈયારી
આઈપીએસ મધુર વર્માએ જણાવ્યું કે દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક વ્યવસ્થા કરી હતી. સમગ્ર વિસ્તારને 9 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો અને દરેક ઝોનની દેખરેખ અધિક પોલીસ કમિશનર (DCP) સ્તરના અધિકારીને સોંપવામાં આવી હતી. શાંતિ જાળવવાના હેતુથી કાર્યવાહી પહેલા શાંતિ સમિતિ (અમન કમિટી)ના સભ્યો અને અન્ય સ્થાનિકો સાથે સંકલન બેઠકો પણ યોજવામાં આવી હતી.


