India-Germany Relations : જર્મનીના ઈકોનોમિક ઇન્સ્ટિટ્યુટના તાજેતરના અભ્યાસ મુજબ જર્મનીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધુ સરેરાશ પગાર મળે છે. 2024 સુધીના ડેટા કહે છે કે, સરેરાશ પગારના મામલે ભારતીયો પછી અમેરિકનો અને આયરિશ છે, જ્યારે જર્મન નાગરિકો આશ્ચર્યજનક રીતે ચોથા ક્રમે છે.
ભારતીયોનો માસિક પગાર રૂ. 4,85,000
ફેડરલ એમ્પ્લોયમેન્ટ એજન્સીના ડેટા પર આધારિત આ અભ્યાસ કહે છે કે, ફૂલ-ટાઇમ નોકરી કરતાં ભારતીય કામદારોની સરેરાશ માસિક કમાણી 5,393 યુરો (લગભગ રૂ. 4,85,000) છે, જે જર્મન કામદારો 4,177 યુરો (રૂ. 3,75,000) કરતાં ઘણી વધુ છે. ભારતીયો પછી ઑસ્ટ્રિયનો 5,322 યુરો (રૂ. 4,78,000), અમેરિકનો 5,307 યુરો (રૂ. 4,77,000) અને આઇરિશ 5,233 યુરો (રૂ. 4,70,000) સૌથી વધુ કમાય છે. જર્મનીમાં વસતા તમામ વિદેશી નાગરિકોની સરેરાશ માસિક કમાણી 3,204 યુરો (રૂ. 2,88,000) થવા જાય છે.

ભારતીયો સૌથી વધારે કમાતા હોવાનું કારણ શું?
આ ઉચ્ચ કમાણીનું મુખ્ય કારણ એ છે કે જર્મનીમાં રહેતા ઘણાં ભારતીયો ઊંચો પગાર આપતા વિજ્ઞાન, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. વર્ષ 2012થી અત્યાર સુધીમાં STEM ક્ષેત્રમાં કામ કરતાં ભારતીયોની સંખ્યા 9 ગણી વધીને 32,800થી વધારે થઈ ગઈ છે. 25થી 44 વર્ષ વયના ભારતીય કામદારોમાંથી 33% STEM ક્ષેત્રમાં છે, જે અન્ય કોઈપણ સમૂહ કરતાં ઘણું વધારે છે.
જર્મન અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય પ્રતિભા પર આધારિત
આ ડેટાથી સ્પષ્ટ થાય છે કે જર્મનીની અર્થવ્યવસ્થા આંતરરાષ્ટ્રીય પ્રતિભા પર ખૂબ આધારિત છે. આ ડેટા ભારતીયોની શૈક્ષણિક ક્ષમતા અને કાર્યકુશળતાની પણ સાબિતી આપે છે. આ એવા ક્ષેત્રો છે જ્યાં ભારતને પણ વિશેષ પ્રતિભાની જરૂર છે, પરંતુ વિદેશમાં વધુ સારી તકો મળતી હોવાથી ઘણાં ભારતીય તજજ્ઞો દેશ છોડી જતા હોય છે.
આ પણ વાંચો : VIDEO : માદુરાના ડાન્સના કારણે ચિડાયું હતું અમેરિકા, છેવટે ધરપકડ કરી


