આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હતા હુમલા
Pahalgam Terror Attack : આતંકવાદીઓએ ફરી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી જમ્મુ-કાશ્મીરને ધણધણાવી દીધું છે. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરન ગામમાં ક્રૂરતાપૂર્વકનો હુમલો કરી પ્રવાસીઓને ટાર્ગેટ બનાવી આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં 20 લોકોના મોત થયા હોવાની અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે મૃતક અને ઈજાગ્રસ્તો અંગે સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. હાલ બૈસરન ગામમાં સીઆરપીએફના જવાનો સહિતનો સ્ટાફ તહેનાત કરી દેવાયો છે. બીજીતરફ સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે.
હુમલા બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ આતંકવાદીઓને પકડી પાડવા ચોતરફ શોધખોળ શરુ કરી દીધી છે. ગત મહિને હંડવાડામાં પાકિસ્તાની આતંકી સૈફુલ્લાને ઠાર કરાયો હતો, આ જ કારણે હવે આતંકવાદીઓ પ્રવાસીઓને નિશાન બનાવી રહ્યા છે. એટલું જ નહીં આતંકવાદીઓએ અમરનાથ યાત્રા પહેલા પહલગામમાં હુમલો કરીને ખૌફ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે અગાઉ પ્રવાસીઓ પર હુમલો થયો હોવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. તો જાણીએ આતંકવાદીઓએ ક્યારે ક્યારે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને નિશાન બનાવ્યા.
18 મે-2024 : કાશ્મીરમાં એક કપલ પર ફાયરિંગ
જયપુરનું એક કપલ ગત વર્ષે શ્રીનગરના પ્રવાસે ગયું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલો જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
09 જૂન-2024 : રિયાસીમાં બસ પર હુમલો
કલમ-370 નાબુદ કર્યા બાદ જાકિર મૂસા, હમીદ લહરી, બુરહાન કોકા, અબ્બાસ ગાજી, રિયાજ નાઈકૂ, હુર્રિયત નેતા અશરફ સેહરાઈનો આતંકી પુત્ર જુનૈદ સેહરાઈ, ગાજી હૈદર અને બાસિક અહમદ ડાર જેવા અનેક મોટા આતંકીઓ ઠાર થયા છે, જેના કારણે આતંકી સંગઠનોની કમર તૂટી ગઈ છે. આ જ કારણે હવે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરને સતત ટાર્ગેટ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં આતંકવાદીઓએ રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓ ભરેલી બસ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, અનેકના મોત
14 ફેબ્રુઆરી-2019 : 20 જવાનો શહીદ, 15 ઘાયલ
શ્રીનગર-જમ્મુ હાઇવે પર 14 ફેબ્રુઆરી-2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક આત્મઘાતી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના 20 જવાનો શહીદ થયા હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા. બધા ઘાયલોને શ્રીનગરની આર્મી બેઝ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
14 નવેમ્બર-2005 : શ્રીનગરમાં મોટો હુમલો
શ્રીનગરના લાલ ચૌક વિસ્તારમાં પલ્લાડિયમ સિનેમા સામે ફિદાયીની હુમલો થયો હતો, જેમાં સીઆરપીએફના બે જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત બે નાગરિકોનો પણ મોત થયા હતા. ઘટનામાં એક જાપાની પ્રવાસી સહિત 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
20 જુલાઈ 2001 : શ્રદ્ધાળુઓના કેમ્પ પર હુમલોહઑ
અમરનાથ હિમનદ ગુફા મંદિર પાસે શ્રદ્ધાળુઓનો કેમ્પ હતો, જેયાં આતંકવાદીઓએ અચાનક આવી આડેધડ ગોળીબાર કરી દીધો હતો. આ હુમલામાં 13 લોકોના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં જીવ ગુમાવનારાઓમાં 8 શ્રદ્ધાળુઓ, ત્રણ સ્થાનિક નાગરિકો અને બે સુરક્ષા કર્મચારીઓ સામેલ હતા.
વર્ષ 2000 : અનંતનાગ અને ડોડામાં હુમલો
વર્ષ 2000માં આતંકવાદીઓએ કાશ્મીરના અનંતનાગ અને જમ્મુના ડોડા જિલ્લામાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ પહેલી અને બીજી ઓગસ્ટે કરેલી નાપાક હરકતે માત્ર જમ્મુ-કાશ્મીરને જ નહીં, આખા દેશને હચમચાવી નાખ્યું હતું. અનંતનાગ અને ડોડા જિલ્લામાં પાંચ હુમલા થયા હતા, જેમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. આતંકીઓએ બીજી ઑગસ્ટે પહલગામના નુનવાન બેસ કેમ્પને ટાર્ગેટ કર્યો હતો, જેમાં 21 શ્રદ્ધાળુઓ, સાત સ્થાનિક દુકાનદારો અને ત્રણ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા.
04 જુલાઈ 1995 : પહલગામના પ્રવાસીઓનું અપહરણ
આતંકી સંગઠન હરકત-ઉલ-અંસારના આતંકવાદીઓએ પહલગામના લિદ્દરવાટમાં છ વિદેશી પ્રવાસીઓ અને બે ગાઇડનું અપહરણ કર્યું હતું. આતંકીઓએ અમેરિકન, બ્રિટન, નોર્વે, જર્મનીના પ્રવાસીઓનું અપહરણ કરતાં ભારે અફરાતફરી મચી હતી. ત્યારબાદ આતંકીઓએ અપહ્યત લોકોને છોડી મૂકવા માટે આતંકી મસૂદ અજહર અને અન્ય આતંકીઓને છોડી મૂકવાની માંગ કરી હતી. આ સમયગાળા દરમિયાન કાશ્મીર ખીણમાં આતંકવાદ ચરમસીમા પર હતો. આ દરમિયાન ખીણ અનેક આતંકવાદી સંગઠનો સક્રિય હતા.
આ પણ વાંચો : આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ કડક કાર્યવાહી કરવાના આપ્યા નિર્દેશ