Get The App

આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના 1 - image


Jammu Kashmir News: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. ઉચ્ચ પદ પર રહેલા સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે અમિત શાહ ટૂંક સમયમાં પહલગામ જવા રવાના થશે.

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, 'જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.'

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક મંગળવારે થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક પ્રવાસીનું મોત થયું હતું અને 12 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ ઘોડા પર સવાર હતા. આ હુમલામાં કેટલાક ઘોડાઓ પણ ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે.

Tags :