નેપાળમાં કેમ આવ્યું કાદવનું ભયાનક પૂર? જાણો તિબેટથી શરૂ થયેલી હોનારતનું સાચું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flash Flood: નેપાળ અને ચીનના તિબેટ ક્ષેત્રની સરહદ પર અચાનક આવેલી વિનાશક પૂરની હોનારતે ભારે તબાહી મચાવી છે. 26 ઑગસ્ટના રોજ નેપાળની 'ભોટેકોશી નદી'માં અચાનક કાદવ, કાટમાળ અને પાણીનો અકલ્પનીય પ્રવાહ ધસી આવતાં સરહદી વિસ્તારો જળમગ્ન બન્યા છે. આ આફત પાછળ ચીનના તિબેટ ક્ષેત્રમાં થયેલી કુદરતી ઉથલપાથલ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે અને ક્યાંથી આવ્યું આ ભયાનક 'મડ ફ્લડ'?
આ તબાહી પાછળ કોઈ સામાન્ય વરસાદ નહીં પરંતુ પહાડી ક્ષેત્રમાં સર્જાયેલી એક પર્યાવરણીય પ્રક્રિયા જવાબદાર છે. ચીનના તિબેટ ક્ષેત્રમાં અતિભારે વરસાદ અને હિમવર્ષા પીગળવાને કારણે પહાડો ધસી પડ્યા હતા. આ મોટું લેન્ડસ્લાઇડ થતાં ત્યાં વહેતી નદીનો પ્રવાહ રોકાઈ ગયો અને માટી-પથ્થરોનો એક કામચલાઉ કુદરતી ડેમ(તળાવ) બની ગયો. તળાવમાં પાણીનું દબાણ ક્ષમતા કરતાં વધી જતાં આ માટી-પથ્થરોનો કુદરતી અવરોધ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો.
ડેમ તૂટતાં જ લાખો લીટર પાણી અત્યંત તીવ્ર ગતિએ કાદવ, કાંકરા અને કાટમાળ સાથે નેપાળ તરફ ધસી આવ્યું, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'ફ્લેશ ફ્લડ' કે 'મડ ફ્લડ' કહેવાય છે. આ ભયાનક પ્રવાહ સીધો નેપાળની 'ભોટેકોશી નદી'માં આવતાં નદીનું સ્તર અચાનક વધી ગયું. પરિણામે કાંઠે આવેલા રસુવા જિલ્લાના સ્યાપ્રુ બેસી અને તિમુરે જેવા ગામો પૂરના પાણીમાં તણાઈ ગયા.
ચીન-નેપાળ બંનેમાં ભારે નુકસાન: હજુ પણ પૂરનો ભય
આ કુદરતી આફતથી ચીનના પોતાના તિબેટ સરહદી વિસ્તાર (ગાયરોંગ કાઉન્ટી) માં પણ ભારે નુકસાન થયું છે અને ત્યાં પણ મડસ્લાઈડના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. ચીનની સરકારે નેપાળ પ્રશાસનને સત્તાવાર ચેતવણી આપતાં જણાવ્યું છે કે પહાડ ધસવાથી બનેલા તળાવનું પાણી હજુ પૂરેપૂરું ખાલી થયું નથી, જેથી હજુ પણ વધુ પૂર આવવાનું જોખમ રહેલું છે.
4 હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ નષ્ટ, આર્મી દ્વારા હાઇ ઍલર્ટ
આ ઘટના પાછળ ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર્સ ઝડપથી પીગળવા અને નદી કિનારે થતાં માનવીય બાંધકામો પણ જવાબદાર માનવામાં આવે છે. આ પૂરમાં નેપાળના 4 જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે.
હાલમાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળ આર્મી અને પોલીસ દ્વારા રસુવા, નુવાકોટ અને ધાદિંગ જેવા નીચાણવાળા વિસ્તારોમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.




