બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઇવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા

Why Bengaluru Engineers are Running Ola Uber: જો તમે ક્યારેય કોઈ કેબ ડ્રાઇવરની વાતચીતમાં અચાનક કોર્પોરેટ શબ્દો સંભાળતા હોય, તો હવે આશ્ચર્ય પામશો નહીં. કારણ કે, બેંગલુરુ જેવા આઇટી હબમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં સોફ્ટવેર એન્જિનિયરો હવે પાર્ટ-ટાઇમ કેબ ચલાવી રહ્યા છે. આ એન્જિનિયરો ફક્ત વધારાની આવક માટે જ નહીં, પરંતુ કોર્પોરેટ જીવનના દબાણ, લાંબા કામના કલાકો અને શહેરમાં અનુભવાતી એકલતામાંથી રાહત મેળવવા માટે આ વૈકલ્પિક રસ્તો અપનાવી રહ્યા છે. આ ઘટના ભારતીય 'આઇટી કેપિટલ'ના યુવાનોની માનસિકતા અને વર્ક-લાઇફ બેલેન્સની ગંભીર સમસ્યાને ઉજાગર કરે છે.
સોફ્ટવેર ટેસ્ટિંગ એક્સપર્ટ બન્યો ડ્રાઇવર
એક સોફ્ટવેર ટેસ્ટિંગ એક્સપર્ટ બે વર્ષ પહેલા વિજયવાડાથી બેંગલુરુ આવ્યો હતો. શરુઆતમાં તેની નોકરી સારી ચાલતી હતી, પરંતુ એકલા રહેવાને કારણે તેને એકલતા અને ઘરની યાદ સતાવતી હતી. સતત વધતા કામના દબાણને લીધે, 18 મહિના પછી તેણે માનસિક રાહત અને વધારાની આવક માટે કેબ ચલાવવાનું શરુ કર્યું.
હવે, આ વ્યક્તિ દિવસ દરમિયાન તેની એન્જિનિયરિંગ નોકરી કરે છે અને અઠવાડિયામાં એક-બે રાત કેબ ચલાવે છે. તે એક રાઇડ-શેરિંગ એપ સાથે જોડાયેલા છે અને સામાન્ય રીતે ઍરપોર્ટના રૂટ પર ડ્રાઇવ કરે છે. તે જણાવે છે કે આ કામથી તેને માનસિક રાહત મળે છે અને માસિક ₹6,000-₹7,000 સુધીની વધારાની કમાણી પણ થઈ જાય છે.
આઇટી એન્જિનિયરોમાં વધતો નવો ટ્રેન્ડ
સોશિયલ મીડિયા પોસ્ટ્સ દર્શાવે છે કે બેંગલુરુના ઘણા આઇટી પ્રોફેશનલ્સ હવે ઓલા, ઉબર, રેપિડો અને નમ્મા યાત્રી જેવા પ્લેટફોર્મ પર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તેઓ તણાવ ઘટાડવા, વાતચીત કરવા અને વધારાના પૈસા કમાવવા માટે આ કરે છે. આ ટ્રેન્ડ માત્ર કમાણી પૂરતો સીમિત નથી; તે કોર્પોરેટ દબાણ અને માનસિક થાક સાથે પણ જોડાયેલો છે. ખરાબ વર્ક-લાઇફ બેલેન્સ, લાંબા કલાકો અને એકલતાને કારણે લોકો વૈકલ્પિક રસ્તાઓ અપનાવી રહ્યા છે. એક એન્જિનિયર જણાવે છે કે 12 કલાકથી વધુ કામ કરવું અને ઑફિસમાંથી કામ ફરજિયાત થવાથી થાક વધુ લાગે છે.
આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર
બેંગલુરુની મુશ્કેલીઓ અને વાસ્તવિકતા
બેંગલુરુની મોટાભાગની આઇટી કંપનીઓ ટ્રાફિક અને ખરાબ રસ્તાઓ માટે જાણીતા બેલંદૂર, મરાઠહલ્લી, એચએસઆર લેઆઉટ અને વ્હાઇટફિલ્ડ જેવા વિસ્તારોમાં આવેલી છે. આ મુશ્કેલીઓના કારણે, કેટલાક એન્જિનિયરો માટે રાત્રે કેબ ચલાવવી એ માનસિક બ્રેક અને શાંતિનો સમય બની ગયો છે, જે તેમને વીકએન્ડના ખર્ચ માટે વધારાની કમાણી પણ આપે છે.
ભારતની આઇટી કેપિટલ હોવા છતાં બેંગલુરુ ટ્રાફિક, રસ્તાઓ અને કોર્પોરેટ દબાણ જેવી સમસ્યાઓથી ઘેરાયેલું છે. તેમ છતાં, અહીંના યુવાનો કોડિંગ દ્વારા હોય કે રાત્રે કેબ ચલાવીને - તેમની જિંદગી સુધારવા અને તણાવમાંથી બહાર આવવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે.

