Get The App

બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર 1 - image


Bihar Election 2025: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના બે દિગ્ગજ નેતાઓ, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વચ્ચેની કથિત અદાવતનો અંત આવ્યો હોય તેવા રાજકીય સંકેતો મળી રહ્યા છે. લોક આસ્થાનો મહાપર્વ છઠ્ઠ બિહારમાં રાજકીય સંબંધોને મધુર બનાવવાનો પ્રસંગ બન્યો છે.

છઠ્ઠ પર્વના બીજા દિવસે, જેને 'ખરના પૂજા' કહેવાય છે, તે પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે (26મી ઑક્ટોબર) સાંજે અચાનક કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના પટણા સ્થિત નિવાસસ્થાને પ્રસાદ લેવા પહોંચ્યા હતા, જેનાથી બધા રાજકીય નિરીક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


ચિરાગ પાસવાને નીતિશ કુમારના પગ સ્પર્શ કર્યાં

મુખ્યમંત્રી નીતિશ કુમારના આગમન સાથે જ ચિરાગ પાસવાન તેમનું સ્વાગત કરવા માટે ઘરની બહાર આવ્યા હતા. મુખ્યમંત્રી કારમાંથી બહાર નીકળતાંની સાથે જ ચિરાગ પાસવાને નમન કરીને આદર સાથે તેમના પગ સ્પર્શ કર્યા. તેના આ આદરણીય વર્તન પર પ્રતિક્રિયા આપતાં, મુખ્યમંત્રી નીતિશ કુમારે હળવાશથી કહ્યું, 'શું સાહેબ... હું હમણાં જ તમને મળવા આવ્યો છું.' બંને નેતાઓ વચ્ચેની આ વાતચીતની રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે.

આ મુલાકાત દરમિયાન ચિરાગ પાસવાનના સાળા અને જમુઈના સાંસદ અરુણ ભારતી પણ હાજર હતા. ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશે ચિરાગના સમગ્ર પરિવાર સાથે ગ્રૂપ ફોટો પણ પડાવ્યો હતો.

'નીતિશ કુમાર જ હશે NDAના CM ઉમેદવાર, મારા ધારાસભ્ય આપશે સમર્થન', ચિરાગ પાસવાનની જાહેરાત

ચિરાગ પાસવાને NDAના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે નીતિશ કુમારના નામ પર સ્પષ્ટ સમર્થન આપ્યું છે. પાસવાને જાહેરાત કરી કે તેમના તમામ ધારાસભ્ય નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવાનું સમર્થન કરશે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટાક્ષ

છઠ્ઠ પર્વ અને રાજકીય સમાધાન!

છઠ્ઠ પર્વનો બીજો દિવસ 'ખરના' ભક્તિ અને સાત્વિક પ્રસાદ માટે જાણીતો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ રહ્યો હતો. નીતિશ કુમારની આ અચાનક મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જે NDAના ગઠબંધન માટે એક હકારાત્મક સંકેત માનવામાં આવે છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ મુલાકાત માત્ર એક ધાર્મિક પ્રસંગ નહોતો, પરંતુ આગામી ચૂંટણી પહેલા બંને નેતાઓ વચ્ચેના સંબંધોને ફરીથી મજબૂત બનાવવાનો એક રાજકીય પ્રયાસ હતો.

Tags :