Get The App

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ 1 - image


- ભગવાનને પણ આરામનો સમય નથી આપતા, આ તો એમનું શોષણ કહેવાય

- વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર મુદ્દે સુપ્રીમે કમિટી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન માટેની જે હાલની વ્યવસ્થા છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે હાલ એવી વ્યવસ્થા છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો. જે એક પ્રકારનું શોષણ છે. આ સાથે જ રૂપિયા લઇને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા હતા. 

સુપ્રીમ કોર્ટમાં શ્રી બાંકે બિહારી મહારાજ મંદિરની મેનેજમેન્ટ કમિટીની અરજી પર સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બેંચ સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે મંદિરમાં દર્શનનો સમય બદલી નાખવામાં આવ્યો છે. જેના પર ટિપ્પણી કરતા સુપ્રીમની બેંચે કહ્યું હતું કે હાલની વ્યવસ્થા એવી છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો, આ તો દેવતાઓનું જ શોષણ કહેવાય. 

સુપ્રીમે નોંધ્યું હતું કે બપોરે ૧૨ વાગ્યે મંદિર બંધ થયા બાદ પણ દેવતાને એક મિનિટનો પણ સમય નથી અપાતો. આ જ સમયે સૌથી વધુ વિશેષ પૂજાપાઠ કરાવવામાં આવે છે. જે પૂજા માટે મોટી રકમ આપી શકે તેના માટે જ ખાસ પૂજાની છૂટ અપાય છે, આવું કેમ થઇ રહ્યું છે? મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મોટી રકમ આપનારાઓ માટે પડદો લગાવીને વિશેષ પૂજા કરાવવામાં આવે છે જે યોગ્ય નથી. 

સુપ્રીમ કોર્ટે આ મામલે ગઠીત હાઇ પાવરેડ કમિટી અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. મામલાની આગામી સુનાવણી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે.

Tags :