VIDEO : અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અનુરાગ ઠાકુરનો જવાબ સાંભળી વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં
Himachal Pradesh News : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હમીરપુરથી ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો હિમાચલ પ્રદેશના ઊનાની એક શાળાનો છે, જ્યાં ઠાકુર બાળકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે બાળકોને પ્રશ્ન પૂછ્યો કે ‘અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?’, જેના જવાબમાં હાજર બાળકોએ એક અવાજે ‘નીલ આર્મસ્ટ્રોંગ’ કહ્યું હતું. જોકે, ઠાકુરે બાળકોના જવાબને કાપીને કહ્યું કે, ‘મને તો લાગે છે કે હનુમાનજી હતા.’ આ નિવેદન બાદ તેઓ મંચ પર હસતા જોવા મળ્યા.
પરંપરા અને જ્ઞાન પર ભાર
અનુરાગ ઠાકુરે (Anurag Thakur) તેમના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, જ્યાં સુધી આપણને આપણી હજારો વર્ષ જૂની પરંપરા, જ્ઞાન અને સંસ્કૃતિ વિશે જાણકારી નહીં હોય, ત્યાં સુધી આપણે તે જ જોઈશું જે અંગ્રેજોએ આપણને બતાવ્યું છે. તેમણે શિક્ષકો અને પ્રિન્સિપાલને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને આપણા વેદો, પરંપરાઓ અને જ્ઞાનની દિશામાં આગળ વધવા વિનંતી કરી છે, જેથી આપણને ઘણું નવું જાણવા મળે. આ નિવેદન બાદ ઓડિટોરિયમમાં હાજર શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો.
અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ યુરી ગાગરીન હતા
ખરેખર અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગ નહોતા, પરંતુ રશિયાના યુરી ગાગરીન હતા, જેમણે 12 એપ્રિલ 1961ના રોજ વોસ્ટોક-1 અંતરિક્ષયાનથી ઉડાન ભરી હતી. નીલ આર્મસ્ટ્રોંગ તો 20 જુલાઈ-1969ના રોજ ચંદ્ર પર પ્રથમ પગ મૂકનારા વ્યક્તિ હતા. ઠાકુરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. યુઝર્સ કહી રહ્યા છે કે આવા નિવેદનોથી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે, કારણ કે શિક્ષણમાં સત્ય અને વિજ્ઞાનને પ્રાધાન્ય આપવું જોઈએ.
તાજેતરમાં જ શુભાંશુ શુક્લા ગયા હતા અંતરિક્ષમાં
ભારતે અંતરિક્ષ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તાજેતરમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)થી સફળતાપૂર્વક પાછા ફર્યા છે. તેમણે પોતાના અનુભવો જણાવતા કહ્યું કે, ભારત અંતરિક્ષમાંથી પણ ‘સારે જહાં સે અચ્છા’ દેખાય છે. આ ઉપરાંત, તેમણે ગગનયાન મિશન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન માટે તેમના અનુભવો અત્યંત ઉપયોગી થશે તેમ જણાવ્યું. આ ઘટનાઓ દર્શાવે છે કે ભારતનું ભવિષ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે અંતરિક્ષમાં પણ પ્રગતિ કરી રહ્યું છે.
આ પણ વાંચો : અનિશ દયાલ સિંહની નાયબ NSA તરીકે નિમણૂક, 30 વર્ષ IBમાં ફરજ નિભાવી ચૂક્યા છે