Who Is RPF Chandana Sinha: રેલવે સ્ટેશન ભીડભાડ અને ઘોંઘાટ વાળું સ્થળ છે, જ્યાં હજારો લોકો પોતાની મંજિલની વાટ પકડે છે. પરંતુ આ ભીડ વચ્ચે કેટલીક આંખો એવી પણ હોય છે જે એ ખામોશ ડરને ઓળખી લે છે, જેને સામાન્ય માણસ દ્વારા અવગણવામાં આવે છે. આ આંખ RPF ઈન્સ્પેક્ટર ચંદના સિન્હાની છે, જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તર પ્રદેશના રેલ નેટવર્ક દ્વારા 1,500 થી વધુ બાળકોને તસ્કરો અને અંધકારમય ભવિષ્યના ચંગુલમાંથી બચાવ્યા છે. તેમની આ જ અસાધારણ સેવા માટે ભારત સરકારે તેમને 9 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હીમાં રેલવેના સર્વોચ્ચ સન્માન, 'અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર'થી સન્માનિત કર્યા છે.
ચંદના સિન્હા માટે આ પુરસ્કાર માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ એક જવાબદારી છે. પુરસ્કાર પ્રાપ્ત કર્યાના થોડા કલાકો બાદ જ્યારે તેઓ લખનઉ પરત ફર્યા ત્યારે તેમને સૂચના મળી કે, પ્લેટફોર્મ નંબર 3 પર એક બાળક એકલું બેઠું છે. સમય બગાડ્યા વિના પોતાની વર્દીના ગૌરવ માટે તેઓ તરત જ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેમના માટે દરેક બાળક એક નવી આશા છે.
લખનઉના ચારબાગ સ્ટેશનથી ઓપરેશનનું નેતૃત્વ કરનાર ચંદનાએ એક એવી સિસ્ટમ વિકસાવી છે જે હવે આખા પ્લેટફોર્મ પર ગુપચુપ એક્ટિવ રહે છે. તેમની ટીમ માત્ર દેખરેખ જ નથી રાખતી પરંતુ મુસાફરોના વર્તન અને બાળકોના હાવભાવને વાંચી લે છે. તેમણે કુલીઓ, વિક્રેતાઓ અને સ્થાનિક માહિતી આપનારાઓનું એવું નેટવર્ક બનાવ્યું છે જે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરે છે. તેમની ટીમમાં મોટાભાગે મહિલા અધિકારીઓ છે, જે ડરી ગયેલા બાળકો સાથે વાત કરવામાં અને તેમનો વિશ્વાસ જીતવામાં માહિર છે.
ઓપરેશન નન્હે ફરિશ્તે
જૂન 2024માં ચંદનાને 'ઓપરેશન નન્હે ફરિશ્તે'ની કમાન સોંપવામાં આવી. તેમની ટીમે બિહારથી પંજાબ અને હરિયાણા સુધીના તસ્કરીના રૂટોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. વર્ષ 2024માં તેમની ટીમે 494 બાળકોને બચાવ્યા, જેમાં 41 બાળકોનો બાળ મજૂરી માટે લઈ જવામાં આવી રહ્યા હતા. વર્ષ 2025માં આ આંકડો વધીને 1,032 બાળકો સુધી પહોચી ગયો. આ હજારો બાળકોમાંથી 152 બાળકોનું ચંદનાએ ખુદ રેસ્ક્યુ કર્યું છે.
ચંદના સિન્હાએ કહ્યું કે, 'તસ્કરો મોટાભાગે બાળકોને કામનું લાલચ આપે છે. અમે માત્ર શંકાસ્પદ ચહેરાઓ જ નથી જોતા, અમે બાળકોની આંખમાં છૂપાયેલો ડર અને તેમની સાથે હાજર વ્યક્તિ સાથે તેનો તાલમેલમાં અભાવ પણ જોઈએ છીએ.'
માત્ર રેસ્ક્યુ જ નહીં, કાઉન્સેલિંગ પણ
બાળકોને બચાવવા એ તો માત્ર શરૂઆત છે, ખરો પડકાર તો તેમને તેમના પરિવાર સાથે ફરીથી મિલન કરાવવાનો છે. ચંદનાએ જણાવ્યું કે, ઘણી વાર છોકરીઓ કોઈની સાથે ભાગીને આવી જાય છે અને પાછી જવા માટે તૈયાર નથી હોતી. કેટલાક કિસ્સાઓમાં માતા-પિતા જાહેર લોક-લાજના ડરથી કેસ દાખલ કરવામાં અચકાતા હોય છે. આવી પરિસ્થિતિઓમાં ચંદના અને તેની ટીમે કલાકો સુધી કાઉન્સેલિંગ કરવું પડે છે.
41 વર્ષીય ચંદના સિન્હા મૂળ છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી છે. તેમના પિતા સરકારી કર્મચારી હતા. 80ના દાયકાની લોકપ્રિય ટીવી સિરિયલ "ઉડાન" (આઈપીએસ અધિકારી કલ્યાણી સિંહ પર આધારિત હતી)એ તેમના મનમાં વર્દી પ્રત્યે સન્માન જગાવ્યો. તેઓ 2010માં આરપીએફમાં સામેલ થયા અને ત્યારથી તેઓ એ જ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર
સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર દેવાંશ શુક્લાએ જણાવ્યું કે, 'ચંદનાની કાર્યશૈલી હવે એક "મોડલ" બની ગઈ છે. બીજી તરફ "બચપન બચાવો આંદોલન" સાથે સંકળાયેલા દેશરાજ સિંહે કહ્યું કે, RPFનું મૂળ કામ રેલવે સંપત્તિનું રક્ષણ કરવાનું હતું, પરંતુ ચંદનાએ જે રીતે માનવ તસ્કરી સામેના આ મિશનને પોતાનું વ્યક્તિગત લક્ષ્ય બનાવ્યું, તે સન્માનીય છે.'


