Ahmedabad SG Highway Accident: અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઇવે પર આજે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી કાર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું
હાઇવે પર લાંબો ટ્રાફિકજામ
મળતી માહિતી અનુસાર, અમદાવાદથી ગાંધીનગર તરફ જતી કાર ડિવાઈડર કૂદીને ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર રોડની બંને સાઇડ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી તેને રસ્તા પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
ભાજપ નેતાના પુત્રનું મોત
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર 21 વર્ષીય યુવતી દેવાંશી યોગેશ પંડ્યા ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. આ ઉપરાંત અકસ્માતમાં અફસાનાબાનુ ખલીફા અને રસુલ આજમને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.


