Get The App

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
Congress MP Praniti Shinde


Congress MP Praniti Shinde: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર બોલતી વખતે કોંગ્રેસના આકરા પ્રહાર પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસના યુવા સાંસદ પ્રણીતિ શિંદેના નિવેદનના બહાને કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડને નિશાન બનાવ્યું. પીએમ મોદી 'ઓપરેશન સિંદૂર' પર પ્રણીતિના ભાષણ પર ગુસ્સે થઈ ગયા હતા, પરંતુ તેમણે યુવા સાંસદને માફ કરતાં કહ્યું કે, 'તેઓ (પ્રણીતિ) યુવા સાંસદ છે, તેમને ક્ષમા કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસના વડામાં હિંમત નથી, તેથી જ તેઓ પોતાના સાંસદો પાસે આવી વાતો કરાવે છે.' 

પ્રણીતિ શિંદેનું વિવાદાસ્પદ નિવેદન

લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા ચાલી રહી હતી. કોંગ્રેસ તરફથી વક્તાઓની યાદીમાં મહારાષ્ટ્રના સોલાપુરથી સાંસદ પ્રણીતિ શિંદે પણ હતા. તેમણે પાકિસ્તાન પર ભારતના 'ઓપરેશન સિંદૂર'માં પારદર્શિતાના અભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. 

ઓપરેશન સિંદૂર અંગે પ્રણીતિ શિંદે કહ્યું કે, ઓપરેશન સિંદૂર એક સફળ મિશન કરતાં મીડિયા શો હોય એવું લાગી રહ્યું હતું. આ દરમિયાન પ્રણીતિએ પૂછ્યું કે, આ કેસમાં કેટલા આતંકવાદીઓ પકડાયા?, આપણે કેટલા લડાકુ વિમાન ગુમાવ્યા?, કોણ જવાબદાર છે? અને કોની ભૂલ છે?, આ અંગે તેમણે સરકાર પાસે જવાબ માંગ્યા હતા. એવામાં જાણીએ કે કોણ છે પ્રણીતિ શિંદે.

પ્રણીતિ શિંદે કોણ છે?

પ્રણીતિ શિંદેનો જન્મ 9 ડિસેમ્બર, 1980ના રોજ થયો હતો. તેઓ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેના પુત્રી છે. પ્રણીતિ મહારાષ્ટ્ર કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે અને લોકોની મદદ માટે જાણીતા છે.

પ્રણીતિ સોલાપુર લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય હોવા ઉપરાંત, ત્રણ વખત સોલાપુર સિટી સેન્ટ્રલ મતવિસ્તારમાંથી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2021માં તેઓ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા હતા.

આ પણ વાંચો: 'લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..' UNSC રિપોર્ટમાં પાક.ના જુઠ્ઠાણાની પોલ ખુલી

તેમના શિક્ષણની વાત કરીએ તો, પ્રણીતિએ મુંબઈમાંથી જ માહિમની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમજ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થયા છે. પ્રણીતિએ કાયદામાં પણ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, તેઓ એક NGO પણ ચલાવી રહ્યા છે, જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડવામાં આવે છે. વર્તમાનમાં પ્રણીતિએ 2024માં પહેલી વાર લોકસભા ચૂંટણી લડ્યા અને સોલાપુરથી જીત મેળવી છે. 

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા 2 - image


Tags :