34 વર્ષની નોકરી દરમિયાન 57 વખત બદલી, દેશભરમાં જાણીતા IAS અધિકારીની આજે નિવૃત્તિ
Image Source: Twitter
Who is Ashok Khemka: સમગ્ર કારકિર્દીમાં 57 વખત બદલીનો સામનો કરનારા દિગ્ગજ IAS અધિકારી અશોક ખેમકા આવતીકાલે નિવૃત થશે. તેઓ પ્રામાણિકતા માટે હંમેશા સમાચારોમાં ચમકતા રહેતા. 1991ની બેચના અધિકારી અશોક ખેમકા ડિસેમ્બર 2024માં પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયા હતા અને હવે તેઓ આવતીકાલે એટલે કે બુધવારે આ જ પદ પરથી નિવૃત્ત થશે.
હરિયાણા કેડરના IAS અધિકારી ખેમકા પોતાના ટ્રાન્સફર માટે જાણીતા છે. ખેમકા 2012માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે કોંગ્રેસ નેતા અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલા ગુરુગ્રામ જમીન સોદાના મ્યૂટેશનને રદ કરી દીધુ હતું. મ્યૂટેશન એ જમીનની માલિકી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાનો એક હિસ્સો છે.
પ્રારંભિક જીવન
IAS ઓફિસર અશોક ખેમકાનો જન્મ 30 એપ્રિલ 1965ના રોજ કોલકાતામાં થયો હતો. પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી ખેમકાએ 1988માં IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ તેમણે ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એમબીએ કર્યું. આ ઉપરાંત વહીવટી સેવા દરમિયાન તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એલએલબી પણ પૂર્ણ કર્યું.
આ પણ વાંચો: AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું
નોકરી દરમિયાન ટ્રાન્સફરનો રેકોર્ડ
કારકિર્દીમાં 57 બદલી માટે પ્રસિદ્ધ થયેલા ખેમકાને ખટ્ટર સરકારે આ પદ સંભાળ્યાના માત્ર ચાર મહિના પછી જ પરિવહન વિભાગમાંથી તેમની બદલી કરી દીધી. લગભગ દસ વર્ષ પછી ડિસેમ્બરમાં તેમને પરિવહન વિભાગમાં પાછા લાવવામાં આવ્યા. 2023માં ખેમકાએ એક વખત તત્કાલીન મુખ્યમંત્રી ખટ્ટરને પત્ર લખીને રાજ્ય વિજિલન્સ વિભાગમાં પોસ્ટિંગની માગ કરી હતી અને ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવાની ઓફર કરી હતી.
તે સમયે ખેમકાએ પોતાની પોસ્ટિંગ અંગે કહ્યું હતું કે, 'હમણા મને આર્કાઈવ્સ વિભાગમાં તહેનાત કરવામાં છે પરંતુ ત્યાં પૂરતું કામ નથી. બીજી તરફ, કેટલાક અધિકારીઓ પર વધારાના ચાર્જનો બોજ હોય છે. એટલા માટે તેમણે હંમેશા સંઘર્ષ કરવો પડે છે. જે રીતે ઉચ્ચ અધિકારીઓને કામનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે જાહેર હિતમાં નથી. જો તક મળશે તો હું તમને ખાતરી આપું છું કે ભ્રષ્ટાચાર સામે અસલી લડાઈ લડવામાં આવશે અને કોઈ પણ મોટા અને શક્તિશાળી વ્યક્તિને બક્ષવામાં નહીં આવશે.'
બે વર્ષ પહેલાં અનેક પ્રમોશન બાદ ખેમકાએ એક ટ્વિટમાં નિરાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'ભારત સરકારમાં સચિવ તરીકે નિયુક્ત થયેલા મારા બેચના સાથીઓને અભિનંદન! આ ખુશીનો અવસર છે, પરંતુ આ સાથે જ ખુદને પાછળ છોડી દેવાની નિરાશા પણ એટલી જ છે. વધુ પડતી ઈમાનદારી નુકસાનકારક હોઈ શકે છે. મને કોઈ અફસોસ નથી. હું નવા સંકલ્પ સાથે મારું કામ ચાલુ રાખીશ.
તમને જણાવી દઈએ કે છેલ્લા 12 વર્ષ કરતા વધુ સમયથી ખેમકાને લો પ્રોફાઇલ વિભાગોમાં જ તહેનાત કરવામાં આવ્યા છે. પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન સરેરાશ દર 6 મહિને તેમને ટ્રાન્સફરનો સામનો કરવો પડ્યો છે. આર્કાઇવ્સ વિભાગમાં આ તેમને ચોથી વખત નિયુક્ત કરવામાં આવ્યા હતા. આમાંથી ત્રણ વખત તો ભાજપ સરકાર દરમિયાન થયુ હતું.