Get The App

AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું 1 - image


AAP Leader Manish Sisodia And Jain Get In Trouble: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ પીડબ્લ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે(ACB) રૂ. 2000 કરોડના ક્લાસરૂમ કૌભાંડ મામલે આ બંને નેતાઓ વિરુદ્ધ વધુ એક એફઆઇઆર નોંધી છે. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ થઈ રહી હોવાનું એસીબી ચીફ મધુર વર્માએ જણાવ્યું હતું. 

કથિત લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા સિસાદિયા અને જૈન વિરુદ્ધ શાળાઓના ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. એસીબીએ જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં 12748 ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. જ્યારે જૈન પીડબ્લ્યુડી(પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ)નો ચાર્જ સંભાળી રહ્યા હતા.

AAP સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર્સને આપ્યો કોન્ટ્રાક્ટ

ક્લાસરૂમના બાંધકામનો કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જે તમામ AAP સાથે જોડાયેલા હતા. ACBએ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ એડવાઇઝર અને આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી હતી. સસ્તી ગુણવત્તાના ક્લાસરૂમ બાંધી ખર્ચ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાને સમકક્ષ દર્શાવવામાં આવ્યો હતો. રજૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 24.86 લાખ પ્રતિ રૂમ દર્શાવાયો હતો. જ્યારે દિલ્હીમાં આ પ્રકારના ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 5 લાખ પ્રતિ રૂમ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની નિર્લજ્જતા, પહલગામ આતંકી હુમલામાંથી TRFનું નામ હટાવ્યું હોવાની કબૂલાત

ભાજપ સાંસદે કરી હતી ફરિયાદ

ભાજપ સાંસદ મનોજ તિવારીએ 2019માં દિલ્હીની 23,24, અને 28 ઝોનની સરકારી શાળાઓમાં ક્લાસરૂમના નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ક્લાસરૂમ દીઠ રૂ. 28 લાખનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે દિલ્હીમાં એક ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 5 લાખ છે.

લીકર અને મની લોન્ડરિંગ કેસમાં જેલમાં

મનીષ સિસોદિયાની ભ્રષ્ટાચારના કેસમાં CBIએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ અને EDએ 9 માર્ચ 2023ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લગભગ 17 મહિના સુધી જેલમાં રહ્યા બાદ કોર્ટે જામીન આપ્યા હતાં. સિસોદિયાએ તમામ આરોપોને ફગાવી કેસ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું 2 - image

Tags :