જ્યારે સ્વામી વિવેકાનંદે ઈડન ગાર્ડન પર ઘાતક બોલિંગ કરીને અંગ્રેજોની ટીમની સાત વિકેટ ઝડપી હતી...

નવી દિલ્હી, તા. 12. જાન્યુઆરી. 2022 બુધવાર
સ્વામી વિવેકાનંદની આજે જન્મ જયંતિ છે અને આખા દેશમાં યુવા દિવસ તરીકે તેની ઉજવણી થઈ રહી છે.
અમેરિકાની ધર્મસંસદમાં છટાદાર ભાષણ કરીને લોકોને આંજી દેનારા સ્વામી વિવેકાનંદ બહુ સારા રમતવીર પણ હતા.એટલુ જ નહીં તે સારુ ક્રિકેટ પણ રમતા હતા.આજે તેમની જન્મ્ જયંતિએ એક અંગ્રેજી અખબારે રસપ્રદ અહેવાલ પ્રકાશિત કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, 135 વર્ષ પહેલા તેમણે ક્રિકેટની એક મેચમાં ઘાતક બોલિંગ કરીને અંગ્રેજોની ટીમની સાત વિકેટો ઝડપી હતી.
અંગ્રેજોએ 1792માં કોલકાતા ક્રિકેટ ક્લબ બનાવી હતી.એ પછી 1884માં બીજી ક્રિકેટ ક્લબ બંગાળના રહેવાસીઓએ બનાવીને તેને ટાઉન ક્લબ નામ આપ્યુ હતુ.ગણિતના પ્રોફેસર રંજન રે તેમાં સામેલ હતા.સમાજના વિવિધ વર્ગોની આ ક્લબમાં ભાગીદારી હતી.
તે સમયના સ્વાતંત્ર્ય સેનાની હેમચંદ્ર ઘોષે નરેન્દ્ર નાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદને ક્રિકેટ રમવા અંગે પૂછ્યુ ત્યારે તેઓ રાજી થઈ ગયા હતા અને તે એક સારા બોલર બન્યા હતા.
ટાઉન ક્લબ અને કોલકાતા કલબ વચ્ચે ઈડન ગાર્ડન પર મેચ રમી હતી અને તે સમયે સ્વામી વિવેકાનંદ ટાઉન ક્લબ તરફથી અંગ્રજોની સામે રમવા માટે ઉતર્યા હતા.સ્વામી વિવેકાનંદે મેદાન પર તરખાટ મચાવીને એક પછી એક સાત અંગ્રજોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
તે સમયે અંગ્રેજોની ક્લબનો સ્કોર સાત વિકેટ પર 20 રન હતો.આ મેચના રિઝલ્ટનો ચોક્કસ સ્કોર તો નથી મળતો પણ એવુ કહેવાય છે કે, આ મેચમાં ટાઉન ક્લબે શાનદાર પ્રદર્શન કર્યુહતુ.
જોકે દેશના સદભાગ્યે સ્વામી વિવેકાનંદ ક્રિકેટની જગ્યાએ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધ્યા હતા અને આજે આ મહાન વિચારકના કારણે દેશના કરોડો યુવાનોને પ્રેરણા મળી રહી છે.

